મલાલા : એકને મારતાં બીજી સાત પેદા થઇ!

દિવ્યેશ વ્યાસ
25-07-2013

પહેલો મલાલા એવોર્ડ મેળવનારી બે ભારતીય યુવતી અિશ્વની અને રઝિયાને તમે ઓળખો છો?

મલાલા, નામ પડતાં જ એક માસૂમ ચહેરો આંખ આગળ છવાઈ જાય છે. બાળાઓના શિક્ષણ માટે તાલિબાનો સામે બાથ ભીડનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત સમગ્ર વિશ્વની લાડલી બની ગઈ છે. તાલિબાનોની ગોળીથી ઘાયલ થયેલી મલાલા હવે એકદમ સ્વસ્થ છે અને ફરી પોતાની પ્રિય પ્રવૃત્તિ - અભ્યાસમાં લાગી ગઈ છે. મલાલા હવે એક વૈશ્વિક હસ્તી બની ગઈ છે. વિશ્વભરમાં બાળકીઓના શિક્ષણનું પ્રતીક અને પ્રેરણાસ્રોત બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તો મલાલાના જન્મ દિવસને 'મલાલા દિન' તરીકે ઊજવવાનો નવો સિરસ્તો શરૂ થયો છે. ગત ૧૨ જુલાઈના રોજ ન્યૂ યોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે મલાલાના ૧૬મા જન્મ દિવસની અને પહેલા મલાલા દિનની ઉજવણી કરવામાં આવી. મલાલા દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણના માટે યુવા સાહસિક એવોર્ડ, જેને મલાલા એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ એનાયત થયો. મલાલા એવોર્ડ એવી સાત બાળાઓને એનાયત કરાયો, જેણે બાળાઓના શિક્ષણ માટે સંઘર્ષ કરેલો છે ને કરી રહી છે. આમ, ૧૨મી જુલાઈએ એક મલાલાની સામે બીજી સાત 'મલાલા' પેદા થયેલી જોવા મળી!

આપણા દેશ માટે ગૌરવની વાત એ છે કે મલાલા એવોર્ડ મેળવનારી સાત યુવતીઓમાંથી બે તો ભારતીય છે; એક છે, કર્ણાટકની ૨૪ વર્ષીય અિશ્વની આંગડી અને બીજી છે, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની માત્ર ૧૫ વર્ષની રઝિયા સુલતાન. આ બન્ને યુવતીઓનો શિક્ષણ મેળવવા અને અન્ય બાળાઓને શિક્ષણ અપાવવા માટેનો સંઘર્ષ તો મલાલા કરતાં જૂનો છે, પણ મલાલા એવોર્ડ નિમિત્તે આખા દેશમાં તેમનું નામ જાણીતું થયું છે. આપણે તેમનાં કામથી પણ પરિચિત થવું રહ્યું.

કર્ણાટકના નાનકડા શેષાદ્રીપુરમ્ ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી અિશ્વની જન્મથી જ આંખે જોઈ શકતી નહોતી. પરિવાર માટે બોજ સમાન આ બાળાએ પોતે ભણવા માટે પણ ઘરના લોકો સાથે સંઘર્ષ કરવો પડયો અને પછી શાળામાં શિક્ષકો દ્વારા રખાતા ભેદભાવ સામે લડત આપવી પડી. ધોરણ દસ સુધી તો તેણે પ્રજ્ઞાચક્ષુઓ માટેની વિશેષ શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ પછી તે સામાન્ય શાળામાં જ દાખલ થઈ. ભણવામાં ખંતને પ્રતાપે તેણે ધોરણ-૧૨ અને કોલેજમાં સમગ્ર વર્ગખંડમાં સારા ગુણો સાથે ટોચનો ક્રમાંક મેળવ્યો હતો. હાલ તો તે એક આઈટી કંપનીમાં નોકરી કરે છે, પણ નોકરીમાં ઠરીઠામ થવાને બદલે તેણે પોતાના જેવાં વિકલાંગ બાળકોના શિક્ષણ માટે સંઘર્ષ આદર્યો છે. બેંગલુરુમાં કાર્યરત લિયોનાર્ડ ચેસાયર ડિસેબિલિટી નામની એનજીઓ સાથે સંકળાઈને વિકલાંગ બાળકોના શિક્ષણના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહી છે. અિશ્વનીને દર મહિને એક હજાર રૂપિયા વિકલાંગ સહાય સ્વરૂપે મળે છે, જેને તે પોતાના જેવાં વિકલાંગ બાળકોના અભ્યાસ માટે ખર્ચી નાખે છે. અિશ્વની પોતાના જેવાં બાળકોના શિક્ષણ માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દેવા પ્રતિબદ્ધ છે.

