બાજનો રાતવાસો

કવિ : ટૅડ હ્યુઝ • અનુવાદ : રૂપાલી બર્ક
30-03-2020

 

(બાજને કોરોના વાયરસના રૂપક તરીકે જોઈ વિશ્વને એના ભરડામાં લેવાની તાકાતનો અંદાજ લઈ શકાય છે. માનવો તરીકે આપણે એ સમજવાનું છે કે આપણે આપણી જાતને સર્વેસર્વા માનીએ છીએ એટલા છીએ નહીં. એવા અનેક પરિબળો છે જે આપણને ઘૂંટણે પડાવી દેવાની ક્ષમતા ધરાવે છે.)

 વનની ટોચે બેઠો છું બંધ આંખે,
નિષ્ક્રિય, મારા આંકડિયા માથા અને
આંકડિયા પગ વચ્ચે કોઈ ભ્રામક સ્વપ્ન વગર અથવા
ઊંઘમાં પરિપૂર્ણ શિકારનો પૂર્વપ્રયોગ કરી આરોગું છું.

ઊંચા વૃક્ષોની સગવડ!
હવાનો ઉમંગ, સૂર્યનુ્ં કિરણ
મારા ફાયદામાં છે ને
મારા નિરિક્ષણ માટે ઊંચું ધરેલું પૃથ્વીનું મુખ.

થડની ખરબચડી છાલ પર મારા પગ ભીડાયેલા છે.
મારો પગ, મારું એકેએક પીંછું બનાવવા માટે
આખી સૃષ્ટિ કામે લાગી હતી.
હવે સૃષ્ટિને મારા પગમાં ઝાલી બેઠો છું

અથવા ઊંચે ઊડી એને આખી ઘુમાવું ધીરે રહી --
જ્યાં ઇચ્છું ત્યાં સંહાર કરું છું કારણ સઘળું મારું છે
મારા શરીરમાં કોઈ વિતંડા નથી
માથા ફાડી ખાવા, મૃત્યુ ફટકારવું

એ મારી રીત છે --
મારી ઊડાનનો એક માર્ગ સીધોસટ છે
જીવતાના હાડકા વીંધતો.
મારા અધિકારનો દાવો કરતી કોઈ દલીલ નથી.

સૂર્ય મારી પીઠ પાછળ છે.
મેં શરૂઆત કરી ત્યારથી કાંઈ જ બદલાયું નથી.
મારી આંખે કોઈ જ બદલાવની અનુમતિ આપી નથી.
સંજોગોને હું આમ જ રાખવાનો છું.

e.mail : [email protected]

Category :- Poetry