વાંક

રવીન્દ્ર પારેખ
14-07-2020

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું. ’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ -

*

– પણ સુમિતાએ ચમત્કાર કર્યો હતો.

*

ચારુને થયું પણ ખરું કે તેણે અમસ્તી જ સુમિતા પર પસ્તાળ પાડી હતી -

’હું જોઈ રહી છું કે તમે ડેલિબરેટલી આમ -‘

‘લૂક, મિસિસ બક્ષી, તમે નકામી ચિંતા કરી રહ્યા છો. નિલયની કાળજી રખાય જ છે.’

‘મારા દીકરાને કંઈ થયુંને તો -‘

‘કંઈ નહીં થાય. વિશ્વાસ રાખો.’

‘વિશ્વાસ ક્યાંથી રાખું, ડોક્ટર મહેતા? નિલય મારો નાનો દીકરો છે. મોટા દીકરાને હું આજ હોસ્પિટલમાં -‘

રડી પડી હતી, ચારુ. સુમિતાએ ઊભા થઈને એને ખભે હાથ મૂક્યો હતો, પણ ચારુને એથી આશ્વાસન મળ્યું ન હતું. તેણે હાથ ઝટકી નાખતાં કહ્યું હતું, ‘તમે બરાબર જાણો છો કે હોસ્પિટલની શાખ બહાર કેવી છે? એ તો પ્રાઈવેટમાં આનો ટેસ્ટ થતો નથી એટલે અહીં આવવું પડ્યું, બાકી -‘

બહુ જ તુચ્છતાથી તેણે સુમિતા તરફ જોયું હતું. સુમિતાએ તેને બહુ કેઝ્યુઅલી લીધું હતું, ’મિસિસ બક્ષી, હોસ્પિટલ ગમે એટલી ખરાબ હોય તો પણ ટેસ્ટ અહીં જ થાય છે ને ટ્રીટમેન્ટ પણ ...’

‘એટલે જ સ્તો! બાકી અહીં પગ કોણ મૂકે?’

‘મિસિસ બક્ષી, તમારે અહીં પગ મૂકવાનો જ ન હોય. ખબર નહીં, ક્યાં જોરે તમે અહીં છો, પણ પેશન્ટ સિવાય કોઈ સંબંધી અહીં એલાઉ નથી.’

‘તો પણ હું અહીં છું. એના પરથી પણ તમને મારાં સ્ટેટસનો ખ્યાલ ...’

‘આપણે આ જ ચર્ચા કરવાની હોય તો નિલયની ટ્રીટમેન્ટ લંબાશે. એ ન થવા દેવું હોય તો તમે પ્લીઝ ...’

- ને ચારુ ઝડપથી બહાર નીકળી ગઈ હતી. સુમિતા, નિલય તરફ વળી હતી. ચૌદનો મસ્ત છોકરો હતો. વાળ થોડા વધારે હતા ને ચહેરો એકદમ રૂપાળો -

પણ, એ ખાંસ્યો ત્યારે સમજાઈ ગયું કે તકલીફ ખાસી છે. તેની પાસે નેપ્કિન હતો તેનાથી તે નાક લૂંછયા કરતો હતો. નાકનું ટીચકું લાલ થઈ ગયું હતું. જોતાં જ ગમી જાય તેવો સોહામણો છોકરો હતો. સુમિતાએ ગમ્મતમાં તેના વાળ ખોરવી નાખ્યા, સિલ્કી હતા એટલે રહી રહીને ચહેરે સરકી આવતા હતા ને એ તેને એક તરફ માથું ઝટકીને પાછળ ધકેલ્યા કરતો હતો. તેના માથામાં સુમિતાએ વહાલથી હાથ ફેરવ્યો. તેનું કપાળ ગરમ હતું. સુમિતાએ નર્સને કહ્યું, ’ટેમ્પરેચર છે.’

‘એકસો એક.’નર્સે કહ્યું.

સુમિતાએ નિલયને પૂછ્યું, ‘બીક લાગે છે?’

‘મને તો નહીં,પણ મારી મોમને લાગે છે.’

એ હસ્યો.

‘એને બીવા દે, આપણે બીવાનું નથી. બરાબર?’

