ભેટ

આશા વીરેન્દ્ર
16-05-2020

કોઈ સ્વપ્ન સુંદરી જેવી મોહક, ચમચમાટ કરતી, નવી-નક્કોર ગાડીને હાથ લગાડતાં હાર્દિકને રોમાંચ થઈ આવ્યો. આ ગાડી એણે ખરીદી લીધી છે, એની પોતાની થઈ ગઈ છે, એ હકીકત હોવા છતાં; એને ગળે વાત નહોતી ઊતરતી. ફરી ફરીને ગાડી પર હાથ ફેરવી રહેલા આ ગ્રાહકને જોઈને, તરવરિયો સેલ્સમેન એની પાસે આવ્યો,

‘સર, આ ગાડીના માલિક બનીને કેવું અનુભવો છો?’

‘અદ્ભુત, આ ઘડીએ હું શું અનુભવી રહ્યો છું એ હું શબ્દમાં વર્ણવી શકું એમ નથી.’

‘એની વે, કોંગ્રેચ્યુલેશન્સ, સર; પણ શું હું પૂછી શકું કે, આ ગાડી તમે કોઈને ગિફ્ટ કરવાના છો? જો એવું હોય તો અમે અમારા તરફથી સુંદર બૂકે અને કેક આપવા માગીએ છીએ.’

‘ગિફ્ટ? હા ... એટલે કે ના, એવી કંઈ જરૂર નથી. ઈટ્સ ઓ.કે.’

હાર્દિક ઈલેક્ટ્રીસિટી કંપનીમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. હવે રિટાયર થવાને આરે પહોંચ્યો ત્યારે, એ કાર લેવાનું પોતાનું સપનું સાકાર કરી શક્યો હતો. એ આનંદની સાથે સાથે, અત્યારે ગાડી ચલાવતાં ચલાવતાં, એ ઘરે પહોંચ્યા પછીની પરિસ્થિતિ વિશે વિચારી રહ્યો હતો.

આટલાં વર્ષોમાં પોતાની પત્ની હેતલને, એ કદી જન્મદિન કે લગ્નદિનની ભેટ નહોતો આપી શક્યો. જો કે, એણે ક્યારે ય માંગણી પણ નહોતી કરી. તે છતાં એની ઉદાસ આંખોમાં અપેક્ષા ડોકિયાં કરતી દેખાતી. આજે ગાડી જોઈને હેતલ નવાઈ પામીને કહેશે :

‘કોઈને પૂછ્યા-ગાછ્યા વિના નવી ગાડી લઈ લીધી? શું જરીર હતી? જિંદગીની અડધી બચત આમાં ખર્ચી નાખી! તમારું કામ તો સ્કૂટરથી ય ચાલી જાત.’

એની વાત સાવ સાચી; પણ આ ગાડી તો એણે વર્ષો પહેલાં, પોતાની જાતને આપેલું વચન પૂરું કરવા લીધી હતી. આજે પણ એ દિવસ એની સ્મૃતિમાં એવો ને એવો અકબંધ હતો.

પોતે કદાચ બારેક વર્ષનો હતો. સાંજના સમયે શાળામાંથી આપેલું લેસન કરી રહ્યો હતો.

પપ્પા પણ મીલમાંથી આવી ગયા હતા. મમ્મી સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી ને અચાનક જ પસીનાથી લથબથ થઈ, બહાર આવી મમ્મી સોફા પર ફસડાઈ પડેલી.

‘મને બહુ ગભરામણ થાય છે. સહન નથી થતું. જલદી કંઈક કરો ...’ બહુ કષ્ટપૂર્વક એ બોલી હતી. પપ્પા આકળ-વિકળ થઈ ગયા હતા.

‘હાર્દિક, આ તો હાર્ટ એટેક લાગે છે. મમ્મીને તાબડતોબ હૉસ્પિટલ લઈ જવી પડશે. તું દોડ. સામેના બંગલામાં રહેતા ખન્ના સાહેબ પાસે મોટર છે. એમને વિનંતી કર કે તારી મમ્મીને લઈ જવા મોટર આપે.’

ત્યારે તો ઘરે ઘરે ફોન પણ નહોતા ને આજની જેમ સહેલાઈથી એમ્બ્યુલન્સ પણ ન મળી શકતી. બાવરો બાવરો એ પહોંચ્યો, ત્યારે ખન્ના સાહેબ ગાડીમાં બેસવા જતા હતા. આંખોમાં આંસુ સાથે એણે વાત કરી. એ સાંભળીને એમણે કહેલું,

‘વેરી સૉરી, આય એમ ગેટીંગ લેટ. મારે અગત્યની મિટિંગ છે.’ પછી ગાડીનું બારણું જોરથી પછાડતાં ડ્રાઈવરને કહેલું, ‘ગાડી એમ.જી. રોડ પર લઈ લે.’ પછી ધીમેથી બબડેલા, ‘ભીખારી સાલ્લા ...!’

