ચાર દાયકા પછી ગુજરાતી દલિતકવિતાના નવા સ્વરૂપે દર્શન

ભી.ન. વણકર
19-06-2020

બી / ઉમેશ સોલંકી

'તું છે કોણ?'
હું? 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ
હશે મને અઠ્ઠાવીસ ડાળ
બધ્ધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ
ત્યારે 
છાંયડે મારા આવીશ તું
તો હું 
નહીં પૂછું
તું છે કોણ?
કારણ 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી.

ઉમેશ સોલંકી ‘નિર્ધાર' નામના માસિકના તંત્રી છે. નવોદિત કવિ છે. ભારતીય સમાજવ્યવસ્થામાં સૌપ્રથમ પુછાતો પ્રશ્ન, ‘તું છે કોણ?’ જેમાં પ્રદેશ, ભાષા કે ધર્મ નહીં પણ જાતિ પુછાય છે. કેટલાક ગ્રામીણ પ્રદેશમાં ‘કુણ બીના છો?’ જેવી પ્રાદેશિક બોલીમાં પુછાય છે, જેમાં ચાતુર્વર્ણનો નિર્દેશ સહજ પ્રગટ થાય છે. મરાઠી કવિવર કેશવસુત દલિતોના પક્ષધર બની બિનદલિત સમાજને પૂછે છે, ‘શા માટે પૂછો છો તમે કોણ?’ પછી જવાબમાં કવિ કહે છે, ‘આ અમે જ છીએ જેમના સર્જને અમૃત વરસાવ્યું, આ અમે જ છીએ જેમણે તમને માંગલ્યનું શરણ આપ્યું.’ 

અહીં ‘તું છે કોણ?'નો પ્રત્યુત્તરમાં કવિ ‘હું?'ને પ્રશ્નાર્થંમાં મૂકે છે, વ્યવહારમાં ‘તું' અને ‘હું’ અહીં જાતિપરખ પરિચય કે પછી તારું 'અસ્તિત્વ શું?’ ઘડીભર કવિ પોતે પણ ‘હું’ને પ્રશ્ન પૂછે છે. ‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘શિવોહમ્’ જેવો કોઈ આધ્યાત્મિક સવાલ નવી કે ‘પ્રશ્નોપનિષદ'નો કોઈ પ્રશ્ન નથી. કવિ કોઈ પ્રતિદોષ કે પ્રતિઘોષ કરવાને બદલે પોતાની એક નવી ઓળખ વ્યક્ત કરે છે, 

‘હું સદીઓથી 
ધરામાં ખદબદતું બી 
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ' 

ઊગવા માટે અવકાશ શોધતા, ધરામાં ધરબાયેલા બી સાથે પોતાની ઓળખ વ્યક્ત કરે છે. બીમાં રહેલી ક્ષમતા, સર્જકતા અને પ્રગટ હોવાપણાની સજીવી શક્તિ અસીમ છે. અહીં આકાશી વાત નવી, ધરતી પરની વાત છે. બી વૃક્ષ નથી બની શકતું, કારણ, તેને અવકાશ નથી મળ્યો. 'ઐતેરેય ઉપનિષદ’ના ઋષિ ઐતેરેયમુનિ માતાને પૂછે છે, ‘બીજા બાળકોની-ભાઈઓની જેમ મને મારા પિતા વહાલ નવી કરતા?’ ત્યારે ઈતરા કહે છે, ‘બેટા, આપણે ધરતીપુત્ર છીએ.’ ધરતીમાં રહેલી ફળદ્રૂપતા સર્જનત્વ અને બીમાં રહેલી વૃક્ષ પ્રગટવાની ક્ષમતા આ બધું ય હોવા છતાં કવિ કહે છે, ‘મળશે સ્હેજ અવકાશ ...' અને આ અવકાશ સાથે કવિ કહે છે ‘સદીઓથી’, અહીં કવિ નિજી સમસ્યાના તમામ સંદર્ભ વ્યકત કરે છે, દલિતોમાં રહેલી ક્ષમતા અપાર છે, પરંતુ દલિતોને વિકસવા માટે, પ્રગટ થવા માટે અવકાશ મળ્યો નથી અને તે ય સદોઓથી ... બીનું પ્રતીક લઈ કવિ અનેક ગર્ભિત સૂચિતાર્થો કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે. 

બીજી ટૂંકમાં કવિ કહે છે, 

‘હશે મને અઠ્ઠાવીસ ડાળ 
બધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ' 

અહીં અઠ્ઠાવીસ ડાળનો ઉલ્લેખ કરીને દેશનાં અઠ્ઠાવીસ રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે. આમ, આ વૃક્ષને રાષ્ટ્રીય ફલક મોકળી હળવાશ હશે પછી તો બધાં જ પાનમાં વહાલ નીતરતી ભીનાશ હશે. વૃક્ષ તેનાં ડાળે-ડાળે અને પાંદડે-પાંદડે ખીલી ઊઠશે. સમગ્ર રાષ્ટ્રમાં તે ફેલાયેલું હશે. રાષ્ટ્ર દેવો ભવ:! 

