રવિવારે બપોરે

સલિલ ત્રિપાઠી
23-03-2020

રવિવાર બપોરે
આ ધબબ ધબબ ધબૂકતો અવાજ -
ધોબીઘાટ પર અફળાતાં કપડાં,
કે નીચે વોલીબોલ રમતા ખ્રિસ્તી યુવકો?
આ કિકિયારી અને કકળાટ -
વીજળીના તાર પર બેઠેલી કાબર
કે રિવર્સ થતી ગાડીનો ઘોંઘાટ?
આ પિયાનોના સૂર -
પેલી ખ્રિસ્તી છોકરીની પ્રેક્ટિસ
કે પાંચેક પારસી માટે રેડિયો પર વાગતો કાર્યક્રમ?
સામેની બારીમાં
યશોમતીબેનનો પાંડુ પોતાના કાન સાફ કરે છે
અને
નીચે મરિયમ ટુવાલ ઉછાળે છે જે વિસ્તરીને
સ્ટૂલપર ચુપચાપ ડાહ્યોડમરો થઇ બેસી જાય છે
અને
રણછોડ સ્કૂટર ચલાવવા મરણિયા પ્રયત્નો કરે છે
કીક મારી મારી ને થાકી જાય છે
ચોકની સામેની બાજુ
પેલા મકાનની દીવાલના
પીળા રંગનું પોપડું ઉખડી રહ્યું છે
એક ધાબુ દેખાય છે,
શ્રીલંકાના નકશા જેવું
અશ્રુબિંદુ જેવું
જમરૂખ જેવું
એની નીચે એક આડી રેખા, ટેનિસની નેટ જેવી -
બાજુમાં દોરેલા ક્રિકેટના ત્રણ સ્ટમ્પ
બારીનો તૂટેલો કાચ
ગટર પાસે ચમકે છે એક કોકાકોલાનું ડબલું
ફેંક્યું જાણે બતાવવા
કે અમે કોકાકોલા પીધું છે
અમારા એવા કોન્ટેક્ટ છે, સાહેબ,
અમને તો આજકાલ કોકાકોલા બી મળે!
સરકારનો બેન હોય કે ન હોય!
આપણું તો બોસ, કાયદેસર!
મારી જમણા હાથની પહેલી આંગળી દુખે છે
ટચલી આંગળી પર છે નાનકડો કાપ
બેમાં અઢાર કમ એટલે કે અઢાર વત્તા સાઈઠ વત્તા સાઈઠ વત્તા ત્રીસ
એટલે કે એકસો અડસઠ મિનિટ - પછી જ મળશે ચા.
વાંચું છું હું દીવાલપર લખાયેલી ઈચ્છાઓ અને ચીતરાયેલાં સ્વપ્નો -
અમિત ઇઝ અ નટ. ઇન્દિરા ગાંધી ઝિંદાબાદ. રાજન+માધવી.
વણસંતોષાયેલી અભિલાષા, અધૂરી મનોકામના
દેખાય છે એક ચિત્ર દીવાલપર
નગ્ન છોકરીનું - ઝડપથી દોરેલું,
કોઈ આવીને ચિત્રકારને દોરતું જોઈ જાય તે પહેલાં,
પકડાઈ જવાય તે પહેલાં,
નગ્ન છોકરી ક્યારે ય જોઈ ન હોય
અને માત્ર કલ્પી હોય, તેવું છે એ ચિત્ર દોરી
ચિત્રકાર પલાયન -
એક સરદારજીનો ચહેરો,
પણ દાઢી એવી તો વિશાળ કે જાણે આયાતોલ્લાહને
વળગેલો મધપૂડો!
આસપાસ આડાઅવળા લીટા ને લપરડા
રડ્યું ત્યાં એક બાળક
આળસ મરડી ઊંઘ બગડયાના ગુસ્સાથી ભરેલી
માએ દીધો એક જબરજસ્ત તમાચો
બાળકે પાડી ચીસાચીસ
ધડાક દઈને માએ દરવાજો અફળાવ્યો
બાળક ગયું દોડી
ભેંકડો તાણ્યો
ઊડી ગઈ પેલી કાબર
હજુ ખોતરે છે પાંડુ એનો કાન
વોલીબોલની રમત ચાલી રહી છે હજુ
હીંચકેથી ઊઠી મેં કબાટમાંથી એક ચોપડી કાઢી
બધા અક્ષર એકસરખા લાગ્યા
મેં વાંચવા પ્રયત્ન કર્યો
પણ કશું સમજાણું નહીં
મારા પોપચા પર છે ખૂબ ભાર
મારી સમક્ષ હવે અંધકાર

November 1979

Category :- Poetry