સ્થળાંતરિતો આપણી સરકારોની ગણતરીમાં જ ક્યાં હતા?

શૈલજા ચન્દ્રા
23-05-2020

શાસકો દેશવ્યાપી લૉક ડાઉનના એકંદરે સફળ અમલીકરણ બદલ યોગ્ય રીતે ખુશી અનુભવી રહ્યા છે. પણ લૉક ડાઉનની સાથે, બદકિસ્મત સ્થળાંતરિત મહેનતકશોની થયેલી દુર્દશાએ, લાંબા સમયથી ધ્યાન બહાર રહેલી એક મહત્ત્વની સમસ્યાને ઉજાગર કરી છે. શ્રમિકોની હાલતે સવાલોની હારમાળા સર્જી છે.

એક સવાલ એ છે કે સ્થળાંતરિત શ્રમિકોની વ્યાપકતાનો આગોતરો અંદાજ કેમ ન બાંધી શકાયો? તેમણે વેઠેલો ભૂખમરો અને તેની સામેનો આક્રોશ મીડિયામાં દેખાયો છે. વળી, રોજની કમાણી અટકી જતાં સ્થળાંતરિતોની ઘરવાપસીની સ્વાભાવિક તાલાવેલી પ્રત્યે સરકારની જડતાની વાત પણ મીડિયામાં મોટા પ્રમાણમાં આવી છે. જોકે કોવિડ-૧૯ પહેલાં પણ સ્થળાંતરિત શ્રમજીવીઓની જે હાલત રહી છે તેની પાયાની ચર્ચા માધ્યમોમાં થઈ નથી.

મુંબઈ કે દિલ્હી જેવાં મહાનગરોના અરધા લોકો ઝૂંપડપટ્ટીઓમાં અને ખોરડાંમાં રહે છે એ હકીકત જાણીતી છે. બધી સરકારો આ લોકોની જિંદગી સુધારવા માટેના પ્રયાસ કરે છે. કોવિડ લૉક ડાઉનના બે-ત્રણ દિવસની અંદર જ દિલ્હીના ઝૂંપડાવાસીઓને છ અઠવાડિયાનું અનાજ વિના મૂલ્યે આપવામાં આવ્યું, મહિલાઓને પૈસા મળ્યા અને પેન્શનરોનાં ખાતાંમાં બમણી રકમ જમા થઈ. જેમને જમવાનાં સાંસાં હતાં તેમને લૉક ડાઉન જાહેર થયાં પછીના 48 ક્લાકમાં બે ટંકનું ગરમ ભોજન મળતું થયું. ત્યારથી અત્યાર લગી દિલ્હીની સરકાર વીસ લાખ લોકોને (એટલે કે પટણા શહેરની વસતિ જેટલા લોકોને) દરરોજ જમવાનું પૂરું પાડે છે.

તો પછી આપણને ટેલિવિઝન પર સેંકડો ભૂખ્યા-તરસ્યા સ્થળાંતરિતો શા માટે જોવા મળે છે ? સર્વોચ્ચ અદાલતે સરકારને લૉક ડાઉન દરમિયાન દરેકને રેશન કાર્ડ આપવાની સૂચના શા માટે આપવી પડી? શું ઝૂંપડપટ્ટીમાં રહેનારા અને સ્થળાંતરિતો વચ્ચે ફેર છે? શું સ્થળાંતરિતોમાં પણ મોસમી (સિઝનલ) અને કાયમી (પરમેનન્ટ), સ્થાયી (સેટલ્ડ) અને અટવાયેલાં (સ્ટ્રૅન્ડેડ)—એવા અલગ અલગ પ્રકાર છે?

આ સમજવા માટે આપણે બંધારણીય જોગવાઈઓ અને રાજકીય અર્થકારણને ઘડનારી નીતિઓ સમજવી પડશે. રાજકીય અર્થકારણને આકાર આપતી નીતિઓ સ્થળાંતરિતોને આર્થિક કારણોસર સ્વીકારે છે, પણ તેમને રાજ્યના અન્ન સુરક્ષા છત્ર નીચે આવરી લેતી નથી. બંધારણ મુજબ શહેરી વિકાસ એ સ્થાનિક, મ્યુનિસિપલ વહીવટી તંત્રની જવાબદારી છે અને સ્થળાંતરનું વ્યવસ્થાપન એ જવાબદારીનો હિસ્સો છે. શહેરી વિકાસ અંગે કેન્દ્ર નિર્દેશો આપી શકે, પણ એને લગતા કાયદા ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. અલબત્ત, બીજી ઘણી બધી બાબતોની જેમ શહેરી વિકાસમાં પણ નીતિઓ રાજકીય ફાયદા મુજબ નક્કી થાય છે. 

