શ્રમિકો માટે

સંધ્યા ભટ્ટ
19-05-2020

શ્રમિકોના શ્રમનો નથી કોઈ છેડો
કરોડોથી પણ ક્યાં છે આવ્યો નિવેડો?
ન પાણી, ન પૈસા, ન રોટી, ન ઘર છે
ઉપરથી આ ગરમી મૂકે છે ક્યાં કેડો?
કરેલી કદી એનાં ચરણોની પૂજા
અને આજ એને તમે કાં ખદેડો?
આ ઉદ્યોગ-ધંધામાં પરસેવો જેનો
તમે કેવા માલિક જે એને જ તગેડો?
ને લાચારો પાસેથી પૈસા પડાવો
અરે, ઢોર માટે શું એ છે હવેડો?
ઘણી એબ ખુલ્લી પડી ગઇ છે, દોસ્તો
ચાલો, આપણામાંના માણસને તેડો
સુણો ‘આત્મનિર્ભર’ના સંદેશાવાહક
શ્રમિકો વિના શેં થશે પાર બેડો

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Category :- Poetry