મુશ્કેલ સમયમાં (28)

સુમન શાહ
30-06-2020

= = = = સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે. તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે - એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં. = = = =

= = = = સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય … = = = =

આ લેખમાળાનું શીર્ષક છે, આ મુશ્કેલ સમયમાં; પણ તમને કહું, કેટલાક લોકોને આ સમય મુશ્કેલ નથી લાગતો. કોરોના વૉરિયર્સ તો ખુલ્લેઆમ દિવસ-રાત જે દિશામાં એમના જીવડાને હખ પડે ત્યાં નીકળી પડતા હોય છે. મેં હમણાં જ જાણ્યું કે કેટલાયે અમરિકનોને બીચ પર ગયા વિના ચાલતું જ નથી. મૉલમાં ન જવાય એ દિવસે એમને પેટમાં દુખે છે. Six Flags પર જઈને રોલર કોઅસ્ટર અને થ્રિલ્લ રાઇડ્સની મજા લૂંટવી જ હોય છે - કોરોનાની ઍસીતૅસી !

મેં હમણાં મારા મિત્રની પત્નીને કહ્યું : આમ સવાર-સાંજ ખાવાનું બનાવવાનું મને ગમે છે ખરું પણ બહુ અઘરું પડે છે. તો કહે, અઘરું છે પણ ગમે છે ને, તો સમજી જાવ, ધીમે ધીમે રાગે પડી જવાશે - અમને સ્ત્રીઓને તો અઘરું જે કંઈ છે એ બધું જ કોઠે પડી ગયું હોય છે. મને કહે, આ કોરોનાને સમજવાની ને રસી શોધવાની બધી ભાંજગડ નક્કામી મગજમારી છે. સમજો તો કોરોનામાં ય એક જાતની મજા છે, અલબત્ત, એક જાતની. ઘરમાં ચૉવીસે કલાક બધાં સાથે ને સાથે. તમારા ભાઈબંધ તો મારી હારે ને હારે જ હોય છે પણ દીકરાઓ, દીકરા-વહુઓ ને પોતરાં, એ ય તમારે જલસો, બહુ લ્હૅર પડે છે. અઘરું કશું હોતું જ નથી સુમનભાઈ, તમારા લેખો ય કેટલા સરળ હોય છે, બને તો, મથાળું બદલીને ‘આ સરળ સમયમાં’ કરી દો ... હું હસી પડ્યો …

તે વખતે મારી નજર બારી બ્હાર હતી. રસ્તાઓ સૂમસામ હતા, વાહનોનું ચીંચીંપીપી તો, આમ લખું ત્યારે જ યાદ આવે છે. મને એ શાન્ત માહોલ ગમવા લાગેલો … થયેલું કે આવું ને આવું રહે તો કેવું સારું … દુષ્ટ વિચાર, આમ તો …

પણ સુથારનું મન બાવળિયે હોય એમ હું ‘સાહિત્યમાં અઘરું ને સ્હૅલું’ પર જઈ બેઠો. મારા લેખો મિત્ર-પત્નીને તેમ બીજાં ઘણાંને સરળ લાગે છે, પણ કેટલાકોને નથી લાગતા, અમુકોને તો ક્યારે ય નથી લાગતા. આ વાતમાં આ ક્ષણે મને એક હૂજકો પડે છે - સમજ - અન્ડરસ્ટૅન્ડિન્ગ. એમ કે, સાહિત્યકારો ત્રણ પ્રકારના હોય છે.

એક એવા કે એમનું સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ તો આપે જ. એમનામાં આપણો કશો ગજ વાગે નહીં પણ એમની સૃષ્ટિમાં આપણને મજા તો પડે જ. અને બીજા એવા કે એમનું સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે. પણ ત્રીજા એવા કે સમજાય અને આનન્દ પણ આપે.

