આ કોરોના-કાળમાં ...

સુમન શાહ
26-03-2020

ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની જગવિખ્યાત નવલકથા ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’ મને ખૂબ જ ખૂબ, ખૂબ જ ખૂબ, ગમતી, મારી પ્રિય નવલકથા છે. એ વિશે મેં એક દીર્ઘ અને બીજાં બે ટૂંકાં વ્યાખ્યાનો આપ્યાં છે. લેખ કરવાનું રહી ગયું છે.

આજે આપણે સૌ કોરોનાને કારણે ફરજ્યાતપણે એકાન્તવાસી થયાં છીએ. ચોપાસ મૃત્યુના સમાચારો અને તેને વિશેની ભીતિ સમસમે છે. એકાન્ત આપણને પ્રકાર પ્રકારે પીડી રહ્યું છે. આ નવલકથામાં એકલતા / એકાન્તનાં ૧૦૦ વર્ષની વાત છે. બધી વાત નથી કરવા માગતો. પણ એમાંનાં કેટલાંક અવતરણો - જે સર્વત્ર સુલભ છે - એમાંથી થોડાંક અહીં ભાવાનુવાદ રૂપે મૂકું છું.

સૅલ્ફ આયસોલેશનના આ દિવસોમાં - જાતે સ્વીકારેલા અલગાવના આ દિવસોમાં - આજે આપણને પ્રેમ હૂંફ વગેરે હૃદયના ભાવોની ખૂબ જ જરૂર પડી છે. અવતરણો મેં એ અંગેનાં પસંદ કર્યાં છે :

૧ : મજાના બૂઢાપાનું રહસ્ય શું? બસ, એકલતા સાથે મીઠી મહોબત.

૨ : માણસનો ઉત્તમ મિત્ર એ, જે થોડી વાર પહેલાં મૃત્યુ પામ્યો.

૩ : તું અને હું આ ક્ષણે જીવીએ છીએ, પ્રિયે, એથી મોટી મારે કઈ ખાતરી જોઈએ …

૪ : કશુંક તો પ્રેમ કરવા જેવું હંમેશાં બચ્યું હોય છે.

૫ : પેલી પોતાને પ્રેમ કરે એની લ્હાયમાં ને લ્હાયમાં એણે પેલીની લાગણીઓને એટલે તો ઊઁડે લગી ખોદી નાખી કે પ્રેમ જ ખતમ થઈ ગયો.

૬ : તેઓ જ્યાં પણ હશે એમને હંમેશાં યાદ આવશે - કે ભૂતકાળ એક જૂઠાણું હતો - કે યાદોનું કંઈયે નીપજતું નથી - કે ગઈ તે વસન્ત પાછી નથી આવતી - અને એમ કે પાગલ પાક્કો પ્રેમ જ છેવટનું ભંગુર પણ સત્ય હતું.

૭ : એને મૉતની નહીં પણ જિન્દગીની પડી’તી એટલે પેલાઓએ જ્યારે નિર્ણય જણાવ્યો ત્યારે એ ડર્યો નહીં, અતીતની યાદે ઢીલો થઈ ગયો.

૮ : ખાલીખમ વિશ્વમાં એ બન્ને તરતાં રહ્યાં - જ્યાં રોજિંદી અને કાયમી વાસ્તવિકતા એકમાત્ર પ્રેમ છે.

૯ : એ ખરેખર મૃત્યુમાં સરકી ગયેલો, પણ પાછો આવ્યો, કેમ કે એકલતા એનાથી વેઠાઈ નહીં.

૧૦ : નિ:સન્તાન હોવાની લમણાંફોડ સાથે બન્નેએ વરસો લગી ગાંડાંની જેમ પ્રેમ કરેલો. એકમેકને જીવવાનો ચમત્કાર એ કે ઘડીમાં બન્ને ટેબલ પર, તો ઘડીમાં પલંગમાં; એવાં સુખી કે ઘરડાંઠચ થયાં તો પણ નાનાં બાળકોની જેમ ખીલ્યાં ને બોલો, બે શ્વાન ખેલે એમ ખેલતાં’તાં !

= = =

(March 26, 2020 : Ahmedabad)

Category :- Opinion / Opinion