પૂછ ના કોના સાટું ગુંજે ...

જૉન ડન • અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા
27-03-2020

પૂછ ના કોના સાટું ગુંજે ...

દ્વિપ નથી કોઈ જણ આ માટીનો
આખેઆખો ને સૌથી અળગો
છે એકેએક ટુકડો ખંડનો
કોઈ એક વિશાળ અખંડનો
તાણી જાય જો દરિયો કોઈ દિ'
ટુકડો નાનો આ ભૂમિનો
તો થાય જરૂર આ યુરોપ ઢુંકડો
જેમ એક ભૂશિરનો કટકો
જેમ તારા ઘરઆંગણ ઓટલો
કાં મિત્રની મઢૂલીનો ઉંબરો
જન એક મરે, ઘટે આતમ મારો
કારણ જીવ હું રહ્યો ના જુદો
કણ કણમાં વસતો મારો માંહ્યલો
પૂછ ના કોને સાટું ગુંજ્યો
ગિરજાઘરનો ઘંટ એ મોટો
ગાજે તારા ય અંતનો ડંકો

Category :- Poetry