ન્યાયનું ઝરણું વહેશે નહીં, ત્યાં સુધી ઝંપીશું નહીં.

અાશા બૂચ
07-08-2013

‘We are not satisfied; we will not be satisfied, until justice rolls down like waters and righteousness like a mighty stream.’

આ શબ્દો હતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના. તેમની વિશ્વ વિખ્યાત વોશિંગટન કૂચ સમયે આપેલ પ્રવચન I have a dream …’નો એક અંશ છે, જે મોંટગોમરીમાં, નેશનલ સિવિલ રાઈટ્સ મ્યુિઝયમ આવેલ છે, જ્યાં કાળા પથ્થર પર પાણીનું ઝરણું વહે છે અને તેની પાસે આ પંક્તિઓ કોતરાયેલી વાંચવા મળે છે.   

અમારા પુત્ર રચિતે લંડનની બેરિસ્ટરની એક પ્રખ્યાત ચેમ્બરમાં કામ મેળવી શક્યો તેના પુરસ્કાર રૂપે પોતે પોતાની જાતને એક સુંદર મજાના પ્રવાસની ભેટ આપવાનું નક્કી કર્યું. ‘હું દસ દિવસ માટે અમેરિકા જવા માગું છું.’ એમ જ્યારે તેણે કહ્યું, ત્યારે અમે ‘ફરી પાછો અમેરિકા?!’ એમ બોલી ઉઠેલાં. તેના પ્રવાસની વિગતો જોઇને એ આક્રોશ મીઠી અદેખાઈમાં ફેરવાઈ ગયો.

આ પ્રવાસીનો પહેલો પડાવ હતો ન્યુ ઓરલીન્સમાં જ્યાં એનો એક મિત્ર પણ જોડાયો. ન્યુ ઓરલીન્સ નામની સાથે જાઝ સંગીતનું સ્મરણ થયા વિના ન રહે. અમેરિકાની દક્ષિણે આવેલ આ રાજ્યમાં અમેરિકન આફ્રિકન લોકોએ યુરોપની હાર્મની અને આફ્રિકન સંગીતનો સમન્વય કરીને જગતને એક મધુર સંગીત પ્રકારની ભેટ ધરી, જેમાંથી બ્લ્યુઝ, રોક’ન રોલ અને રેગે સંગીતની ધારા ફૂટી. છેક ૧૮૬૧ સુધી ન્યુ ઓરલીન્સના મુખ્ય ચોકમાં પાકની લલણી પૂરી થયે, ગુલામ પ્રજા તાલના સથવારે આ સંગીત સાથે નૃત્ય કરતા તેમ ઇતિહાસ નોંધે છે. પ્રવાસીઓને શહેરમાં હરતાં ફરતાં જાઝની સૂરાવલીઓ ઠેક ઠેકાણેથી સાંભળવા મળે ખરી. તે ઉપરાંત આ સ્થળ ભૂતકાળમાં ફ્રેંચ કોલોની હોવાને નાતે તેની અસર હેઠળની સંસ્કૃિતક ઇમારતો, ક્રેઓલ ખાણું, ખારા પાણીમાં પેદા થતી માછલીમાંથી બનેલ વાનગીઓ, અને દક્ષિણ અમેરિકી તળેલ વાનગીઓ અને ગુલામી પ્રથા સમયની ગાથાઓ માટે પણ પ્રખ્યાત છે. 

ન્યુ ઓરલીન્સથી બે મિત્રોની સવારી ઉપડી મોંટગોમરી-અલાબામા તરફ. એ સ્થળનો થોડો ઇતિહાસ જાણીએ. ઇ.સ.૧૭૭૬માં યુ.એસ.એ.માં ૧૩ રાજ્યો જોડાયેલાં હતાં. ગુલામી પ્રથા નાબૂદ થવી જોઇએ તેમ ઉત્તર અમેરિકાના મોટા ભાગના રાજ્યોના નાગરિકો માનતા હતા, પરંતુ દક્ષિણ અમેરિકાના રાજ્યો (Confederate states) એ પ્રથાથી પોતાને થતા લાભ જતા કરવા તૈયાર નહોતા, તેથી તેઓ એ યુનિયનમાંથી ખસી ગયા. પરિણામે અબ્રાહમ લિંકને ૧૮૬૧-૬૩ દરમ્યાન, એ Confederate states સામે લડાઈ કરી તેમને હરાવ્યા અને એ રીતે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. Confederate statesની રાજધાની મોન્ટગોમરીમાં હતી.

વિધિની વક્રતા તો જુઓ, મોન્ટગોમરીના વહીવટી વડા મથક વ્હાઈટ હાઉસની બરાબર સામે આવેલ Dexter Avenue Baptist Churchમાં પાદરી માર્ટિન લ્યુથર કિંગ શ્વેત-અશ્વેત વચ્ચેની ભેદની દીવાલ તોડવા, ‘બસ બોયકોટ’ કરવા માટે, ૧૮૬૧-૬૩ની લડાઈના બરાબર સો વર્ષ પછી, ભાષણ કરતા હતા એ તથ્ય માની ન શકાય તેવું છે.

૧ ડિસેમ્બર ૧૯૫૫ અમેરિકાના નાગરિક અધિકારોની લડત માટે ઐતિહાસિક દિવસ બની ગયો. તે સમયે એવો કાયદો હતો કે બસમાં શ્વેત લોકો આગલે બારણેથી ચડે અને અશ્વેત લોકો પાછલા બારણેથી. પાછળની બધી બેઠકો ભરાઈ જાય તો જ એ લોકો આગળની બેઠક પર બેસી શકે, પણ જો કોઈ શ્વેત મુસાફર આવે તો તેને માટે એ બેઠક ખાલી કરી આપવી પડે. રોઝા પાર્ક્સ કે જે ધંધે સિલાઈ કામદાર હતી, પણ સાથે સાથે નેશનલ એસોસીએશન ફોર એડવાન્સમેંન્ટ ઓફ કલર્ડ પીપલની સેક્રેટરી હતી અને ટેનસીમાં અહિંસક અસહકારની તાલીમ લઇ ચુકી હતી, તેણે એક શ્વેત મુસાફર માટે પોતાની જગ્યા ખાલી કરવાની ના પાડી. તે બોલી ઊઠી, ‘only thing I am tired of is giving in’ – ‘હું હવે હાર માનીને થાકી ગઈ છું’. રોઝા તે રાજ્યના નિયમ પ્રમાણે ગુનેગાર ઠરી, તેથી તેને $૧૪નો દંડ ભરવો પડ્યો. પણ આ બનાવથી માર્ટિન લ્યુથર કિંગ અને સેંકડો-હજારો અશ્વેત લોકોએ આ અન્યાયી કાયદાની નાબૂદી માટે અહિંસક લડાઈ આપી અને ૩૮૦ દિવસને અંતે જીત મેળવી.

એક મ્યુિઝયમમાં એ બસ અને તેનો ઇતિહાસ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

અહીં એક આડ વાત કરીને પણ આ બે મિત્રોને થયેલ અનુભવ નોંધવા લાયક ગણું છું. મોન્ટગોમરીમાં રહેવા માટે ઇન્ટરનેટથી એક મોટેલમાં રહેવાની વ્યવસ્થા કરેલી, પણ એ સ્થળે જતાં માલુમ પડ્યું કે એવી કોઈ જગ્યા નથી, બીજું એક બંધ મકાન હતું. હવે રાતવાસો ક્યાં કરવો એ સવાલ ઊભો થયો. બીજે ઠેકાણે રાતવાસો શોધવા જતાં એક મોટેલ પાસે પૂછપરછ કરતાં એના માલિકે પૂછ્યું, ‘તમે બંને ગે (gay) છો?’ આવા પ્રશ્નથી હતપ્રભ બનેલા બન્ને યુવાનો અવાચક થઈ મૂંઝાઈને ઊભા રહ્યા તેથી તેણે ઉમેર્યું, ‘મને વ્યક્તિગત વાંધો નથી પણ બીજાને વાંધો હોઈ શકે, તો તમારે બે અલગ અલગ રૂમની માગણી કરવી હિતાવહ છે.’ 