રાષ્ટ્રદેવતાને નમસ્કાર કરનાર નાગરિક બાબાસાહેબના શબ્દોમાં કહીએ તો, ‘હું પ્રથમ ભારતીય છું અને પછી પણ ભારતીય છું.' આમ, ભારત-રાષ્ટ્રની ભાવનાથી ભીંજાયેલો નાગરિક સોળે કળાએ ખીલી ઊઠ્યો હશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આવનાર યુગ દલિતશક્તિનો હશે'. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમની ‘રથયાત્રા' રચનામાં કહે છે, ‘રાષ્ટ્રીય રથના કર્ણધાર શૂદ્રો હશે’ આવી કંઈક જીજીવિષાનાં કારણોસર બીમાંથી વટવૃક્ષ બનવાનાં સ્વપનાં સેવે છે અને ત્યારે કવિ કહે છે, 

‘છાંયડે મારા આવીશ તું 
તો હું, 
નહીં પૂછું 
તું છે કોણ?’ 

આજે દલિતો તરફ તિરસ્કારની ભાવનાથી પૂછવામાં આવે છે તે રીતે દલિતો નહીં પૂછે કે,

‘તું કોણ છે?’ 

અહીં સમભાવ, સદ્ભાવ મને સમરસતા (?) વ્યક્ત થાય છે. ‘ગીતાંજલિ’માં રવીન્દ્રનાથ કહે છે, ‘હે મારા દેશ, તેં જેમને તિરસ્કાર્યા છે, અપમાન કર્યા છે તે તારે ભોગવવા ૫ડશે.’ દલિતસાહિત્ય વિદ્રોહ, અને પ્રતિશોધની ભાવનાથી પ્રગટ થયું છે એવું આ કવિ માનવાનું ના પાડે છે. ગુજરાતી દલિતકવિતાના આજે ચાર દાયકા પછી નવાં દર્શન થાય છે પ્રતિશોધ નહીં પણ બંધુતા, સમાનતા અને સ્વતંત્રતા સૌ માટે હોવાનું કવિ અહીં પ્રગટ કરે છે. તું મને હુંના કારણે તો ‘સાબાર ઉ૫૨ માનુષ સત્ય' (ચંડીદાસ) જેવું સનાતન સત્ય ભુલાઈ ગયું છે. રવીન્દ્રનાથ ટાગોરે યથાર્થ જ કહ્યું છે, ‘આપણી સંસ્કૃતિ ત્યારે જ એની પૂર્ણતાને પામે છે જ્યારે માનવતાને પ્રગટ કરે છે ... માનવજગતને યાતના સહન કરવી પડે છે કારણ કે અનેકવિધ ગતિ તાલબદ્વ નથી.’ આમ, કવિ ઈચ્છે છે કે હું સદીઓથી ધરામાં ખદબદું છું તેમ અન્યને નસીબે ના હો! તેમ છતાં સદીઓની યાતના કોઈ એક રાતમાં પૂર્ણ ના થાય, 

આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે
આમ જો તું સાંભળે, તો એક ક્ષણની વાત છે
એક રાતાચોળ ગુલમહોરે જે આરંભી હતી
હવે અનાદિકાળથી મ્હોરેલ વ્રણની વાત છે

                                                   - ભગવતીકુમાર શર્મા

આ વ્રણને વર્ણવવા બેસીએ તો યુગો વીતી જાય, પરંતુ ક્ષણમાં પૂર્ણ કરવી હોય તો માનવતા, બંધુતા અને પ્રેમ પૂરતો છે. આ ભાવનાથી બંધાયેલી પ્રજાની નાતો છે પરિણામે રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. કવિ કરસનદાસ માણેક્ના શબ્દોમાં કહીએ તો, 

‘નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે, 
બસ એને કારણે આ ઘરતીમાં રહેવું ગમે છે.’

આમ, કવિ સમગ્ર કવિતામાં દલિતોમાં રહેલી ‘વૃક્ષ' બનવાની અમાપ ક્ષમતાને વ્યક્ત કરે છે, જેમાં રાષ્ટ્રભાવના, માનવતા અને બંધુતાની વાત કરીને દલિતકવિતા એ પ્રતિશોધની નથી, પરંતુ રાષ્ટીય ભાવનાથી રંગાયેલી માનવીય સમરસતાની (?) કવિતા છે તે અહીં ‘બી'ના કલ્પન દ્વારા કવિએ સુપેરે વ્યક્ત કરી છે.

(પ્રગટ : 'દિશા' 15 સપ્ટેમ્બર, 2009)

Category :- Opinion / Literature