ગજકેસરી યોગ

પંચમ શુક્લ
28-08-2020

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

વૃષભ-જોડલી થનગન થાતી શક્ટ શબ્દનું તાણે,
આળસ મરડી બેઠાં થાતાં અર્થપર્ણ પણ વ્હાણે;
સ્નિગ્ધ વાયુની મુદિત વ્યંજના તેજ કરે પાવકને.

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

સ્થળ-કાળ મહીંથી ખેંચીને અવકાશ મહીં ફંગોળે,
વખ ઘોળેલા કર્ણકૂપમાં અમીયલ ઢોળાં ઢોળે;
વાચકાછના નર્મમર્મથી દ્રવિત કરે પાતકને.

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

Category :- Poetry