જેમ કે, બાણની ‘કાદમ્બરી’ -માં કશું ઝટ પલ્લે ન પડે, શબ્દગુચ્છોની વેલ વિસ્તર્યા કરતી હોય, તે, મૂળ વાત તો છેક પાંચમા પાને પૂરી થાય ! પણ એ શબ્દલીલા આપણને અભિભૂત કરી દે. શ્રીહર્ષના ‘નૈષધીયચરિતમ્’-ના કેટલાક શ્લોકને સમજવાનું કઠિનતમ, કેમ કે એવા કોઈ શ્લોકના તો પાંચ પાંચ અર્થ થતા હોય ! શિક્ષક પણ કવિના જેટલો જ પાણ્ડિત્યપ્રેમી હોય, તે એવા એક જ શ્લોકની ચર્ચામાં પીરિયડ પૂરો કરે ને નર્યા ઉત્સાહથી બધું બતાડે ત્યારે આનન્દ, કદાચ થાય. પણ સંસ્કૃત ભાષાનો એ વૈભવ જોઈને આપણી છાતી ફૂલે અને આપણે વગર સમજ્યે બસ ખુશ થયા કરીએ. ગીતાંજલિ’-ની કોઈ કોઈ રચનાઓ સમજાય બહુ મૉડેથી, પણ હમેશાં સંતોષ અને આનન્દ આપે, વાતમાં આપણો જીવ ઠરે. ‘સરસ્વતીચંદ્ર’-ના ત્રીજા-ચૉથા ભાગનું વસ્તુ ઘણું મૂલ્યવાન ભાસે પણ આનન્દ ન આવે તે ન જ આવે. ચિન્તક ગોવર્ધનરામ માટે માન થાય પણ સર્જક ગોવર્ધનરામની શોધ કરવા નીકળીએ તો આપણે ઘાંઘા થઈ જઈએ. એ ત્રીજા-ચૉથા ભાગના કોઈ વિશિષ્ટ વિદ્વાન બધું સમજાવે, તો થાય.

પણ બીજા સાહિત્યકારો કે જેમનું સાહિત્ય સહેલું લાગે છે, સમજાય છે, તેમનાં નામ કે કામનો શો મહિમા કરવો? એઓ તો પહેલા જ વાચને પમાઇ ગયા હોય છે ! એઓની સૃષ્ટિથી આનન્દ નથી મળતો, ફુરસદનો સમય આરામથી પસાર કરી શકાય છે. નૉંધપાત્ર વાત એ છે કે દુનિયાભરનાં સાહિત્યક્ષેત્રોમાં આ બીજા પ્રકારના લેખકો સંખ્યાબંધ હોય છે. ઘણી વાર તો એમ લાગે કે એમની હાજરીને કારણે જ સાહિત્ય વાજતું-ગાજતું રહે છે.

પણ, કાલિદાસ. એમનું ‘મેઘદૂત’ સમજાય પણ ખરું, આનન્દ પણ આપે. કબીર અઘરા તો ન જ લાગે, હમેશાં સમજાય અને સાતા આપે. સૉનેટકાર શેક્સપીયર ક્યારેક જ અઘરા પડે, પણ ચારમાંની બે ટ્રેજેડી - ‘હૅમ્લેટ’ અને ‘ઑથેલો’ જેટલી સમજાય, એટલો આનન્દ પણ આપે. કામૂ કાફ્કા હૅમિન્ગ્વે હમેશાં સમજાય, હમેશાં આનન્દ આપે. વર્તમાન ગઝલસર્જકોની તુલનામાં ગાલિબ મુશ્કેલ લાગે, પણ ગમે ઘણા. હું પ્રૉફેસર ઇમેરિટ્સના મારા એ સમયગાળામાં ઉમાશંકરની પદ્યરચના પર સંશોધનકાર્ય કરતો’તો. ત્યારે ઘણા મને પૂછે કે તમને સુન્દરમ્-ની પદ્યરચનાઓ સરળ નથી લાગતી? હું કહેતો કે હાલ તો હું ઉમાશંકરમાં છું, પછી વાત કરશું. સુરેશ જોષીની સૃષ્ટિમાં ઘણાઓને સમજ નથી પડતી પણ એમને મજા જરૂર પડે છે - ‘છિન્નપત્ર’ને ચૂસ્યા જ કરે, પાનાં પછી પાનાં ભલે ફરતાં જાય. આવાં બીજાં અનેક દૃષ્ટાન્તો ઉમેરી શકાય.

