પાંચ ગઝલ

ઉમેશ સોલંકી
27-08-2020

બસ એકવાર જિંદગી સવળી લઉં જરા
આવ્યું કરાલ દુ:ખ તો કકળી લઉં જરા

અંધારને કહો, ઘડી રોકાય દ્વાર પર,
હું ડંખતા ઉજાસને મસળી લઉં જરા

વરસાદ ધોધમાર, ને છત્રી નથી કને
કોઈ ઘરે નહીં વઢે પલળી લઉં જરા

બચપણ વિશે સવાલ કરવો છે? ઊભા રહો!
માટીની એક કાંકરી ચગળી લઉં જરા

રસ્તો ય સૂમસામ, ને મંજિલ નથી કને
ટોળાપણું ખિસે ભરી રઝળી લઉં જરા

પૂર્ણમાંથી પૂર્ણને, લે, બાદ શા માટે કરું?
ભાંજગડમાં આયખું બરબાદ શા માટે કરું?

ઊંઘ આવે રોજ થાકેલા ફકીર જેવી મને,
બોલ, પંડિત, હું હવે વિખવાદ શા માટે કરું?

નગ્ન બાળક દેખ, ઓ ધર્મી, પછી બોલીશ તું,
વસ્ત્ર કાજે વ્યર્થમાં જેહાદ શા માટે કરું?

તોડશે જોજો જુલમગારો ય મારી જંજીરો
હું જ કેવળ જાતને આઝાદ  શા માટે કરું?

હું જ છું, હા, મારી ભીતર, છેક ઊંડે હું જ છું,
તો મને હું, ભીતરેથી બાદ શા માટે કરું?

મૃગ વિશે ને રણ વિશે રણના વળી વ્યાપન વિશે
સૂર્ય નામે ઝાંઝવે ઉન્માદ શા માટે કરું?

લાગણી આજે હવા લાગે, કે પછી હું પી ગયો છું
આદમી કેવળ પ્રથા લાગે કે પછી હું પી ગયો છું

સાવ મેલી બાળકીને સ્પર્શ્યા પછીથી એક ઘટના
કાચમાં ઊભી વ્યથા લાગે, કે પછી હું પી ગયો છું

લાલ લીલો શ્વેત કાળો તો રંગબેરંગી કદી છે
એક માણસ, પણ ઘણા લાગે, કે પછી હું પી ગયો છું

હાથમાં ભાઠા પગે છાલા હાંફ હૈયામાં ઊત-રચડ
બૂંદમાં થોડી જગા લાગે, કે પછી હું પી ગયો છું

તું નથી તું, વૉર્ડ નંબર સિક્સમાં
બાકી બધ્ધું, વૉર્ડ નંબર સિક્સમાં

પથ્થરો વચ્ચે રહું પથ્થર બની
તો ય ધબકું, વૉર્ડ નંબર સિક્સમાં

સ્વર્ગ ભ્રામક કલ્પના, સ્વીકાર, પણ
નર્ક વસતું, વૉર્ડ નંબર સિક્સમાં

સાવ સીધી સોડ તાણી આમ મેં
તો ય કણસું, વૉર્ડ નંબર સિક્સમાં

કોણ વ્હારે આવશે તારી હવે
વિશ્વ સઘળું, વૉર્ડ નંબર સિક્સમાં

બની ટોળું બધી બાજુ સતત આજે ધસે માણસ
વગર કામે, વગર ઠામે, અહીં ઠાલો મરે માણસ

ઉપાડે જાગવાનો બોજ બસ આખો દિવસ એ તો
વળી રાતે ફરીથી ભાર છાતીનો સહે માણસ

પડે છે રાત ને સાપોલિયું થઈ શહેરને સૂંઘે
સવારે તો ય લ્યો, માણસ સમો પાછો બને માણસ

ન મળશે મૂળ ચ્હેરો સો પ્રયાસો શોધવાના કર
હવે તો સાવ ધડ પર આયનો મૂકી ફરે માણસ

e.mail : [email protected]

Category :- Poetry