કોરોના કેર અને આપણી આવતીકાલ

વિપુલ કલ્યાણી
17-04-2020

યુનાઇટેડ કિંગ્ડમને કોરોના વાયરસ ઘમરોળી રહ્યો છે. 31 જાન્યુઆરીએ કોરોના વાયરસના જ્યાં બે દાખલા હતા ત્યાં 15 ઍપ્રિલે 98,476નો આંક બોલતો હોવાનું ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ હેલ્થ ઍન્ડ કેર’ વાટે જાણવા મળ્યું. જ્યારે મરણનો આંક 12, 868. વડા પ્રધાન બોરિસ જ્હોનસન કહેતા હતા તેમ અનેક પેઢીઓ સુધી પાછોતરા ડોકાઈએ તો ય આવી મહામારીનો તાગ, આવી વિપદાની ઝાંખી ક્યાં ય જોવાવાંચવા જડતાં નથી.

છેલ્લાં ત્રણચાર વરસ તો અમે અહીં ‘બ્રેક્સિટ’ની માથાકૂટમાં લપેટાયા હતા. અમને બીજું કાંઈ પણ સૂજતું નહોતું. અનેક પ્રકારના સવાલો આવતા, અથડાતા, કૂટાતા પણ અમે ‘બ્રેક્સિટ’ની ચર્ચામાં મશગૂલ હતા, ગૂલતાન હતા, ચકચૂર હતા. છેલ્લી સાર્વત્રિક ચૂંટણીઓ થયા કેડે આમ સભાએ બ્રેક્સિટ પર મહોર મારી પછી જ અમને હાશકારો થયો હતો; તેવાકમાં અમને કોઈ પણ જાતની કળ વડે તે આગોતરા જ કોરોના વાયરસનો કેર સાચૂકલે ખાબક્યો અને અમે સૌ ઊંઘતા ઝડપાયા !

સુખ્યાત ઠઠ્ઠાચિત્રકાર, ક્રીસ રિડલે આપ્યું આ ઠઠ્ઠાચિત્ર : દૈનિક “ધ ગાર્ડિયન”ના 28 માર્ચ 2020ના અંકમાથી સૌજન્યભેર સાદર

અને પછી, દેશમાં સર્વત્ર તેની અસર દેખાવા માંડી. શાસને તાળાબંધી જાહેર કરી. તેને ય હવે આ ચોથું અઠવાડિયું છે. અને બીજા ત્રણ સપ્તાહનું તેમાં ઊમેરણ થાય તેમ સરકારી વર્તુળોમાંથી કહેવાતું રહ્યું છે. ખાધાખોરાકીનાં સીધાંસામાનની દુકાનો સિવાય સઘળું આ તાળાબંધીમાં આમેજ છે. મોટા ભાગના દફતરો પણ સામેલ. હા, નિશાળો, કૉલેજો, યુનિવર્સિટીઓ પણ તાળાબંધીના દાયરામાં. પરિણામે, વિદ્યાર્થીઓ ઘેર, જાણે કે રજાનો માહોલ જોઈ લો. તેની વચ્ચે મોટાં ભાગનાં માવતરો ઘેર બેસી પોતાની રોજિંદી નોકરીઓનો વહીવટ આટોપે.

હા, આ અરસામાં ‘નેશનલ હેલ્થ સર્વિસ’ની કમાલ કામગીરી રહી છે. આ ટૉરી સરકારના દાયકા ભરના શાસનમાં લદાયેલા અનેકાનેક કાપને કારણે કુંઠિત થયેલી આ સેવાએ કલ્પનાતીત રંગ રાખ્યો છે. બધી હોસ્પિટલો, ક્લિનિકો, દવાખાનાંઓ, પરિચારિકાઓ તેમ જ નાનામોટા તમામ દાક્તરોએ રાતદિવસ સેવામાં રત રહેવાનું જ રાખ્યું છે. અને આ કામગીરીને કારણે ચોમેર સગવડ સુવિધા પહોંચ્યાં છે. તેનો નક્કર દાખલો વડા પ્રધાન બોરિસ જ્હોનસનની તાજેતરની માંદગી અને એમને મળેલી સારવાર છે. મરણજીવન વચ્ચે ઝોલા ખાતા બોરિસભાઈને સતત સારવાર સાંપડી તેવી સામાન્યત: દરેક દરદીને અપાતી રહી છે. અને તેની વચ્ચે કેટલાંક દાક્તરોએ તેમ જ પરિચારિકાઓએ પ્રાણ ખોયાં છે. આ દુ:ખદ છે.

“ગાર્ડિયન” દૈનિકના એક વગદાર કટારચી, માર્ટિન કેટલ લખે છે તેમ, બોરિસ જ્હોનસનની આ ટૉરી સરકાર હવે પછી ‘નેશનલ હેલ્થ સર્વિસ’ માટે કૂણું વલણ રાખે અને વિશેષ સહાય કરે તેમ વર્તાય છે.

‘નેશનલ હેલ્થ સર્વિસ’માં મોટે ભાગે કામ કરનારાંઓ BAME - અશ્વૈત, એશિયાઈ તેમ જ વિવિધ લઘુમતી સમાજનાં વંશજો છે અને તેમને આ દાયકા વેળા વર્ણભેદનો સામનો કરવો પડ્યો છે. આનો વળતો જવાબ એટલે આ કર્મચારીઓની તનતોડ, મનતોડ સેવા. અને તેની જોડાજોડ સોશિયલ મીડિયામાં ઘૂમરીએ ચડેલું એમનું રંગભેદ વિરોધી ગીત : You Clap for Me Now. [https://www.youtube.com/watch?v=gXGIt_Y57tc] આજ સવાર સુધીમાં 2,52,051 લોકોએ તે જોયું, સાંભળ્યું અને માણ્યું.

જે કોઈને અમુક પ્રકારના ખાસ કેન્સરના વ્યાધિ હોય, જેમને શ્વાસોચ્છવાસની આકરી પરિસ્થિતિ હોય, હોમોઝિગસ સિકલ સેલ, સિવિયર કમ્બાઇન્ડ ઈમ્યુનોડેફિશિયન્સી જેવી જેવી સ્વાસ્થ્યની ચિંતાજનક હાલત હોય તેવા તેવા લોકોને ત્રણ મહિનાઓ માટે નક્કર ઘરબંધી જાળવવાનો આરોગ્ય ખાતાએ આદેશ આપ્યો છે. બીજાત્રીજા મુલકમાં થયું છે તેમ સિત્તેરની વયની ચોપાસના લોકોને પણ આ તાળાબંધી વેળા ઘરના વાતાવરણમાં સાંચવીને રહેવાનું કહેવાયું છે. અને દેશ ભરમાં આવાં લોકોની આંકડો લાખોમાં જવા જાય છે.

જાહેર પરિવહનનાં સાધનો દોડે છે પણ તેમાં કાપ મુકાયો છે અને બસ, ટૃેનમાં બે મીટરનું અંતર જાળવવાનું હોય છે. આવું ખાધાખોરાકીનાં સીધાંસામાન વેંચતી દુકાનોમાં પણ અંતર તો છે જ છે, પણ તેની કતાર લાંબીચોડ જોવા મળે. અને તેમાં બહુધા શિસ્ત જોવાની સાંપડે. અને છતાં, પોલીસ દળ અને લશ્કરના જવાનો પણ કાયદાનું શાસન જાળવવા હજરાહજૂર જોવા મળે.

સામાન્યપણે શેરીઓ અને મહોલ્લાઓમાં ચિત્રકામ કરતા પલાયનવાદી અજ્ઞાત કળાકાર, બૅન્ક્સી[Banksy]એ, અબીહાલ ‘ઈન્સ્ટાગ્રામ’ વાટે, આવા મથાળા સાથે પાંચ ચિત્રો મુક્યાં : ‘માઈ વાઇફ હેઇટ્સ ઈટ વ્હેન આઈ વર્ક ફ્રોમ હૉમ’ (ઘેરથી જ્યારે જ્યારે કામ કરવાનું મારે થાય છે ત્યારે ત્યારે મારી વહુને અણગમો થઈ આવે છે.).

બૅન્ક્સીની આ આકૃતિઓ પણ અગાઉની આકૃતિઓ પેઠે સ્નાનાગાર માંહેનો અરીસો એક પા ઢળેલો હોય, બત્તીના દોરડા ખેંચાયેલા હોય, હીંચકા લેતા ટુવાલ રાખવાના કડા તેમ જ ટૂથપેસ્ટમાંથી ઊડતું પેસ્ટ દર્શાવે છે. [બૅન્ક્સીએ લીધા ફોટાઓ પૈકી, અહીં, આ ફોટો “ધ ગાર્ડિયન” દૈનિકની 16 ઍપ્રિલ 2020ની આવૃત્તિમાંથી સાદર લેવાયો છે.]

પોસ્ટ ઑફિસોમાં, બેન્કોમાં સ્વાભાવિકપણે કર્મચારીઓ ઓછાં જોવાં મળે, પણ સેવાઓ ચાલુ રખાઈ છે. અને તેમ છતાં દરેકને ‘ઑન લાઈન’ સેવાઓમાં લપેટાવાની વાત સતત કહેવાતી હોય.

મોટા ભાગની બીજી દુકાનો બંધ છે. દેશ માટે, સમાજ માટે અગત્યની ન હોય તેવા મોટા ભાગના દફતરો પણ બંધ રહ્યા છે. અને તેને કારણે અનેક લોકોનાં કામ છૂટ્યાં છે. આમાં રોજડિયા કામદારોને ઊમેરીએ તો કુલ બેકારીની ફોજ મોટી ને મોટી થતી ચાલી છે. મોટા ભાગના લોકોને સારુ તો ભવિષ્યે કોઈ રોજગારી રહેશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.  

રમેશ ઓઝાએ 16 ઍપ્રિલ 2020ના “ગુજરાતમિત્ર”માં લખ્યું છે તેમ, ‘જીવન સાથે જીવનનિર્વાહનો સંબંધ અનિવાર્ય છે. જો કે આ તો ઉઘાડું સત્ય છે, પરંતુ આજનો યુગ એટલો બહેરો સંવેદનહીન છે કે જ્યાં સુધી નજરે જુએ નહીં ત્યાં સુધી તેમને ઉઘાડું સત્ય પણ ન સમજાય અને કેટલાકને તો એ પછી પણ નથી સમજાતું. … સામાન્ય બુદ્ધિ કહેશે કે જ્યાં સુધી ભય દૂર ન થાય ત્યાં સુધી. અને ભય ક્યારે દૂર થશે? જ્યારે કોરોનાની રસી અને તેની દવા શોધાશે એ પછી. ત્યાં સુધી એક માણસ બીજા માણસથી ડરતો રહેવાનો. આમ ભયભીત માણસે જીવન બચાવવું હોય તો સહેલામાં સહેલો ઉપાય ઘરમાં પૂરાઈ રહેવાનો છે. લોકોને મળવાનું ટાળો અને કોરોનાને કારણે થનારા સંભવિત મૃત્યુથી પોતાને બચાવો. લાંબો સમય સુધી ક્યાં ય ગયા વિના ઘરમાં પૂરાઈ રહેવાને કારણે સામાજિક-માનસિક પ્રશ્નો પેદા થશે એ વાતને જવા દઈએ, પણ જીવનનિર્વાહનું શું? દરેકની એક મર્યાદા હોય છે. કોઈ બે મહિના ખેંચી કાઢે, કોઈ ચાર મહિના તો કોઈ છ મહિના. બીજું જે લોકો જે કાંઈ કામધંધો કરે છે એનું કોરોના પછીનું ભવિષ્ય કેવું હશે એ કહેવું મુશ્કેલ છે. જે લોકો મોટી કંપનીઓમાં નોકરી કરે છે એ કંપનીની સ્થિતિ કેવી હશે અને નોકરી ટકશે કે નહીં એ પણ પ્રશ્ન છે.’

આ સમયગાળામાં અનેક લોકો મરણને શરણ થયાં છે. પણ અંત્યેષ્ટિ વેળા સગાંસંબંધીઓ સામેલ થઈ શકતાં નથી. કુલ મળીને દશ જણને રજા આપવામાં આવી છે. આ પીડાકારી હાલત જરૂર છે, પણ માણસ તો મુશ્કેલીમાં માર્ગ કાઢવાવાળો છે ને. લોકોએ ઇન્ટરનેટનો લાભ લીધો છે અને તેની સહાયથી આ દશ ઉપરાંત ઘેર રહીને સગાંસંબંધીઓ પોતાના કમ્યુટર વાટે, પોતાના મોબાઇલ વાટે ‘વર્ચ્યુઅલ’ [virtual] હાજરી આપે એવું ચલણ ઊભું કરાયું છે. હવે તો આંતરરાષ્ટૃીય સ્તરે આવી વર્ચ્યુઅલ હાજરીની વિગત પણ જાણવા મળી છે !

શાસકોને ‘અંકુશમાં રાખવા’ અહીં સંસદની બેઠકો સમયાન્તરે થતી રહી છે. પણ આવી ઘડીએ મિલન થાય, બેઠક થાય તેમ કેમ સ્વીકારાય ? તો આમ સભાના સ્પીકર આવતા અઠવાડિયાથી મળનારી બેઠક માટે આવી ‘વર્ચ્યુઅલ’ સભાબેઠક મળે તેની ગોઠવણમાં છે. હવે, આ નવીનક્કોર પદ્ધતિ માટે આપણે સમજવા ‘વર્ચ્યુઅલ’નો અર્થ શો કરશું ? નરહરિ કે. ભટ્ટ ‘વિનયન શબ્દકોશ’માં  : યથાર્થ, વાસ્તવિક, અસલી, (૨) કલ્પિત (૩) સંભાવ્ય (૪) વ્યાવહારિક રીતે અમલી (૫) આભાસી - જેવા અર્થ આપે છે. પણ આ નવા સંદર્ભમાં તેને સારુ, ભલા, આપણે શું શબ્દ બનાવીશું ?

અહીં પણ આ કોરોના વાઇરસને પામવા સારુ બાયોમેટ્રિક જાપ્તાઓનો આધાર લેવાનો રખાયો છે. તેને સારુ દરેક નાગરિકની તબીબી માહિતીનોંધને આવરી લેવાની રાખી છે. ઉપરછલ્લી સમજે આની સામે કોઈના વાંધાવચકા ન હોય. પણ શાસકો ત્યાં જ અટકે તેમ નથી. આજના બજારુ અર્થતંત્રમાં માણસ હવે કદાચ માણસ નથી, તે ગ્રાહક છે. અને ગ્રાહકને રિઝવવા, કાબૂમાં રાખવા જે કંઈ કરવાનો જોગ થાય તેમાં આ જાપ્તાનો ઉપયોગ થાય તેવી દહેશત રહ્યા કરી છે. રાજ ગોસ્વામીએ તાજેતરના એમના “સંદેશ” દૈનિકમાં 05 ઍપ્રિલ 2020ના પ્રગટ લેખમાં એક અત્યન્ત અગત્યની બાબત છેડી છે. એ લખતા હતા : ’કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.’

આવતી કાલે આ વાયરસ જરૂર રજા લેશે; પણ સઘળે સારા વાના થશે તેની ખરેખાત કોઈ ખાતરી નથી.

હૅરો, 16 ઍપ્રિલ 2020

e.mail : [email protected]

પ્રગટ : "નિરીક્ષક" − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar