અશાંત મૌન

અશોક ચાવડા ‘બેદિલ’
26-06-2020

શું શાંત?
હા, હું શાંત ...
પણ તું ...
બોલ ને તું ...
કેમ તું શાંત?
નથી - ગોડફાધર, ગોડમધર કે ગોડબ્રધર
નથી - રંગબેરંગી પાઘડી, પાલવ કે ફીધર
સાચે જ સઘળું શું શાંત હોય છે?
અહીં પણ શું કાસ્ટિંગ કાઉચ હોય છે?
કાવ્યમહોર પહેલાં મીઠું આઉચ હોય છે!
કવિતામાં ભલી વાર ન હોય
પણ પૂંઠ પર ગ્રાન્ટેડનો થપ્પો જોઈએ ગાંધીનો
‘પ્રસ્તાવ’ ના હોય તો ‘પરિતોષ’ ના હોય આંધીનો
પરિતોષક પંપાળે પારિતોષિક સુધી.
કવિતા દેવી
કવિતા લેવી
કવિતા કહેવી
કવિતા સહેવી
મુદ્દામાં ચર્ચાય
મુદ્રામાં વેચાય
કવિતાનું એવું કદી કળી ખીલે કદી ફૂટે પાન
કોઈને પ લખી
કોઈને પા લખી
કોઈને પિ લખી
કોઈને પી લખી
એમ બારાક્ષર બસ લખી લખીને
ખીલે ને ખીલે બંધાય
શાહીમાં લોહી ગંધાય
એ પછી મનગમતો ઢાળ
એ પછી થનગનતી જંજાળ
કોને કોને કહેવું કે જરા સંભાળ
હાક થૂ ... આવું હોવું કેવળ ગાળ
કવિની પેઢી કવિ જ ન હોય હંમેશાં
કવિને સીધી લીટીનો સદા ન હોય વારસદાર
પણ કવિને આકા હોય
કોઈને કાકી કે કાકા હોય
અને એ હોવાનાં ફાંકા હોય
અરે, કોઈ કોઈને તો ગજાં મુજબનાં ઉપવસ્ત્રનાં તાકા હોય
મંચ મુજબનાં, લંચ મુજબનાં, પ્રપંચ મુજબનાં
એક એવું વર્તુળ જેમાં ઘૂસ્યા કે બધું ધૂળ ધૂળ ધૂળ
હા, ધોળામાં ય ધૂળ પડે કે
કદી એટલે ઊંડું મૂળ સડે કે
ઓલ્યું આનંદ બક્ષીએ કહ્યું છે ને ...
‘બાહર સે કોઈ અંદર ન જા સકે
અંદર સે કોઈ બાહર ન જા સકે’
કરવત ક્યાં જઈ મેલાવું તો જવાબ : કાશી
અવૉર્ડ કોને અલાવું તો ગુલાબ : માશી
જવાબ ઉત્તર
મૂતર મૂતર
કોઠાકબાડા છૂમંતર
બસ ...
એવું જ કંઈ ચાલે છે હે ભ્રમિતા દેવી
સરસ્વતીજીનાં સાધકો અને લક્ષ્મીજીનાં આરાધકો વચ્ચે
કોઈ ચાલી રમે કે કોઈ દોટી રમે
કોઈ લખોટે રમે કે કોઈ લખોટી રમે
પણ રમે રમલમાં
આગવા અમલમાં
મંદાક્રાંતામાં
ધોમધખતા તડકામાં
મંદ મંદ શાતામાં
જેવી જેની હોંશ
જેવી જેની પહોંચ
બસ હોંચી હોંચી હોંચી
વારફરતી પડાવવાનું ઘોંચી
ઉંમરનાં ઊગતા પડાવે
ઉંમરનાં ઢળતા પડાવે
બસ પડાવે
કોઈને કોઈ પડાવે
કોઈને એકાવન અની
કોઈને બાવન બની
કોઈને ત્રેપન કની
મળતી રહે છે બેઠક
કોણ કોની કઠપૂતળી
કોની દોરી કોનાં હાથમાં
કોણ કોનાં સાથમાં
કોણ કોની બાથમાં
સાલ્લા, સવાલો ... સવાલો ... સવાલો ...
કોણ કોનો દવલો ને કોણ કોનો વહાલો ...
ખૈર,
શબ્દખાસડાંને થીંગડાં મારીમારીને સાંધી રાખવાના
કોઈને ખુલ્લા ઢાંકવાના તો કોઈને બાંધી ચાખવાના
અને રાહ જોયા કરવાની મૂર્ધન્ય શબ્દગીધની
જે ચૂંથે રાખે કવનશવ અંતિમ વસ્ત્રાહરણ સુધી
હવે
તું શાંત!
હું શાંત!
શું શાંત?

(‘અશ્કાનાં ચપ્પાં’, કટાક્ષકવિતાસંગ્રહ, પ્રકાશ્ય)

https://www.facebook.com/ashokchavdabedil/posts/3345700685454066

Category :- Poetry