દેશને વિનોબા જેવા જાગતલની જરૂર છે

રમેશ ઓઝા
02-08-2020

સર્વોદય આંદોલનના પ્રણેતા વિનોબા ભાવેની એક વાતે ટીકા કરવામાં આવે છે અને તે એક અર્થમાં ઉચિત પણ છે. વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન અને ગ્રામદાન આંદોલન શરૂ કર્યું હતું. જેમની પાસે પરિવારના પોષણ માટે જરૂરી હોય એના કરતાં વધારે ભૂમિ હોય એ તેમની વધારાની જમીન ગામના જમીનવિહોણા ખેતમજૂરોને આપે. ગ્રામદાન દ્વારા ગામના લોકો જમીન પરનો માલિકી હક છોડે. તેમને સમૂહ ખેતી કરવી હોય તો સમૂહમાં કરે અને જો વ્યક્તિગત ખેતી કરવી હોય તો વ્યક્તિગત કરે, પણ જમીનની માલિકી એ વ્યક્તિની નહીં હોય. માલિકી ગામની હશે. આનાથી ફાયદો એ થશે કે જમીન ગામની બહારની કોઈ વ્યક્તિને વેચી ન શકાય. ગામની જમીનની માલિકી ગામની રહેશે. આગળ જતાં ગામનાં સંસાધનોની માલિકી ગામની રહેશે. શહેરી પૈસો ગામની ભૂમિ ઉપર કબજો નહીં જમાવે.

એ આ ધરતી ઉપર માનવજાત દ્વારા કરવામાં આવેલો એક અદ્ભુત પ્રયોગ હતો એની ના નહીં. વિનોબાને પણ એમ લાગતું હતું કે આ પ્રયોગ માલિકીભાવથી મુક્તિ આપે છે, સ્વાર્થભાવથી મુક્તિ આપે, છે, સંગ્રહ કરવાની મનોવૃત્તિથી મુક્તિ આપે છે, શહેરીકરણને રોકી શકે એમ છે, શહેરી પૈસાની વિકૃતિઓથી મુક્તિ આપે છે અને ગામડાંઓને તેનું સ્વરાજ આપી શકવાની ક્ષમતા રાખે છે. તેમની એ વાત પણ સાચી હતી. સમસ્યા પેદા થઈ વિનોબાજીના હજુ એક બીજા દૃષ્ટિકોણના કારણે અથવા વલણના કારણે. તેઓ એમ માનતા હતા કે સમાજમાં અને રાષ્ટ્રમાં જે ન બનવી જોઈએ એવી ઘટનાઓ બને છે, તેના તરફ ધ્યાન આપવાની બહુ જરૂર નથી. ભૂદાન અને ગ્રામદાન આદર્શ સમાજની રચના કરવાની સંભાવના રાખે છે અને પૂરી તાકાત લગાડીને સર્વોદય જમાતે એ કામ કરવું જોઈએ. આપણે બીમારીનાં કારણો દૂર કરવાના કામમાં લાગવાનું છે, બીમારીનાં લક્ષણોને નહીં. બીમારીનાં કારણો જશે તો બીમારી અને તેનાં લક્ષણો બન્ને જશે.

પહેલી નજરે આ દલીલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી હતી અને લોકોને ઉતરી પણ ગઈ હતી, પરંતુ સમસ્યા એ હતી કે ભવિષ્યમાં આકાર પામનારા આદર્શ મહેલના બાંધકામમાં એકેએક કાર્યકર્તા લાગી જાય અને જે મકાનમાં (સમાજમાં) અત્યારે રહેતા હોઈએ ત્યાંની ગંદકીને સાફ કરનાર કોઈ ન હોય તો શું થાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કચરો તો રોજેરોજ સાફ કરવો જોઈએ. મારું બાળપણ મારાં ગામમાં ગારમાટીના મકાનમાં વીત્યું છે અને મને યાદ છે કે મારાં બા દિવસમાં બે વાર ઝાડુ મારતાં.

કોમવાદીઓ, જ્ઞાતિવાદીઓ, પ્રદેશવાદીઓ, ભાષાવાદીઓ, વંશવાદીઓ અને બીજા અનેક પ્રકારના અસ્મિતાવાદીઓ પોતપોતાના ઠરાવેલા દુશ્મનોને રંજાડતા હતા. આ દરેક પ્રકારના વાદીઓને દુશ્મન હોય જ છે અને જો દુશ્મન ન હોય તો એ ટકી ન શકે. આ લોકો પોતાની વગ જમાવવા નઠારાપણાનો આશરો લેતા હતા. ભારતને આઝાદી મળી એ પછી સંસદીય રાજકારણ અસ્તિત્વમાં આવ્યું, લોકોને વોટ બેંકમાં ફેરવવાની જરૂરિયાત અનુભવાઈ, શિક્ષણનો વિસ્તાર થવા લાગ્યો અને લોકોને પોતાની ઓળખનું ભાન થવા લાગ્યું, લોકોને જે તે ઓળખના નામે સંગઠિત કરવાનું શરૂ થયું અને અન્ય લોકો ઉપર વગ જમાવવા સંગઠિત લોકોનું સંગઠિત નઠારાપણું અસ્તિત્વમાં આવ્યું. આ સિવાય પરંપરાગત માનસને પરિણામે બનતી શરમજનક ઘટનાઓ તો ખરી જ. માત્ર નઠારી પ્રવૃત્તિ કરીને સત્તા મેળવવા કેટલાક રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા અને બીજા કેટલાક પક્ષોએ માફકસરનું નઠારાપણું રાજકારણના અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધું.

વિનોબાજીએ આવી જમીન ઉપરની નઠારી વાસ્તવિકતા તરફ જોઈએ એટલું ધ્યાન ન આપ્યું એવી તેમની આલોચના કરવામાં આવે છે. આમ છતાં આ દેશમાં અંતરાત્મા રખેવાળો જો કોઈએ સૌથી વધુ આપ્યા હોય તો એ ગાંધીવિચાર પરિવારે. ભારતમાં કોઈ પ્રદેશ એવો નથી અને એવો કોઈ દાયકો નથી કે નઠારાઓને ગાંધીજનોએ પડકાર્યા ન હોય. અનેક ગાંધીજનો વિનોબાજીને કહેતા હતા કે, બાબા દુર્જનોની દુર્જનતા સહન નથી થતી. આત્મા વલોવાય છે. તેમણે વિનોબાજીના દૃષ્ટિકોણથી અલગ પડીને દુર્જનોને પડકાર્યા હતા. આને કહેવાય મર્દાનગી. આને કહેવાય પ્રામાણિકતા. આને કહેવાય પારકી છઠ્ઠીના જાગતલ. ટોળે વળીને કોઈને મારવા એ કાયરતા છે અને અને મૂંગા રહેવું એ નીચતા છે.

હવે કલ્પના કરો કે વિનોબાજીએ તેમના નેતૃત્વમાં નઠારાપણા સામે અવાજ ઉઠાવીને હસ્તક્ષેપ કર્યો હોત તો? તો કદાચ દેશનો ઇતિહાસ જુદો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020

Category :- Opinion / Opinion