નિલયે હકારમાં ડોકું ધૂણાવ્યું, ‘જો દીકરા, હું એક ટેસ્ટ કરું છું. આ એક વાયર તારા નાકમાં ઉતારીશ. આઠેક દસ સેન્ટિમીટર અંદર. એને નાકમાં ગોળ ફેરવીશ. એવું જ બીજા નસકોરામાં કરીશ. જરા અનઇઝી લાગશે, એટલું જ! બીજું કંઈ નહીં થાય. આર યુ, રેડી?’

‘મેડમ, આ ટેસ્ટનું નામ ...’

‘સ્વેબ ટેસ્ટ.’

ને ટેસ્ટ પોઝિટીવ આવ્યો.

એ દિવસથી સુમિતાની નોકરી જ જાણે નિલય થઈ બેઠો હતો. આમ તો તે એક પેશન્ટ માત્ર હતો, પણ સમય જાય છે તેમ તેમ કોઈ પણ પેશન્ટ નજીક લાગવા માંડે છે. એના તરફ ડોક્ટરનું ધ્યાન વધતું જતું હોય છે ને આ તો આવ્યો ત્યારથી જ નજીક થઈ ગયો હતો, તો અંતર રાખી રાખીને કેટલુંક રખાય! એને એકલો મૂકાય એવું હતું જ નહીં. એ બહુ બોલતો ન હતો. કદાચ, થોડો ડરી ગયો હતો, પણ કો-ઓપરેટ કરતો હતો.

પેરાસિટામોલની ખાસ અસર જ ન હોય તેમ તાવ ઉતરતો ન હતો ને ઉપરથી મિસિસ બક્ષીનો ટકટકારો ચાલુ જ હતો. જો કે એમાં એનો વાંક ન હતો. મોટા દીકરાને એ આ જ હોસ્પિટલમાં ગુમાવી ચૂકી હતી ને નિલયને તે ખોવા તૈયાર ન હતી. કઈ મા ખોવા તૈયાર હોય? મા તો એ પણ હતી જ ને! મા જ કેમ, બાપ પણ તો એ જ ...

ત્યાં નિલયનો કણસાટ સંભળાયો ને તે દોડી હતી. કિટ સાથે દોડવાનું ફાવતું ન હતું, પણ પી.પી.ઈ. કિટ કમ્પલસરી હતી એટલે … બીજો કોઈ ઈલાજ ન હતો.

નિલયને શ્વાસ લેવામાં ખાસી તકલીફ પડી રહી હતી. તેણે માસ્ક પણ કાઢીને ફગાવી દીધું હતું. સુમિતાએ તેને પૂછ્યું, ’શું થાય છે, દીકરા?’

એ કંઈ બોલવા ગયો, પણ શબ્દો બહાર ન પડ્યા. સિસ્ટર જ્યોતિ આવી ચડી. તેણે બેડ પર ભેરવેલો ચાર્ટ  બતાવ્યો. એઝિથ્રોમાયસિનની એક ટેબ્લેટ આપવાનું મેં જ્યોતિને કહ્યું. તેણે નિલયને બેડ પર બેઠો કર્યો. એ તંદ્રામાં જ હતો. રહી રહીને તેની ડોકી ઢળી જતી હતી ને ઝબકીને જાગી જતો તો આમતેમ જોઇને વળી ઘેનમાં ...

જો કે તે દવા ગળી ગયો હતો. થોડો હાંફતો પણ હતો. તેને જ્યોતિએ લીંબુપાણી આપવા કર્યું, પણ ન પીવાયુ.નીકળી ગયું. જ્યોતિએ નેપ્કિનથી તેનું ગળું સાફ કર્યું. જ્યોતિએ હાઈડ્રોક્સિક્લોરોક્વીન કાઢી ને નિલયને આપવા કરી, પણ સુમિતાએ તેને ઈશારો કરીને ના પાડી. ‘નિલય, કંઈ થાય છે?’ પણ તે જાણે તેનામાં જ ક્યાંક ઊંડે ઊતરી ગયો હોય તેમ સવાલ તેને પહોંચ્યો જ નહીં. સુમિતાએ તેને હલાવ્યો. પણ તે એમ જ પડી રહ્યો. તેના ગાલ થપથપાવ્યા. જરા હચમચાવ્યો, પણ તે રિસ્પોન્ડ કરતો ન હતો. સુમિતાએ જ્યોતિને કહ્યું, ‘ઉપર વેન્ટિલેટર ખાલી હશેને?’ જ્યોતિએ હકાર ભણ્યો,’ આને શિફ્ટ કરવો પડશે. ક્વિક!’

થોડી જ વારમાં બે વોર્ડ બોય સ્ટ્રેચર સાથે આવ્યા. નિલયને એ બંનેએ સ્ટ્રેચર પર લીધો ને ઉતાવળે લિફ્ટ તરફ વળ્યા. ડોક્ટર તે તરફ જતી જ હતી ત્યાં રમ્યા દોડતી આવી. તેની પાછળ સિસ્ટર સોલંકી પણ દોડતી પ્રવેશી. સુમિતાને ‘મમ્મી’ કહીને તે જોરથી વળગી જ પડી. સુમિતાએ તેને બાથમાં લેતાં કહ્યું, ‘કેમ આવી? તારી તબિયત સારી નથી. તારે બેડ પરથી ઉતરવાનું જ નથી ને તું-‘

સોલંકી બોલી, ‘મેમ, મેં બહુ સમજાવી એને, પણ માની નહીં.’

‘રમ્યા, ધીસ ઇસ નોટ ગૂડ.’

‘મોમ, હું પાછી નથી જવાની. તું બધાની ટ્રીટમેન્ટ કરે છે ને મારી જ -‘

‘એવું નથી, દીકરા. તું જુએ છેને! આ છોકરો ક્રિટિકલ થતો જાય છે. એને છોડીને તારી પાસે આવું તો સારું લાગે? મારું માન, હમણાં તારા વોર્ડમાં જા, પ્લીઝ! આને જરા સારું થશે કે હું તરત જ તારી પાસે આવી જઈશ.’

‘પ્રોમિસ?’

‘ગોડ પ્રોમિસ!’ સુમિતાએ ગળું પકડયું ને રમ્યાને માથે હાથ ફેરવ્યો. જરાકમાં તો રમ્યા, મનોરમ્યા બની ગઈ ને આગળ થઈ. સુમિતાએ સોલંકીને કહ્યું, ‘આને સાચવીને લઈ જા! હું થોડી જ વારમાં-‘

‘પ્લીઝ, આવજો, જરૂર. છોકરી હિજરાય છે.’

‘જરૂર આવીશ.’

પણ એ ન જઈ શકી.

એ આખી રાત નિલયને એટેન્ડ કર્યા સિવાય છૂટકો જ ન હતો. બાકી હતું તે ચારુ બક્ષીએ પૂરું કર્યું. એક તરફ નિલયની કથળતી જતી હાલત અને બીજી તરફ ચારુનો કાળો કકળાટ!

’ડોક્ટર, નિલયને કંઈ થયુંને તો હું આખી હોસ્પિટલને સુપ્રીમમાં ખેંચીશ. આવી ભંગાર હોસ્પિટલમાં ઈલાજ થાય જ કેવી રીતે તે જ નથી સમજાતું. આખો વોર્ડ કોઈ ટોઇલેટથી ય જાય તેવો છે ને અહીં ઈલાજ થાય છે, હં!’ ચારુએ ખભા ઉલાળતાં કહ્યું, ’અહીં એક દીકરો ખોયો છે, પણ બીજો...’

ચારુએ આંખો લૂંછી.

સુમિતાએ તેને ખભે હાથ મૂકતાં કહ્યું હતું, ’મિસિસ બક્ષી, તમારે જે કોર્ટમાં મને લઈ જવી હોય ત્યાં જરૂર લઈ જજો, હું ખુશીથી આવીશ, પણ અત્યારે તો કોઈ કોર્ટ ખુલ્લી નહીં હોયને! અત્યારે હોસ્પિટલ જ ખુલ્લી છે ને એમાં નિલયને બચાવવાની કોશિશ કરી રહી છું, તો મને કો-ઓપરેટ કરો, પ્લીઝ!’

