મંગલ ધ્વનિ

અાશા બૂચ
26-07-2013

તાજેતરમાં માન્ચેસ્ટર મધ્યે એકથી વધુ સુંદર સાંસ્કૃિતક કાર્યક્રમો જોવા-સાંભાળવા જવાની અને બે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી જેનો અનુભવ વાચકો સમક્ષ પ્રગટ કરું છું.

માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, બીજી વેપારી કંપનીઓ અને બી.બી.સી. તથા ઇંગ્લેન્ડની આર્ટ કાઉન્સિલ સાથે મળીને ૨૦૦૭ની સાલથી દર એકાંતરે વર્ષે માન્ચેસ્ટર ઇન્ટરનેશનલ ફેસ્ટીવલનું આયોજન કરે છે.

આ વર્ષે બ્રિટનના સફળ મ્યુઝીક બેન્ડ, ફિલ્મ, દ્રશ્ય-શ્રાવ્ય કળા પ્રદર્શન, ચર્ચા, શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીત અને નાટકોની મહેફિલથી આ શહેર પૂરા અઢાર દિવસ સુધી ધમધમતું રહ્યું. વિશ્વ વિખ્યાત કલાકારો તેમ જ નવોદિત કલાકારોને પણ પોતાની કળા રજૂ કરવાની તક મળી. લગભગ પચ્ચીસ જેટલા કાર્યક્રમો જોવા માન્ચેસ્ટરની આસપાસના શહેરોમાંથી જ નહીં, પરંતુ દેશના બીજા પ્રાંતોમાંથી અને વિદેશથી પણ લોકો આવે છે જે આ ઉત્સવની લોકપ્રિયતા બતાવે છે. તેમાંના એક વિશિષ્ટ કાર્યક્રમની વાત જાણવા જેવી છે.

મુખ્ય કાર્યક્રમની ઝાંખી કરાવું તે પહેલાં તેની પ્રસ્તાવના રૂપે એક સમૂહ ગાન સંઘ(choir)ના ઉદ્દભવની વાત કરવી ઉચિત થશે. માન્ચેસ્ટર ઇન્ટરનેશનલ ફેસ્ટીવલના આયોજકોએ ગાયન અને જુદા જુદા ધર્મની સંગીત પદ્ધતિમાં રસ ધરાવનાર મહિલાઓને ક્વાયરમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. જુઇશ, ક્રિસ્ટીયન, ઈસ્લામ, હિંદુ, બૌદ્ધ અને સીખ ધર્મની અનુયાયી બહેનોએ એક બીજાને પોત પોતાના ધર્મનાં ગીતો અને મંત્રો શીખવ્યાં. સંગીત શીખવા માર્ગદર્શન આપવા એક સંગીતની જાણકાર બહેન ક્વાયર લીડર હતી. આમ અમારું ૭૦ બહેનો અને પાંચ વાદ્ય કલાકારોનું Sacred Sound Choir અસ્તિત્વમાં આવ્યું. અમે ચાર મહિના દરમ્યાન ઉપર ઉલ્લેખ કર્યો તે છ મુખ્ય ધર્મમાંથી પસંદ કરેલા પંદર જેટલાં ગીતો અને મંત્રો શીખ્યાં અને શીખવ્યાં.

ક્વાયરની પ્રેક્ટીસથી શરૂ કરીને તેની રજૂઆત સુધીમાં તેના સભ્યો વચ્ચે પાંગરેલ પ્રેમ, વિશ્વાસ અને કોમી ઐક્યની ભાવનાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય લાગે છે. સંગીત શાસ્ત્રમાં નિષ્ણાત નહીં એવી બહેનો પોત પોતાને ગમતા મંત્રો શીખવે ત્યારે તેમના મુખ પર ભક્તિ અને શ્રદ્ધા છવાયેલી જોવા મળતી. મુખ્યત્વે પ્રેમ, શાંતિ અને વિશ્વ બંધુત્વની ભાવના વાળાં ગીતો-મંત્રો પસંદ કરાયેલા. લેટીન, સંસ્કૃત, પંજાબી, ઈંગ્લીશ, આરેબીક અને હિબ્રુ ભાષાના ઉચ્ચારો અને લઢણ તથા જે તે પ્રકારના સંગીતની ખૂબીઓ જયારે બધાં આત્મસાત કરીને ગાઈ બતાવે ત્યારે શીખવનારને પરમ સંતોષ અને શીખનારને અત્યંત ગૌરવની લાગણી થતી જોઈ. અરેબીક ભાષામાં સૂફી ગીતના શબ્દો વાંચતાં જુઇશ બહેનો ‘આ તો અમારા હિબ્રુ ભાષાના શબ્દો છે’, ‘એના અર્થમાં અને અમારા જુઇશ મંત્રમાં કેવું સામ્ય છે?’ એમ કહીને એક બીજાને પ્રેમથી ભેટતી જોઇને મનમાં થયું, એ બે ધર્મને અનુસરનારા બે દેશો વચ્ચે વૈમનસ્ય વકર્યું છે અને પારાવાર જાનહાનિ કરે છે. પૂર્વીય સંસ્કૃિતના પ્રતિનિધિઓ પશ્ચિમી સંગીતની લિપિ વાંચી ન શકે તો એમને વારંવાર ગાઈને શીખવવામાં આવ્યું. હિંદુ, સીખ અને બૌદ્ધ ધર્મના મંત્રો માટે નોટેશન ન હોવાને કારણે અન્ય ગાયિકાઓને લેખિત સૂચનાઓ વિના શીખવું મુશ્કેલ લાગ્યું. તેવે સમયે એ શ્લોકોની વ્યુત્પત્તિ લગભગ પાંચ-સાત હજાર વર્ષો પહેલાં થયેલી જયારે કાગળ-કલમની શોધ નહોતી થઇ તેથી શ્રુતિ અને સ્મૃિત આધારિત શિક્ષણ જ વિકલ્પ હતો અને એ પદ્ધતિને અનુસરવાથી આપણી યાદશક્તિ પણ તીવ્ર બને એવો ખુલાસો કર્યા પછી બધાંએ હોંશે હોંશે નોટેશન વિના શીખવાની તત્પરતા બતાવી એટલું જ નહીં સ્ટેજ પર જતાં પહેલાં મોટા ભાગના લોકોએ સ્વરાંકન કરેલા કાગળોનો ત્યાગ કરવાની હિંમત પણ દાખવી. દરેક ક્વાયરના સભ્યને પોતાના ધર્મ, સંસ્કૃિત અને ભાષા વિષે ઇચ્છે તે માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી જેથી કરીને પરસ્પર માટે સમજણ અને સહિષ્ણુતા વધી. દરેક શ્લોકના ઉચ્ચારણ અને શબ્દોના અર્થ સમજવા પર ભાર મુકવામાં આવતો.  આયોજકોના ક્વાયર ગાન સમયે એક સરીખા પોશાક પહેરવાના સૂચનને વિવેક સહ નકાર્યો જેને પરિણામે રંગ બે રંગી સાડીઓ, પંજાબી ડ્રેસ અને પશ્ચિમી કપડાંમાં સજ્જ સન્નારીઓએ એક સાથે સંસ્કૃત, હિબ્રુ અને આરેબીક ભાષામાં શુદ્ધ ઉચ્ચારણો સાથે ગાન કર્યું ત્યારે શ્રોતાઓને માન્ચેસ્ટરની વિવિધ કોમની બહુ સાંસ્કૃિતક પ્રજા એક સૂરથી કેવું એક બીજાના ધર્મનું ભક્તિગાન પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી કરી શકે છે એનો અહેસાસ થયો. જે બહેનો પોતાને ‘ધાર્મિક’ કહેવડાવતી હતી તે આ કાર્યક્રમને અંતે પોતાને ‘આધ્યાત્મિક’ તરીકે ઓળખાવવાનું પસંદ કરવા લાગી. એટલું પૂરતું ન હોય તેમ ‘ચાલો, આપણે આ કાર્યક્રમ લઈને ઈજીપ્ત અને સીરિયા જઈએ, તો ત્યાં શાંતિ સ્થાપી શકીશું’ એવું કહેવા જેટલી હિંમત અને આત્મવિશ્વાસ કેળવાયા. એવો હતો આ ‘મંગલ ધ્વનિ’ ક્વાયરના મંત્રોનાં શબ્દો, સંગીત અને ગાનાર બહેનોનાં વ્યક્તિત્વનો પ્રભાવ.

Sacred Sound Choir વિશેની આટલી પૂર્વ ભૂમિકાની ઉપયુક્તતા નીચેનું લખાણ વાંચવાથી સિદ્ધ થશે. તારીખ ૭મી જુલાઈની સંધ્યા બ્રિટનના પ્રખ્યાત સંગીત લેખક-આયોજક Sir John Tavenerને સમર્પિત હતી. તેમના દ્વારા રચાયેલી સંગીત રચનાઓ બી.બી.સી. ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના લગભગ ૮૦ જેટલા વાદ્ય કલાકારો અને ગાયકોએ રજૂ કરી. સર જોહન ટાવનર ઉપર ખ્રિસ્તી ધર્મ ઉપરાંત બોદ્ધ, સૂફી અને હિંદુ ધર્મ અને સંગીત પદ્ધતિની ઘેરી અસર છે. તેમની પહેલી રચના રાધા-કૃષ્ણના પ્રેમ ગીતની હતી જે સર જોહન ટાવનરની ‘કૃષ્ણ લીલા’માં અગાઉ પ્રસ્તુત કરવામાં આવેલ. ૭૦થી વધુ વાદ્ય કલાકારો ઓમકાર જેવો ધ્વનિ સતત રેલાવતા રહ્યા, જેની સાથે ચાર પુરુષના કંઠમાંથી ‘ઓમ હરી નારાયણાય’નું રટણ ચાલતું હતું. ગાયિકા ‘કૃષ્ણ’ અને ગાયક ‘રાધા’ નામોચ્ચાર અનેકવિધ શાસ્ત્રીય (અલબત્ત પશ્ચિમી ઢબની) રજૂઆતથી શ્રોતાઓને પચીસ મિનિટ સુધી મંત્ર મુગ્ધ કરી ગયા. તે પછી ટોલસ્ટોયની અંતિમ ટૂંકી વાર્તા ‘The Death of Ivan Ilych’ પર આધારિત વાદ્ય રચના રજૂ કરવામાં આવી.