લોકકલ્યાણ યોજનાઓમાં સ્થળાંતરિતોને રાજ્યના રહેવાસીઓને સમકક્ષ ગણવામાં આવતા નથી. લઘુતમ વેતનનું નિયમન હોય, આવાસ યોજના હોય કે રાજકીય સામેલગીરી હોય — કશામાં સ્થળાંતરિતોને સ્થાન હોતું નથી. વર્લ્ડ બૅન્કના એક અભ્યાસમાં આખા દેશમાં જોવા મળતી ‘માઇગ્રન્ટ અનફ્રેન્ડલી’ (સ્થળાંતરિત-વિમુખ) નીતિઓનો ઉલ્લેખ છે. દરેક રાજ્ય એના પોતાના નાગરિકો માટે સરકારી નોકરીમાં અને શિક્ષણમાં અનામત બેઠકોની જોગવાઈ કરે છે, અનાજવિતરણનાં લક્ષ્યાંકો રાખે છે અને સમાજક્લ્યાણની યોજનાઓ ઘડે છે. આ બધું રાજ્યના પોતાના નાગરિકો માટે જ છે. સ્થળાંતરિતોને પ્રોત્સાહન આપવું રાજ્યો માટે આત્મઘાતી ગણાય છે, કારણ કે તેનાથી રાજ્યના મૂળ નાગરિકો કે જેમનો રાજ્યાધારિત લાભો પર પહેલો અધિકાર હોય છે તે નારાજ થાય છે. ‘મરાઠી માણૂસ’ નામનું પ્રદેશવાદી સામુદાયિક લક્ષણ તેનો સચોટ દાખલો છે. વળી સ્થળાંતરિતો જે રાજ્યમાં વસ્યા છે તે રાજ્યના મતદારો ન હોવાથી રાજકીય પક્ષો માટે પણ તેમને આગળ લાવવાનું સરળ અને ફાયદાકારક હોતું નથી. સ્થળાંતરિતોને રાજ્યની હૉસ્પિટલોની સારવારનો લાભ મળે છે, પણ રાજ્યની આવાસ યોજનાઓમાં તેમને આવરી લેવામાં આવતા નથી.

નવો સ્થળાંતરિત શ્રમિક શહેરમાં આવે એટલે સહુથી પહેલાં તો તે રાત્રે સૂઈ શકાય એટલી જગ્યા મેળવવાની કોશિશ કરે છે. સમય જતાં તે શહેરમાં એક જગ્યાએ નિવાસ બનાવીને ગમે તેમ કરીને તે એક સરનામું મેળવે છે, જેના થકી તે ઇલેક્શન કાર્ડ અને રેશન કાર્ડનો હકદાર બને છે.  

દાયકાઓથી દરરોજ હજારેક સ્થળાંતરિતો પુરાની દિલ્હી સ્ટેશન પર ઊતરે છે. શરૂઆતમાં તે કાકા-મામા નેટવર્ક પર આધાર રાખીને કામ શોધે છે. કેટલાંક વર્ષો બાદ તે પરિવારને લઈ આવે છે. દરેક પક્ષના મુખ્ય મંત્રીઓએ સ્થળાંતરિતોને ‘આ અમારો પ્રશ્ન નથી’ એવા દૃષ્ટિકોણથી જોયા છે. મોટા ભાગના સ્થળાંતરિતો તેમનાં મૂળ રાજ્યોમાં રેશન કાર્ડ ધરાવે છે. માત્ર ચૂંટણી આવે ત્યારે તેમને સ્થાનિક ચૂંટણી ઓળખ કાર્ડ (ઇલેક્શન કાર્ડ) અને રેશન કાર્ડ મેળવવામાં મદદ મળે છે. પણ આ દસ્તાવેજો ન મળે ત્યાં સુધી તેઓ રાજ્યની કલ્યાણ યોજનાઓમાંથી બાકાત રહે છે.

ભારતમાં 2011થી 2016 દરમિયાન રાજ્ય-રાજ્ય વચ્ચેના સ્થળાંતરિતોનો વાર્ષિક આંકડો 90 લાખ ગણાયો છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજ્ય-રાજ્ય વચ્ચે અને રાજ્યમાં અંદરઅંદરના સ્થળાંતરિતોની સંખ્યા 1 કરોડ 40 લાખ હતી. કેટલાક અભ્યાસો મુજબ, સ્થળાંતરિતો શ્રમશક્તિનો 10 ટકા હિસ્સો છે અને તે દેશના જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો કરે છે.

ભારતના બંધારણે નાગરિકોને દેશમાં કોઈ પણ જગ્યાએ રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર આપ્યો છે. તેથી દેશમાં ગમે ત્યાં જવા માટે અને વસવાટ કરવા માટે કોઈ મંજૂરીની જરૂર પડતી નથી. આ વસવાટ મોટે ભાગે જાહેર જગ્યાઓ પર રાજકીય અને વહીવટી સત્તાધારીઓની છૂપી મંજૂરીથી થતો હોય છે.

આ પ્રકારના વસવાટ પર જાહેર હિતને ધ્યાનમાં લઈને ધોરણસરનાં નિયંત્રણ મૂકતા કાયદા ઘડવાની રાજ્યોને સત્તા છે. છતાં રાજ્યોએ સ્થળાંતરિતોના વસવાટનું નિયમન કરવાનું ટાળ્યું છે. એક વાર સ્થળાંતરિતો ગોઠવાય એટલે પછી તે રાજ્યના એટલા મહત્ત્વના ઘટક બને છે કે જેના વિના રાજ્યને ચાલી ન શકે. તેમ છતાં સામાન્ય સંજોગોમાં તો રાજ્ય સ્થળાંતરિતોને મદદ ન આપી શકાય તેવા જ ગણે છે. મહામારીમાં મીડિયાએ એવી ખરાબ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે કે જેને કલ્યાણરાજ્યના સિદ્ધાંત પર ચાલતો કોઈ દેશ નજરઅંદાજ કરી ન શકે. સ્થળાંતરિતોના વસવાટ તરફ બેધ્યાન રહીને અને તેમને તેમના ભરોસે છોડી દેવાથી જાહેર આરોગ્ય પર એવાં જોખમો ઊભાં થશે કે જે આખા દેશના લોકોને મુશ્કેલીમાં મૂકશે. ઝૂંપડપટ્ટીઓ અને ગંદકીના સતત વિષચક્રે ગીચ વસ્તીઓમાં ચેપ કેવી રીતે પગપેસારો કરે છે તે બતાવી આપ્યું છે. આ પાઠ શીખવવા માટે કોવિડ-૧૯ કરતાં સારો અથવા ખરાબ શિક્ષક બીજો કોઈ ન હોઈ શકે.

સરકારે હવે સ્થળાંતરિતોની નોંધણી કરવી જોઈએ. તેમને આપવા જોગ સગવડોનું અને અધિકારોનું સાચું પ્રમાણ નક્કી કરવા માટેનો એક માત્ર રસ્તો તેમની નિયમિત વસતિ ગણતરી છે. જો કે નોંધણી તો પહેલું પગથિયું છે. ત્યાર પછી સ્થળાંતરિતોને માટે સંસાધનો ઊભાં કરવાની વાત તો હચમચાવી મૂકે એવી છે. નોંધણી પણ બહુ મોટો પડકાર છે. તેના માટેની કાર્યવાહી સાદી, પારદર્શક અને સસ્તી નહીં હોય તો તેમાંથી ઘણાં બાકાત રહી જશે અને ઘણાંનું તેમાં શોષણ થશે. સ્થળાંતરિતોની નોંધણીનો પ્રારંભ આધાર કાર્ડથી થઈ શકે. શ્રમજીવીઓને આકર્ષવાની વધારે ક્ષમતા ધરાવતાં રાજ્યોએ તેમનાં આવાસ અને વિકાસની જવાબદારી પણ સ્વીકારવી પડશે. રાજ્ય સરકારો માનવતાથી પ્રેરાઈને આવું ન કરે અને પોતાના નાગરિકોનાં સ્વાસ્થ્યના રક્ષણની જવાબદારી માટે કરે તો પણ ગનીમત છે.

[લેખિકા પૂર્વ સચિવ અને દિલ્હીનાં પૂર્વ મુખ્ય સચિવ છે.]

સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020

Category :- Opinion / Opinion