નહીં ગાવાનું ગીત

વિનોદ ગાંધી
22-05-2020

અમે આવા દિવસ નહોતા જોયા,
આંસુ વિનાની હોય આંખો ને
આમ અમે ધ્રૂસકે ને ધ્રૂસકે નહોતા રોયા !
અમે આવા દિવસ નહોતા જોયા !

માડીનો હૂંફભર્યો હાથ નથી અડતો
દીકરાના શિર પર બીકથી,
આવી તે આભડછેટ હોય મારા ભૈ,
રહેવાનું દૂર કોવિડથી,
અમે સંબંધો પ્રેમના ય ખોયા !
અમે આવા દિવસ નહોતા જોયા!
આંસુ વિનાની હોય આંખો ને
આમ અમે ધ્રૂસકે ને ધ્રૂસકે નહોતા રોયા !

ઈશ્વર પણ દૂર દૂર રહે છે અમારાથી
શોધીએ તો ક્યાં ય નથી મળતો,
બે ગજનું બહાનું કાઢી અમારામાં
આજકાલ એ ય નથી મળતો,
અમે એનાથી પણ હાથ ધોયા,
અમે આવા દિવસ નહોતા જોયા!

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Category :- Poetry