પરંતુ આ કાર્યક્રમના શિરમોર સમી રચના હતી Mahamatar’. Werner Herzogની ટૂંકી ફિલ્મ ‘Pilgrimage’ વિશાળ પડદા પર બતાવાઈ જે મેક્સીકોના કેથલિક શ્રદ્ધાળુઓ ગોઠણ ભર ચાલીને અને રશિયાના ભક્તો બરફ પર પેટ પર અને ચાર પગે ઢસડાઈને યાત્રાધામ જઈ રહ્યા હતા તે બતાવે છે. શ્રદ્ધાળુઓ શારીરિક પીડાઓથી દર્દ અનુભવતા, પ્રાર્થના કરતા કષ્ટ ઉઠાવીને પણ મક્કમતા અને ધૈર્યથી પંથ કાપતા જતા જોવા એ એક અત્યંત કરુણ છતાં કરુણા સભર દૃશ્ય હતું. બીબીસી ફીલહાર્મોનીક ઓરકેસ્ટ્રા એ ફિલ્મને વધુ અસરકારક બનાવવા ગંભીર અને કરુણ સુરાવલીઓ છેડતું રહ્યું. આ આખા અનુભવને ચાર ચાંદ લાગે તેવો પ્રયોગ યોજાયો. આબિદા પરવીને સૂફી સંગીતના માત્ર સૂરથી અને ચેલો વગાડનાર સ્ટીવ ઇઝરલીસ બન્નેએ સાથે મળીને ભક્ત જનોની પીડ અને શબ્દાતીત આનન્દાનુભૂતીને અદ્દભૂત રીતે વ્યક્ત કરી. તે વખતે અમારા ક્વાયરને ભાગે સંસ્કૃતના શબ્દ ‘માતર’માંથી ‘મ’ અને ગ્રીક શબ્દ Theotoke’ જેનો અર્થ થાય છે God bearer-માંથી ‘થે’ અક્ષરોનું ઉચ્ચારણ અઢાર સૂરોમાં ગાવાનું આવ્યું. આબિદા પરવીન અને સ્ટીવ ઇઝરલીસ ફિલ્મના દૃરશ્યને વધુ ગહેરો અને હૃદયદ્રાવક બનાવવા સંગીતની સૂરાવલીઓ જેટલા લાંબા સમય સુધી વહેવરાવે તેટલી મિનિટો સુધી એક સૂરમાં એક અક્ષર ટકાવી રાખવો અમ જેવાં સંગીતની તાલીમ ન પામેલા માટે એક કસોટી હતી. કંડકટર અને ખુદ સર જોહન ટાવનરની શાબાશી અમારે માટે મોટો ઉપહાર હતો.

જયારે સર જોહન ટાવનરને અમારા Sacred Sound Choir વિષે જાણ થઇ ત્યારે તેમણે ખાસ અમારા માટે ‘If Ye Love Me’ નામની રચના કરી. જીસસે શૂળી પર ચડતા પહેલાં તેના અનુયાયીઓને કહેલું, ‘Love one another as I have loved you’. એ આદેશની સાથે ‘બ્રહ્મા’ અને ‘અલ્લાહ’ પાંચ જુદી જુદી શાસ્ત્રીય સ્વરાવાલીઓ દ્વારા રજૂ કરતી એ રચના ગાવાનું સદ્દભાગ્ય અમારા ક્વાયરને સાંપડ્યું અને તે પણ એ મહાન હસ્તીના સાન્નિધ્યમાં એ સહુને માટે એક અનોખી યાદ બની રહેશે. સર જોહન ટાવનરનો પ્રેમ અને કરુણાનો સંદેશ એકથી વધુ ધર્મ અને ભાષા દ્વારા આપવાનો પ્રયાસ હતો કેમ કે તેઓ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સરખા છે એમ માને છે અને પ્રથમ વખત રજૂ કરાયેલી આ રચના માટે તેમણે Sacred Sound Choir (મંગલ ધ્વનિ) પસંદ કરી એ માન્ચેસ્ટરની વિવિધ સભ્યતા અને સંસ્કૃિતના પ્રતિનિધિઓ માટે ગૌરવનો વિષય બની રહ્યો. ૧૪મી જુલાઈના દિવસે માન્ચેસ્ટરની પ્રજાને અમે છ ધર્મોના પંદર ગીતો-મંત્રો પાંચ જુદી જુદી ભાષામાં ગાઈને મંત્ર મુગ્ધ કરી દીધા. મંગલ ધ્વનિને ભવિષ્યમાં પણ કોઈને કોઈ સ્વરૂપે ગુંજતું રાખવાના શપથ લઈને સહુ વિખરાયા.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion