ચારિત્ર્ય અને પૈસો

પ્રવીણા અવિનાશ
30-07-2013

સારા ચારિત્ર્ય સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસાથી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરુણતા નથી. જે દિવસે પૈસો માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા  છવાશે. મહાપુરુષો, ઋષિઓ તેમના ચારિત્ર્યથી શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.

પૈસો યા લક્ષ્મી ચંચળ છે. તેને પામવી યા ગુમાવવી આસાન છે. પૈસા વગરનો માનવ કંગાલ નથી ગણાતો. ચારિત્ર્ય વગરના માનવની કશી કિમત નથી. ચારિત્ર્ય કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ.  

ચારિત્ર્યહીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિંમત નહીં હોય. સામાન્ય માનવ જેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહીં એવો પ્રશ્ન ઊભો હોય, છતાં તે જો ચારિત્ર્યવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે. ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો, મારો પૈસો બોલે છે.’ તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને 'હું કોણ, તું કોણ' જેવા હાલ થાય છે.

જો પૈસા સાથે ચારિત્ર્યનું બળ હોય તો 'સોનામાં સુગંધ' જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે ! પૈસાથી બધું ખરીદી શકાય ઊંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહી આપે !

ચારિત્ર્યની તો વાત બહુ દૂર રહી.

મનુષ્યએ પ્રયત્ન અને સજાગવૃત્તિથી ચારિત્ર્યનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે. ક્યારે છેહ દેશે તેની કોઈને ખબર નથી. માનવ ગુમાવેલ પૈસો મેળવવા શક્તિમાન છે. જેનું ચારિત્ર્ય અનીતિનો પૈસો કમાવામા શિથિલ થાય છે તેનું પતન નિશ્ચિત છે. તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. પૈસો તો આજે છે ને કાલે નથી. જે ગુમાવ્યા પછી પાછો મેળવી શકાય. પૈસો ગુમાવવાથી આદર અને સન્માન ખોવાતા નથી. કિંતુ ચારિત્ર્ય શિથિલ થાય પછી આદર સન્માન પાછાં મેળવવા મુશકેલ છે. માનવનું પતન તેનાથી સંભવિત બને તે હકીકત છે. 'યેન કેન પ્રકારેણ' કદાચ માનવી પૈસો પ્રાપ્ત કરી શકે. સ્વના ચારિત્ર્યનું રક્ષણ તેને સદાબહાર ઇજ્જત અને આદર આપવા શક્તિમાન છે. પૈસાની ઝાકમઝોળ તેને સ્પર્શી શકતી નથી.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion