ચલતી કા નામ ગાડી

હરનિશ જાની
13-08-2013

હું અમેરિકાથી ભારત જવાનો હતો ત્યારે મારા મિત્ર રામુનો અમદાવાદથી ફોન આવ્યો :  ‘તારે આરામથી આવવું હોય તો ઍરપોર્ટ પર વ્હીલ ચેર બુક કરાવી દેજે. પછી જલસા જ જલસા. અમારે ત્યાં તો બધા અમેરિકા જાય છે ત્યારે એ રીતે જ જાય છે. અમને તો ટ્રાવેલ એજન્ટ જ વ્હીલ ચેરની સલાહ આપે છે.’ 

હવે વ્હીલ ચેરની આ સગવડ દર્દીઓ માટે વરસો પહેલાં અમેરિકાની કોઈ ઍરલાઈન્સે દાખલ કરી અને તે વિકસી અમદાવાદમાં. આ વિકસવાનું કારણ ન હાલી–ચાલી શકતા વડીલો  નહીં; પરંતુ લગ્નના પાર્ટી પ્લૉટમાં ડિનર લેવા માટે ધક્કામુક્કી કરતા સશકત વડીલોને આભારી છે. માંદગીને કારણે કે કોઈ બીજા કારણસર, ન ચાલી શકતા પ્રવાસીઓ માટે આ  સગવડ બધી ઍરલાઈન્સવાળા રાખે છે; કે જેથી એવા પ્રવાસીઓનું, ઍરપોર્ટ પર પરિવહન થઈ શકે. તે લોકોને વી. આઈ. પી. ટ્રીટમેંટ પણ આપે છે. ટિકિટ કાઉન્ટરથી બોર્ડિંગ ગેટ સુધી ઍરપોર્ટના જ કર્મચારી તે વ્હીલ ચેરને ધક્કો મારીને લઈ જાય. અને બીજા પેસેન્જરો કરતા એમને પ્લેનમાં પહેલાં બેસવા દે.

અમે ભારત આવ્યાં, ફર્યાં અને અમદાવાદ ઍરપોર્ટથી અમેરિકા પાછાં ફરતાં હતાં ત્યારે મને રામુ યાદ આવ્યો : કારણ હતું વ્હીલ ચેર. અમદાવાદના ઍરપોર્ટની ડિપાર્ચર લોંજમાં બોર્ડિંગની એનાઉન્સમેંટ થઈ કે પહેલાં બાળકો સાથે મુસાફરી કરતી સ્ત્રીઓ ગેટ પર આવે. કોઈ સ્ત્રી આવે કે ન આવે તે પહેલાં તો પંદર–વીસ વ્હીલ ચેર દરવાજા પાસે ધસી આવી ! મેં ધ્યાનથી જોયું તો બે ત્રણને બાદ કરતાં બાકીનાં બધાં મને તો તંદુરસ્ત જ લાગ્યાં. જે લોકો માંદા જેવા હતા તેમને જોતાં લાગે કે આ લોકો આ બાવીસ કલાકની મુસાફરી પૂરી કરી શકશે ખરા !

સામાન્ય રીતે બાળકો સાથે મુસાફરી કરતી સ્ત્રીઓને પહેલો પ્રવેશ મળે છે અને પછી વ્હીલ ચેરવાળાઓને. પરંતુ સ્ત્રીઓના પહેલાં આ વ્હીલ ચેરવાળા ધસી ગયા ! બાળકો ભાડે નથી મળતા; નહીં તો એ વ્હીલ ચેરવાળાઓ વ્હીલ ચેર કરતાં બાળકોને લઈને જ આવે ! હવે આ વ્હીલ ચેરમાં બેઠા પછી એમને મહારાજા હોવાનો નશો ચઢે છે. પોતાનો સામાન લઈને ઊભેલા બીજા મુસાફરો તેમને તુચ્છ લાગે છે અને પોતે અંબાડીમાં બેઠા છે એવું તેમને લાગે છે.

સામાન્ય રીતે ઍરપોર્ટના માણસો વ્હીલ ચેરને ધક્કો મારતા હોય છે. પરંતુ પોતાની માંદગીનું રહસ્ય છતું ન થાય તે માટે પોતાના સગાંસ્નેહીને પોતાની વ્હીલ ચેર હવાલે કરશે. તે વ્હીલ ચેરને ધક્કા મારનારની પણ વાત ન્યારી છે. તેમને કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ હાંકનાર શ્રી કૃષ્ણનો ખુમાર ચઢશે અને એ પોતાનો રથ આગળ લઈ જવા મથશે.

મેં જોયું કે એક તંદુરસ્ત વડીલની વ્હીલ ચેરને એક બહેન ધક્કો મારતાં હતાં. કદાચ તે તેમનાં પત્ની હતાં. તેમને બીજા બધા રથની આગળ શ્રી કૃષ્ણની જેમ પોતાનો રથ લઈ જતાં નહોતું ફાવતું. તો પેલા વડીલ ઊભા થઈને પોતાની વ્હીલ ચેરને વાંકીચૂંકી ખેંચીને, બે ત્રણ જણને કુદાવીને, આગળ લઈ ગયા અને પછી પોતાની ચેરમાં પાછા બેસી ગયા ! ત્યાર બાદ પેલાં બહેનને પોતાના રથનો હવાલો આપ્યો. મને લાગ્યું કે એ વડીલ અમદાવાદની પોળોમાં જરૂર ડ્રાઈવિંગ કરતા હશે; જ્યાં કાયદાપાલન એ ગુનો ગણાય છે.

આમાંના ઘણા વડીલો કે જેમને અગાઉ વ્હીલ ચેરનો અનુભવ હતો તે શાંતિથી બેઠા હતા. આમાં ખોટા વડીલોને વધુ ઉતાવળ હતી. એમને એમ હશે કે પ્લેન એમને લીધા વીના જતું રહેશે તો ? પ્લેનમાં બધા ઉતારુઓની સીટના નંબર હોય છે. પ્લેન કોઈને પણ પડતાં મૂકીને  ઊડવાનું નથી. છતાં અંદર બેસવાની ઉતાવળ શાને માટે કરતા હશે ? ઈચ્છિત સ્થળે પહોંચ્યા પછી પ્લેન બધા ઉતારુને ઉતાર્યા સિવાય કોઈને લઈને પાછું ઊડી જવાનું નથી; છતાં ઉતરતી વખતે પણ એટલી જ ધક્કામુક્કી !

ભારતમાં બાળકને જન્મતાંમાં જ આપણી વિશિષ્ટ સંસ્કૃતિનો પરિચય થઈ જાય છે કે ભારતમાં Survival of the fittestનો જંગલનો કાયદો ચાલે છે. ગબ્બરસિંહ યહ કેહ ગયા : ‘જો સ્લો હુઆ; વો રેહ ગયા !’

એક વખતે પ્લેને ટેક ઓફ લીધો કે મેં જોયું તો પ્લેનમાં ચમત્કાર થયો ! બધાં વ્હીલ  ચેરવાળા વડીલ ભાઈબહેનો (કાકાઓ અને કાકીઓ) કોઈ પણ ભગવાનની બાધા સિવાય ચાલતાં થઈ ગયાં ! અરે, પ્લેનમાં પ્રવેશતાં પહેલાં જ બધાંએ ચાલવું પડે ! એટલે ઘણા તો ચેરમાંથી હજી ઊઠે તે પહેલાં પત્નીઓએ અત્યાર સુધી ઊંચકી રાખેલો સામાન, પેલા વ્હીલ ચેરવાળા દર્દીઓને પકડાવી દીધો ! એમની બાદશાહીનો અહીં અંત હતો. ઉતરતી વખતે દેખા જાયેગા ! બાથરૂમ જવા માટે પણ જો વ્હીલ ચેર મળતી હોત તો તેઓ પ્લેનમાં પણ તે વાપરતા હોત.

હવે અમેરિકાના કોઈ પણ ઍરપોર્ટ પર ઉતરીએ ત્યારે કંઈ પંદર–વીસ વ્હીલ ચેર તો એક સાથે હાજર હોય નહીં ! એટલે વ્હીલ ચેરની રાહ જોયા સિવાય પોતાનાં દીકરાદીકરીને મળવા ઉત્સુક વડીલો ચાલવા તો શું – દોડવા જ માંડશે ! પહેલાંના સમયમાં અમેરિકા આવતી ફ્લાઈટમાં એકે વ્હીલ ચેર દેખાતી નહોતી. કારણ કે ત્યારે મોટા ભાગના અમેરિકન યુનિવર્સિટીમાં ભણવા આવતા સ્ટુડન્ટ્સ હતા. પછી એંસીના દાયકામાં સ્ટ્રોલર સાથેની નાનાં બાળકોવાળી સ્ત્રીઓ વધી ગઈ. પેલા સ્ટુડન્ટ્સ દેશ જઈને પરણી આવ્યા એનું આ પરિણામ ! પરંતુ તે માતાઓ પોતાના સ્ટ્રોલર્સની રેસ નહોતી લગાવતી. વ્હીલ ચેર એક લક્ઝરી છે; જ્યારે બાળકો લક્ઝરીમાં ન ગણાય. એટલે જો એમનાં બાળકોની કોઈ સંભાળ રાખે તો માતાઓ પણ વ્હીલ ચેરમાં ગોઠવાઈ જવાનું પસંદ કરે !

હવે તો આ વ્હીલ ચેરનું કલ્ચર એકલું ઍરલાઈન્સ પુરતું મર્યાદિત રહ્યું નથી. હવે તો વોલમાર્ટમાં પણ જાડા અમેરિકનોને આકર્ષવા બાસ્કેટવાળી વ્હીલ ચેર રાખે છે, જેથી તેઓ તેમના પાકિટનો ભાર ઓછો કરી શકે. અમેરિકામાં સરકાર જરૂરિયાતવાળા સિનિયર સિટિઝન્સને બધી સવલત મફત આપે છે. આ સવલતમાં વ્હીલ ચેર પણ ગણાય. એને માટે ડૉક્ટરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું. માત્ર સર્ટિફિકેટ જ રજૂ કરવાનું; તેને માટે પગનો આર્થરાઈટિસ જેવો કોઈ રોગ હોવો જરૂરી નથી. આપણાં સિનિયરોને રોગ ભલે ન હોય; પરંતુ ડૉકટર મિત્ર તો હોય જ ને ! હવે તો મોટરાઈઝ્ડ વ્હીલ ચેર મળે છે, જે ૧૫–૧૬ કિલોમીટરની સ્પીડે દોડી શકે છે. એટલે સિનિયરો ઘર નજીકના સ્થળોએ જવા તે વાપરે. દૂધ લેવા કે દવા લેવામાં, મંદિરે દર્શન માટે એ વ્હીલ ચેર ખાસ્સી કામ લાગે છે. અમારા એક મુરબ્બી તો ઘર નજીકના પાર્કમાં મોર્નિંગ વૉક લેવા જવા માટે પણ વાપરે છે. હા, શરત એટલી કે તમારે ફુટપાથ પર દોડાવવાની. અમેરિકામાં ફુટપાથ પર કોઈનાં ઘર નથી હોતાં કે કોઈ સૂતું નથી હોતું. એટલે ચાલે, મારા ભાઈ ! અમેરિકામાં બધાં જાહેર સ્થળો પર પગથિયાંની સાથે સાથે વ્હીલ ચેર જઈ શકે એવા રૅમ્પ ફરજિયાત બનાવવા પડે છે.

થોડા વખત પહેલાં, હું ટ્રેન્ટન રેલવે સ્ટેશને મારા દીકરાને મૂકવા જતો હતો. રાતનો સમય હતો. એક સિનિયર પોતાની વ્હીલ ચેરમાં, ફુટપાથ પર ન રહેતાં, રોડ પર ઊતરી આવ્યા હતા. મારું તેમના પર ધ્યાન નહોતું. મારી કાર એમનાથી માંડ એકાદ ફુટ દૂરથી પસાર થઈ. અને હું રેડ લાઈટ પર થોભ્યો ત્યાં તો એ સજ્જન હાંફળાંફાફળાં દોડતાં મારી કાર પાસે આવ્યા. મારી કારની બંધ બારી પર ધબ્બા મારવા લાગ્યા. મને થયું કે મારી કારે તેમને હડફટમાં ન લીધા તેનો આનંદ વ્યકત કરતા હશે. પછી બૂમ પાડીને કહ્યું, ‘‘ડુ યુ વોન્ટ ટુ કિલ મી ?’ મેં તેમને ઠંડા પાડ્યા અને સલાહ આપી કે વ્હીલ ચેરની પાછળ રેડ લાઈટ રાખો જેથી મારા જેવા સિનિયરને પણ દેખાય કે આગળ વ્હીલ ચેરમાં સિનિયર બેઠા છે.

મને લાગે છે કે અમેરિકામાં રસ્તાઓ ઉપર બાઇસિકલ લેનની જોડે જોડે વ્હીલ ચેર લેઈન પણ બનાવવી પડશે હવે તો!

લખ્યા તારીખ : June 20, 2013

Email : [email protected]                                           

સૌજન્ય : ‘સન્ડે ઇ–મહેફિલ’ – વર્ષ : નવમું – અંક : 276 – August 11, 2013

Category :- Opinion Online / Opinion