‘ગુલામ’ વિશે થોડુંક…….

જય કાન્ત
06-06-2020

વલ્લભ નાંઢા લેખિત ‘ગુલામ’ નવલકથા પશ્ચિમ આફ્રિકાથી બળજબરીથી પકડીને અમેરિકા, ઈંગ્લેંડ લઇ જઇ વેચી દેવાતા ગુલામોની દર્દજનક, કરુણકથા છે.

આ કથાનાં પાત્રો લવાન્ડો, અનાબેલ, સોફિયા, બોબ ફિન્ચ, સર હેરિંગ્ટન, મુકુન્ડી વગેરે પાત્રસૃષ્ટિને નિરાળી અને રસપ્રદ બનાવે છે. દરેક પાત્ર નાનાવિધ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક પાત્રનો ખૂબ સમજદારીપૂર્વક વિકાસ થતો દર્શાવાયો છે. અહીં પાત્રો વિશે કશું પણ અપ્રસ્તુત વિગતોને સ્થાન અપાયું નથી. પાત્રોના સચોટ સંવાદો તેમ જ પરિસ્થિતિ અનુસાર તેમના વ્યવહારો, પ્રત્યાઘાતો અને પ્રતિભાવો દ્વારા દરેક પાત્ર અલગ વ્યક્તિત્વ પામે છે અને આપમેળે વિકાસ સાધે છે. લવાન્ડો અને અનાબેલ ગતિશીલ પાત્રો છે જે બીજાં પાત્રો પર પોતાનો પ્રભાવ પાડે છે. કથામાં બિનજરૂરી ડોકિયું કરવાની કે બોલબોલ કરવાની લેખકને આદત નથી. તેથી કથાના વહનમાં ક્યાં ય રસભંગ થતો નથી. લેખકે પાત્રોમાં પરકાયાપ્રવેશ કરી તેના અંતરમાં ઉઠતાં સચોટ સંવેદનો નિરૂપ્યાં છે જેથી આ સંવેદનોનું વાચકમાં સરળતાથી સંક્રમણ થાય છે અને વાચકની જિજ્ઞાસા અને રસ સાદ્યંત જળવાય રહે છે.

કથામાં આવતાં વર્ણનો કથાપ્રવાહને ઉચિત પાત્રોની માનસિક દશાને દર્શાવવા માટે પોષકતત્ત્વ અને ઉપકારક બને છે. જહાજની મુસાફરી દરમિયાન દિનરાતનાં વર્ણનો ગુલામોની માનસિક તેમ જ શારીરિક યાતનાને વાચકમનમાં વધારે કરુણ અને ઘેરી બનાવે છે. સામાન્ય રીતે નવલકથામાં લાંબાં વર્ણનો આવતાં હોય છે પણ અહીં વર્ણનોને ગાળી નાખીને ટૂંકા છતાં લેખક બેચાર લસરકે સ્થળકાળનાં ચલચિત્રાત્મક વર્ણનો કરે છે. તેથી વાચક એક ચલચિત્રની જેમ કથાની અનુભૂતિ કરે છે. લિવરપુલ પહોંચ્યા બાદ લવાન્ડો ભાગી જવાનો પ્રયાસ કરે છે એની ભાગદોડનો પ્રદેશ અને સમયનું વર્ણન લવાન્ડોની સાથેસાથે વાચકના હ્રદયમાં પણ ભય, અરેરાટી અને અસલામતી પ્રસરાવે છે. અહીં ભાવકને ભયાનક રસનો અનુભવ થાય છે. અમુક સમયે લેખક કરુણરસ તો ક્યારેક બિભત્સરસનો અનુભવ કરાવી ગુલામોની યાતના, બેબસી અને અવદશા પ્રત્યે વાચકના અંતરમાં હમદર્દી અને સમભાવ જાગૃત કરે છે.

કથાના ગુંફનમાં એક પ્રકારની ચુસ્તતા જોવા મળે છે. બિનજરૂરી વર્ણનો, સંવાદો કે વિગતોને માટે અહીં કોઇ અવકાશ નથી. તેથી કથાનું પોત ફિક્કું પડતું નથી અને કથા ક્યાં ય ખોડંગાતી નથી. કથાની અભિવ્યક્તિનો સમથળ પ્રવાહ, રસભંગ કર્યા વિના સતત આગળ વધતો રહે છે, પરિણામે ‘હવે આગળ શું થશે?’ એ જાણવા વાચકને નવલકથા વાંચવા જિજ્ઞાસુ કરે છે.

સામાન્યરીતે ભૂતકાળમાં ગોરાઓ અશ્વેતો પ્રત્યે ક્રૂર, ઘાતકી, અમાનુષી વ્યવહાર કરતા, તેમ છતાં ગોરાઓમાં કેટલાક સમભાવ ધરાવનારા એવા માણસો પણ હતા જે અશ્વેતો સાથે માનવતા અને સમભાવભર્યો વ્યવહાર કરતા હતા. તેનું જ્વલંત ઉદાહરણ અનાબેલ છે. અનાબેલ એક માની જેમ તેમની કાળજી લે છે, તેમને તાલીમ આપે છે અને તેમના ભવિષ્યનો તેમ જ હિતનો ખ્યાલ રાખે છે. અનાબેલનો સાચુકલો સમભાવ, લાગણી અને માનવતાભર્યો વ્યવહાર ગુલામોને સ્પર્શી જાય છે અને અનાબેલને એક દેવી માને છે. કથાને અંતે અનાબેલ ગુલામોને આઝાદ કરે છે અને તેમને પોતાના વતન જવા માટેની સગવડ કરી આપે છે ત્યારે તેઓ અનાબેલને છોડીને જવાની ના પાડે છે. અહીં લેખકે પાશવતાની સામે માનવતાનો વિજય થતો દર્શાવ્યો છે, સાથેસાથે કવિન્યાય પણ જોવા મળે છે. બોબ ફિન્ચે અશ્વેતોને ગુલામ બનાવવા તેમની સાથે જાનવરથી પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો તો કવિન્યાયે એના જહાજે જળસમાધિ લીધી, એ દેવાળિયો બની ગયો અને અંતે કમોતે મર્યો.

‘ગુલામ’ અંધકારમાંથી ઉજાસ તરફ, નિરાશામાંથી આશા તરફ અને જંગલિયતમાંથી માનવતા તરફનું પ્રયાણ બની માનવતાનો મહિમા કરે છે. વલ્લભભાઈ નાંઢા આ રીતે રસપ્રદ નવલકથા તેમ જ નવલિકાનું સર્જન કરતા રહે એવી શુભેચ્છા.

(લેસ્ટર)

ગુલામ : નવલકથા : લેખક - વલ્લભ નાંઢા : પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર, 134 શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - 400 002 : પ્રથમ આવૃત્તિ - 2019 : પૃષ્ટ - 192 + 24 : કિંમત રૂ. 275

Category :- Diaspora / Reviews