કડવીબેનનું ગીત

રાધિકા પટેલ
26-06-2020

'કડવી' તે લીમડાની ડાળ;
સાચ-સાચ બોલવાની જીદે મૂકી છે કડવીની જીભે જંજાળ,
'કડવી' તે લીમડાની ડાળ ...

સીધા ઉતારીને લાવી છે ઝાડથી, તાજાં છે 'કડવી'નાં વેણ;
ના ચાખ્યા, ના જોખ્યા, ના બાંધ્યા, ના સાંધ્યા કે 'કડવી'ને આવડે ન રેણ.
ઊંડું હોય પાતર તો ઝીલી પણ લે, એક છીછોરાએ દઈ દીધી ગાળ,
'કડવી' તે લીમડાની ડાળ ...

'કડવી'ના બોલને મોહરાં, મુખોટાં, ના પહેરાવ્યાં કોઇદી'યે વાઘા;
છતરાયા ચાલે છે પળકોરાં કડવીથી, ખીદમતિયાં આઘા ને આઘા.
'કડવી' તો સાવેય ઊઘાડો અરીસો કે શાણાંઓ રાખે સંભાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

ઠળયાવી ચોકલેટું વેચી-વેચીને,આજ તગડાં થયા છે કંદોઈ;
પડઘામાં પથરાં લઇ પાછી ફરી છે આ 'કડવી' છે કરમી કળોઈ.
'કડવી'ની કથનીનો આવે ના પાર, એની જીભે બેઠો છે વેતાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

e.mail [email protected]

Category :- Poetry