કોણ કરશે હવે કાલિયમર્દન?

સલિલ ત્રિપાઠી
02-04-2020

તમારી સૂંઢને દૂધ પાઈને
સાપ તો અમે ઉછેર્યો
એ તો છંછેડાયો
અને જે વિફર્યો
અને સરક્યો ખૂણે ખૂણે,
પ્રસરાવ્યું ઝેર ગામેગામે
અને ચંપાવી આગ દેશભરમાં -
ઘણાં વર્ષો પછી
જ્યારે સૂક્ષ્મ જીવાણુ થઈ
ઘેરઘેર પહોંચ્યો એ જ સાપ યમદૂતનો ખેપિયો બની
અને આપ્યો અમને સૌને મૃત્યુદંડ
ત્યારે ક્યાં ખોવાઈ ગયા હતા તમે?
ગાંધીના ત્રણ વાંદરાની જેમ
ન કંઈ બોલવું, ન કંઈ સાંભળવું, ન કશું જોવું?
બુકાની પાછળ હોઠ સીવી તમે તો
બેસી રહ્યા ચુપચાપ -
તમારા પેટનું પાણી ય ન હલ્યું?
આજે જ કેમ મૌનવ્રત?
અમારા ઘંટારવ શંખનાદ અને તાળીઓના ગડગડાટથી
થઈ ગયા શું બહેરા?
તમારી આંખે ગાંધારીના પાટા?
સાપ ગયા?
લિસોટા રહ્યા?
કોણ કરશે હવે કાલિયમર્દન?

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 02

Category :- Poetry