કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી

પાર્થ પંડ્યા
26-03-2020

1947ના ઑગસ્ટ મહિનામાં આઝાદીની ઉજવણી ચાલતી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લોકોની સાથે લાશોથી ભરેલી રેલગાડીઓ અવરજવર કરતી હતી. દેશના કેટલા ય પ્રાંતોમાં લોકો અન્ય ધર્મના લોકોની કતલ કરતા હતા.

આ બધા વચ્ચે હજારો મહિલાઓનાં અપહરણ થયાં. ઉર્વશી બુટાલિયા તેમનાં પુસ્તક 'ધ અધર સાઇડ ઑફ સાયલન્સ’માં લખે છે કે સરહદની બંને બાજુએથી ૭૫ હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં.

હિંદુ અને શીખ ઘરોમાં કેદ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ ઘરોમાં કેદ હિંદુ અને શીખ મહિલાઓને બચાવવાનું કામ એક ગુજરાતી મહિલા કમળાબહેન પટેલે કર્યું હતું.

નવ હજારથી વધારે મહિલાઓને બચાવીને ભારત લવાઈ હતી, જ્યારે ભારતના પ્રાંતોમાંથી 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલવામાં આવી હતી.

કમળાબહેન પટેલના આ પ્રદાન વિશે ઇતિહાસમાં ખૂબ ઓછી વિગતો મળે છે.

કોણ હતાં કમળાબહેન પટેલ અને કઈ રીતે તેમણે હજારો મહિલાઓને બચાવી?

મૃદુલા સારાભાઈ અને કમળા પટેલ

મહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

કમળાબહેન પટેલે ત્યારે કરેલી કામગીરીના આધારે 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તક તેમણે 1979માં લખવાનું શરૂ કર્યું.

તેમણે બાળપણમાં અસહકારના આંદોલનમાં જોડાવવા માટે શાળાનો અભ્યાસ છોડ્યો હતો.

ત્યારબાદ તેઓ વર્ષ 1925થી 1929 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હતાં. એવો ઉલ્લેખ 'રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતની મહિલાઓનું યોગદાન' પુસ્તકમાં રફીકા સુલતાને કર્યો છે.

સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી અમૃતભાઈ મોદી કહે છે, "કમળાબહેન 1925માં અહીં આશ્રમમાં આવ્યાં હતાં અને દાંડીકૂચ માટે ગાંધીજી રવાના થયા, ત્યારબાદ તેઓ મુંબઈ સ્થાયી થયાં હતાં."

"ભાગલા વખતે સરહદ પર અનેક સ્ત્રીઓને બચાવી લેવામાં એમનું યોગદાન હતું. હિંમતપૂર્વક તેમણે આ કામ કરી બતાવ્યું હતું."

"એ વખતનાં સંસ્મરણો તેમના પુસ્તકમાં છે. તેઓ મુંબઈ હતાં એ વખતે મહિલાઓના ઉદ્ધારણ માટે વિવિધ સંસ્થાઓ સાથે કાર્યરત હતાં."

સ્ત્રીઓને તેમના સ્વજનો સાથે મેળવવાની કામગીરી માટે જ્યારે કમળાબહેનની પસંદગી કરાઈ, ત્યારે તેમની વય 35 વર્ષ હતી.

એ વખતની ભયાનક સ્થિતિમાં કમળાબહેને કઈ રીતે કામ કર્યું, તેનો અંદાજ તેમના પુસ્તક 'મૂળ સોતાં ઊખડેલાં'માંથી કેટલાક પ્રસંગોના આધારે મેળવી શકાય.

આખા ગામની મહિલાઓ રેપથી બચવા કૂવામાં કૂદી

એ ગાળામાં જ્યારે બંને દેશો વચ્ચે નાગરિકોની હિજરત થઈ, ત્યારે સૌથી વધારે અત્યાચારનો ભોગ મહિલાઓ બની, તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થયું.

હજારો સ્ત્રીઓ પર બળાત્કાર થયા અને એનાથી પણ વધારે મહિલાઓનાં અપહરણ થયાં. એક ધર્મના લોકો પરધર્મની મમહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

પંજાબના મિયાવલીમાં બળાત્કારથી બચવા માટે આખા ગામની મહિલાઓ કૂવામાં કૂદી ગઈ હતી.

આ ગામમાં જ્યારે કમળાબહેન છાવણીની ગોઠવણ કરવા ગયાં, ત્યારે તેમણે આ કૂવો જોયો હતો. આ કૂવો સ્ત્રીઓના મૃતદેહોથી ભરાઈ ગયો હતો.

આ સ્થિતિમાં કમળાબહેને અપહૃત સ્ત્રીઓને પાછી મેળવીને તેમને તેમના ઘરે મોકલવાની કામગીરી હાથે લીધી હતી. આ કામગીરી સરળ નહોતી.

ભેટ સ્વરૂપે સ્ત્રીઓ અપાતી હતી

કમળાબહેન પુસ્તકમાં લખે છે કે, તોફાનો દરમિયાન અપહરણ કરાયેલી સ્ત્રીઓને અનેક વાર વેચી દેવામાં આવતી હતી.

કેટલીક સ્ત્રીઓને તો સંબંધીઓ અને મિત્રોને ભેટ તરીકે મોકલી આપવામાં આવતી હતી.

ચાર-છના હાથમાંથી પસાર થયા પછી છેવટે આવી સ્ત્રીઓ પૈકી કેટલીક કોઈને ત્યાં સ્થિર થતી, તો કેટલીક રસ્તા પર ફેંકાઈ જતી હતી.

આવી સ્ત્રીઓને શોધીને છાવણીમાં લાવવાનું પ્રાથમિક કામ કમળાબહેનના ભાગે હતું, પણ ક્યારેક એવું પણ થતું કે છાવણીમાં લાવતી વખતે જ તેમની ઉપર બળાત્કાર થયો હોય.

આવી એક ઘટના કમળાબહેનના ધ્યાને આવી ત્યારબાદ નિર્ણય લેવાયો કે સ્ત્રીઓને છાવણી સુધી લવાય, ત્યારે તેમની સાથે એક મહિલા કાર્યકરની હાજરી હોવી જ જોઈએ.

'ઇસકે બદલે પાકિસ્તાન સે આઈ કોઈ ઔરત દે દો'

અપહરણ કરેલી મહિલા જો મુસ્લિમ હોય તો તેમના હાથ પર હિંદુ પુરુષો 'ઓમ'નું છૂંદણું કરાવી દેતા. એ જ રીતે મુસ્લિમ પુરુષો હિંદુ સ્ત્રીઓના હાથ પર મુસ્લિમ નામ છૂંદાવી દેતા હતા.

જ્યારે કમળાબહેન કે તેમના કાર્યકરો કોઈ ઘરમાંથી મહિલાને મુક્ત કરાવી લઈ આવતા, ત્યારે પુરુષો આવીને ઝઘડો કરતા હતા.

કમળાબહેન લખે છે કે પૂર્વ પંજાબના હિંદુ અને શીખ ઘરોમાં મુસ્લિમ સ્ત્રીઓને છોડાવીને છાવણીમાં લઈ આવીએ, ત્યારે અપહરણ કરનાર પુરુષો કાર્યાલયમાં આવી પહોંચે.

મારા ટેબલ આગળ ધસી આવે અને કહે, "હા, એ પહેલાં મુસલમાન હતી, પણ અમૃત છાંટીને હિંદુ બનાવ્યા પછી રીતસરની શાદી કરી છે."

આ જ પુરુષો પછી કમળાબહેનને કહેતા, "આપ હમ કો યહ ઔરત નહીં દે સકતે, લેકિન હમને સુના હૈ કી પાકિસ્તાન સે બહોત હિંદુ ઔરતે આઈ હૈ. ઉસમે સે હી એક દે દો."

આ ઘટનાથી પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની દૃષ્ટિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનો દૃષ્ટિકોણ દરેક ધર્મના પુરુષોમાં જોવા મળ્યાના કિસ્સા પણ કમળાબહેને નોંધ્યા છે.

સ્ત્રી બાળકોના રૂપમાં માનવ કંકાલ

જ્યારે મુક્ત કરાયેલાં સ્ત્રીઓ અને બાળકો છાવણીમાં આવતાં, ત્યારે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

આ સ્ત્રીઓ અને બાળકો સાથે આત્મીયતા કેળવીને તેમને આઘાતમાંથી બહાર કાઢવાનું કામ પણ કમળાબહેને જાતે સ્વીકારી લીધું હતું.

કાશ્મીર પાસેના ગુજરાત જિલ્લામાં જ્યારે હિંસા થઈ, ત્યારે કૂજા છાવણીથી સ્ત્રીઓ અને બાળકોને લાહોર લાવ્યાં.

છાવણી બહાર ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના રૂપમાં માનવ કંકાલો ઊતરતાં હોય એવું દ્રશ્ય હતું.

કમળાબહેન લખે છે, "છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું. આ બાળકને લઈને તે દરવાજામાં પ્રવેશી તે વખતે જ બાળકનું પ્રાણ પંખેરું ઊડી ગયું."

અઠવાડિયા સુધી આ બાળકો છાવણીમાં રહ્યાં, જ્યારે તેમને ટ્રકમાં બેસાડીને જલંધર મોકલ્યાં, ત્યારે તેઓ જીવંત માનવીઓ જેવાં લાગતાં હતાં.

અપરિણીત સ્ત્રીઓ 'વૉર બેબી'ની માતા બની

જ્યારે જ્યારે યુદ્ધની સ્થિતિ થઈ છે, ત્યારે ત્યારે સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સા બહાર આવ્યા છે.

આ અત્યાચારના કારણે અનેક સ્ત્રીઓ માતા બનતી અને તેમનું બાળક 'યુદ્ધનું બાળક' (વૉર બેબી) કહેવાતું હતું.

એવા અનેક 'વૉર બેબી'નો જન્મ વિભાજન પછીની હિંસા વખતે થયો હતો. કેટલીય સ્ત્રીઓ તો એવી હતી કે જે અપરણિત હોય અને માતા બની ગઈ હોય.

આ સ્ત્રીઓની સ્થિતિ વિકટ હતી, તેઓ પોતાનાં બાળકને છાતીએથી અલગ કરી શકતી ન હતી, બીજી તરફ જો બાળક સાથે રાખે તો પરિવાર તેમનો સ્વીકાર ન કરે.

આ પ્રકારના બાળકોનું શું કરવું તેમને ભારતના નાગરિક ગણવા કે પાકિસ્તાનના આ અંગે અફસરો વચ્ચેની બેઠકમાં વિવાદ થતા, ત્યારે કમળાબહેન ભાવુક થઈ જતાં.

કેટલીક વખત અફસરો સાથે આ માટે ઝઘડતાં પણ હતાં.

કમળાબહેન લખે છે, "કુંવારી માનું મન બાળકને અલગ કરવા માને નહીં. રડી રડીને આંખો સુઝાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરાય અળગું ન કરે.”

“બાપ કે ભાઈને સાથે જવાનો સમય આવે ત્યારે મા બાળકને છાતીએ ચાંપીને મોકળા મને રડી લે, કેમ કે પછી તો ખુલ્લા મને રડી પણ ન શકે.”

"વધુમાં તેમના માટે એક બાળકની મા બની ગઈ છે એ વાત તેના માટે ભૂલ્યા વિના છૂટકો ન હતો."

સરહદપારના પ્રેમીઓનો મિલાપ

તોફાનગ્રસ્ત વિસ્તારોમાંથી ભાગી છૂટવા માટે હિંદુ અને મુસલમાનોએ પોતાની સલામતી માટે ઘરની સ્ત્રીઓની કિંમત ચૂકવી હતી.

એવામાં ઘરની વિધવા વહુને સોંપી દઈને પરિવારજનોએ જીવ બચાવ્યો હોય એવા પણ કિસ્સા નોંધાયા હતા.

આવી જ એક વિધવા સ્ત્રી પ્રેમાને રાવળપિંડીનું ગર્ભશ્રીમંત કુટુંબ છોડીને જતું રહ્યું હતું. આ સ્ત્રીને પાકિસ્તાનના લશ્કરના કૅપ્ટન તુફેલ સાથે મિત્રતા થઈ હતી. તેઓ અવારનવાર છાવણીની મુલાકાતે આવતા હતા.

જો કે, સત્તાવાળાઓ ઇચ્છતા નહોતા કે તુફેલ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરે. પ્રેમા મદદ માગવા ગઈ પણ એક જીપ તેમના મકાને આવી અને તેમને લઈને લાહોર છાવણીમાં મૂકી ગઈ. પછી અનેક પ્રયાસો છતાં એ બન્ને એક ન થઈ શક્યાં.

આવી જ કહાણી ઇસ્મત અને જીતુની છે. બન્નેના પરિવારોના વર્ષો જૂના સંબંધ હતા, પણ બન્ને અલગ ધર્મનાં હોવાથી વિભાજન વચ્ચે છૂટા પડવાનો વારો આવ્યો.

ઇસ્મત ઘરેથી નાસી છૂટી અને સુવર્ણ મંદિરમાં જીતુ સાથે લગ્ન કર્યાં, પણ છેવટે ઇસ્મતનો પરિવાર તેમને પરત લઈ જવામાં સફળ થયો.

આવાં કેટલા ય પ્રેમીઓ કમળાબહેન પાસે આવ્યા હશે. કેટલાક પ્રેમીઓનું મિલન તેઓ કરવી શક્યા તો કેટલાકની પ્રેમ કહાણી ટ્રૅજેડીમાં પરિણમી હતી.

હકીકતમાં વિભાજન જાતે જ એક ટ્રૅજેડી હતી.

આલુ દસ્તુર 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, "ભાગલાના પરિણામે જાગેલી ભયંકર અવસ્થાનો સહેજ પણ અનુભવ થયો ન હોય એવી એક પેઢી પણ આજે મોટી થઈ ગઈ છે."

"ભાગલાના દેખાતા ઘા રુઝાઈ ગયા છે અને તેનાં ચાઠાં પણ હવે ઝાંખા થવાં લાગ્યાં છે, પરંતુ જેમણે માણસની સામે માણસે અને સ્ત્રીની સામે પુરુષે આચરેલી ક્રૂરતા જોઈ હતી અથવા અનુભવી હતી તે તેને કદી પણ વિસારે પાડી શકશે નહીં.”

“તેમના હૃદય અને મન બંધ થઈ ગયાં છે અને તેમને થયેલા આ ભયંકર અનુભવો તેમની જાગ્રત અવસ્થામાં ભૂતની માફક તેમનો પીછો છોડતા નથી."

એટલે જ કમળાબહેન આ ઘટના બાદ બે દસકા સુધી આ વિશે લખવા તૈયાર ન નહોતાં થયાં. છેવટે સમય જતા તેઓ આ વિશે લખી શક્યાં.

શરૂમાં રામેશ્વરી નહેરુને કમળાબહેન પટેલની નાની વય જોઈને તેમને મોકલવાં અયોગ્ય લાગતું હતું.

પણ કમળાબહેન નવ હજારથી વધારે સ્ત્રીઓ તથા બાળકોને પરત ભારત લાવી શક્યાં અને એ જ રીતે 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલી શક્યાં હતાં.

આ ઉપરાંત વિભાજન વખતની જે ઘટનાઓ ઇતિહાસમાં નથી લખાઈ તેને તેઓ ગ્રંથસ્થ કરી શક્યાં.

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી; 16 ઑગસ્ટ 2018

https://www.google.com/amp/s/www.bbc.com/gujarati/amp/india-45179169 

Category :- Opinion / Opinion