ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો

રમેશ ઓઝા
02-08-2020

ખટપટ, અતિશયોક્તિ, અરાજકતા અને પાખંડી પણ પૂજાય એવી ધાર્મિકતા કાઠિયાવાડના સ્વભાવ-લક્ષણો હતાં જેનો ગાંધીજીને બાળપણથી અનુભવ થવા લાગ્યો હતો. ખાસ કરીને રજવાડાઓનું કારભારું કરનારા દીવાન પરિવારમાં ગાંધીજીનો જન્મ થયો હતો એટલે તેમને આનો નજીકથી પરિચય હતો. ગાંધીજીની આત્મકથામાં અને અન્યત્ર આના ઉલ્લેખ મળે છે. ખાસ કરીને અતિશયોક્તિ, ખટપટ અને ગાંડી ધાર્મિકતાનાં કાઠિયાવાડી લક્ષણો માટે ગાંધીજીને તીવ્ર અણગમો હતો. કેટલીકવાર તો ગાંધીજીને ફરિયાદ પણ કરવામાં આવતી હતી કે તેઓ કાઠિયાવાડની બાબતમાં અનુદાર છે અને અન્યાય કરી રહ્યા છે. ગાંધીજીના અક્ષરદેહમાં આના સેંકડો ઉલ્લેખો મળે છે.

અહીં બે પ્રમાણ આપી શકાય. ભારત આવ્યા પછી ગાંધીજીએ જેટલું ભારતભ્રમણ કર્યું હતું એટલું ભારતના કોઈ બીજા નેતાએ નહોતું કર્યું. ગાંધીજીએ પોતે અનેક વખત આમ કહ્યું છે. પણ એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો. બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ગાંધીજીએ તેમના જીવનમાં જેટલી લડતો લડી એમાં તેમને સરિયામ નિષ્ફળતા મળી હોય એવી એક જ ઘટના છે અને એ ઘટના કાઠિયાવાડની છે. રાજકોટમાં ૧૯૩૮-૧૯૩૯માં દીવાન વીરાવાળા સામેનો ગાંધીજીનો સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો હતો.

કોઈ માણસ ખટપટ કરીને સ્વજન સાથે દ્રોહ, અતિશયોક્તિ કરીને સત્ય સાથે દ્રોહ અને ધાર્મિકતામાં આંધળો બનીને ઈશ્વર સાથે દ્રોહ કેવી રીતે કરી શકે, એટલું જ નહીં, આખું આયખું કેવી રીતે વિતાવી શકે એ તેમને માટે કવરાવનારો સવાલ હતો. સત્ય, સ્વજન (કે પછી કોઈ પણ માણસ) અને ઈશ્વર સાથે દ્રોહ કરવામાં આવતો હોય અને તેને વ્યવહારબુદ્ધિ કે હોંશિયારી તરીકે ઉચિત ઠેરવવામાં આવે એ ગાંધીજીને ગળે ઉતરતું નહોતું. ગાંધીજીના જીવનમાં અતિશયોક્તિરહિત નક્કર સત્ય, સત્ય આધારિત પારદર્શક સામાજિક સંબંધો (જેમાંથી સત્યનિષ્ઠ રાજકારણ તેઓ વિકસાવે છે) અને કર્મકાંડમુક્ત અધ્યાત્મ આવી મળે છે એનું કારણ તેમનો કાઠિયાવાડમાં થયેલો જન્મ અને ઉછેર છે એમ હું માનું છું.

અને હજુ એક ચોથું લક્ષણ અ-રાજકતા. અ-રાજકતાનો અર્થ સારા અને નરસા એમ બન્ને અંતિમે કરવામાં આવે છે. જ્યાં કાયદો અને વ્યવસ્થા ન હોય, જ્યાં લાઠી એની ભેંસનો ન્યાય પ્રવર્તતો હોય, જ્યાં ટકે શેર ભાજી ટકે શેર ખાજાનો ન્યાય ચાલતો હોય એને અરાજકતા કહેવામાં આવે છે. જગતમાં અરાજકતાનો પ્રચલિત અર્થ આ છે. અ-રાજકતાનો એક ઉદાત્ત અર્થ પણ છે. જ્યાં પ્રજા રાજ્ય પર ઓછામાં ઓછી નિર્ભર હોય, રાજ્યનિરપેક્ષ હોય, રાજ્યનું પ્રજા ઉપર ઓછામાં ઓછું, લગભગ નહીંવત શાસન હોય એને પણ અ-રાજકતા કહેવામાં આવે છે. આનો અર્થ થયો પ્રજાકીય આત્મનિર્ભરતા, પ્રજાકીય સ્વાવલંબન, પ્રજાકીય સહયોગ અથવા ભાગીદારી અને પ્રજાકીય સ્વ-રાજ. આગળ જતા વ્યક્તિ ઉપરનું વ્યક્તિનું રાજ. સ્વાનુશાસન જેનો ગાંધીજીએ સ્વરાજ્ય તરીકે મહિમા કર્યો છે.