મલાલા એવોર્ડ મેળવનાર બીજી તરુણી છે રઝિયા સુલતાન. મેરઠ જિલ્લાના નાંગ્લાખુંબા ગામની આ દીકરીને નામ તો સામ્રાજ્ઞીનું મળ્યું છે, પણ નસીબમાં બાળમજૂરી લખી હતી. જો કે, નસીબ સામે ઝૂકી જાય તે રઝિયા શાની! માત્ર ચાર વર્ષની વયથી પોતાના ગામની અન્ય બાળાઓની સાથે તે ફૂટબોલ સીવવાની મજૂરી કરવા લાગી હતી. જો કે, એક એનજીઓના પ્રતાપે તેને બાળમજૂરીમાંથી છૂટીને ભણવાની તક મળી. પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેને શિક્ષણનું ખરું મહત્ત્વ સમજાયું અને તેણે પોતાના જેવા બાળમજૂરોને કામેથી છોડાવીને શાળામાં ભણવા બેસાડવાનો યજ્ઞા આદર્યો. રઝિયા ૧૧ ધોરણ સુધી ભણી છે, પણ શિક્ષણ પ્રત્યેની લગનીને કારણે પોતાના જેવી ૪૮ બાળકીઓને બાળમજૂરીમાંથી છોડાવીને શાળાએ ભણતી કરી છે. હાલ તે પોતાના વિસ્તારમાં તેમ જ અન્ય રાજ્યોમાં પણ જઈને ઘરે ઘરે ફરીને પોતાનાં બાળકોને મજૂરીએ નહીં મોકલવા, પણ ભણવા બેસાડવા માટે સમજાવી રહી છે.

એવોર્ડ મેળવનાર અન્ય પાંચ વિદેશી તરુણીઓમાં એક પાકિસ્તાનની ૧૫ વર્ષીય બાળા સાઝિયા છે, જે મલાલાની બહેનપણી છે. બીજી મોરક્કોની માત્ર ૧૨ વર્ષની રાઓઇઆ છે, જેણે પોતાને ભણવાનું છોડીને લગ્ન કરવા માટે છોકરાઓ જોવાની સલાહ આપનાર શિક્ષણ મંત્રીને 'માઇન્ડ યોર બિઝનેસ' કહી દેવાની હિંમત દાખવી હતી. ત્રીજી બાંગ્લાદેશની ૧૮ વર્ષીય કેશોબ છે, જેણે બાળલગ્ન સામે સંઘર્ષ આદર્યો છે. ચોથી સિએરા લિયોનની ૨૦ વર્ષીય યુવતી અમિનતા છે, જે દેશની ડામાડોળ સ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. પાંચમું નામ નેપાળની ૨૨ વર્ષીય ઊર્મિલા છે, જેની સ્ટોરી સૌથી સાહસિક છે. માત્ર છ વર્ષની વયે માતા-પિતા દ્વારા ઘર-નોકરાણી (કમલારી) તરીકે વેચી દેવાયેલી ઊર્મિલા બાર બાર વર્ષ સુધી નોકરડી તરીકે સબડયા પછી તેણે 'કમલારી ગર્લ્સ ફોરમ'ની સ્થાપના કરી તેની સામે અવાજ ઉઠાવ્યો છે. મલાલા જેવી દીવા સમી દીકરીઓ છે ત્યાં સુધી અંધારું છવાવાનું નથી!

(સૌજન્ય : સમય-સંકેત, સંસ્કાર પૂર્તિ, “સંદેશ” Jul 20, 2013,)  

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion