કવિતા

વરવર રાવ
21-07-2020

તેલુગુ ભાષી વરિષ્ઠ કવિ વરવર રાવ

(સ્રોત : કાવ્યસંગ્રહ મુક્તકંઠમ્‌)

કવિતા સત્ય છે, ઉઘાડું
પડદાની જરૂર નથી એને
સરકારની અનિવાર્યતા પર
પ્રશ્નાર્થ મૂકતા લોકોને
કે અમૃતની લાલસા ન રાખતી
જિંદગીઓને હોય છે એમ

ખીસા ફંફોસો, ગમે તેટલા
કાગળો ને પુસ્તકો ઠાલવો ટેબલ પર
ડ્રોઅર ફેંદો, ઊંધા વાળો
કે ગલકાંનાં ફૂલમાં ઉઘડતી હૃદયની અસીમ સુરંગની કરો તપાસ:
કોઈ રહસ્યો નહિ મળે, મળશે ફક્ત કવિતા

તમને નહિ સમજાય:
મારી હસ્તીના સૌથી ખતરનાક
રહસ્યનું નામ છે
કવિતા

શું લાગે છે આ કાળોતરા આકાશના ચોકઠામાં
ચંદ્ર સપડાયેલો રહેશે શાશ્વતી સુધી
કે પછી તમે ખીસામાં ભંડારી દીધેલા હાથ
અને અપમાન કરવા નજર ઉઠાવશો ત્યાં સુધી:
જુઓ, આ કઈ ચાંદની ફેલાઈ રહી છે આકાશમાં.
આકાશના ચંદ્રને જોઈ ન શકતા
આ અદ્દભુત ચંદ્રની કથા સાંભળી
તમે ચકિત થઇ જશો

શરૂઆતમાં, પ્રતિબંધિત સામાન શોધવા
મારુ શરીર, નખશિખ, ફેંદતાં, ફંફોસતા
ત્યારે નફરત થતી ભારોભાર,
ચામડી પર જીવડાં સળવળતાં ધરાર !
હવે, આ સજીવી એકલતામાં,
ઘરડું લોહી વહાવી કવિતાનો સંચાર કરું છું
ત્યારે દયા આવે છે તારા પર
તલાશી ભલે લેતો મારી, અસલમાં
ખુદની માનવતા શોધવા મથી રહ્યો છે તું
હવે મારી હસ્તી તારે હવાલે
મારા ગળે પટ્ટો બાંધ
આ દિલ પર લેથ મશીન ચલાવ
મારાં કપડાં ઉતાર
ચામડી લોહીથી નવડાવ
અને ખુફિયા દેશોમાં, મારી પાછળ પાછળ આવ

ભારેખમ બેડીઓમાં જકડાયેલા
હાથનો અવાજ છે કવિતા
લગીરેક હલન, સ્હેજ ચલન
ને સાંકળ તોડી ઊડી જાય
આઝાદીનાં પારેવાં

સુનવણીના દિવસે
મુકદમાના ષડયંત્રનો
પર્દાફાશ થાય

જેટલો વધારે જાપ્તો એટલી જોરથી ભભૂકશે કવિતા
જેટલું વધારે શાસન એટલી જ પ્રેરણા આપશે કવિતા
મોતનો સકંજો જેટલો સખત
એટલી જ ઊંડી ઊતરશે કવિતા, તારા મનમાં

સત્તાને નાબૂદ કરતો
ખુલ્લો ભેદ છે કવિતા,
હૃદયમાં આકાર લેતી હોય
ત્યારે પણ વાચક સુધી પહોંચે તે કવિતા,
સમજી શકે એના દિલમાં બેશક
અર્થ બની જન્મે છે કવિતા
અંતરાકાશમાં ભીની સવાર પેઠે ઊગતી હોય
ત્યારે પણ વિરોધનો વંટોળ જગાવે તે કવિતા

ખરું રહસ્ય તો એ છે
કે સામાજિક અંદોલનોનું ધાવણ ધાવી
ઉછરી છે મારી કવિતા

બાંધી દીધેલા હાથમાંથી
શોક અને આક્રોશના અનંત તંતુ જેવી
દ્રષ્ટીમાંથી ઊઠતા અશ્રુઓનાં ભભૂકતા ઝરા જેવી
મારી ભાષાની લાલઘૂમ નસોમાંથી વહ્યા કરે છે કવિતા

અનુવાદ : હેમાંગ દેસાઈ (રોહિતના અંગ્રેજી અનુવાદ પરથી)

Varavara Rao's poem "Poetry" in Gujarati, based on dear friend Rohith's English translation.

Category :- Poetry