ગાંધીજીને તેમનાં બાળપણમાં આ બંને પ્રકારની અરાજકતાનો અનુભવ થયો હતો. કાયદો અને વ્યવસ્થા વિનાની અરાજકતાનો પણ ખરો અને બીજા પ્રકારની આત્મનિર્ભરતાવાળી અરાજકતાનો પણ ખરો. બીજા પ્રકારની અરાજકતા પહેલા પ્રકારની અરાજકતાનું પરિણામ હતી. લોકોએ પોતાના ભરોસે જીવવાનું હતું અને પોતાના ભરોસે બચવાનું હતું. સામાજિક પ્રશ્નો પણ પોતાના દ્વારા, પોતાના ભરોસે અને પોતાના સ્તરે ઉકેલવાના હતા. વિઘોટી ઉઘરાવવા સિવાય રાજ્ય ગામડાનાં લોકો સુધી પહોંચતું નહોતું એટલે ગામડાં તેની દરેક પ્રકારની વિકૃતિ પછી પણ સ્વાયત્ત હતાં.

જે વિકૃતિ હતી એ મધ્યકાલીન સામાજિક રીતીરિવાજની હતી. જ્ઞાતિનાં બંધનો સખત હતાં. બિહારને પણ પાછળ રાખી દે એવાં. ધાર્મિક અભિગમ પણ અંધશ્રદ્ધાયુક્ત સનાતની હતો. ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણના કાર્યમાં સૌથી વધુ જો વિરોધનો સામનો કરવો પડ્યો હોય તો એ સૌરાષ્ટ્રમાં. આમાંથી ગાંધીજીને એક વાત સમજાઈ હોવી જોઈએ કે પ્રજા રાજ્ય વિના અથવા ઓછામાં ઓછા રાજ્ય સાથે જીવી શકે છે. રાજ્યની વર્તાય અને વજન અનુભવાય એવી હાજરીની કોઈ જરૂર જ નથી. ઊલટું એ અવરોધરૂપ બની શકે એમ છે. ગામડાંઓમાં પ્રવર્તતા જૂનવાણી રીતિરિવાજ, સામાજિક અન્યાય, અંધશ્રદ્ધા જેવી બદીઓને જો દૂર કરવામાં આવે તો બીજી દરેક રીતે સ્વાયત્ત ગામડું એક આદર્શ ગામડું બની શકે. ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના પણ આમાંથી વિકસી હોવી જોઈએ.

કાઠિયાવાડમાં જો કોઈ રાજ્યની હડફેટે આવી જતું તો તેને ન્યાય મળે એવી શક્યતા બહુ ઓછી રહેતી એટલે કાઠિયાવાડમાં ત્રાગાંની પરંપરા વિકસી હતી. ત્રાગું એ શાસકોને ઝૂકાવવા માટેનું એક સાધન હતું. જો મને ન્યાય નહીં મળે તો હું દરબાર ગઢની બહાર મારો જાન આપી દઈશ એવી કોઈ ધમકી આપે એને ત્રાગું કહેવાતું. અને ખરેખર જાન આપી દેવાની ઘટના બનતી પણ ખરી. જાન આપી દેવાનો એક ઉપાય આમરણાંત ઉપવાસ રહેતો. મોટા ભાગે તો શાસકો માની જતા. ગાંધીજીના સત્યાગ્રહનાં અને ઉપવાસનાં બીજ આમાં હોય એવી શક્યતા છે. જો કે ગાંધીજીએ આમ કહ્યું નથી એ જુદી વાત છે.

ગાંધીજીના અભ્યાસકોએ ગાંધીજીનાં ઘડતરમાં કાઠિયાવાડની ખાસ પ્રકારની સ્થિતિએ જે ભાગ ભજવ્યો છે તેની બહુ ઓછી વાત કરી છે, પણ એ સંબંધ જોડવા જેવો છે. જૂઠ કે અતિશયોક્તિ વિનાની સત્યનિષ્ઠા, દરેક પ્રકારના વ્યવહારમાં પારદર્શકતા તે ત્યાં સુધી કે રાજકારણમાં પણ સાધનશુદ્ધિની સ્વચ્છતા, આડંબર વિનાની ઈશ્વરાભિમુખ ધાર્મિકતા, આત્મનિર્ભરતા, ગ્રામીણ સ્વાવલંબન અને પોતાના ભરોસે અન્યાસ સામે લડવાની ક્ષમતા અર્થાત્ આત્મબળ અને આત્મભોગ વગેરે ગાંધીજીનાં જીવનમાં જે જોવાં મળે છે એ તમામ ૧૯મી સદીના કાઠિયાવાડની વાસ્તવિકતા હતાં અને એ સાથે ૧૯મી સદીના કાઠિયાવાડમાં ટકી રહેવા માટે પ્રજાની જરૂરિયાત હતાં.

e.mail : [email protected]

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 ઑગસ્ટ 2020

Category :- Opinion / Opinion