‘અરે મોહનભાઈ, તને પગે લાગવા દે’ …

મનુબહેન ગાંધી
21-05-2020

હું બહારના વરંડામાં બેઠી હતી. મંદિરમાં આરતી થતી હતી તે વેળા એક રમૂજી બનાવ બન્યો.

પોરબંદર તરફના એંસી વરસના એક મેર અને તેનો દીકરો, દીકરાની વહુ વગેરે આવ્યાં. તેઓ આ આરતીનો અવાજ થતો હોવાથી પહેલાં સીધાં જ ત્યાં આવ્યાં. હું તો તેઓના પોશાક પરથી ઓળખી શકી કે આ લોકો કાઠિયાવાડ તરફના છે. મેં કુતૂહલથી ગુજરાતીમાં જ પૂછ્યું કે ક્યાંથી આવ્યાં છે ? પેલાં મેરાણી કહે : “આ મારા સસરા છે, ગોકુળ મથુરાની યાત્રા કરવા આવ્યાં. તેણે વેન લીધું કે, ‘મેં સાંભળ્યું છે કે પોરબંદરના દીવાનનો છોકરો મોહન છે તે બધા સાથે રમેલા, અને મોહન આ ગાંધી બાપુજી, મોટા મહાત્મા છે તે. તપાસ કરતાં ખબર પડી કે તેઓ દિલ્હીમાં છે એટલે થયું જાત્રા કરવા નીકળ્યા છીએ તો અહીં પણ આવી જઈએ.’”

પોરબંદરનું નામ પડતાં મને જિજ્ઞાસા વધી. (મેં પહેલાં તો એ ન બતાવ્યું કે હું પણ પોરબંદરની છું.) પેલા બુઢ્ઢા બાપાની સાથે જ વાત કરવાની શરૂઆત કરી − કેમ બાપા, ક્યાં રેવું ? …

મેર બાપા − “અરે આમ આઘે આઘે રહીએ સીયે … પોરબંદર - સુદામાપુરીમાં. આ તો જાતરા કરવી નીકળ્યા સીયે. ત્યાં હાંભળ્યું કે અમારા દવાનનો દીકરો મોહનભાઈ મારી હારે રમતો એ તો બઉ મોટો માતમા થઈ ગયો સે, અને સવરાજ પણ એ લાવ્યો સે. હવે તો એ બિસારો મને કાંથી ઓળખે ? પણ આ ગોકુળ મથુરા આવ્યો તઈં મારા ભાઈના દરહન પણ કરતો જાઉં. હવે તો ખર્યું પાન સું … એ અહીં રયે સે એમ હાંભળીને અઈં આવ્યા સીયે. હાસી વાત ? એનો બાપ તો પડછંડ હતો.” (પોરબંદર તરફની ભાષા લગભગ એક નામે જ બોલાવે.) મેં કહ્યું, બાપા બેહો. હમણાં ગાંધીબાપુ અહીંથી નીકળશે એટલે તમે દરશન કરી લેજો.

પાંચેક મિનિટમાં બાપુજી આવી રહ્યા હતા. મેં કહ્યું, બાપા, આ તમારા બાળપણના મોહન આવે છે હો. એમણે પાધડી માથા પર ચઢાવી, લાકડી લીધી. હું બાપુજી પાસે સામે ગઈ. હસતાં હસતાં કહ્યું,  બાપુજી, આજે આપને બાળમિત્ર મળવા આવ્યા છે. અને બધું ટૂંકમાં કહ્યું અને અમે અમારી ભંગી કોલોનીના ઓરડા પાસેના મંડપ નીચે આવ્યાં.

પેલા બાપા ‘અરે મોહનભાઈ, તને પગે લાગવા દે’ …એમ કહી પગ પાસે નમી પડ્યા. દૃશ્ય તો એવું રોમાંચક હતું કે દુનિયામાં દોસ્તીનો નાતો પણ આવો કીમતી છે, એમ થયું.

બાપુજી પણ આગળથી મારા કહેવાથી બધું જાણી ગયા હતા, એટલે ખડખડાટ હસીને બાપાને ઊભા કર્યા. રાજેન્દ્રબાબુજી પણ જોઈ જ રહ્યા. અમને તો પેલા બાપાએ બાપુજીને ‘તું’કારથી સંબોધ્યા એમાં જે અપૂર્વ પ્રેમ નીતરતો હતો એ જ સાંભળવાની લહેર પડી.

પેલા બાપાને એમ થયું કે, બાપુજીને જેવા તેઓ નથી ભૂલ્યા તેવા જ બાપુજી પણ તેમને નથી ભૂલ્યા. (કારણ કે બાપુજીને મેં કહેલું એટલે વર્ષોની ઓળખાણ જ છે એમ જ વરત્યા.)

‘ભાઈ, તું તો બઉ મોટો માણસ થઈ ગયો, મને હવે કાંઉ કરતાં ઓળખે ? પણ ઓળખી ગ્યો ! હા, આપણે હારે રમતા. હું તો મા પાંહે કામ કરાવતો, સાઈનો રોટલો મા રોજ ખવરાવતાં. રાતે રામમંદિરમાં જતા. આ હું તો ઈનો ઈ રયો અને તું થ્યો માતમા. નહીબ જોઈએને !! બાપા પણ કેવું ભલું માણહ હતા ?”

બાપુજીને પણ આ વાતમાં ઘણો રસ પડ્યો, અને વધારે તો પોતાનાં માતાપિતાની સ્મૃતિ યાદ કરી એટલે ઘડીભર પોતે તેમ જ પેલા બાપા ફરી જાણે બાળપણના ગોઠિયા હોય અને પોરબંદર શહેરમાં હોય એવું વાતાવરણ સરજી દીધું.

પછી બાપાએ પૂછ્યું : “હં ભાઈ, મારી ભાભી પણ આઈ સેને ? એને ય પગે લાગી લઉં. હવે મારી જાત્રા પૂરી થઈ. આ સોકરાને કીધું, મારે માતમા પાંહે તો જાવું જ સે. બિસારો મને લાવ્યો.”

ઘડીભર ‘ભાભી’ શબ્દે કાનને સતેજ કર્યા, પછી તુરત જ સ્મરણ થયું કે કસ્તૂરબાની વાત કરે છે.

બાપુજી કહે, એ તો જેલમાં ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ. એ હતી તો જ હું માતમા થયો સું હો.

બાપુજી એની ભાષા બોલવા ગયા. પણ પૂરી ન બોલી શક્યા, અને અમે તો પેટ પકડીને હસ્યાં.

પછી બાપુજીએ તેમના કુટુંબના ખબર અંતર પૂછ્યા, અને પોતાની પાસે વધારે સમય ન હતો, એટલે મારો હવાલો આપતાં કહે, આ છોકરી, અમૃતલાલને ઓળખો ને? એના દીકરાની દીકરી છે. એ તમને બધું કહેશે. એમ કહી બાપુજી અંદર ગયા.

બાપાએ મને પકડી. મારા દાદાની વાતો પૂછી. કયા દીકરાની હું દીકરી છું તે બધું પૂછ્યું, અને બધું જાણી રાજી થયા. “પણ દીકરી, તેં આ સોરણો ને ખમીસ (પંજાબીપોષાક) પેર્યા તે મેં તુને કાઠિયાવાડની નોતી હમજી. આ મને નથી ગમતું.” હું સાંભળી રહી. દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો. મેં જમવા વગેરેનું પૂછ્યું. તેમણે ના કહી. અને બાપુજીને ધરવા માટે પેલા મેરાણીના કાનમાં સોનાના વેઢલા હતા. તે કઢાવ્યા. કહે “આવો અવહર ફરી ફરી નહીં મળે. વેઢલા તો હું ‘પોર’ પોંછ્યા કે તરત કરાવી આપહ.” અને બાપુજી તો માલિશમાં ગયા હતા એટલે મને આપીને ગયા. જતાં જતાં પણ તેમની ભક્તિ એવી હતી કે બાપુજી જે ગાદી પર બેસે છે ત્યાં દંડવત્‌ કરીને ગયા.

હું ઘણી વાર સુધી દોસ્તીના મહિમાનો વિચાર કરતી એમને જતાં જોતી ઊભી રહી.

[‘બિહાર પછી દિલ્હી’, 24 જુલાઈ 1947; નવજીવન ટ્રસ્ટ, પુનર્મુદ્રણ જૂન 2013; પૃષ્ટ 388-390]

Category :- Gandhiana