ચલ મન મુંબઈ નગરી—55

દીપક મહેતા
01-08-2020

આજથી બરાબર સો વરસ પહેલાંની એ રાતની વાત

લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રામાં ગાંધીજી ઉઘાડે પગે ચાલ્યા હતા

‘સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય’

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

૧૯૨૦ના જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ વિદાય લેવાની તૈયારીમાં છે. સરદાર ગૃહ નામના મકાનના ગેસ્ટ હાઉસના એક રૂમની બહાર કેટલાક લોકો ઊભા છે. કોઈ કશું બોલતું નથી. દરેકની નજર નીચે ઢળેલી છે. મન ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યું છે. રાતના બાર વાગવાને હજી થોડી વાર છે. ત્યાં જ એ ઓરડાનાં બારણાં ખૂલે છે. ડો. આર.એચ. ભાંડારકર, ડો. જી.વી. દેશમુખ, ડો. ડી.ડી. સાઠે, અને ડો. સી.આર. આઠવલે ધીમે પગલે બહાર આવે છે. ત્યાં હાજર હતા એ સૌની નજર હવે તેમના તરફ મંડાયેલી છે. પણ ડોક્ટરોની નજર નીચી ઢળેલી છે. ધીમેથી, જાણે પોતાને જ કહેતા હોય તેમ એક ડોક્ટર બોલે છે : ‘અમારાથી બને તે બધું કરી છૂટ્યા છીએ. હવે એમને અમે બચાવી શકીએ તેમ નથી.’

લોકમાન્ય ટિળકનો પાર્થિવ દેહ

અને લોકમાન્ય બાળગંગાધર ટિળકને ખાટલામાંથી ઊંચકીને ભોંય પર સુવડાવવામાં આવે છે. પગે લોઢાની સાંકળ બાંધી હોય તેવી રીતે મિનિટો પસાર થાય છે, લગભગ એક કલાક સુધી. પહેલી ઓગસ્ટ, ૧૯૨૦ની વહેલી સવારે ૧૨:૫૦ વાગ્યે લોકમાન્ય છેવટની વિદાય લે છે. સરદાર ગૃહની લગભગ સામે જ મુંબઈના પોલિસ કમિશ્નરની ઓફિસ આવેલી છે. છેલ્લા થોડા દિવસથી તેમણે સરદાર ગૃહની આસપાસ ચોકી પહેરો તો વધારી દીધો છે અને પોતાના ખબરીઓને મુફતીમાં ગોઠવી દીધા છે. ટિળકના અવસાનના ખબર મળતાં જ પોલિસ કમિશ્નર પહેલું કામ કરે છે આ ખબર ગવર્નર સર જ્યોર્જ લોઈડને તારથી મોકલવાનું. એ વખતે ગવર્નર પૂનામાં હતા. તેમની ઓફિસને તાર મળતાં જ ભર રાતે ગવર્નર સાહેબને જગાડીને ખબર આપવામાં આવે છે. અને મુંબઈ-પૂના વચ્ચે સરકારી ટેલિફોનની ઘંટડીઓ રણકવા લાગે છે.

પૂના સુધી ખબર પહોંચી ગયા છે, પણ મુંબઈમાં ઘણાખરા લોકો હજી ગાઢ નિદ્રામાં છે. પણ જેમ જેમ રાત વીતતી જાય છે તેમ તેમ મોબાઈલ કે ઇન્ટરનેટ વગરના એ જમાનામાં પણ લોકોમાં ખબર ફેલાય છે : ‘લોકમાન્ય કૈલાસવાસી ઝાલે.’ અને સરદાર ગૃહની બહાર લોકો ભેગા થવા લાગ્યા. પહેલે માળે જઈને છેલ્લાં દર્શન કરવા લાગ્યા. પણ આઠ વાગ્યા સુધીમાં તો ભીડ એટલી વધી ગઈ કે કોઈને માટે ઉપર જવાનું શક્ય જ ન રહ્યું. એટલે ટિળકના પાર્થિવ દેહને મકાનની બાલ્કનીમાં એવી રીતે ગોઠવવામાં આવ્યો કે રસ્તા પરથી જ બધા લોકો દર્શન કરી શકે. બીજી બાજુ, અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર અંગે વિચારવાનું શરૂ થયું. એ વખતના મુંબઈના બે આગેવાનો સર ઈબ્રાહિમ રહીમતુલ્લા અને રુસ્તમ પેસ્તનજી મસાણીને નામદાર ગવર્નર સાથે સારો સંબંધ. સવાર પડી એટલે બંનેએ વારા ફરતી ગવર્નરને ફોન જોડ્યા, ટિળકના અંતિમ સંસ્કાર ગિરગામ ચોપાટીની રેતભૂમિ પર કરવા માટે ખાસ મંજૂરી આપવા વિનંતી કરી. કારણ હજારો નહીં, પણ લાખો લોકો હાજર રહેશે, અને તેમને સોનાપુરની સ્મશાનભૂમિમાં તો કોઈ રીતે સમાવી નહિ શકાય. ગવર્નરે પોતાના સલાહકારો સાથે વાટાઘાટ કરી. પછી જણાવ્યું કે બે શરત માન્ય હોય તો મંજૂરી મળશે. પહેલી શરત એ કે એ ભૂમિ પર કાયમી સ્મારક રચવાની મંજૂરી આપવામાં નહીં આવે. અને ભવિષ્યમાં આ મંજૂરી દાખલા તરીકે ટાંકીને બીજી કોઈ વ્યક્તિ માટે આવી મંજૂરી માગવામાં નહિ આવે.

સરદાર ગૃહથી સ્મશાનયાત્રાની શરૂઆત (ચિત્ર)

પૂનાથી બે સ્પેશિયલ ટ્રેનમાં ટિળકના ચાહકો મુંબઈ આવી પહોંચ્યા. તેમણે માગણી કરી કે ટિળકના અંતિમ સંસ્કાર પૂનામાં કરવા જોઈએ, મુંબઈમાં નહિ. પણ થોડી દલીલબાજી પછી તેમને સમજાવી લેવામાં આવ્યા. બપોરે એક વાગ્યે સરદારગૃહથી સ્મશાનયાત્રા નીકળશે અને ગિરગામ ચોપાટી જશે એ ખબર મળતાં જ લોકો રસ્તાઓ પર ઉભરાવા લાગ્યા. રવિવાર હતો એટલે ઘણીખરી ઓફિસો તો બંધ હતી. પણ જે દુકાનો ખુલ્લી હતી તે પણ ટપોટપ બંધ થવા લાગી. જેને જે વાહન મળ્યું તે પકડ્યું. ન મળ્યું તેણે ચાલવા માંડ્યું. સરદાર ગૃહની બહાર એવી તો માનવ મેદની એકઠી થઈ હતી કે સ્મશાનયાત્રા બપોરે એકને બદલે બે વાગ્યે શરૂ થઈ. ઓછામાં ઓછા બે લાખ લોકો તેમાં જોડાયા હતા. યાદ રહે કે એ વખતે ગ્રેટર બોમ્બેની કુલ વસતી લગભગ સાડા બાર લાખની હતી. ટિળકના પાર્થિવ દેહને સ્મશાનયાત્રા માટે નીચે લાવવામાં આવ્યો ત્યારે કાંધ આપનારાઓમાં મહાત્મા ગાંધી અને મૌલાના શૌકત અલીનો સમાવેશ થતો હતો. ટિળકના દેહને એક પાલખીમાં પદ્માસન અવસ્થામાં બેસાડવામાં આવ્યો હતો અને તેમના હાથ પાસે તેમણે જ સ્થાપેલા ‘કેસરી’ અખબારના અંકો મૂકવામાં આવ્યા હતા. તે જ સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર પણ થયા હતા.

સ્મશાનયાત્રાનો એક નાનકડો ભાગ

વરસતા વરસાદની પરવા કર્યા વગર લોકોનો પ્રવાહ અવિરત ચાલુ જ હતો. ક્રાફર્ડ માર્કેટથી ધોબી તળાવ સુધીના રસ્તા પર તો તસુભાર ખાલી જગ્યા રહી નહોતી. સરદાર ગૃહથી નીકળેળી સ્મશાનયાત્રા શેખ મેમણ સ્ટ્રીટ, ભૂલેશ્વર, સી.પી. ટેંક, ગિરગામ બેક રોડ, ધોબી તળાવ, પ્રિન્સેસ સ્ટ્રીટ, અને ગિરગામ રોડ થઈને ચોપાટી પહોંચી હતી. સરદાર ગૃહથી ચોપાટી સુધી ગાંધીજી ઉઘાડે પગે પાલખી સાથે સ્મશાનયાત્રામાં ચાલ્યા હતા. ધાર્યા કરતાં સ્મશાનયાત્રા ચોપાટી મોડી પહોંચી હતી કારણ રસ્તામાં ઠેર ઠેર લોકોએ પુષ્પાંજલિ આપવા માટે તેને રોકી હતી. ગિરગામ ચોપાટીને કિનારે જ્યાં ગણપતિ વિસર્જન થતું ત્યાં જ ચંદનની ચિતા રચવામાં આવી હતી. સુખડના પારસી વેપારીઓએ આ માટેનું સુખડ પૂરું પાડ્યું હતું. અગ્નિદાહ અપાતાં પહેલાં લાલા લજપતરાય આવ્યા અને તેમણે નમન કરીને અંતિમ વિદાય આપી હતી. સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. ચિતા પ્રગટી ત્યારે હજારો લોકોની આંખમાં આંસુ તરતાં હતાં. અંતિમ સંસ્કાર દરમ્યાન બે વખત વરસાદનાં જોરદાર ઝાપટાં આવ્યાં, પણ લોકો ત્યાંથી ખસ્યા નહોતા. અગ્નિદાહ દેવાયા પછી ટોળાંમાંથી એક મુસલમાન દોડતો આવ્યો હતો અને તેણે જલતી ચિતામાં ઝંપલાવ્યું હતું. મહામહેનતે તેને બચાવીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. તે દિવસે આથમતા સૂર્યની સાથે હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતનો એક અગ્રણી, એક સક્રીય સમાજ સુધારક, એક અભ્યાસી વિદ્વાન, એવો તેજપુંજ પણ આથમી ગયો.

લોકમાન્યે શરૂ કરેલા ‘કેસરી’માં સમાચાર

લોકમાન્ય અને ગાંધીજી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. ટિળક ગાંધીજીનો આદર કરતા પણ આઝાદી માટેની લડતની ગાંધીજીની રીત અંગે કહેતા કે તમારા જેટલી ધીરજ મારામાં નથી. લોકમાન્યને અંજલિ આપતાં ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકમાં ગાંધીજીએ લખ્યું કે ‘લોકમાન્ય ટિળક જનતાનું અભિન્ન અંગ હતા. લોકો ઉપર તેમનો જેટલો પ્રભાવ હતો તેટલો પ્રભાવ આપણા યુગમાં બીજા કોઈનો નહોતો. લોકો માટે તેઓ આરાધ્ય દેવતા સમાન હતા. હજારો લોકો માટે તેમનો એક બોલ પણ કાયદા જેવો હતો. આપણી વચ્ચેથી એક મહામાનવે વિદાય લીધી છે. સિંહની ગર્જના હવે મૂંગી થઈ ગઈ છે.’ 