આ વાત સંગીતકલાને પણ લાગુ પડે છે. શાસ્ત્રીય સંગીતમાં, સાચું કહીએ તો, ઘણાઓને કશું સમજાતું નથી પણ એમનાં માથાં તો ડોલતાં હોય છે. આ વાત ચિત્રકલાને પણ લાગુ પડે છે. મૉડર્ન, ઍબ્સ્ટ્રેક્ટ, પેઇન્ટિન્ગમાં માણસને કશી ગતાગમ ન પડે, પણ તાક્યા કરે. શ્રીમન્તો એવાં ચિત્રો ખાસ ખરીદે છે ને ઘરની દીવાલ પર લટકાવીને કલાપોષક હોવાનો ગર્વ અંકે કરે છે.

આ વાત તત્ત્વચિન્તનને પણ લાગુ પડે છે. ઇમાન્યુએલ કાન્ટને સમજવા અને માણવા માટે બહુવિધ વ્યાયામની જરૂર પડવાની. નિત્શે બીજે તો ઠીક પણ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં સમજાય અને આનન્દ પણ આપે. સાર્ત્ર એમની નવલ ‘નૉશિયા’ વગેરે સર્જનાત્મક કૃતિઓમાં સમજાય અને આનન્દ પણ આપે, બાકી, તત્ત્વચિન્તક સાર્ત્રને પામવા તમારે કોઈને ગુરુ કરવા પડે કે પછી જાતે ગુરુ થઈને મથવું પડે. શોપનહાવરને, હાઇડેગર કે હ્યુસેર્લને, દેરિદાને, ફૂકોને કે બાદિયુને સમજવા માટે પણ ઘણી બધી વિદ્વદ્ત્તાસભર વ્યક્તિઓના માર્ગદર્શનની જરૂર પડે.

પણ આ બાબતે લેખાંજોખાં ન મંડાય, સરખામણીઓ ન કરાય. જેમ કે, નર્મદ અને દલપતની કે પ્રેમચંદ અને ‘અજ્ઞેય’-ની આ પરત્વે સરખામણીઓ ન જ થાય. પત્રકાર ચન્દ્રકાન્ત બક્ષીને કયા પત્રકાર સાથે સરખાવવા? હમેશાં સમજાય ને આનન્દ આપે. ઘણી વાર તો ગુસ્સો દાખવીને કે ચીડવીને પણ તમને રાજી કરી દે. આ પરત્વે, કિશોર જાદવ અને શિવકુમાર જોષીની તુલના ન કરાય, જેમ રામનારાયણ પાઠક અને જયન્તી દલાલની ન કરાય. સમજાય એવું છે કે ગની દહીંવાળા અને રમેશ પારેખની પણ આ વિષયે, તુલના ન જ કરાય.

તમને કહું, જાણ્યે-અજાણ્યે સાહિત્યકારો અઘરાની સાધનામાં જ વ્યસ્ત હોય છે. જુઓ, વિદ્વદ્પ્રિય લેખકો લોકપ્રિયોને એ કારણે જ ગણકારતા નથી. પોતાનાં લેખનો ન સમજાય તેને ગુણ ગણે છે ને લોકપ્રિયોનાં સમજાય તેમાં અવગુણ જુએ છે. તમને એ પણ કહું કે એક લોકપ્રિયની બીજા લોકપ્રિય જોડે સરખામણી ન કરાય. કેમ કે, દરેક લોકપ્રિય પોતાને અંદરખાને કંઈક તો વિદ્વત્તાતરફી ગણતો જ હોય છે. બાજુવાળા લોકપ્રિયને એ ગણકારતો નથી - એમ કે એની લોકપ્રિયતા ગ્રામ્ય છે, છીછરી છે.

વગેરે વગરે દાખલાઓ ઉમેરીને સાહિત્યમાં આ અઘરું ને સ્હૅલું-ની વારતાને બહેલાવી શકાય.

મૂળ વાત હતી કોરોનાની. એનો સાર એ છે કે કોરોના અઘરો છે, ન સમજાય એવો છે, એમાં આનન્દ કે મજાને તો જગ્યા જ નથી, બલકે રોજે રોજનાં મૉતથી એણે માનવસંસારને કલુષિત કરી મેલ્યો છે. એ જાય એ માટે એને કે એના મોકલનારને માત્ર પ્રાર્થના જ કરી શકાય છે.

બીજી વાત આ હતી, સાહિત્યની. એનો સાર એ છે કે સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે.

તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે - એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં.

સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય …

= = =

(June 30, 2020: Ahmedabad)

Category :- Opinion / Opinion