મને ખબર નથી

રવીન્દ્ર પારેખ
15-07-2020

જોસેફ : સાહેબ, રોગચાળો વધી રહ્યો છે.
યોસેફ : કબર નથી, સોરી, મને ખબર નથી.
જોસેફ : અનલોકમાં લોકોને 'લોક' લાગી ગયું છે.
યોસેફ : મને ખબર નથી.
જોસેફ : લોકો પાનમાવો છોડતાં નથી.
યોસેફ : મને માવાની નહીં, 'મેવા'ની જ ખબર છે.
જોસેફ : આપણે શું કરી શકીએ આમાં તે ...
યોસેફ : મને ખબર નથી.
જોસેફ : તમને તો ખબર ના જ હોય.
યોસેફ : ખબર નથી એટલી ખબર તો છે ને!
જોસેફ : મંત્રી છો એટલી ખબર તો છે ને?
યોસેફ : મને ખબર નથી.

‘સાહેબ, કેસ તો વધતા જ આવે છે?'
‘હા, કોર્ટ બંધ છે એટલે એવું તો થવાનું.'
'હું કોર્ટની નહીં, હોસ્પિટલની વાત કરું છું.'

'તમે તો mal, સોરી, mla છો. તમને ચેપ લાગ્યો?'
'શું છે, કાલે સાહેબને મળ્યો હતો ...'
‘તો … તો ઘણાને ચેપ લાગવાનો.'
'એ કેવી રીતે?'
‘સાહેબ, કાલે ડોકટરો, દર્દીઓને પણ મળ્યા હતા!'

'હવે તો હાથીઓ પણ બોબ-કટ કરાવે છે.'
''હાથીઓ' જ કરાવે છે.'

'ચીની સેના બે કિ.મી. પાછળ ખસી.'
'તો આપણે પણ બે કિ.મી.આગળ ધસોને!'
'એ આપણને શોભે નહીં.'
‘હા, શોભે તો ચીનાઓને જ!'

'આ તેલના ભાવ કેમ વધ્યા કરે છે?'
'આપણામાં 'તેલ' નથી એટલે!'

'આવું કેમ? માર્કેટ સીલ કરી ને પછી ખોલી નાખી?'
'ધાર્યું 'ધણી'નું થાય છે.'

‘સાહેબ, પરીક્ષાની તારીખો જાહેર કરી દઉં?'
‘અરે, કાલે તો પરીક્ષા બંધની જાહેરાત કરી.'
'આજે પરીક્ષા ચાલુની જાહેરાત કરીએ.'
'એનાથી થશે શું?'
'વિદ્યાર્થીઓ સ્થિર રહેશે ને અભ્યાસ કરશે.'
'એ તો સ્થિર રહેશે, પણ આપણને 'અસ્થિર' કરશે.'

'યુનિવર્સિટીએ પ્રવેશ ફી વધારી દીધી.'
'બધે 'વધારા'નો રોગ જ  ફેલાઈ રહ્યો છે.'

'સંચાલકોએ સ્કૂલો બંધ કરાવી તો સાહેબે ચાલુ કરાવી.'
'કોણ જાણે કેમ પણ તઘલખ કોઈ રીતે મરતો નથી.'

'હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ નહીં.'
'તો શું?'
‘'દંડવત ...'

'સીબીએસઈ ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડશે.'
'વિદ્યાર્થીઓની ઈચ્છા તો ૩૦ ટકા જ રહે એવી છે.'

'બે લાખ વિદ્યાર્થીઓ અમેરિકાથી તગેડાશે.'
'ચીની હશે.'
‘ના, ભારતીય છે.'
'અમેરિકા ચોરને ચોરી કરાવડાવે છે ને પોલીસને કહે છે, પકડ!'

૦૦૦

e.mail : [email protected]

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 15 જુલાઈ 2020

Category :- Opinion / Opinion