એમના છેલ્લા શબ્દો તિક્ષ્ણ કટારીની માફક એનાં હૈયામાં ખૂંપી ગયા હતા. ઘરે પહોંચ્યો ત્યારે તરફડતી મમ્મી પાસે લાચાર થઈને બેઠેલા પપ્પાના ચહેરા સામે જોઈને એણે મનોમન ગાંઠ વાળી હતી – ‘હું એક દિવસ ગાડી લઈશ, પપ્પા, તમારે માટે.

પછી તો પપ્પાના મનમાં, કશું ન કરી શક્યાનો વસવસો મૂકીને મમ્મી જતી રહી હતી. હાર્દિક વારંવાર પોતાની જાતને યાદ દેવડાવ્યા કરતો હતો - ‘ગાડી લેવી છે, પપ્પા હયાત છે ત્યાં સુધીમાં .. ગાડી લેવી છે.’

આજે ગાડી ભલે લેવાઈ હોય; પણ એ જાણતો હતો કે ઘણું મોડું થઈ ગયું છે. હેતલની એમના પ્રત્યેની ગમે તેટલી લાગણી અને કાળજી છતાં; પપ્પા પોતાની ઉદાસીમાંથી બહાર નહોતા આવી શક્યા. પહેલેથી જ ઓછાબોલા પપ્પાને, પેરેલિસીસનો એટેક આવ્યા પછી, હવે એ બિલકુલ બોલી નહોતા શકતા. ઈશારાથી કામ ચલાવતા અને પોતાના રૂમમાંથી ભાગ્યે જ બહાર નીકળતા.

પપ્પાને પાછલી સીટ પર બેસાડીને, પોતે પાછળ બેસતાં હેતલે પૂછ્યું,

‘તમને ગાડી ચલાવવી ફાવશે? પ્રેક્ટિસ નથી તે ...’

ડ્રાઈવીંગ લાયસંસ કાઢીને બતાવતાં એણે કહ્યું,

‘ગાડી લેવાની ઈચ્છા અને લાયસન્સ – બન્નેને મેં સતત જીવંત રાખ્યાં છે. ડ્રાઈવીંગ કરવામાં જરા ય વાંધો નહીં આવે. તું ચિંતા કર્યા વગર બેસી જા.’

હેતલને હતું કે એ સૌથી પહેલાં મંદિર તરફ ગાડી લેશે; પણ એણે તો જૂના ઘરના રસ્તે થઈને, ખન્ના સાહેબના બંગલા સામે ગાડી ઊભી રાખી! બંગલો હવે સાવ ખંડેર થઈ ગયો હતો. એમાં કોઈ રહેતું હશે કે નહીં, કોણ જાણે? એણે પપ્પા સામે નજર કરીને પૂછ્યું, 

‘પપ્પા, આપણે ક્યાં આવ્યાં, ખ્યાલ આવે છે? આ આપણી જૂની ચાલી ને આ સામે દેખાય છે એ પેલા ખન્ના સાહેબનો બંગલો. યાદ આવે છે?’

પણ એમની આંખોમાં ઓળખાણનો કોઈ અણસાર ન દેખાયો. જરાક નિરાશ થવા છતાં; હાર્દિકે પેન ડ્રાઈવ નાખીને ટેપ રેકોર્ડર ઑન કર્યું. પપ્પાને ખૂબ ગમતું ગીત ગૂંજી ઊઠ્યું :

‘ઈતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના;

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના.’

એકાએક એની નજર ગઈ તો એણે જોયું કે, પપ્પાની આંગળીઓ ગીત પર તાલ દેવાની કોશિશમાં ધીમું ધીમું હલી રહી છે. એની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. એણે હેતલને કહ્યું,

‘હેતલ, હવેથી રોજ હું ઑફિસેથી આવું, પછી આપણે પપ્પાને લઈને ફરવા નીકળીશું અને ગાડીમાં એમને મનગમતાં ગીતો સંભળાવીશું.’ પછી એ સ્વગત બોલ્યો, ‘ના ના, બહુ મોડું નથી થયું, ગાડી લેવાનું લેખે લાગ્યું છે.’

(‘સતરૂપા સિંહા રૉય’ની અંગ્રેજી વાર્તાને આધારે)  

(તા. 01-11-2019ના ‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર .. .. ઉ. મ..)

સર્જક–સમ્પર્ક :

બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ- 396 001

eMail : [email protected]

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 455 –June 21, 2020

Category :- Opinion / Short Stories