શાંત

ઉમેશ સોલંકી
29-03-2020

દિલ્હી
વહાલી એને ચપટી
ચપટીમાં એ બધું ફેરવે
અણધાર્યા જટકા એને ઘણા ગમે
મનફાવે એમ ચપટી વગાડે
કંપતાં હૃદયથી એ દિલ બહેલાવે
કંપન પર જીવન ઝોલા ખાય
ચૂકે તો મૃત્યુનો ભેટો થાય.

મૃત્યુ
વેંત છેટું કે ગાઉ આઘું
વચ્ચે ક્યાંક હું
ન બીજું કશું
જગ સાંકડું
થાક લાગે માઇલોનો ડગલું જો હું ભરું.

માઇલોએ લાંબી રીત બનાવી
ઠોકર વાગી
ઠોકર પેઠે રસ્તા વાગ્યા
રસ્તા પર ખાડા ચાલ્યા
ન રસ્તા થાક્યા
ન ખાડા હાર્યા
ખાડામાં ક્યારેક પાણી પડતું
ખોળિયું આખું લપસી પડતું
ચીરામાં ઘૂસતી ઊખડેલી કપચી
ખાડામાં ઝીણી તિરાડ પડતી
તિરાડ ઊંડે ઊતરી ખાઈ બનતી
ખાઈના તળિયે પ્રેમ ટળવળતો
સંવેદનાને બચી ભરતો
હાંફતી લાગણીને ભેટી પડતો
ઢળી પડતો
શાંત શાંત શાંત
શાંત રસ્તાની ભરમાર
રસ્તા પર શાંત ખાડાની ભરમાર.

e.mail : [email protected]

Category :- Poetry