ગુજરાતી ગઝલ વિશે

રવીન્દ્ર પારેખ
19-05-2020

ગુજરાતીમાં ગઝલો ઘણી લખાય છે તેનો આનંદ છે, પણ લખાય છે તે ગઝલ જ છે તે અંગે વિચારવા જેવું છે.

કેટલાક સંજોગોમાં લઘુને સ્થાને ગુરુ નભી જાય, પણ ગુરુને સ્થાને લઘુ ન જ ચાલે તે નક્કી છે. જો આપણે ગુજરાતી ગઝલ લખતા હોઈએ તો ગઝલ ઉર્દૂ છે કે ગુજરાતી તે જોવું જોઈએ. જો ગુજરાતી વિકલ્પો મળતા હોય તો ઉર્દૂની ભરમાર વિશે વિચારવાનું રહે. ગુજરાતી ગઝલમાં હજી જનાજાઓ નીકળે છે, હજી જુર્મ થાય છે, હજી ઝુલ્ફો ઊછળે છે, દારૂબંધી છતાં હજી સાકી શરાબ વહેંચે છે. આ બધું ઉર્દૂ પરંપરાની નબળી નકલને કારણે ચાલે છે. આ હવે અટકવું જોઈએ.

આપણે જાણીએ છીએ કે ગઝલ બોલચાલની ભાષામાં લખાય છે. જો એ માનતા હોઈએ તો એ જોવાનું રહે કે સાધારણ રીતે નથી બોલાતા એવા શબ્દો તો ગઝલમાં નથી લખતાને! એક સમયે તુજ, મુજ, વિણ જેવા શબ્દો કવિતામાં લખાતા હતા, પણ એ હવે સામાન્ય વાતચીતમાં પણ બોલાતા નથી, તો એનો ઉપયોગ ટાળવો જોઈએ.

જો ગઝલ વાતચીતની ભાષામાં લખાતી હોય તો ગઝલકારોએ પાંડિત્ય પ્રગટ કરવાનું નથી તેનું ધ્યાન રાખવાનું રહે. અસંપ્રજ્ઞાત, સુવિદિત, અહર્નિશ, પ્રતાડિત, કર્ણ, ચક્ષુ જેવા શબ્દો સામાન્ય વાતચીતમાં વપરાતા નથી તો ગઝલમાં તેનો ઉપયોગ કારણ વગર કરવાનો અર્થ નથી. એ પણ સમજવાનું રહે કે ગઝલકાર, ઉપદેશક કે સલાહકાર નથી. તેનું કામ સંકેત આપવાનું છે. તે પરિસ્થિતિને સૂચવે ને ચમત્કૃતિ સાધે ત્યાં તેનું કામ પૂરું થઈ જાય છે. તે ઈલાજ બતાવે, કરવા ન બેસે. તે ઉકેલની દિશા સૂચવે, ઉકેલ ન બને. કોઈ પણ કવિતામાં સંગોપનનો મહિમા છે તે ગઝલમાં પણ છે, કારણ ગઝલ પણ કાવ્ય પ્રકાર છે.

ગઝલનો શે'ર બે પંક્તિઓથી બને છે એ સાચું, પણ રદીફ, કાફિયા જાળવીને બે પંક્તિ લખી દેવાથી શે'ર બનતો નથી. બે પંક્તિઓ એવી રીતે સંકળાવી જોઈએ કે તેમાંથી વિશેષ અર્થ નીપજે અથવા તો શે'રને અપેક્ષિત ચમત્કૃતિનો અનુભવ થાય. સર્જક માત્ર શબ્દકોશના શબ્દોનો જ ઉપયોગ કરે છે, પણ તે ત્યાં જ અટકી જતો નથી, તે શબ્દકોશના શબ્દને રક્તકોશમાં મૂકે છે ને રક્તને આંદોલિત કરે છે. એ આંદોલન કરુણા ને આનંદ પ્રગટાવે છે. એ આનંદ એટલે થાય છે કે પરિચિત શબ્દોનો અપરિચિત એવો અર્થ પ્રગટ થાય છે. સર્જક આ કામ કરે છે. તે પરિચિતમાંથી અપરિચિત એવું આનંદવિશ્વ ઊભું કરે છે. એટલે જ તો તેના વિશ્વનો તેને સર્જક કહ્યો છે.

000

e.mail : [email protected]

Category :- Opinion / Literature