ભાષાંતર નહીં, સર્જનશીલ નવસંસ્કરણ

જયંત મેઘાણી
16-08-2013

અનુવાદ-વિચારણાના વિસ્તૃત વિષયમાંથી બે મુદ્દાઓ અહીં મૂકવા ધાર્યા છે.

બહુભાષી જગતમાં એક ભાષાનો સર્વ-સમાવેશક પ્રભાવ ખૂટે છે ત્યારે કોઇ એક ભાષામાંથી સીધા બીજી ભાષામાં અનુવાદો થવાને બદલે વચ્ચે એક સાહિત્યિક કડી-ભાષાની કામગીરી ઉદ્ભવતી રહી છે. આ કડી ભાષા મારફત મૂળ ભાષામાંથી લક્ષ્ય ભાષામાં અનુવાદોનું અવતરણ થાય છે. દા.ત. નીચે ચર્ચેલાં બે ઉદાહરણોમાં મૂળ કૃતિ રશિયન અને સ્પૅનીશ ભાષાની, તેના અંગ્રેજી અનુવાદો પરથી ગુજરાતીમાં ભાષાન્તર થયાં. આપણા દેશમાં આધુનિક વિદ્યાસંવર્ધનનાં પગરણ થયાં તેની સાથોસાથ અંગ્રેજી ભાષા આવી. જગતની અનેક ભાષાઓ સાથેના આપણા સંસર્ગની એ કડી ભાષા બની એ તો ખરું, પણ આપણી પ્રાદેશિક ભાષાઓ વચ્ચેના સાહિત્યિક 
આદાન-પ્રદાનની ભાષા પણ ઘણીવાર અંગ્રેજી રહી. યુરોપી ભાષાની કૃતિઓ બહુધા અંગ્રેજીના માધ્યમ થકી 
આપણે મેળવીએ છીએ.

ત્રીજી જ ભાષામાં થઇને આવતા આવા અનુવાદો વિશે એક માન્યતા પ્રચલિત છે કે એવી કૃતિઓ મૂળનું ઓજસ ગુમાવે છે. અંગ્રેજી ‘ગીતાંજલિ’ના પ્રકાશન પછી આ મુદ્દો ઊપસેલો. અંગ્રેજી અનુવાદો રવીન્દ્રનાથની મૂળ બંગાળી કાવ્યકૃતિઓનું સૌંદર્ય ખોઇ બેસે છે એમ વારંવાર કહેવાયું. વાતમાં વજૂદ ખરું, પણ ‘ગીતાંજલિ’ને સંબંધ છે ત્યાં સુધી તો એ અનુવાદો કવિએ પોતે કરેલા, પ્રયોજનપૂર્વક કાવ્યોના બંગાળી અલંકારો ઉતારીને, પશ્ચિમના ભાવકોને અનુકૂળ સાદા ગદ્યરૂપે મૂકેલા. પણ, રવીન્દ્રનાથની એ અંગ્રેજી ‘ગીતાંજલિ’ના ઉર્દૂ અનુવાદે બાર-તેર વરસના એક કોરા કિશોરને રડાવેલો. પછી તો બંગાળી ભાષાને પોતાની માતૃભાષાથી પણ વધુ ચાહનાર એ અબૂ સઇદ ઐયૂબ બંગાળી સાહિત્યના વરિષ્ઠ વિવેચક અને રવીન્દ્રવિદ્ તરીકે પંકાયા. એક કિશોરના અંતરને વલોવનાર એ અનુવાદ ઉર્દૂ જેવી બીજી જબાનમાં આવેલો, છતાં કેવો દ્રાવક હશે!  એ જ ‘ગીતાંજલિ’નો ફ્રેન્ચ અનુવાદ 
કવિ આન્દ્રે જીદે એવો પ્રભાવક કર્યો કે પૃથ્વીના પેલા સીમાડે વસનાર નારી વિક્તોરીઆ ઓકામ્પોએ તેનું પઠન આંસુભરી આંખે કરેલું. અને રવીન્દ્રનાથે પોતે કબીરની વાણીને સીધી ખડી બોલીમાંથી અંગ્રેજીમાં નહોતી ઉતારી; એમણે ક્ષિતિમોહન સેન પાસે બંગાળીમાં અનુવાદ કરાવ્યા અને પછી તેના પરથી કબીરને અંગ્રેજી અવતાર આપ્યો.  હજુ પાંચ-છ દાયકા પહેલાં એક અનુવાદ-ઘટના બની એ તો આપણા સાહિત્યનું મોટું સંભારણું ગણાય. આપણે જેને અંગ્રેજી નામ ‘વૉર એન્ડ પીસ’થી ઓળખીએ છીએ એ તૉલ્સ્તૉયની રશિયન નવલકથા ‘વોયના ઇ મીર’નો અનુવાદ જયંતિ દલાલે આપ્યો એ અંગ્રેજી મારફત આવ્યો. વિશેષ નામો સિવાય કોઇ અંશ આપણને ભાષા-બદલનો અંદેશો ન આપે એવો એ અનુવાદ. તૉલ્સ્તૉયની એ કીર્તિદા પર તો દસ અંગ્રેજી અનુવાદકોએ લેખિની અજમાવેલી. જે બે જાણીતા અનુવાદો જયંતિ દલાલને મળ્યા એ બેઉના ફકરે ફકરાને સરખાવીને – સંયોજીને જે અનુવાદ એમણે કર્યો એ મૂળ રશિયનનું ઓજસ સંકોરે છે કે નહીં એ તો આપણે નાણી શકીએ તેમ નથી, પણ સાહિત્ય-આસ્વાદનનાં ઊંચાં ધોરણોની અદબ કરે છે એ તો આપણે કહી શકીએ તેમ છીએ. લલિત કૃતિના ઉત્તમ અનુવાદની આ કસોટી : એ રસનિષ્પત્તિ સાધે છે કે નહીં? નવી ભાષાભૂમિમાં તેણે મૂળિયાં નાખ્યાં છે કે નહીં? અનુવાદક શબ્દોનાં ચોસલાંની હેરફેર કરનાર દુભાષિયો નથી, તેણે કૃતિને આતમમાં ઓગાળી હોય છે અને શબ્દેશબ્દે ને વાક્યેવાક્યે એ ભાષાકૌશલ, ભાવસમજ અને વિચારનું રસાયણ રેડે છે – અરે, એ પરકૃતિપ્રવેશ કરે છે. પરિણામે જયંતિ દલાલની કલમમાંથી જે નીપજ્યું છે એ નર્યું ભાષાંતર નથી, સર્જનશીલ નવસંસ્કરણ છે, આપણી સાહિત્ય-સંપદાનું રત્ન છે.  અનુવાદ-સમજને ઉપકારક એવી જયંતિ દલાલની પ્રસ્તાવનાનું ફેર-વાચન પણ રસદાયક થાય એવું છે. એમાં એમણે બે અંગ્રેજી અનુવાદોનો આધાર કઇ રીતે સાધ્યો એ સમજાવ્યું છે.

આ સંદર્ભે રસ પડે એવું બીજું દૃષ્ટાંત તે સર્વાન્તેસની કાળ-સન્માનિત સ્પૅનીશ નવલકથા ‘દૉન કિહોતે’. ચારસો વરસ પહેલાં લખાયેલી આ હાસ્યકથાના કેટલાય અંગ્રેજી અનુવાદ થયા, તેમાંના એક પરથી ગુજરાતીમાં ઊતરી આવેલી કૃતિને અનુવાદ નહીં કહીએ; સર્વાન્તેસના જ કુળબંધુ ગણાય એવા ચન્દ્રવદન મહેતા દોન કિહોતેના મુલકની માટી પણ સૂંઘી આવ્યા અને નવલકથાનું સોળે કળાએ ગુજરાતી નવસંસ્કરણ કર્યું, તેને તાજગીભર્યો ભાષાકલાપ આપ્યો. તેના એકાદ અંશને અંગ્રેજી અનુવાદ સાથે સરખાવવામાં રસ પડશે તેમ માનીને અહીં એવા નમૂના મૂક્યા છે :

[અંગ્રેજી અનુવાદ : જ્હૉન ઓર્મ્સબી. 1885]

[અનુવાદ : ચન્દ્રવદન મહેતા. 1964]

        

ચન્દ્રવદન મહેતાએ મૂળને ‘વફાદાર’ રહીને શબ્દોને અનુસરીને અનુવાદ કર્યો હોત તેના કરતાં આ સર્જનશીલ ભાષા-બદલમાં મૂળનાં અર્થબોધ અને વાતાવરણ સચવાતાં નથી? અને ગુજરાતી વાચકને ક્યાંક પોતાની ભાષાની અભિવ્યક્તિ-ક્ષમતાનો લાભ મળતો હોય તો એ સર્વાન્તેસના ઇરાદાની વાત બનતી નથી? 
અહીં જોઇ શકાય કે કહેવાતી ‘વફાદારી’ને ઘડીભર એક બાજુ મૂકીને મૂળ કૃતિના મિજાજને આ અનુવાદે 
આબાદ જાળવ્યો છે.

‘દોન કિહોતે’ના આ જ અંશના અનુવાદનો ત્રીજો એક નમૂનો પણ જોવામાં, અલબત્ત જુદા કારણસર, 
રસ પડશે. જેનું પ્રકાશન ઊતરતી 19મી સદીમાં થયું હશે, કોઇ અનામી પારસી લેખકે અનુવાદ કર્યો હશે એવું માત્ર અનુમાન જ શક્ય છે એવી આવૃત્તિમાંથી એ મેળવ્યો છે :

આ રીતે ત્રીજી ભાષા મારફત ઊતરી આવેલા ઉત્તમ અનુવાદનાં બીજાં ઉદાહરણો આપણાથી ક્યાં અજાણ્યાં છે? ‘દુખિયારાં’ના અનુવાદક ફ્રેન્ચ ભાષા નહોતા જાણતા, અને ‘તોત્તો-ચાન’ના અનુવાદકને માટે જપાની ભાષા અજાણી હતી; બેઉ અનુવાદો અંગ્રેજી વાટે આવ્યા છે તો પણ તેનું વાચન મૌલિક લેખન જેટલું જ તૃપ્તિકર નથી? ત્રીજી ભાષામાં ઊતરી આવતા અનુવાદો મૂળની સુગંધ ગુમાવી બેસે છે અને તેમનું ભાવન એટલે અંશે ઊણું ઊતરે છે એવા ખ્યાલને નિરપેક્ષ રીતે કેમ ન સ્વીકારી શકાય એ પ્રતીત કરાવતાં આપણાં આ ઉદાહરણો છે.  કહેવાયું છે તેમ એક શીશીમાંથી બીજી શીશીમાં રેડાતા અત્તરની સુગંધ થોડી ઊડી જતી હશે, પણ નવી ફોરમ તેમાં ઉમેરાતી હોવાનાં દૃષ્ટાંતો ય છે. નવી ભાષા-જનની પણ આગંતુક કૃતિને લાડકોડ નહીં ધરતી હોય? અનુવાદક માત્ર મૂળ કૃતિને નવી ભાષામાં ઢાળનાર નથી; એ મૂળ લેખક સાથે સર્જનકર્મમાં જુગલબંદી રચે છે. મૂળ કૃતિને પોતીકી બનાવીને, તેના અંતરંગમાં પ્રવેશ કરીને, પ્રાણ પરોવીને જે અનુવાદ કરે છે એ યજમાન-ભાષામાં પછી 
‘યુદ્ધ અને શાંતિ’ કે ‘દોન કિહોતે’, ‘દુખિયારાં’ કે ‘તોત્તો-ચાન’ નીવડી જાણે છે, નવી ભાષાના સાહિત્યમાં મૌલિક કૃતિઓ જેવાં સમોવડ સ્થાન પામે છે.   

અનુવાદની એક વિશિષ્ટ પદ્ધતિની સમજ પ્રચલિત કરવા જેવી છે. ઓગણીસસો પચાસના દાયકામાં બંગાળી સાહિત્યના એક અખિલ ભારતીય સમુદાય સમક્ષ ફૉર્ડ ફાઉન્ડેશનના એ કાળના પ્રકાશન-નિષ્ણાત આર્થર આઇસનબર્ગે વાત કરેલી કે બહુભાષી સમાજમાં સહિયારા અનુવાદની પદ્ધતિ અપનાવવા જેવી છે : દાખલા તરીકે, ગુજરાતી પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો હોય તો સ્રોત ભાષાની પૂરી જાણકાર વ્યક્તિ અનુવાદનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરે. પછી એ મુસદ્દો લક્ષ્ય ભાષાના નિષ્ણાત (જે સ્રોત ભાષાના સામાન્ય જાણકાર હોય) હાથ પર લે અને તેનાં ભાષા-શૈલી-રૂઢપ્રયોગને સંમાર્જે, તેને ચળકાટ આપે. છેવટે જે હસ્તપ્રત તૈયાર થાય એ આખરી બને. આઇસનબર્ગે વહેતી મૂકેલી એ રસમ પછી ઘણીવાર ખપમાં લેવાઇ છે. દોઢેક વરસ પહેલાં જ ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ બહાર પડ્યો તેમાં પણ આ પદ્ધતિ અખત્યાર થઇ છે : ત્રણ અનુવાદકો છે : એક દેવવ્રત પાઠક, અને બીજા બે ગુજરાત અને ગુજરાતી ભાષાના વિદેશી અભ્યાસીઓ છે. આ કિસ્સામાં એવું બન્યું છે કે 
પેલા બે અંગ્રેજીભાષી અધ્યાપકોએ દેવવ્રત પાઠકના પહેલા મુસદ્દાને માંજીને તેને વિશેષ વાચનક્ષમ બનાવ્યો છે. મોભાદાર પ્રકાશકોના સંપાદકો હસ્તપ્રતની જે માવજત કરે છે તેનાથી ડગલું આગળ જતી આ પદ્ધતિ થઇ.

બીજી વાત છે સંપાદિત અનુવાદની. મૂળ કૃતિ લખાયાને કાળ વીત્યો હોય, એ વિષયમાં નવું ખેડાણ થયું હોય એ બધું રજોટી-સમેટીને સોઇ-ઝાટકીને મૂળ વાચના સાથે જોડીને મુકાયું હોય, વાચન-સહાયક સંપાદકીય સામગ્રી (‘એડીટોરીઅલ એપરેટસ’) તેમાં ઉમેરાઇ હોય એવાં ઉદાહરણોમાં આપણને રસ પડે. બે નમૂના અહીં તત્કાલ સાંભરે. એક, ‘ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ એ ચંદુલાલ ભગુભાઇ દલાલનું પુસ્તક. ત્રિદીપ સુહૃદે એ જીવનકથાનો અંગ્રેજીમાં માત્ર અનુવાદ ન કર્યો પણ પછીથી પ્રકાશમાં આવેલાં પાંચ પૂરક લખાણો ઉમેર્યાં, બાર તો પરિશિષ્ટો જોડ્યાં અને પરિણામે મૂળ કરતાં અઢીગણું મોટું અને વિશાળ પરિપ્રેક્ષ્યવાળું જીવનચરિત્ર આપણને મળ્યું. અનુવાદ અને સંપાદનના કૌશલનું સરસ સંયોજન રચાયું. સાહિત્ય અકાદમીએ તેને વરસની શ્રેષ્ઠ અનુવાદકૃતિ ઠરાવી. આપણા ગૌરવગ્રંથ ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં નવેસર આ રીતે અનુવાદ થાય, અને તેને પણ કોઇ સંપાદનપ્રતિભાનો લાભ મળે એવી આશાભરી કલ્પના કરવાનું આ ટાણું છે.

બીજું ઉદાહરણ તે વિનોદ મેઘાણીએ કરેલો ‘મહાદેવભાઇની ડાયરી’ના બાવીસમા ભાગનો અંગ્રેજી અનુવાદ. 
ડાયરીમાં આવતા અપરંપાર નામોલ્લેખો અને ઘટના-સંદર્ભો વિશેની વિપુલ વિગતો શોધી-વીણીને અહીં સામેલ કરીને અનુવાદકે વાચક માટે એક મિત્રકર્મ કર્યું છે. વિનોદભાઇના બીજા અનુવાદોમાં અગાઉ થયેલો સંપાદન-ઉદ્યમ અહીં વિકસિત થયેલો જોવા મળશે.

અહીં રજૂ કરેલાં ઉદાહરણોમાં અનુવાદકની નિષ્ઠા અને તન્મયતા તેને પરકૃતિપ્રવેશ સુધી લઇ જાય છે.
અનુવાદને સર્જંનશીલ નવસંસ્કરણનું ગૌરવ આપતા આ પ્રયાસો અનુવાદ અને સંપાદનના માપદંડોને અધિક ઊંચે 
લઇ જવા પ્રેરે તેવા છે.                                                                                      

[‘પ્રત્યક્ષ’ આયોજિત અનુવાદ-વિચાર પરિચર્ચામાં રજૂ કરેલું, થોડું નવેસર.  વડોદરા, 6 જાન્યુઆરી 2013]

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature