આજકાલ

મનીષી જાની
27-06-2020

આજકાલ
ક્યારેક એવું લાગે છે કે
હું માણસ છું, છું જ.
ક્યારેક એવું લાગે છે કે
મારે પાંખો છે.
ચીં ચીં કરતાં ચકલાં જેવી
બે જ નહીં, ઘણી બધી.
ગગન ગજવે એવી ઘણી બધી પાંખો.
ક્યારેક એવું લાગે છે કે
મારી પાંખો કોઈક કાતરી રહ્યું છે,
મારી આંખોમાં એકાએક મરચું છાંટી ને
કે
બે-ચાર ધોલધાપટ કરીને
કોઈ મારી પાંખો હળવે રહીને
કાતરી રહ્યું છે.
ક્યારેક એવું લાગે છે કે
હું જ મારી આંખો પર પટ્ટા બાંધીને,
હું જ મારી પાંખો ધીમે ધીમે કાપી રહ્યો છું.
કપાતી પાંખોની કતરણ હવામાં ઊડી રહી છે,
અને હું ચૂપચાપ જોયાં કરું છું.
ક્યારેક એવું થાય છે કે
બૂમો પાડું, ચીસો પાડું, બેફામ ગાળોનો વરસાદ વરસાવું.
ક્યારેક એવું થાય છે કે
મારી જીભને પાંખો ફૂટે,
ફડ ફડ કરતી ખૂલે ...
આજકાલ ક્યારેક એવું થાય છે કે ...
.

(26 જૂન 2020)

Category :- Poetry