‘રોમ રોમ નર્યો આનંદ – અંઘોળ’

જયંત મેઘાણી
10-06-2020

ઇટલી દેશના ઉગમણે કિનારે આદ્રિઆતિક સાગરની છોળો પણ શમીને ઉદાસ બની ગઈ હશે, ત્યારે આન્તોનેલ્લા નામે એક દીકરી પોતાના ઘરમાં પ્રભુપ્રાર્થના કરતી હતી : ‘પિતાની યાતનાનો હવે અંત આણજે, હે દેવ!’ તો એની મા રોઝાલ્બા દેવળમાં ઇસુ ભગવાનને અરદાસ કરતાં હતાં : ‘હે પ્રભુ, મારા પ્યારા પ્રદ્યુમ્નને હવે તારે ખોળે મેલું છું, તારા પુત્રને શીળો લેપ દેજે!’ એ જ ટાણે થોડે દૂર પેસ્કારા નગરની ઇસ્પિતાલમાં પ્રદ્યુમ્ન તન્નાના દેહે આખરી વિરામ લીધો, ને પ્રાણનું પંખી દિગંતની વાટે પાંખો ફફડાવી ગયું. દિવસોથી કાયાના પિંજરને ધમરોળતી વેદનાઓ વિરમી ગઈ. જીવનને જેણે ઉત્સવ બનાવીને ગાયા કરેલું કે ‘રોમ રોમ નર્યો આનંદ-અંઘોળ’ એ કવિ-ચિતારો-છબિકાર – જીવનનો કવિ – પોતાનો અસબાબ સંકેલીને પરમને પંથે પળ્યો. ઑગસ્ટની 30મીની એ સવાર હતી.

કેટલા ય દિવસથી દીકરી આન્તોનેલ્લા પ્રદ્યુમ્નભાઈની આવરદા લંબાવવાના ઉપચારમાં મચી પડી હતી, પણ પ્રેમાવતાર પિતા એને વીનવતા હતા : “બેટા, હવે નથી જીરવાતી આ યાતના. મને રોક મા, જવા દે. આપણો લગાવ મારી પીડા બની ગયો છે.” આન્તોનેલ્લા કહે છે, “છેલ્લા દિવસો દરમિયાન પડી જવાથી કરોડરજ્જુને એવું નુકસાન થયું હતું કે પપ્પાને જીવનપર્યંત ‘વ્હીલ-ચેર’ના બંદી બનવાનું થાત.” વરસોથી દમનો વ્યાધિ તો પજવતો હતો જ; હવે કીડનીની તકલીફ પણ ભળી હતી. દેવળ જૂનું થયું હતું.

*

પૂર્વજો ભાવનગર પાસેના અધેવાડા ગામના હોવાના સગડ લઈને પ્રદ્યુમ્નભાઈ એકવાર ભાવનગર આવેલા ત્યારે, હવે તો ભાવનગરનું પાદર કહેવાય એવા એ ગામે અમે ગયેલા, પણ વડવાઓ દહાણુ વસવા ગયા હશે ત્યારના સ્મૃતિ-અવશેષ કોઇ જૈફ જણ કનેથી પણ મળેલા નહીં. દહાણુમાં લાકડાનો વેપાર સંકેલીને તન્ના કુટુંબે 1938માં મુંબઈને વતન બનાવ્યું. અત્યારે ચોપાટી પર જે ઘરમાં પરિવારનો એક વેલો વસે છે એ જ પ્રદ્યુમ્નનું પણ ભારતમાંનું થાનક. (મારાં બા-બાપુજી એ પહેલા એ જ બ્લૉકમાં રહેલાં તેનું સ્મરણ એ અમને બહુ રસપૂર્વક કહેતા.) આમ, કાઠિયાવાડ સાથેનો એમનો નાતો સીધો નહીં, પણ સાહિત્યના ઘેરા સંપર્કે એમને તળપદા સંસ્કારજળ પિવાડ્યાં હશે. અને પછી તો એમની કવિતામાં અને એમની ચિત્રસંપદામાં આ તળપદા રંગો ભરપૂર ઝિલાયા છે. જેવા કાઠિયાવાડમાં, તેવા જ રાજસ્થાનમાં, તેવા જ ઉત્તર ભારતમાં કે પંચસિંધુ-ભૂમિ પંજાબમાં.

1954-55ના અરસામાં પ્રદ્યુમ્નભાઈને મહેન્દ્રભાઈએ ભાવનગર નોતરેલા, ‘યુગવંદના’નાં કેટલાંક કાવ્યોના ભાવોને અભિવ્યક્ત કરતાં ચિત્રો કરવા માટે. મારી એ તરુણવયની સાંભરણો તો ભુંસાઈ ગઈ હશે. એ પછીનાં વરસોમાં ક્યારેક મળવાનું બન્યું હશે : બસ, એ જ સદા હસતો ચહેરો, ને એ જ રસભરી વાતશૈલી, સૃષ્ટિના સકલ રસો માણવાનો અને સાથે હોય તેને તેમાં સહભાવક બનાવવાનો ઉમળકો : પ્રદ્યુમ્નભાઇની પ્રકૃતિની આ મુદ્રા જીવનપર્યંત જળવાયેલી રહી. ત્રીસેક વરસ પહેલાં યુરોપની રખડપટ્ટીએ નીકળ્યો હતો ત્યારે એક દિવસ કોમો જઇને ઊભો રહ્યો. પહેલીવાર એમનાં સહચરી રોઝાલ્બા અને એમનાં ત્રણ સુંદર સંતાનો સાથે પરિચય થયો. બે-ત્રણ દિવસના એ સહવાસે રોઝાલ્બાએ સ્વજન બનાવી દીધાં. મોટી દીકરી આન્તોનેલ્લા, નાની નીરા, અને બેઉ બહેનોનો ભઈલો નિહાર. પરિવાર જાણે પાંચ પરિંદાંનો આશિયાનો. રોઝાલ્બા ચિત્ર-શિક્ષિકા. સાથે ઉત્તમ ગૃહિણી, ઉત્તમ માતા. એમનું આતિથ્ય મહેમાનને ઘરના બનાવી દે. ઘરમાં ભારતીય જીવનનું વાતાવરણ. કાઠિયાવાડી, રાજસ્થાની, પંજાબી લોકકળાની જણસોથી ખચિત ઘર જાણે નાનું એવું સંગ્રહાલય. બેઠકખંડમાં એક કાઠિયાવાડી પટારો. રોઝાલ્બા કહે : ‘આમાં મારું આણું ભર્યું છે.’

આલ્પ્સની ગીરીમાળામાં જાણે ત્રણ પેંથી પડી હોય એવી ત્રણ સરોવર-સેર : તેમાંની એક પેંથી એટલે કોમો સરોવર. તેને તીરે નામેરી આ નમણું કોમો નગર ઇટલી દેશના ઓતરાદે સીમાડે પહાડોની ગોદમાં ઝૂલે છે. એક સવારે સરોવર જોવા લઈ ગયા અને ઇટલીના લોકજીવન વિશેની તરેહતરેહની વાતો કરતા ગયા. રોઝાલ્બાએ કલાકો સુધી ગાડી ચલાવીને ગ્રામપ્રદેશ બતાવ્યો. નજીક્ના ગામમાં ઇટલીના તળપદા જીવન વિશેનું ખુલ્લું પ્રદર્શન જોવા ગયા. ત્યાં છેવટે મુલાકાતી-પોથીમાં અભિપ્રાય લખી દેવાનો હતો. પ્રદ્યુમ્નભાઇ કહે, ‘અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં લખો’.

રોઝાલ્બા–પ્રદ્યુમ્નના મિલનયોગની વાત પરીકથા-શી રમ્ય છે. મિત્રોની મિજલસ હોય કે ભાવકોની સભા હોય, પ્રદ્યુમ્નભાઈ એમની એ વિશ્રંભકથા તન્મયતાપૂર્વક માંડે. એમાં એમના આગવા લહેકા ભળતા જાય. પ્રદ્યુમ્નભાઈના સ્વમુખે જેમણે એ કહાણી સાંભળી હશે એમને એમના મધુર સહજીવનની પ્રતીતિ થયા વિના ન રહી હોય. પરિપૂર્ણ દામ્પત્યનું આવું નિર્માણ તો દીનાનાથે નવરાશની પળોમાં જ કર્યું હશે એમ માનવાનું મન થાય. ભાવનગર આવે ત્યારે કે અમદાવાદમાં ઉષાબહેન[ઉપાધ્યાય]ને ઘેર પડાવ હોય ત્યારે, સવારની નાસ્તા-બેઠકમાં દિવસનો આરંભ પ્રદ્યુમ્નભાઇ રોઝાલ્બાની વાતથી કરે, કરે અને કરે. પ્રસન્ન દામ્પત્યની એ ક્યારીમાં જે ત્રણ ફૂલ ખીલ્યાં એમણે પણ માતા અને પિતાના કલાસંસ્કારો ઝીલ્યા. નાનો પુત્ર નિહાર પ્રયોગશીલ સ્થપતિ બન્યો છે. વચેટ દીકરી નીરા ઇટલીની એક રેશમ કમ્પનીમાં ફૅશન ડિઝાઇનર છે. અને પહેલા ખોળાની આન્તોનેલ્લા સંકોચ સાથે કહે છે, ‘હું મારા પિતાની વારસદાર છું : આઇ એમ ડૅડ્સ ચાઈલ્ડ’. પિતા સાથે ચૈતસિક સંગ હતો. પ્રદ્યુમ્નભાઇની છબિકળાનું અનુસરણ કરતી આન્તોનેલ્લા પણ સર્જનના પંથ પર ડગ માંડી રહી છે.

‘છોળ’ કાવ્યસંગ્રહના પ્રકાશનના કામે અમદાવાદ જવાનું હતું. મેં પૂછ્યું, ‘હૉટેલમાં રહેશું?’ કહે : ‘કોઇને ઘેર રહેવાનું ન બની શકે?’ મેં વિકલ્પો આપ્યા તેમાંથી એમણે ઉષાબહેન ઉપાધ્યાયના ઘર ઉપર પસંદગી ઉતારી, અને અમે ત્રણ દિવસનો જાણે શિબિર રચ્યો. ઉષાબહેન તો હતાં જ, એમનાં સંતાનો કૌશલ અને જિગીશા પણ હતાં. રાજકોટથી યજ્ઞેશ દવે પણ જોડાયા. પ્રદ્યુમ્નભાઈ એટલે રસ અને ઉલ્લાસનો પ્રપાત. જીવનના કણકણમાંથી રસ શોધી કાઢે, અને ઉલ્લાસને પ્રસરાવે. એક સાંજરે ઉષાબહેનના ઘરમાં વાતમેળો થઈ ગયો. જીવતરનું સંભારણું બની જાય એવી હાસ્યની છોળો ઊડી હતી.

પ્રદ્યુમ્ન-મુદ્રા કહી શકાય એવી એ લાક્ષણિક છબિ આજે પણ નજર સામે ખડી થાય છે. વળતે દિવસે રવિવાર હતો. સાબરમતીના પટમાં ગુજરીમાં અમે ફરતાં હતાં, પણ પ્રદ્યુમ્નભાઈ જૂનાં વાસણની એક લારી પાસે ઊભાઊભા કોઇ વાસણ તપાસતા હતા. છેવટે પસંદ કરેલું પાત્ર લીધું. પછી ફોડ પાડ્યો કે ‘કાલે રોઝાલ્બાનો જન્મદિવસ છે : તેને માટે છે’. એ દંપતીના જૂનાં વાસણોના સંગ્રહમાં ઉમેરો.

ચિત્રકારે કૅમેરાનો કસબ હસ્તગત કર્યો. પ્રદ્યુમ્નભાઈની આંખો સચરાચરમાં કુદરતે વેરેલી અપરંપાર રસપ્રદ રચનાઓ શોધવા મંડી. ગટરના ઢાંકણા પર ઢોળાયેલા તેલમાં, હારબંધ ગોઠવેલી મીઠાની ગુણોમાં, કે પ્લાસ્ટિકના કાણાવાળા પાટિયામાં, અને બારીના કાચ ઉપર બાઝેલાં વરસાદી જલબિંદુઓમાં પણ એમને આકૃતિઓ દેખાણી અને તેને તસ્વીરોમાં ઝડપી લીધી. અમેરિકાનાં મહાનગરોની એકધારી સ્થાપત્ય-રચનાઓમાં એમણે વિશિષ્ટ ભાતો (‘પેટર્ન્સ’) શોધી. આને એમણે ‘ઍબ્સ્ટ્રેક્ટ’ છબિકલા કહી. એકવાર ભાવનગર ઊતરતા વિમાનમાંથી મીઠાના અગર જોયા, ને આવીને કહે, ‘અગરો જોવાનું બની શકે?’ ગયા જોવા. ત્યાં એમની નજર ફરી ‘પેટર્ન્સ’ શોધવા મંડી, કેમેરાની કીકીઓમાં એને ઝડપવા લાગ્યા. આ એમની છબિકળાનો આસ્વાદ એમણે ભાવનગરમાં મિત્રવૃંદને સ્લાઈડ બતાવીને કરાવેલો. છેલ્લાં વરસોમાં એમણે વૃક્ષોના પર્ણગુચ્છોની અનેક તસ્વીરો લીધી. ‘નિસર્ગની પર્ણલિપિ’ એવા નામ હેઠળ આ કૃતિઓનું પ્રદર્શન કરવાની એમની ઇચ્છા હતી. (આવી પાંચ છબિઓ એમણે ‘છોળ’માં મૂકી છે.) એમની કાવ્યકળામાં એક નવીન અખતરો આવ્યો એ હાઇકુ-રચનાનો. આમ તો, છેક ‘60ના દાયકામાં — હજુ ઇટાલીઅન ભાષાનો મહાવરો નહોતો ત્યારે — એક રાષ્ટ્રીય સ્પર્ધામાં એમના ઇટાલીઅન હાઇકુને પહેલું ઇનામ મળેલું. એ પછી સુષુપ્ત રહેલો એમનો હાઇકુ-રસ પાછો સળવળ્યો, અને મૌલિક અને અનુવાદિત હાઇકુ રચાતાં રહ્યાં : અંગ્રેજીમાં, ઇટાલીઅનમાં અને ગુજરાતીમાં. એક પત્રમાં લખ્યું: “એક અકળ ઘટના : આપણી બીચ ચાલતી રહેતી ’ટેલિપથિક’ આપ-લે : તમે ‘તણખલાં’ની તૈયારીમા ગળાડૂબ હશો એ જ અરસામાં હુંયે હતો ‘ઇન્ટરનેટ’ દ્વારા જાપાની હાઇકુના અભ્યાસમાં. કંઇ કેટલીનય ‘વર્ચ્યુઅલ’ સફરો કરી જાપાનની છેલ્લા વરસ-દોઢ વરસ દરમિયાન ને એ અનુભવા થકી જન્મ્યાં સિત્તેર-એંશી જેટલાં અંગ્રેજી હાઇકુ. ને પછી ઉમળકો થઇ આવ્યો જાપાનની હર સાલ યોજાતી બે’ક આંતરરાષ્ટ્રીય હાઇકુ સ્પર્ધા મહીં ભાગ લેવાનો ... મને ત્રીજું ઇનામ મળ્યું!”