સમાન માનવ અધિકારો અને ભેદભાવથી મુક્ત સમાજ વ્યવસ્થામાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર આ મિત્ર બેલડી મેમ્ફિસ આવી પહોંચી. મેમ્ફિસ  એટલે એલ્વિસ પ્રેસલીનું જન્મસ્થાન. જોની કાશ સાથે તેણે સંગીત રેકોર્ડ કરેલ તે મકાનોને સમયાભાવે આ પ્રવાસીઓએ માત્ર સલામ ભરી આગળ વધ્યા.

આ શહેરનું મુખ્ય આકર્ષણ તેમને માટે લોરેન મોટેલ હતું. ૪ એપ્રિલ ૧૯૬૮ સાંજે છ વાગ્યાના સુમારે મેમ્ફીસની લોરેન મોટેલમાં માર્ટિન લ્યુથર કિંગનો જાન લેવાયો. વાચકો એ હકીકતથી વાકેફ હશે જ કે માર્ટિન લ્યુથર કિંગના વિચારોનું ઘડતર હેન્રી ડેવિડ થોરો, લિયો ટોલ્સટોય અને મોહનદાસ ગાંધીના વિચારો અને કાર્યોથી થયું છે. તેથી જ તો અશ્વેત પ્રજા માટે સમાન અધિકાર અને ન્યાય મળે તે માટે મોન્ટગોમરી બસ બોયકોટ, ફ્રીડમ રાઇડ્સ, બર્મિંગહામ કેમ્પેઈન, વોશિંગટન કૂચ, સેલમા કૂચ, શિકાગો કેમ્પેઈન અને મેમ્ફિસ બોયકોટ જેવા વિવિધ અહિંસક, શાંતિપૂર્ણ અસહાકારી આંદોલનો માર્ટિન લ્યુથર કિંગ અને તેમના જેવા જ અહિંસામાં શ્રદ્ધા ધરાવનારા લોકોએ કર્યાં. જો કે પોલિસ દળના કર્મચારીઓ, મેયર્સ, ગવર્નર્સ, કેટલાક નાગરિકો અને Ku Klux Klan જેવા સંગઠનો અને વ્યક્તિગત દ્વેષની સામે ઝઝૂમવું એ આસાન કામ નહોતું. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની જેમ માર્ટિન લ્યુથર કિંગ અને તેમના સાથીદારો રાજકીય ગુલામીમાંથી છૂટકારો મેળવવાની સાથે સાથે અશ્વેત પ્રજામાં પ્રવર્તતી નિરક્ષરતા, ગરીબી અને સામાજિક અસમાનતા નાબૂદ કરવાનું મહત્ત્વ સમજેલા, તેથી તેમની ચળવળે ૧૯૬૦ની આસપાસ જુદો વળાંક લીધેલો. મેમ્ફીસના બે સફાઈ કામદારોના મૃત્યુ અને વીસેક કામદારોને પગાર ચુકવણી વિના પાછા મોકલી દેવાયા એ ઘટનાને કારણે અશ્વેત કામદારોની કામના સ્થળ પર સલામતી, પગાર અને બીજા લાભોમાં સુધારાની માગણીના ટેકામાં વ્યાપક હડતાલ પાડેલી. કમનસીબે ૪ એપ્રિલ ૧૯૬૮ સાંજે, છ વાગ્યાના સુમારે, મેમ્ફીસની લોરેન મોટેલમાં શ્વેત પ્રજાના ઉચ્ચ દરજ્જામાં માનનાર એક ઝનૂની શ્વેત વ્યક્તિના સ્નાઈપરથી માર્ટિન લ્યુથર કિંગનો જાન લેવાયો. સંયોગ એવા થયા કે માર્ટિન લ્યુથર કિંગ રૂમ નંબર ૩૦૬માં રહેલા અને એપ્રિલમાં એમની હત્યા થયેલી, તો આ બંને મિત્રોને પણ રૂમ નંબર ૩૦૬ રહેવા મળી (અલબત્ત, જુદી હોટેલમાં) પરંતુ પ્રવાસ તો એપ્રિલમાં જ કર્યો ! એ મોટેલની મુલાકાત લેતાં નાગરિક અધિકારો માટે ઝઝૂમનારાના બલિદાન એળે નથી ગયાં ને, એ વિચાર સહેજે આવે. એ સ્મારકની જાળવણી સુંદર રીતે કરી છે. આ બધો ઇતિહાસ વાગોળતા બંને પ્રવાસીઓ આગળ વધ્યા.

