"ટોળું અને સત્ય"

રાધિકા પટેલ
23-06-2020

એ લોકો
'સત્ય'ને એક પાત્રમાં લઇ
પીગાળે છે.
પછી, એક બીબામાં ઢાળી
બનાવે છે -
નવું 'સત્ય'.
'સત્ય'
હવે, કોઈ પદાર્થ નથી;
છે માત્ર આકાર ..!!
*
ટોળાંમાંથી એક પથ્થર આવ્યો છે.
પથ્થર કોણે ફેંક્યો -
જાણવું છે સત્ય. 
શું ગાયબ કરી શકાય ?-
દુનિયાના બધાં જ પથ્થર ..!!
*
એક ટોળું
તલવારો લઈને 'એ'ની પાછળ પડ્યું;
હાંફતું-ફાંફતું 'એ'
આવીને લપાઈ ગયું - મારી પાછળ,
અને હું - 'સત્ય'ની પાછળ ...!
કોણ-કોને બચાવશે ?
*
એ જાદુગર (ટોળું)
“આબરા … કા ડાબરા ..."કહીને,
જાદુગરી બોટલમાંથી
કાઢ્યાં કરે છે -
અવનવાં 'સત્યો'.
મને આશ્ચર્ય થયાં કરે છે
એને બોટલમાં નાખ્યાં કોણે ?
*
ટોળું પરણીને લાવ્યું -
'સિદ્ધિ' નામની રૂપયૌવનાને.
કોઈએ એના હોઠ ચૂમ્યાં,
કોઈએ સ્તન,
તો કોઈએ .....
બધાએ ભોગવી એને -
વારાફરતી.
સવારે 'મોઢું' જોવાનો રિવાજ;
લોકો આવે ... ને જુવે “વાહ …. કેટલી સુંદર"
'સત્ય' પણ આવ્યું એને જોવા;
ઘૂંઘટ ઉઠાવીને જોયું તો ગાયબ હતી -
એની આંખો ..!!
*
ટોળાંને મળ્યાં છે
કેટલા ય ‘હાથ' ...
કેટલા ય ‘પગ' ...
અને કદ કરતાં પણ લાંબી - 'જીભ'.
જે ટોળાંને નથી મળી, એ -
'સત્ય'ને મળી છે -
માત્ર 'આંખો'.
*
મારી સામે જામી રહેલો
મેળો.
સમૂહગીતોનો બુલંદ નાદ ....!
પણે .. દૂર પેલી દેરીમાંથી સંભળાય છે
પ્રાર્થના.
મેળામાં જઉં કે મંદિરે ?
*
સહેજ અદ્ધર માટલીમાં છે -
સઘળાં સુખ.
આંબી તો જવાય;
એકબીજાની પીઠપર પગ મૂકી,
દોથો ભરી લેવાનો -
વારાફરતી.
પણ,
હું જોયા કરું છું -
આકાશ સુધી લંબાયેલી પાતળી દોરી પર -
ચડતી, પડતી અને ફરી ચડતી
'કીડી'ને.
છેવટે, પહોંચવાનું ક્યાં ?

e.mail : [email protected]

Category :- Poetry