લોકલ, ગ્લોબલ, લોકલ

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રપતિના ભાષણ પરની આભાર દરખાસ્તમાં દરમ્યાન થતાં લાલકૃષ્ણ અડવાણીએ ગૃહમાં કહ્યું છે કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 'સ્થાનિક કોણ' ( 'લોકલ  ઍંગલ' ) નકારી ન શકાય. કાવતરાના આ પાસાની મૂલગ્રાહી ન્યાયિક તપાસ થવી જોઈએ : પહેલાં, ગોધરા - અનુગોધરા દિવસોમાં મિયાં - મુશરફ - મત્ત તરીકે ઉભરેલા મુખ્યમંત્રી મોદીએ કહ્યું અને પછી પાકિસ્તાનના હાલના વડાપ્રધાને એક તબક્કે તે પોતાની તરફેણમાં ટાંક્યું કે ૨૬/૧૧ જેવી ઘટનાઓ સ્થાનિક સહયોગ વિના બની ન શકે. હવે ગુજરાતના મુખ્યમંત્રી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સમર્થનમાં બેનઝીર અને ઝરદારીની પેઠે જ સિંધસંતાન એવા આપણા છાયા પ્રધાનમંત્રી બહાર આવ્યા છે. અહીં આપણે અસલનાં મોદી ઉચ્ચારણોમાંથી પેલાં અંજલિવચનો પણ અંબોળી લઈએ કે કૉંગ્રેસના વડપણ હેઠળની કૉંંગ્રેસ સરકાર આ કોણની તપાસ પોતાના મતબૅન્કી અભિગમને કારણે ટાળે છે.

કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેના પ્રતિસ્પર્ધી કોમવાદોનો લાંબો સિલસિલો છે. અહીં એની તપસીલમાં નહીં જતાં આપણે માત્ર સ્થાનિક સંદર્ભ તે શું એટલું જ તપાસીશું. મોદીએ ત્યારે મિયાં મુશર્રફવાળી ખાસી ચલાવેલી, પણ ગોધરાના અઘોરકૃત્યને ગુજરાત હાઈકોર્ટે પણ એના તાજા ફેંસલા મુજબ 'પોટા'નો એટલે કે આતંકવાદનો (બહારી સમર્થનથી પ્રેરિત) કેસ માનતી નથી. હા, આપણા સમાજજીવનમાં પેંધેલા કોમવાદી કૅન્સરની તરંગલંબાઈ પરની નિર્ઘૃણ ઘટના એ નિ:શંક હતી; અને એ ધોરણે દેશના ફોજદારી કાયદા મુજબ આકરી નસિયતને લાયક પણ એ હતી.

દેખીતી રીતે જ, મોદી અને અડવાણી જે 'લોકલ ઍંગલ' ની જિકર કરે છે તેમાં બહારથી પ્રેરિત ત્રાસવાદ સાથેની સ્થાનિક સાંઠગાંઠનો મુદ્દો રહેલો છે. હમણાં ગોધરા - અનુગોધરાનો જે ઉલ્લેખ કર્યો તે આ સંદર્ભમાં નવેસર ને જુદેસર જોવાસમજવા જેવો છે. ૨૦૦૨ના અવાંછનીય ઘટનાક્રમમાં રાજ્યની ભૂમિકા પોતાના રાજ્યધર્મને ભૂલી જવાની હતી. સરકારની આ ભૂમિકાએ અને સત્તાપક્ષની આ માનસિકતાએ મુસ્લિમોની નવી પેઢીના એક નાના હિસ્સાને બાકી દેશસમાજથી એ હદે વિમુખ કર્યો કે દેશ બહારથી પ્રેરિત વિદ્વેષી અને આતંકી હિલચાલ માટે મનોવૈજ્ઞાનિક ખાણદાણ સૂંડલા મોંઢે મળી રહ્યું. ૨૦૦૨ના ગુજરાતમાં શાસને કંઈક નિ:શાસન, કંઈક દુ:શાસન બની રહેવું પસંદ કર્યું એમાંથી થયેલી 'કમાણી' આ હતી. અલબત્ત, આ આખા ઘટનાનાક્રમમાં હિંદુ મતબૅન્કી દૃઢીકરણની જે રોકડી રહેલી હતી તેની સામે મોદી - અડવાણીને આવો કોઈ 'લોકલ ઍંગલ' ત્યારે ખૂંચ્યાનું આપણે જાણતા નથી.

વ્યાપક વિશ્વસમાજની રીતે વિચારતાં - અને એમાં પણ ભારત ને પાકિસ્તાન તો ગઈ કાલ સુધી જુદાં હતાં પણ નહીં - જે સમજાય છે તે એ કે કોઈપણ શાસન પોતાને ત્યાં કેવાં ધારાધોરણપૂર્વક ચાલે છે અથવા નથી ચાલતું, તેના પડઘા ને પડછંદા જે તે દેશસમાજની બહાર બીજે પણ પડતા રહેતા હોય છે. વિશ્વનીડ ક્યારેક કલ્પના - અને - ભાવના - વિષય હશે; આજે એ એક દુર્નિવાર વાસ્તવ છે. તમે એકમેકને સાથીપંખેરું તરીકે ન સ્વીકારી શકો તો એ તમારી કરમ કઠણાઈ છે. ઓબામાએ વિધિવત્ પદગ્રહણ કર્યું તે પૂર્વે એમના સંક્રાન્તિ ચમૂ (ટ્રાન્ઝિશન ટીમ) પર ગૂગલનાં સોનલ શાહનું હોવું એક ગૂર્જરભારતી ગૌરવ ઘટના હોઈ શકે છે. પણ, ખરો ગૌરવમુદ્દો એમણે એક વ્યાપક વિશ્વસંદર્ભમાં સંઘપરિવાર સાથેના પૂર્વસંધાનથી છેડો ફાડ્યો એમાં રહેલો છે. નવી દુનિયા અને સાંકડું મન, એ સાથે જઈ જ ન શકે.

એથી સ્તો, લોકલ અને ગ્લોબલ - સ્થાનિક અને વૈશ્વિક કે વ્યાપક - હવે વખતોવખત એકસાથે સંભારવાનું બને છે. કદાચ, આ નિયતિને સુપેરે સમજવા સારુ લોકલ અને ગ્લોબલની લેફ્ટરાઈટથી હટીને ગ્લોકલ તાલકદમીની જિકર થતી જોવા મળે છે. વ્યાપક અને સ્થાનિકને હિસાબે તમે એને 'વ્યાનિક' ભણો, કે સ્થાનિક અને વ્યાપકને હિસાબે 'સ્થાપક' ભણો - અન્ય કોઈ અયનમાર્ગ નથી.

લોકલ મંડૂકો, જરીક તો ગ્લોકલ સમજ કેળવો:  કેટલી મોટી દુનિયા તમારી રાહ જુએ છે!

 

Category :- Samantar Gujarat / Samantar