 

ત્રીજો પડાવ અથવા કહો કે મુસાફરીનો દોર મીસીસીપી નદીની પરિક્રમ્મા તરફ વહ્યો. માર્ક ટ્વેઇન નોંધે છે તેમ મીસીસીપી નદી કિનારે માલિકો માટે મોટી મોટી સ્ટીમ બોટમાં છેક યુરોપથી કાપડ અને ફર્નીચર ઠલવાતું જોવા મળતું અને ગુલામો શેરડીનાં ખેતરોમાં કામ કરતા જોવા મળતા. ન્યુ ઓરલીન્સનું Destrehan plantationની વિગતો છેક ૧૭૮૭માં નોંધાયેલી મળે છે. આ પ્રવાસીઓ રીવર ડેલ્ટા બ્લુઝ તરીકે ઓળખાતા માર્ગ પરથી પસાર થયા, જ્યાં સાત માઈલ લાંબો પૂલ પસાર કર્યો. Vicksburgના રણ મેદાનમાં Confederate statesના લશ્કરનો લિંકનના સૈન્યને હાથે પરાજય થયો, જેથી કરીને ગુલામી પ્રથા નાબૂદ થઈ, એ ૧૩ માઈલના નેશનલ પાર્કમાં મુસાફરો ડ્રાઈવ કરી શકે. આગળ જતાં Natchez પ્લાન્ટેશન કે જ્યાં મીસીસીપી રાજ્યમાં Ante Bellum તરીકે ઓળખાતા સમય ગાળામાં ગુલામોના વેપાર અને મજૂરીથી ધનિક બનેલા ધનિકોના મેન્શન હજુ પણ જોવા મળે છે તે પણ જોયાં.

ન્યુ ઓરલીન્સ જતાં આવતાં રચિત ન્યુ યોર્ક એક મિત્રને ઘેર રોકાયો. બીજાં જોવાલાયક સ્થળો પહેલી વખતની યાત્રામાં જોયેલા તેથી આ વખતે Smoggersburg market અને સાધારણ લાગતી કોફી શોપની મુલાકાત લીધી જેથી અમેરિકન જીવનરીતિ અને લોકોનો નિકટનો પરિચય થયો.  

રચિતે રાજકોટમાં ગાંધીજીનું નિવાસસ્થાન, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ અને દિલ્હીમાં બિરલાભવનની મૂલાકાતો લીધેલી છે. ગાંધી જેવા જ એક કર્મશીલની પુણ્ય ભૂમિની યાત્રાએ જવાનું તેનું સ્વપ્ન ફળ્યું.  ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે, એ ન્યાયે અમારો પુત્ર ફર્યો એટલે ઘણું જ્ઞાન અને અનુભવનું ભાથું બાંધી લાવ્યો, પણ અમે એનાથી ભૂખ્યાં-વંચિત ન રહી જઇએ તેથી તેણે અમને ધરાઈને વિગતો આપી, જે અમારે મન યાત્રા ધામની મંદિરની પ્રસાદી કરતાં ય વધુ મૂલ્યવાન છે.

આવી પ્રતિજ્ઞા લઈને આવેલ અમારા પુત્રને હાથે કદી અન્યાયભર્યું વર્તન નહીં થાય, અને બીજાને પણ તેમ કરતાં રોકશે તેવો ભરોસો દિલને છે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion