સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય

દિવ્યેશ વ્યાસ
09-09-2013

આસારામ અને નિત્યાનંદ જેવા કહેવાતા સાધુ-સંતોની પાપલીલાઓ 'શ્રદ્ધાળુ' સમાજને આહત કરી રહી છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદ જેવા પવિત્ર વ્યક્તિત્વનું સ્મરણ તીવ્રપણે થવું સ્વાભાવિક છે.

સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.

આજે ૮ સપ્ટેમ્બરના રોજ સ્વામી આનંદનો જન્મ દિવસ છે. સ્વામીજી પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા કે જાહેર કરતા નહોતા એટલે ચોક્કસ જન્મતારીખ અંગે મતમતાંતર પ્રવર્તે છે. સ્વામીદાદાના ગદ્ય પર પીએચ.ડી. કરનાર ગુલાબભાઈ દેઢિયા તેમની જન્મ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૭ નોંધે છે, પણ મોટા ભાગે ૮મી સપ્ટેમ્બર સ્વીકૃત છે. અલબત્ત, સ્વામીદાદાની જન્મતારીખ જે પણ હોય, આજે જ્યારે આસારામો અને નિત્યાનંદ સ્વામીઓ જેવા પાખંડી સાધુ-સંતોની પાપલીલાઓના ભાંડા ફૂટી રહ્યા છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદનું તીવ્ર સ્મરણ થયા વિના રહેતું નથી.

સ્વામી આનંદ સાધુ જરૂર હતા, પણ તેમની આ પૂરી ઓળખાણ નથી, કારણ કે સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા.

સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગરના શિયાણી ગામે એક શિક્ષકના સાધારણ પરિવારમાં થયો હતો. સ્વામી આનંદ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને પોતાની બહેનને ખોળે દીધા હતા. ત્યાર પછીનું તેમનું બાળપણ મુંબઈમાં માસીના ઘરે લાડકોડથી વીત્યું હતું. સ્વામી આનંદ માત્ર દસ વર્ષના હતા ત્યારે એક સાધુ તેમને 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એમ કહીને ભગાડી ગયેલો. સ્વામી જાતભાતના ચિત્ર-વિચિત્ર સાધુબાવાઓનાં સંપર્કમાં આવ્યા, પણ આખરે તેમને ધર્મ અને સેવાના સમન્વયમાં માનનારા રામકૃષ્ણ મિશનના સાધુઓનો ભેટો થયો. એ પછી તેઓ આજીવન રામકૃષ્ણ મિશનના સાધુ બનીને રહ્યા હતા. અલબત્ત, તેમણે ભગવા નહીં પણ સફેદ વસ્ત્રો જ આજીવન પહેર્યા હતા. તેમણે કોઈ આશ્રમમાં રહીને માત્ર સાધના કરવાને બદલે લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી લેખન-સંપાદન, પ્રેસ સંચાલન તેમ જ રચનાત્મક કાર્યો થકી આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલન અને નવજીવન પ્રેસના વિકાસમાં સ્વામીજીનો કેટલો મોટો ફાળો હતો, તે માટે ગાંધીજીનું એક વાક્ય કાફી છે, ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.’ નવજીવનમાં સ્વામી આનંદના યોગદાન વિશે ગુલાબ દેઢિયાએ નોંધ્યું છે કે ‘છ-સાત હજાર કિંમતના નાના છાપખાનામાંથી નવજીવન મુદ્રણાલયને અમદાવાદનું એક આગેવાન છાપખાનું બનાવીને સ્વામીજીએ નવજીવન પ્રેસ છોડયું ત્યારે તેની મિલકત લગભગ બે લાખ રૂપિયા અંકાઈ હતી. છતાં સૌ જાણે છે કે નિઃસ્પૃહી સ્વામીજીએ પોતાના પગારની પાઈ સરખીયે તેમાંથી લીધી નહોતી. સાધુનું નિઃસ્પૃહીપણું તેમનામાં હતું.’

રૂપિયાની તો તેમને કોઈ તમા નહોતી જ સાથે સાથે તેમને પોતાના નામ-પ્રસિદ્ધિની પણ કોઈ ખેવના નહોતી. ગાંધીજીએ પોતાના સદાબહાર બેસ્ટસેલર પુસ્તક એટલે કે આત્મકથાની પ્રસ્તાવનામાં આત્મકથા લખવાનો ધક્કો કઈ રીતે સ્વામીજી તરફથી મળ્યો એની વાત કરી છે, પણ તેમણે આનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. ઘણાં વર્ષો સુધી તેમણે પોતાનાં લખાણોનાં પુસ્તકો પણ છપાવ્યાં નહોતાં.

સ્વામીદાદાએ પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં 'મારી કેફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.’ આજનો કયો સાધુ કે સંત આ કસોટીએ પાર ઊતરે? આજના પૈસા અને પ્રસિદ્ધિભૂખ્યા સાધુ-સંતો જોઈને રીતસર ચીતરી ચડે છે. આપણો સમાજ સ્વામી આનંદ જેવા સાધુઓને મનમાં આદર્શ તરીકે પણ યાદ રાખે તો ઝાંસારામો જેવાની શું મજાલ કે તેઓ પોતાની જાતને સાધુ કે સંત પણ કહેવડાવે!

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, Sep 08, 2013)

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion