હે શબ્દ!

હરીશ દાસાણી
30-08-2020

હે શબ્દ!
પીછો છોડ મારો.
એકને જ પ્રવેશ છે.
અહીં અન્યને પ્રતિબંધ છે.
તું હો ભલેને રાજવી,
પણ બંધ છે. તું અંધ છે  !
તું આત્મપ્રતિરોધે રહે.
તું અનાત્મ ને પરતંત્ર છે.
અહીં આવવું સહેલું નથી.
ભૂલવું પડે અસ્તિત્વને.
એ કેમ સમજાવું તને?
સ્મૃતિઓને ભસ્મ કરી દઈ
સંદર્ભને સળગાવીને
અહીં ચાલવાનું એકલા.
પડછાયો પણ નડતો જ જ્યાં
ત્યાં અન્યનો સત્કાર ક્યાં?
હે શબ્દ!
પીછો છોડ મારો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 16

Category :- Poetry