એ 2000ની સાલ હતી. ‘છોળ’ના છાપકામ નિમિત્તે ભાવનગર આવેલા અને ઘણા દિવસો સુધી એમની સોબતનો લાભ મળેલો. કાવ્યસંગ્રહનું ક્મ્પોઝકામ જ્યાં થતું હતું એ એક મિત્રના મથક પર કલાકો સુધી બેસીને પ્રૂફનું મઠારકામ કર્યા કરતા. ઝીણીમોટી ગોઠવણીઓ કરાવે, બદલાવે, ફરી બદલાવે : આટલી ચીવટથી કામ કરનાર જણ કમ્પ્યૂટરના એ કારીગરોએ પહેલીવાર દીઠો. સામાન્ય કારીગર હોય તો આવી ‘ચીકાશ’થી કંટાળી જાય. પણ પ્રદ્યુમ્નભાઈ તો મિત્રો બનાવવાની કળાના માહેર. થોડીવારમાં તો સામા માણસને પોતાનો બનાવી લે, તેના જાણે સ્વજન બની જાય. ‘છોળ’નું ક્મ્પોઝકામ કરનાર જુવાન હરેશની સાથે મૈત્રી સાધી લીધી. જાણ્યું કે હરેશના પિતા વણકર છે, ત્યારે કહે, ‘મને તમારે ગામ લઈ જશો? તમારું વણાટકામ જોવું છે’. ને એક દિવસ હરેશભાઇની સાથે ઊપડ્યા વાળુકડ. એમનો તળપદો કસબ બરાબર જોયો. કારકિર્દીનો આરંભ પ્રદ્યુમ્નભાઈએ મુંબઈના વણકર સેવા કેન્દ્રના ડિઝાઈનર તરીકે છેક 1959માં કરેલો. અને ચિત્ર-શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી રોઝાલ્બાએ પણ વણાટકામને કલા-માધ્યમ બનાવેલું; ઘરમાં જ શાળ ગોઠવેલી. પ્રદ્યુમ્નનાં સાગર-ચિત્રો અને રોઝાલ્બાએ વણાટમાં નીપજાવેલી સમદર-લહરોની જુગલબંદી જેવું સહિયારું પ્રદર્શન પણ એમના કોમો નગરમાં યોજાયેલું. ભાવનગરની એ જ ખેપને આગલે દિવસે મુંબઈથી ફોન આવે છે : “’નવનીત-સમર્પણ’માં ભાવનગરનાં પક્ષીઓ વિશે લેખ છે; તેના લેખક નવનીત ભટ્ટને મળવું છે.” પછી તો નવનીતભાઈ એમને વિક્ટોરીઆ પાર્ક અને કુંભારવાડામાં યાયાવર પંખીઓ જોવા લઈ ગયા. મને ડગલે ને પગલે તાજ્જુબી થતી હતી : આ માણસની જ્ઞાન-સંવેદના કેવી અખૂટ છે!

પ્રદ્યુમ્નભાઈ એટલે સંવેદનોનો સાગર. જેમ હાસ્યની છોળો ઉડાડી શકે, તેમ મનુષ્યલીલા તેને હલાવી-રડાવી પણ શકે. ઇટલીમાં ઘરસંસાર માંડ્યો હતો હજુ તો, રોટલો અને ઓટલો — બન્નેની કાળી શોધમાં હતાં. બે જણને અને ફૂલ સરીખી દીકરીને સમાવી શકે એવા આશરાની શોધમાં વર-વહુ મરણિયાં થઈને મચ્યાં હતાં. ધીરજનો છેડો આવી ગયો હતો. એ જ વખતે એક સાવ અજાણ્યા યુગલે કોઈ પિછાન, કોઇ ભલામણ, કોઇ અનામત-ઍડવાન્સ માગ્યા વિના, માત્ર એટલું જાણ્યું કે આ ગૌરવરણો જુવાન આપણા મુલકનો નહીં, ગાંધીના દેશનો છે, ને, બસ, પોતાના નાના માળામાં સાંકડ-મોંકડે એમને સમાવી લીધાં : આ વાત, પ્રદ્યુમ્નભાઇ, તમે તો ડૂમો ભરાયેલા કંઠે, આંસુભેર કહી છે, પણ અમારી આંખો પણ ત્યારે છલકાઈ હતી. નિવૃત્તિ પછી ભારતની ખેપના ખરચ કાઢવા એમણે કીમિયો કર્યો : કોઇવાર બનસ્થલીમાં, ક્યારેક ચેન્નઈમાં, કદીક સૂરતમાં, તો ક્યારેક વળી દિલ્લીમાં યુવાનોને ડિઝાઇનકળા શીખવવાના પંદર-વીસ દિવસના શિબિરો યોજતા. એમનો પ્રવાસ-ખર્ચ તો નીકળતો, પણ તરુણ વિદ્યાર્થીઓ સાથેનો સહવાસ પણ એમની સર્જક-ચેતનાને લીલીછમ રાખતો. થોડા દિવસોનો આવો મેળો વીંખાતો ત્યારે ઊર્મિલ વાતાવરણ સરજાતું : વિદ્યાર્થીઓ અને પ્રદ્યુમ્નભાઈ આંસુઓ ખાળી ન શકતા. કોઇ અનુભવ, કોઇ પ્રસંગની વાત કરતા કરતા સંવેદનભીના થતા એમને વાર ન લાગતી.

1984ની સાલ. ભાવનગર આવેલા. કહે, ચાલો, રાજસ્થાનમાં થોડું રખડીએ. રાણકપુરમાં પહેલો પડાવ. સાથે યજ્ઞેશભાઇ [દવે] અને મનોહરભાઇ [દેસાઇ]. કહો, પ્રદ્યુમ્નભાઇ, એ પછી બે વરસે તમે શિકાગોની જગવિખ્યાત આર્ટ ઇંન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને ભારતનો કલાપ્રવાસ કરાવેલો, તેનો વિચાર અમને ત્રણ ‘વિદ્યાર્થીઓ’ને કલાજ્ઞાન આપ્યું હતું તેના ઉપરથી જ સૂઝ્યો હતો કે નહીં! રાણકપુરનાં દેવાલયો, રાજસ્થાનના અંતરિયાળ મુલકમાં પહાડો પર જાણે બુકાની બાંધીને ખડો હોય એવો બંકો રખેવાળ કુંભલગઢ, અને પછી ઉદયપુરની મધ્યયુગીન કલાસમ્પદા : આ બધાની સાચુકલી પહેચાન અમને કોણ કરાવત! રાજસ્થાનનું એ ભ્રમણ સ્મૃતિનું સંગી બની ગયું છે. મેં દહેશત દાખવી હશે કે આવા યોગ ફરી ક્યાં થવાના, ત્યારે તમે શું લખેલું, પ્રદ્યુમ્નભાઈ, યાદ છે? —

"આપણે ભેળાં હર્યાંફર્યાં ને મંનભરી માણ્યા એ દિવસો ફરી કદી નહીં આવે એમ કેમ કહીશું? વીતે, નષ્ટ પામે એ તો સ્થૂળ. સૂક્ષ્મ તો અજરઅમર. મંનભર માણી જે જે ભીતર ભરી લીધું એ તો એવું ને એવું અકબંધ રહે. આપણે કેવળ ઉખેળવાની ખોટી ને માણી મોસમની પળેપળ ને રંગ-સુગંધ ભીતર અંજવાળતી પહેલાં જેમ પ્રગટી રહે! કાળનું તો સ્થૂળ જગમાં ચલણ, સૂક્ષ્મ સૃષ્ટિમાં ક્યાં ય એની નડતર નહીં. ° ° ° ભલા, આપણે તો મળ્યા-માણ્યાનો જ આનંદ વાગોળવાનો. સાચી ઝંખના હશે તો સહિયારી રખડપટ્ટીનો યોગ જરૂર આવશે."

અને અત્યારે સંભારું છું કે થોડાં વરસ પહેલાં એમણે લખેલું : “યુરોપ આવો તો આપણે સ્કૅન્ડીનેવીઆમાં રખડીએ : મારે બાકી છે.” અરે, હમણાના મહિનાઓમાં બીજા કાવ્યસંગ્રહ માટેની થોડી સામગ્રી પહોંચાડી હતી, પ્રવાસ-નિબંધોનો સંગ્રહ ‘ચંદરવો’ પણ આયોજનમાં હતો. મને આશા બંધાણી હતી કે એ નિમિત્તે એક ખેપ મારશે અને થોડા દિવસના સહવાસનો અવસર ઊભો થશે. પણ નિયતિ તેની ચાલમાં અફર રહી.

2009ના આરંભમાં આંખોમાં એક અસાધ્ય રોગે ઘર કર્યું. તબીબી તપાસ કરાવી. ઓપરેશન થયું, પણ સુધારો ન ડોકાયો. વાંચી ન શકાય, ફોટોગ્રાફી ન થઈ શકે, કામકાજ વિના બેસી રહેવાનું : એ તે કાંઇ જિંદગી છે? નિરાશા ઘેરી વળી. ત્યાં અમેરિકાથી એક મિત્રનું તેડું આવ્યું : ‘ભારતના વિવિધ લોકભરત વિશે વ્યાખ્યાનો આપવા આવો.’ આ પ્રવાસમાં જ અંતકાળની એંધાણી આવી ગઈ હતી : આન્તોનેલ્લાને લાગ્યું કે હવે દીવો ઝળહળનાર નથી. બસ, એમણે ત્યાં પોતાનાં કાવ્યોનાં પઠન કર્યાં એ અંતિમ નીવડવાનાં હતાં. અમેરિકાથી પાછા ફર્યા, ને પંદર દિવસમાં ‘કાઉન્ટડાઉન’ શરૂ થયું. પ્રદ્યુમ્નભાઇનો યુવાનનો મિજાજ તો, આજે લાગે છે કે, નિયતિએ પ્રયોજેલ એક મહોરું હતું. દમનો વ્યાધિ એવો કે રાત આખી શ્વાસને શાંત રાખવા માટે કૈંક નુસખા અજમાવ્યા કરે, ગાદી-ઓશિકાની ગોઠવણો બદલ્યા કરે. છતાં, અધૂરી નીંદરને ગણકાર્યા વિના નવા દિવસની દોડધામ માટે તાજામાજા થઈ જાય. પણ .....

પૂરાં એંશી વરસની આવરદા : વિવિધ વ્યાધિઓથી ઘેરાયેલી કાયા. પછી અપંગ બનીને જ જીવવાનો વારો આવે. જેમ ઉદય હોય છે તેમ અસ્ત પણ હોય છે. ભંગુરતાને અધીન માનવીની જીવન-ઝંખના તીવ્ર હશે તો એ ભવાટવિના સ્વાદ લેવા, તકલાદી આવરદાનું નહીં પણ જન્માંતરોનાં વરદાન ચાહશે. પ્રદ્યુમ્નભાઇ, તમે ભીંત ફાડીને અંકુરિત થતા પીપળ વૃક્ષની માફક આ પૃથ્વી પર અચૂક અવતરશો, કણકણમાં ને ક્ષણક્ષણમાં, સકલ સ્થળ-કાળમાં નર્યા આનંદ-ઉલ્લાસ ભરી દેવા, ‘રોમ રોમ હાંર્યે નર્યો આનંદ-અંઘોળ’ એવું ગાન છેડવા, ફરી ફરી આવશો. પ્રદ્યુમ્નભાઇ, તમારો એ કોલ છે, આપણો કરાર છે.

[‘શબ્દસૃષ્ટિ’, સપ્ટેમ્બર 2009]

Category :- Profile