ઓનલાઈન શિક્ષણની ધાડ કેમ પડી છે તે નથી સમજાતું

રવીન્દ્ર પારેખ
30-06-2020

સરકાર હોય અને તઘલખી નિર્ણયો ન લે તો તેની આબરૂ જાય એટલે તે થોડા નિર્ણયો તેવા લે જ. એવો એક નિર્ણય તે ઓનલાઈન શિક્ષણનો છે. કોરોનાને કારણે શિક્ષણ જોખમમાં મૂકાયું છે ને ઘણાની કારકિર્દી દાવ પર લાગી છે તે સાચું, પણ તેના જે વિકલ્પો વિચારાય છે તે જોખમો વધારનારા તો નથીને તે શિક્ષણ વિભાગે વિચારવું જોઈએ.

એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકાર કોઈ નિર્ણય શિક્ષણ સંદર્ભે લે તો તેની પાસેથી એવી અપેક્ષા સહેજે રહે કે તે બધી સ્કૂલો, કોલેજો કે જેને લાગુ પાડવા ધારે છે તેને તે લાગુ પડે છે કે કેમ તે જોઈ લે. દાખલા તરીકે ઓનલાઈન શિક્ષણનો નિર્ણય સ્કૂલો પૂરતો લેવાનો હોય તો  તેણે એ ચિંતા કરવાની રહે કે બધી સ્કૂલોને તે અસરકારક રીતે લાગુ પડે. સ્કૂલોમાં નેટ કે કોમ્પ્યુટર કે મોબાઇલની વ્યવસ્થા છે કે કેમ, એ જ રીતે એ શિક્ષણ આપનાર શિક્ષકો છે અને એમ જ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ સાધન સજ્જ છે કે કેમ એ પણ સરકારે તંત્રો દ્વારા જોવાનું રહે. એવું ન જુએ તો એકને શિક્ષણ મળે ને એકને ન મળે એવું થાય. એવું થાય તો એક લઘુતાથી ને માનસિક સમસ્યાઓથી પીડાય ને બીજો લાભ ખાટે એમ બને. આ ભેદ શિક્ષણ દ્વારા ઊભો થાય અને એ શિક્ષણનો હેતુ ન જ હોય તે કહેવાની જરૂર નથી.

મોટે ભાગની શાળાઓ આમાં મનસ્વી રીતે વર્તી રહી છે ને તેની ચોખ્ખી દાનત પૈસા બનાવવાની વધારે છે. ઘણા સંચાલકો વાલીઓને લૂંટવાની ને શિક્ષકોનું શોષણ કરવાની ફિરાકમાં રહે છે તે કોઈથી અજાણ્યું નથી.

વિદ્યાર્થીઓ માટે આ બધું થાય છે ને એમાં એનો વિચાર ઓછામાં ઓછો થાય છે.

ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પૂરો પગાર મળે એ જોવાની જવાબદારી સંસ્થાની અને સરકારની છે. ખાનગી સ્કૂલો ભાગ્યે જ શિક્ષકોનું શોષણ કરવાથી બચતી હશે. મોટે ભાગના શિક્ષકો અત્યારની પરિસ્થિતિમાં પગાર ન મળવાને કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. સરકારે એવી સ્કૂલોનું લાઇસન્સ રદ કરવાની ધમકી સાથે એ જોવું જ જોઈએ કે શિક્ષકોને પૂરો પગાર મળે. કેટલીક સ્કૂલોએ છૂટા કરી દેવાની ધમકી સાથે શિક્ષકોને મફત કામ કરવાની કે ભીખ જેવા પગારમાં કામ કરવાની ફરજ પાડી છે તે શરમજનક છે. ખાનગી સ્કૂલો વધારે ફી લે છે ને અનેક બહાને તે વાલીઓને ખંખેરતી રહે છે. કેટલાક બીજાને ખંખેરી લેવાશે એ ખાતરી હોવાથી ખંખેરાતા પણ રહે છે તો બીજા કેટલાક 'કજિયાનું મોં કાળું' કરતા રહે છે. સરકારે આ મામલે સરપ્રાઈઝ ચેકિંગ કરીને શિક્ષકોની ગુણવત્તા અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ.

રહી વાત વિદ્યાર્થીઓની, તો એની સ્થિતિ સૌથી દયાજનક છે. જે મોબાઈલ અનેક સમસ્યાઓનું કારણ છે તે શિક્ષણ માટે ઉપયોગી ને લાભદાયી કઈ રીતે થઈ ગયો તે નાનાં બાળકો ને વાલીઓ સમજી શકતાં નથી. મોબાઇલની ગેઈમ હાનિકારક છે તો ઓનલાઈન શિક્ષણમાં તો ઘણાની 'ગેઈમ' થઈ જાય  છે તો તે ઉપયોગી કઈ રીતે? આનો જવાબ જડતો નથી.

સામે શિક્ષક હોય છતાં વિદ્યાર્થી સરખું શિક્ષણ પામતો નથી તો સરકારને એ ખાતરી કઈ રીતે છે કે વિદ્યાર્થી શિક્ષકના સીધા સંપર્કમાં નથી તો પણ, ખરેખર શિક્ષણ પામશે જ?

માબાપને શું છે કે આમ રખડે છે કે ટી.વી.ની મેથી મારે છે તો છો થોડું ભણી ખાતો. એમને એમાં રસ નથી કે સંતાનો ખરેખર ભણે. એમને તો એટલું જ છે કે ઓનલાઈન શિક્ષણને નામે સંતાનોની કટ કટ ઘટે તો ય ઘણું. એમને એ ભાન નથી પડતું કે ત્રણ ચાર વર્ષનું છોકરું ઓનલાઈનમાં કૈં શીખ્યું છે કે નહીં તે જાણ્યા વગર, શિક્ષકે આપેલું હોમવર્ક કેવી રીતે કરાવવું? નાનાં સંતાનોને ઓનલાઈન હોમવર્ક આપવા જેવું મોટું પાપ નથી. ઓનલાઈનને નામે બેવકૂફ પંડિતો પેદા કરવાની સ્કૂલોને ચળ ઊપડી છે ને આ આખો વેપલો સરકારની દેખરેખમાં આર્થિક લાભ ખાટવા જ ચાલતો હોય એવું લાગે છે. શિક્ષણને જોખમે બધાંને કમાઈ લેવાની ધાડ પડી છે. આ શિક્ષણ નથી પણ સર્વગ્રાહી ભક્ષણ છે. એના કરતાં તો બધી શરતો સાથે સ્કૂલો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં ઓછું જોખમ છે. આમે ય લોકોને ખર્ચે ને જોખમે બધું ચાલે જ છે તો સ્કૂલો ચાલુ ન કરવાનું નાટક શું કામ? આપણને શિક્ષણની બહુ ચિંતા હોય તેમ સ્કૂલોને બંધ રાખી છે, પણ ઓનલાઈન શિક્ષણને નામે આપણને  શિક્ષણ સિવાયની જ ચિંતા છે એ સાબિત થઈ રહ્યું છે તે સમજી લઈએ તો સારું, જેથી આરોગ્ય અને શિક્ષણને નામે છેતરાયાનો આઘાત ઓછો લાગે.

0

e.mail : [email protected]

Category :- Opinion / Opinion