લોકમાન્યના અવસાન પછી ટિળક મેમોરિયલ ફંડ માટે નાણાં એકઠાં કરવા માટે ગાંધીજીએ દેશના ઘણા ભાગોની મુલાકાત લીધી હતી. ત્રણ મહિનાના ગાળામાં તેમણે ૯૯,૩૭,૧૪૫ રૂપિયા એકઠા કર્યા હતા. એ જમાના માટે આ ઘણી મોટી રકમ કહેવાય. એકલા મુંબઈ શહેરમાંથી ૩૭,૫૦,૦૦૦ રૂપિયા ભેગા થયા હતા. મહારાષ્ટ્રમાંથી ૪,૪૧,૪૭૫ અને ગુજરાતમાંથી ૧૫ લાખ રૂપિયા ભેગા થયા હતા. સૌથી ઓછી રકમ કેરળમાંથી મળી હતી, ૨૧,૦૩૮ રૂપિયા. આ ફંડ માટે સૌથી મોટું દાન એક પારસીએ આપ્યું હતું. ગોદરેજ બોઇસ મેન્યુફેક્ચરિંગ કંપનીના એ.બી. ગોદરેજે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

સરકારે શરત કરી હતી છતાં થોડા વખતમાં જ ટિળકના માનમાં ચોપાટી પર પૂતળું ઊભું કરવાની માગણી શરૂ થઈ. શરૂઆતમાં તો સરકારે ના પડી, પણ વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ) અને બેરિસ્ટર કે.એફ. (ખુરશેદ ફરામજી) નરીમાનની જહેમત અને સમજાવટ પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ ૧૯૨૫માં તે માટે મંજૂરી આપી. ૧૯૨૬માં ગવર્નરની મંજૂરી પણ મળી ગઈ. લોકમાન્યનું પૂતળું તૈયાર કરવાનું કામ જાણીતા શિલ્પકાર રઘુનાથ ફડકેને સોંપાયું. તેનું એક કારણ એ હતું કે તેમણે લોકમાન્યનાં બીજાં બે પૂતળાં તેમની હયાતીમાં બનાવેલાં અને તે માટે ટિળકના ઘણા બધા ફોટા પાડેલા અને શરીરનું માપ પણ લીધેલું. ૧૯૩૩ના ઓગસ્ટની પહેલી તારીખે તેમણે બનાવેલા પૂતળાની ચોપાટી ખાતે સ્થાપના કરવામાં આવી. તેના પાયામાં લોઢાની એક મોટી પેટીમાં લોકમાન્યનાં પાઘડી, કપડાં, પગરખાં, પુસ્તક ગીતારહસ્યની એક નકલ અને ન.ચિ. કેળકરે લખેલી તેમની જીવનકથાનું પુસ્તક વગેરે મૂકવામાં આવ્યાં અને એ પેટીને જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે દાટવામાં આવી. જ્યાં સરદાર ગૃહ આવેલું છે એ રસ્તાને આઝાદી પછી લોકમાન્ય ટિળક માર્ગ એવું નામ અપાયું.

ગિરગાંવ ચોપાટી પરનું લોકમાન્યનું પૂતળું

ટિળકનું અવસાન આકસ્મિક નહોતું, પણ અણધાર્યું જરૂર હતું. ૧૨મી જુલાઈએ તો તેઓ મુંબઈ આવ્યા હતા અને હંમેશ મુજબ સરદાર ગૃહમાં ઉતર્યા હતા. એ વખતે તેમના પર વારંવાર મેલેરિયાના હુમલા થતા હતા. એવો એક હુમલો મુંબઈમાં આવ્યો, પણ થોડા વખતમાં તેઓ સાજા થઈ ગયા. જુલાઈની ૨૦મી તારીખે ટિળકના મિત્ર દિવાન ચમનલાલ મળવા આવ્યા. તેમણે હવાફેર માટે થોડા દિવસ કાશ્મીર જવાનું સૂચવ્યું, પણ ટિળકે ના પાડી. દિવાન ચમનલાલે કહ્યું કે કંઈ નહિ તો મારી સાથે મારી ગાડીમાં થોડું ફરવા તો ચાલો. ખુલ્લી હવામાં તમને સારું લાગશે. એટલે ટિળક તેમની સાથે ગયા. પણ ચોમાસાના ભેજ અને ઠંડકવાળા દિવસો. પાછા ફર્યા પછી ટિળકને તાવ આવ્યો. ૨૩મી જુલાઈએ તેમનો જન્મ દિવસ. અભિનંદનના પુષ્કળ તાર-કાગળ આવ્યા. એ બધા તેઓ જોઈ ગયા. પણ પછી તબિયત વધારે બગડી. ૨૬મીની રાતથી તાવ વધતો ગયો. તેમના ડાબાં ફેફસાંમાં તકલીફ હોવાનું ડોકટરોને જણાયું. એ માટે સારવાર શરૂ કરી. પણ પછી ન્યૂમોનિયા લાગુ પડ્યો. ૨૭મીનો આખો દિવસ ચિંતામાં પસાર થયો. સારે નસીબે તેમનું મગજ હજી બરાબર કામ કરાતું હતું અને તેઓ પૂરેપૂરા ભાનમાં હતા. ટિળકનાં સંતાનો બહારગામથી તેમની ખબર કાઢવા આવ્યાં ત્યારે ટિળક તેમના પર નારાજ થયા. કહે, જરીક તાવ આવ્યો એમાં આમ દોડીને શું કામ  આવ્યા? દીકરાએ પૂછ્યું: તમારે કંઈ કહેવું છે? ટિળકે કહ્યું: ‘હજી તો હું ઓછામાં ઓછાં બીજાં પાંચ વરસ જીવવાનો છું, એટલે ચિંતા ન કર.’ 

૨૮મીએ તાવ ઊતરી ગયો અને નાડીના ધબકારા પણ નિયમિત થયા. ડોકટરો અને બીજાઓને હાશકારો થયો. પણ એ તો બૂઝાતાં પહેલાંનો દીવાનો છેલ્લો ઝબકારો હતો. બપોરે ફરી તાવ ચડ્યો, હૃદયના ધબકારા અનિયમિત બન્યા. લગભગ બેભાન અવસ્થામાં ટિળક બબડાટ કરવા લાગ્યા. ૨૯મી તારીખે કશો સુધારો જણાયો નહિ. એટલું જ નહિ હોજરીમાં પણ તકલીફ જણાઈ. પણ સારવાર કરીને ડોકટરો તેમની તબિયતની કટોકટી પર કાબૂ મેળવી શક્યા. ૩૦મી તારીખે તેમના પર હાર્ટ એટેકનો હુમલો થયો પણ તાબડતોબ થયેલી સારવારથી ટિળક બચી ગયા. પણ તે પછી બીજા ત્રણ હાર્ટ એટેક આવ્યા જે પ્રમાણમાં હળવા હતા. ૩૦મીએ અને ૩૧મીએ તબિયતમાં ખાસ કશો ફેરફાર જણાયો નહિ. પણ પછી ૩૧મીની રાતે સાડા દસ વાગ્યે તેમનું હૃદય થાક્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પહેલી ઓગસ્ટની સવારે ૧૨ ને ૫૦ મિનિટે લોકમાન્યે આ લોકમાંથી પરલોક તરફ પ્રયાણ કર્યું. ૨૯મી જુલાઈએ બપોરે બે વાગ્યે ટિળકે જે છેલ્લા શબ્દો સભાનપણે ઉચ્ચાર્યા તે આ હતા: ‘જ્યાં સુધી સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય. આપણા અસ્તિત્વ માટે સ્વરાજ્ય અનિવાર્ય છે.’

આ શબ્દો બોલાયા તેનાં સ્થળ અને સમય?

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

e.mail : [email protected]

XXX XXX XXX

પ્રગટ :  “ગુજરાતી મિડ-ડે”, 01 ઑગસ્ટ 2020

Category :- Opinion / Opinion