પ્રમાણ

ચિરાગ ત્રિવેદી
13-03-2020

સૂરજને કહી દો, કાલથી ઊગવું છે ભૈ? તો કાગળ લઈને ઊગે,
પકડો પવનને, પૂરો પાંજરે, પછી પૂછ્યા વગર પાછો ક્યાં ય ના પૂગે.

આકાશ ધરે આધાર તો આભારવશ બસ આમ ઊભા રહેવાશે,
ધરતી પુરાવા પાડે પૂરા માટીના, નહિ તો માટી ભેગી થાશે.

વડલાના વડવા - ભડના ભૈ, ન્યાં પીપળે કેમ જઈને વળગ્યાં?
સરનામે સાગર શોધતી નદીયુંના ઘર વડવાનલ થઇ સળગ્યાં.

શું ભાળીને યમુનાનીરે કાળીધોળી પ્રીતિ, સંગમરમર સંગ જોડી!
કોના કીધે ચાંદો એનો સૂરજ મારો રમતાં'તા, રમતાંમાં મળી કોડી!

કેવું પ્રમાણ લ્યા! વળી કોણ પ્રમાણે, કોણ જુએ, કોણ જાણે,
અક્કલમઠાધિપતિ આડા ફાટ્યા છ', એ તો એના બાપનીયે આણે.

કહી દો, નથી ...
નથી દાખલો, ઓળખ-બોળખ, પરવાનો, ચિઠ્ઠી ચપાટી, કોઈ પ્રમાણપત્ર,
કુદરત છું હું, નીચે-ઉપર, અંદર-બા'ર, પાછળ-આગળ, અત્ર તત્ર સર્વત્ર.

જળ છું જળમાં ભળી ગયેલું, તળ છું તળમાં ગળી ગયેલું, એ જ તો હું જે તું છું, 
આધાર આપણ બંને, કાગળ પણ આપણ બંને, ચલ લખીએ, તું લખાણ, હું લખવું છું.

e.mail : [email protected]

Category :- Poetry