સૂરજ થવાને શમણે ...

નારણ મકવાણા
12-07-2020

મારાં અજવાળાં પી ગયાં છે,
મનુવાદી અંધારાં,
હું આંખથી અંધ નહોતો,
જાતથી અંધ થઇ ગયો છું હવે,

જન્મ માણસ તરીકે લીધો
શુદ્ર તો હું ક્યારે ય નહોતો,
કોઈ નથી હોતું ...
મારા રસ્તામાં આડે આવે છે
મારું પ્રકાશિતપણું ...
મારું નોકરિયાતપણું ...
એક ટકામાં મારી ગણના થાય છે,
નવ્વાણું ટકા હજુ એમના એમ છે.
મારો સમાજ, મારો સમાજ,
હું ફક્ત બૂમો પાડ્યા કરું છું ..

શારીરિક, માનસિક, સામાજિક,
છડે ચોક મારા પર બળાત્કાર થયા જ કરે છે,
અત્યાચારો થતા હતા, થાય છે ને થતા રહેશે,
ને મારો સમાજ સહન કર્યા કરે છે,
મારો સમાજ વેરણછેરણ છે,
અસંગઠિત ને અશિક્ષિત છે
મારી જાત નિર્માલ્ય થઇ
ઉશ્કેરાયા કરે છે ફકત.

મને મદદની જરૂર નથી,
હું સમાજને મદદ નથી કરી શકતો.
ભ્રષ્ટ થતી જાય છે મારી મતિ ...
એ લોકો જેવા થવા
હજુ વધારે પ્રયત્ન કરીશ,
પણ ... 
એક લાકડું, 
ને લાકડાંના ભારામાં ફરક તો પડે જ ને,
એથી શું મારી આ બહિષ્કૃતતા ટળશે?

કોઈ મને સ્પર્શે કે ના સ્પર્શે
મને કોઈ ફરક નથી પડતો,
મારી જાત વિશે કોઈ બોલે,
મારા સમાજ વિશે કોઈ બોલે,
મને હડધૂત કરે તો?
હા, ફરક પડે છે .. હજજાર વાર,

આ કાળમીંઢ પથ્થર જેવી
સામાજિક વ્યવસ્થાને હું લાત મારું છું,
હું એકલો નહીં લડી શકું, પણ લડીશ ..
સમાજ સાથેનું મારું ગઠબંધન કાયમી રહેશે,
મારે આ અમ્માસી અંધારાં ઉલેચવા નથી
પ્રકાશવું છે,
રંગભેદની કાળી પાટી પર 
માનવતાના બે શબ્દ લખવા છે
"ચાલો આપણે માનવ બનીએ"...
સ્વયં સૂરજ બનીને ..
નહીં કે શ્વેત બનીને ...

૧૧/૭/૨૦૨૦

e.mail : [email protected]

Category :- Poetry