એ વાતે ચારુ થોડી ઢીલી પડી હતી ને પછી તો કોઈ ભડકો જ્યોત બને એવું થયું હતું. ચારુ બહુ જ સૌમ્ય દેખાતી હતી. ગુસ્સો તેના દેખાવ સાથે જતો જ ન હતો, પણ સંપત્તિ જ કદાચ ક્રોધનું કામ કરી રહી  હતી. એવું જ નિલયનું હતું. એ એટલો ઋજુ અને શાંત હતો કે -

ઓક્સિજન પહોંચવામાં હજી તેને કોઈ મુશ્કેલી પડી રહી હોય એવું લાગતું હતું. એક ટ્યૂબ નિલયના ગળામાં ઉતારેલી હતી ને તેનો બીજો છેડો વેન્ટિલેટર સાથે જોડાયેલો હતો. સુમિતાએ ઓક્સિજન ટ્યૂબ ફરી ચેક કરી જોઈ. કાર્ડિયોગ્રામનું મોનિટરિંગ થતું હતું. પલ્સ ક્યારેક જતી રહેતી હતી. ક્યારેક તો એવું લાગતું હતું કે એની પોતાની પલ્સ રહી રહીને રમ્યા પાસે -

આખી રાત સુમિતાએ નિલયના બેડ પાસે જ કાઢી હતી. એકેય મટકું માર્યું ન હતું. ચારુ એ પણ આખી રાત લોબીમાં આંટા માર્યાં કર્યાં હતાં. ઘડીક બહારના બાંકડે બેસતી ને એકાદ ઝોકું આવી ચડતું તો તેમાં દૂરથી રડવાનો અવાજ નજીક આવતો ને એકદમ મોટો થઈ ઊઠતો હતો. તે ઝબકી પડતી હતી ને વળી આંટા મારવા લાગતી હતી. એકદમ જ ઉચાટ ઉભરાઈ પડતો હતો. રહી રહીને તેને ફાળ પડતી હતી કે -

વહેલી સવારે સિસ્ટર જ્યોતિ આઈ.સી.યુ.માંથી બહાર નીકળી ત્યારે ચારુએ દોડીને તેના હાથ પકડી લેતાં પૂછ્યું ,’સિસ, કેમ છે, નિલયને?’

એ એક સવાલના જવાબ ઉપર ચારુની આખી દુનિયા તોળાઈ રહી હતી. જ્યોતિએ ઉજાગરાવાળા ભારે અવાજે કહ્યું હતું,’ આમ તો સારું છે, છતાં ડોક્ટર જ વધારે કહી શકે.’

‘થેન્કયુ, સિસ!’

‘થેન્કયુ, મને નહીં, ડોક્ટર સુમિતા મહેતાને કહો. એ ન હોય તો તમારો દીકરો બચે નહીં. એમણે જીવ રેડી દીધો છે, તમારા દીકરામાં -’

‘યેસ, આઈ મસ્ટ થેન્ક હર! મારે એમને ‘સોરી’ પણ કહેવાનું છે.’

‘તમારે ‘સોરી’ કહેવું જ જોઈએ. કંઈ પણ જાણ્યા વગર તમે જે બોલ્યાં હતાં તે ઠીક નો’તું.’

‘યા ,યુ અર રાઈટ! આયેમ રિયલી વેરી સોરી.જો કે મારી કમેન્ટ હોસ્પિટલ માટે ...’

‘તમને ખબર છે,ડોક્ટરની પોતાની ડોટર આ જ હોસ્પિટલમાં બીમાર છે અને એણે એને ટ્રીટ ન કરતાં નિલયને …'

‘વોટ?’

ચારુ ચમકી. તે સીધી બારણું ખોલીને અંદર જ ધસી ગઈ. સામે જ સુમિતા દેખાઈ. ચારુએ તેના હાથ પકડી લેતાં પૂછ્યું, ’કેમ છે, નિલયને?’

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું ,’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ સિસ્ટર સોલંકી દોડતી આવી, ’ડોક્ટર,રમ્યા … ઈઝ … નો મોર ...’

‘વોટ?’

ચારુ રડી પડી!

૦૦

પ્રગટ : “જલારામદીપ”, જુલાઈ 2020ના વાર્તા વિશેષમાં પ્રકાશિત વાર્તા

e.mail : [email protected]

Category :- Opinion / Short Stories