આસામની તારાજી માટે કોણ જવાબદાર? : પાળા પોલિટિક્સમાં દાયકાઓથી ડૂબી રહેલું રાજ્ય

ચિરંતના ભટ્ટ
02-08-2020

પૂરના વિષચક્રમાંથી આસામના જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે.

આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં આસામના પૂરથી પ્રભાવિત થયેલા 26 લાખ લોકો હજી પણ તેનાથી પ્રભાવિત જ હશે. આપણે કોરોનાના આંકડા, અયોધ્યામાં બનતું રામમંદિર, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ, હૉસ્પિટલ્સના તંત્ર, સેલફોન્સ, લૉકડાઉનનો ત્રાસ અને સોનુ સૂદ હવે નવું શું કરતો હશે એમાં જીવતા હોઇશું. ઉત્તર પૂર્વીય રાજ્યમાં પાણીથી તરબોળ થયેલી જિંદગીઓ પલળી ગયેલો કાગળ જેમ ફાટવા માંડે એવી જ સ્થિતિમાં હશે. આસામમાં કંઇ પહેલીવાર પૂર નથી આવ્યાં; આ તો કાયમનું છે અને કાયમની જેમ આ વર્ષે પણ આસામનાં પૂર હાંસિયામાં ધકેલાઇ ગયાં છે. અહીં રાજકીય સ્વાર્થની ગેરહાજરી અને નિરસતાની હાજરીની વાત કરવી તો જરૂરી છે જ પણ આસામનાં ભૂગોળને સમજવું પણ અનિવાર્ય છે.

આસામની વચ્ચોવચ વહેતી બ્રહ્મપુત્રા નદી એટલી વિશાળ છે કે તે સ્પેસમાંથી પણ દેખાય છે. અનેક પ્રવાહો ધરાવતી બ્રહ્મપુત્રા આસામ માટે શ્રાપ પણ છે અને આશિર્વાદ પણ છે. છેલ્લા છ દાયકામાં આસામમાં આવેલી વિવિધ સરકારોએ બ્રહ્મપુત્રા નદી ફરતે ઘણાં પાળા (Embankments) કર્યા. જેમ જેમ પાળા થતા જાય તેમ તેમ નદીનું સ્તર ઉપર આવે અને તેનું વહેણ ઝડપી બને અને પાળા હોય ત્યાંથી તો પાણી વહી જાય પણ જ્યાં તે પૂરા થતા હોય ત્યાં બમણા જોર અને પ્રમાણમાં પાણી ફરી વળે. હવે આમ જ થતું હોય તો પાળા શા માટે બંધાતા ગયા? આ પાળા બાંધવા પાછળ પણ રાજકારણની કોદાળી પાવડો જ કામ કરે છે. સમયાંતરે આ પાળાઓ ભેખડો ધસવાથી અને ભૂલ ભરેલી ગટર સિસ્ટમને કારણે નબળા પડતા ગયા છે. નદી કાંઠે લોકોનો વસ્તાર વધ્યો છે, પૂર્વીય હિમાલયનાં ગ્લેશિયર ક્લાઇમેટ ચેન્જને કારણે ઝડપથી પીગળે છે, જંગલો અને ડુંગરાઓનો સફાયો થાય છે અને પછી બાકીના પર પૂર પાણી ફેરવી દે છે જેના કારણે દર વર્ષે અંદાજે 8,000 ચોરસ કિલોમિટર જમીન ધોવાઇ જાય છે. આસામ તેના કાઝીરંગા નેશનલ પાર્ક માટે જાણીતું છે અને પહેલાં પ્રાણીઓ ઊંચાણવાળાં સ્થળે ખસી જતા તથા પૂરથી બચતા પણ હવે તો એ વિકલ્પ પણ નથી રહ્યો. નેશનલ પાર્કને માટે પૂર જરૂરી છે, એ હવે વાક્ય હવેનાં સંજોગોમાં લાગુ નથી પડતું કારણ કે ઊંચાણવાળાં સ્થળોએ પણ પાણી પહોંચી જાય છે અને પ્રાણીઓ પોતાની જાતને બચાવી નથી શકતાં. વિશ્વનાં બે તૃતિયાંશ ગેંડા કાઝીરંગામાં વસે છે પણ પૂરની તારાજીથી હવે આ ગર્વ આપણે કેટલો વખત લઇ શકીશું એ કહેવું મુશ્કેલ છે.

