ગઝલ આટલી વકરી કેમ?

રવીન્દ્ર પારેખ
23-05-2020

એક સમયે સોનેટનો ભરાવો હતો એમ આજે ગઝલોનો રાફડો ફાટ્યો છે. એમાં પણ ગઝલ તરીકે પાર ઊતરે એવી તો ઓછી જ મળે. લઘુ ઉદ્યોગો ઓછા છે, પણ ગઝલનો હસ્ત ઉદ્યોગ બેફામપણે ચાલે છે.

આમ થવાનું કારણ પણ છે. સોનેટ, વાર્તા, નાટક, નવલકથા વગેરે સ્વરૂપની તળિયા ઝાટક વિવેચના થઈ, તેનું કારણ એ કે તેનું સ્વરૂપ સમજનાર પંડિતોની ગુજરાતી સાહિત્યને ખોટ ન હતી. વળી વિવેચન કરનારા પંડિતોમાંથી ઘણાખરા જે તે સ્વરૂપ ખેડનારા પણ હતા ને શાસ્ત્રના જાણકારો પણ હતા. એને કારણે વિવેચનનાં ધોરણો, સિદ્ધાંતો પણ ઉપલબ્ધ હતાં. એમાં પણ એક તબક્કે વિવેચન ઓછું ને રાગદ્વેષી અભિપ્રાયોથી જ કામ વધારે ચાલ્યું, છતાં જે કેટલુંક તત્વનિષ્ઠ ને મૂલ્યનિષ્ઠ કામ થયું તેને સિદ્ધાંતનો આધાર રહ્યો એ સ્વીકારવું પડે.

એ લાભ ગઝલને ખાસ ના મળ્યો. એનું કારણ એ કે ગઝલ અરબી ફારસીમાંથી ઉર્દૂમાં ને પછી ગુજરાતીમાં ઊતરી આવી ત્યારે તે વિદેશી પ્રકાર તરીકે અંગ્રેજી સાહિત્ય પ્રકારો જેટલું ખાસ ધ્યાન ન ખેંચી શકી. એનું કારણ એ પણ ખરું કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા હતી એટલે એનો ને એના સાહિત્યનો અભ્યાસ કરનારાઓનું જેટલું પ્રમાણ હતું એટલું અરબી, ફારસીનો અભ્યાસ કરનારાઓનું ખાસ હતું નહીં. મુગલકાળમાં કેટલાક બ્રાહ્મણો દીવાનની ભૂમિકામાં પણ સક્રિય હતા ને વહીવટી કામોમાં ફારસી જરૂરી પણ હતી એટલે દીવાનો ફારસી શીખ્યા પણ ખરા. કેટલાક તો ફારસીના પંડિતો પણ થયા, પણ એમનું જ્ઞાન ઘણુંખરું તો વહીવટ પૂરતું જ સીમિત રહ્યું. એનો લાભ ગઝલને ઓછો જ મળ્યો.

ગુજરાતી ગઝલ તરફ વધુ ધ્યાન ખેંચાયું તેમાં મુશાયરા પ્રવૃત્તિ કારણભૂત છે.

ગુજરાતી ગઝલની વાત કરીએ તો રાંદેર-સુરતમાં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ. 1930-'31માં 'બેકાર'ના પ્રમુખપદે પહેલો મુશાયરો થયો ને એ પછી મુશાયરા બીજા શહેરોમાં પણ શરૂ થયા. મહાગુજરાત ગઝલ મંડળના તે વખતે મંત્રી રતિલાલ 'અનિલ' હતા. તે મુશાયરાના અહેવાલો લખતા. એ તો પછી અખબારો સાથે પણ સંકળાયા. બે ચોપડી ભણેલા 'અનિલ' આગળ જતા ગઝલનાં આંતરબાહ્ય સ્વરૂપના ઠીક ઠીક જાણકાર પણ થયા.

મુશાયરા પ્રવૃત્તિ ખૂબ વિકસી તેનું એક કારણ ગઝલની તૂર્ત પ્રત્યાયન ક્ષમતા હતી. તેમાં શ્રોતાઓનો તરત જ રિસ્પોન્સ મળતો. આ પ્રત્યાયન ક્ષમતા શક્ય બની ગઝલની ભાષા સરળ અને બોલચાલની હોવાને કારણે. ગઝલ તેથી લોકપ્રિય પણ ખૂબ થઈ. શ્રોતાઓની શાયરોને ખૂબ દાદ મળતી થઈ. એનું એક પરિણામ એ આવ્યું કે શાયર એવી ગઝલ લખતો થયો જે એને ખૂબ દાદ અપાવે. પછી તો મોટે ભાગે શાયરો લોકોને ખુશ કરવાને ઇરાદે જ ગઝલ લખતા રહ્યા.

એવું પણ થયું કે જે ગઝલ વધારે દાદ અપાવતી હતી એ ને એવી ગઝલો જ શાયરોએ મુશાયરાઓમાં રજૂ કરવા માંડી. શ્રોતાઓ ખુશ પણ થયા તો એવું પણ થયું કે નવું સાંભળવા આવનારા શ્રોતાઓ એની એ જ ગઝલો સાંભળીને નિરાશ થયા.

ગઝલને પરાણે લોકપ્રિય કરવાનો પ્રયત્ન પણ થયો. શાયરોએ મુશાયરાઓ લૂંટી લેવાની તરકીબો પણ અજમાવી. એમાં બેચાર છંદો હાથવગા રાખીને શાયરોએ ગઝલના શાસ્ત્ર તરફ દુર્લક્ષ પણ સેવ્યું. પરિણામે ગઝલ પર સભારંજનીનું આળ આવ્યું. આ બધાથી ગઝલ ન લખતા, પણ અન્ય પ્રકારો ખેડતા સાહિત્યના પંડિતો, સાક્ષરો ગઝલ અને ગઝલકારો પર નારાજ થયા. સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ગઝલને અને ગઝલકારોને ભાંડયા. વિષ્ણુભાઈ ગઝલકાર ન હતા કે ગઝલના શાસ્ત્રથી ખાસ પરિચિત પણ ન હતા, પણ તેમનો વિરોધ ગઝલમાં પ્રવેશેલા રંજક તત્ત્વ સામે જ મુખ્યત્વે હતો. એ રીતે એમનો વિરોધ વાજબી પણ હતો, પણ તેમાં સ્વરૂપ લેખે ગઝલનો કોઈ દોષ ન હતો. એટલે ગઝલનો બચાવ કરવા રતિલાલ 'અનિલ' મેદાને પડ્યા. તેમણે બરાબરની ઝીંક ઝીલી. ‘અનિલ' ગઝલની શાસ્ત્રીય ને શસ્ત્રીય વિચારણાથી વાકેફ હતા તે એમણે 40થી ય વધુ વર્ષ 'કંકાવટી'ના સંપાદક તરીકે સક્રિય રહીને સિદ્ધ કરી આપ્યું હતું. એમણે ગઝલની તીવ્ર સમીક્ષાઓ કરી અનેક ગઝલકારોને શત્રુ પણ બનાવ્યા. ક્યાંક અંગત રાગદ્વેષ પ્રવેશ્યાનું કોઈને લાગે તો પણ, ‘અનિલ' જેવી ગઝલની સતત સમીક્ષા ગુજરાતીમાં બીજા કોઈએ કરી હોવાનું જાણમાં નથી. ગુજરાતીમાં 27 જેટલા છંદોનો પ્રવેશ 'અનિલ'ની દેન છે.

એ સ્વીકાર્યે જ છૂટકો છે કે ગઝલની વિવેચના ગઝલકારો દ્વારા ઓછી જ થઈ છે અને જે લોકો ગઝલના જાણકાર ન હતા તેમણે ગઝલની વિવેચના પૂર્વગ્રહથી કરી. એમને ગઝલનું સભારંજક તત્ત્વ જ ખટકતું રહ્યું ને તેમનું વિવેચન તેની આસપાસ જ ફરતું રહ્યું. ટૂંકમાં, ગઝલ વિશે બે બાબતો કેન્દ્રમાં રહી. તેની વિવેચકોએ ટીકા જ કર્યા કરી ને ગઝલકારોએ બડાઈ - ભાટાઈથી જ કામ લીધું. એનાથી ગઝલને નુકસાન પણ થયું.

ગઝલો સામયિકોમાં છપાતી થઈ. એમાં પણ સંપાદકો, તંત્રીઓમાં ગઝલનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારા ઓછા જ હતા એટલે નબળી ગઝલોને પણ સંપાદકોના અજ્ઞાનનો લાભ મળતો રહ્યો. એમાં જે નીરક્ષીર ન્યાય થવો જોઈએ તે ઓછો જ થયો. એવું પણ થયું કે ગઝલ ન જાણનાર ગાઈડના હાથ નીચે ગઝલ પર પીએચ.ડી. કરનારાઓએ ડૉક્ટરેટની ડિગ્રીઓ પણ હાંસલ કરી. આવું અપવાદરૂપે જ થયું હશે એમ પણ બનવા સંભવ છે.

તો, આવી પરિસ્થિતિમાં ગઝલ વિકસી રહી છે ત્યારે ગઝલકારો જ કડક શિસ્ત પાળે ને શાસ્ત્રીય જ્ઞાનથી સજ્જ હોય એ અનિવાર્ય બન્યું છે. એવું થશે તો જ ગઝલ પ્રદૂષિત થતી અટકશે, બાકી કવિતાને બગાડનારાઓનો તોટો નથી તે ક્યાં કોઈથી અજાણ્યું છે?

000

e.mail : [email protected]

Category :- Opinion / Literature