આ તો ભૌગોલિક સંજોગોની વાત થઇ જે આમ તો માનવ સર્જીત જ છે. પણ વિવેક બુદ્ધિ વાપરી આસામનાં આ ‘કાયમી’ પૂર અંગે વધુ જાગૃત થઇને નુકસાન ઓછું થાય તે દિશામાં તો કામ થઇ જ શકે છે. લાંબા વર્ષોની અવગણના આજની કથળેલી સ્થિતિ માટે જવાબદાર છે. બ્રહ્મપુત્રા નદી પર પાળા તો અંગ્રેજોના સમયથી બનાવાઇ રહ્યા છે કારણ કે આસામ અને બિહાર બંન્ને રાજ્યો રોકડિયા પાક માટે અંગ્રેજોનો સ્વાર્થ સાધવા જરૂરી હતા. સ્વતંત્રતા પછી તકલીફ એ થઇ કે અંગ્રેજોએ જે રસ્તો કાઢ્યો હતો એ સિવાય કોઇ બીજો વિકલ્પ હોઇ શકે કે હોવો જોઇએ એવું વિચારવાનું અત્યાર સુધીની એકેય સરકારને નથી સૂજ્યું. 30 હજાર કરોડને ખર્ચે અત્યાર સુધી માત્ર પાળા જ બંધાયા છે અને જે રીતે પૂરનો પ્રકોપ પ્રબળ બનતો જાય છે એ જોતાં એટલું તો સ્પષ્ટ છે જે કે પાળાઓથી કંઇ જ વળતું નથી. કમનસીબે સરકાર, વહીવટી તંત્ર બધું જ વાંક દેખાનું કામ કરે છે અને પ્રશ્નનો ઉકેલ લાવવામાં કોઇને રસ નથી. ઑલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયને વિરોધ નોંધાવી આ આપત્તિને રાષ્ટ્રીય આફત જાહેર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વધુ ફંડની માગ કરી છે પણ સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતાં ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ફંડ રિલીઝ કરવાનું વધુ માફક આવે છે. આ બધામાં એવું ય થઇ રહ્યું છે કે સત્તાવાળા યોજનાઓ બનાવે રાખે છે અને બીજી તરફ નાગરિકો પાળાનું સમારકામ જાતે કરવા માંડે છે. આસામમાં જે પણ બંધ છે તે માત્ર હાઇડ્રોપાવરના ફાયદા માટે છે અને તેમાં પાણીના સંગ્રહની જરૂરિયાત પર ધ્યાન નથી અપાતું કે ન તો પૂર નિયંત્રણની કામગીરી માટે તેનો ઉપયોગ થાય છે – જે આમ તો કોઇ પણ બંધ બાંધવા માટેનાં મૂળ કારણ હોવા જોઇએ. પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં પૂર અંગે વધુ જાગૃતિ અને આપત્તિ આવે તે પહેલાં, ત્યારે અને ત્યાર બાદની અસરોમાં ઝડપી કામગીરી કરવા માટે સ્થાનિક સત્તાધીશોની કાર્ય કુશળતા લેખે લાગે તે બહુ જરૂરી છે. આસામે, મેઘાલય જેવા પાડોશી રાજ્યો સાથે મળીને આ આફત સામે કામ કરવું પડશે કારણ કે ત્યાં પણ બ્રહ્મપુત્રા નદીનો તટ પ્રદેશ વિસ્તરેલો છે. પૂરના વિષચક્રમાંથી આસામનાં જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે. દસકાઓથી માથે પડતી પૂરની પસ્તાળમાંથી આસામને મુક્ત કરાવવા માટે વિકાસશીલ સત્તાધીશો કેટલી રાહ જોશે? ભારત માત્ર પૈસા રળી આપતા મુખ્ય નગરોમાં નથી વસતું તે ગાદી પર બિરાજમાન નેતાઓને સમજાશે ખરું?

બાય ધી વેઃ

જળબંબાકાર આસામમાં લોકોને પીવા માટે પાણીનું ટીપું ય નથી હોતું. અહીં ચાંદીની ઇંટની નાટ્યાત્મક જાહેરાતોથી વાઇરસમાં મંદિર બનાવવાનો ઉત્સાહ ઉભરાઇ રહ્યો છે પણ દાયકાઓથી નિયમિતપણે પૂરમાં તારાજ થયેલી જિંદગીઓનું કઇ કરવું જોઇએ એ કોઇને ય નથી સૂજતું. આસામનાં લોકો આ અવગણનાથી ટેવાઇ ગયા છે, નસીબજોગે ત્યાં નવી પેઢી માગ કરતી તો થઇ છે પણ બહેરા સત્તાદીશો આ દિશામાં નજર કરે તો જ કંઇક બદલાઇ શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020 

Photos courtesy : BBC

Category :- Opinion / Opinion