ગાંધી વિચાર - આજના યુગમાં પ્રસ્તુત છે કે કાળબાહ્ય?

આશા બૂચ
18-02-2020

યુગે યુગે દુનિયામાં મહાનુભાવો જન્મ લેતા રહ્યા છે અને પ્રજાને ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે સન્માર્ગે દોરતા રહ્યા છે. ગાંધીજી અને તેમના પુરોગામી મહાત્માઓમાં એક તફાવત નોંધી શકાય, અને તે એ છે કે અન્ય મહાપુરુષોએ ધર્મ અને અધ્યાત્મની વાતો કરી અને પોતે એક આદર્શ જીવન જીવી ગયા; એટલું જ નહીં, તેમના શિષ્યો પણ ઉદાહરણરૂપ જીવન જીવ્યા, પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતો સમાજજીવન અને રાજકીય જીવનમાં એક વ્યવહારુ જીવન પદ્ધતિ તરીકે મૂળિયાં ન નાખી શક્યા; જ્યારે ગાંધીજી પોતે જે કઇં વિચારતા તેનો અમલ કરતા અને એમની આચાર સંહિતા જ એમનો ઉપદેશ બની રહી. તેમના આચાર-વિચારોનો વિનિયોગ સામાન્યમાં સામાન્ય માણસ પોતાના અંગત તેમ જ જાહેર જીવનમાં કેટલો સહજતાથી કરી શકે તે તેમણે જીવીને બતાવ્યું. 

વીસમી સદીમાં પોરબંદરમાં વણિક પરિવારમાં જન્મેલા મોહને એક સાધારણ બાળક તરીકે જીવનની શરૂઆત કરી. તેમના જીવનનું ઘડતર અને કર્મો બધાં વીસમી સદીમાં થયાં, તો આજે એકવીસમી સદીમાં એ વિષે આટલી ચર્ચા વિચારણા શાને કાજે? મારે મન ગાંધીજી એક મહાત્મા હતા કેમ કે તેઓ એક વિશ્વમાનવ હતા. માનવ જીવનનું એક પણ પાસું એવું નથી જેમાં તેમના વિચારો અને આચારનું પ્રદાન ન હોય. ભારતવાસીઓ મહદ્દ અંશે તેમના વિચારોને અમલમાં નથી મૂકી શક્યા અને એટલે જ કદાચ પોતાને પ્રશ્ન પૂછી રહ્યા છે, ‘ગાંધી વિચાર આજના યુગમાં પ્રસ્તુત છે કે કાળબાહ્ય થયો ગણવો?’

ગુલામી પ્રથાની નાબૂદી અને સંસ્થાનવાદના અંત બાદ દુનિયા આખી એક મેલજોલ ભર્યા સંસારના નિર્માણમાં વ્યસ્ત થઇ ગયેલી જણાઈ. થોડા ઉદારમતવાદીઓની અસર તળે અન્યાયો અને ભેદભાવો મિટાવવાની ઘણી હિલચાલો શરૂ થઇ. પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકાથી જાણે માનવ જાત ફરી પોતાના નાના કુંડાળામાં બંધ થતી જતી દેખાય છે. યથા પિંડે તથા બ્રહ્માંડેના નિયમાનુસાર જે પરિસ્થિતિ ભારતમાં અનુભવાય છે તે સારાય વિશ્વમાં પણ પરખાય છે, અથવા કહો કે વિશ્વ પ્રવાહોની બૂરી અસરોથી ભારત પણ બચી નથી શક્યું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાર મુખ્ય સમસ્યાઓ પોતાનું વિકરાળ મુખ ફેલાવી સારી ય માનવજાત પર ભરડો લઇ રહી છે; અને તે છે : વિભિન્ન ધર્મી પ્રજાઓ વચ્ચે વધતું વૈમનસ્ય અને તેના ફળસ્વરૂપ વધતી જતી હિંસા, જ્ઞાતિ અને જાતિ આધારિત વધતો ભેદભાવ (ભારતનો આ વિશેષ પ્રશ્ન છે જે અન્ય દેશોમાં વર્ગ વિગ્રહના રૂપમાં વિદ્યમાન છે), ગરીબ-તવંગર વચ્ચે વધતી જતી ખાઈ જેના ફળસ્વરૂપ વધતી ગુનાખોરી અને વધુ પડતા યંત્રીકરણ અને ઉપભોકતાવાદને પરિણામે પર્યાવરણ પર ઊભું થતું સંકટ. હવે આ સમસ્યાઓના હલ માટે અનેક પ્રયાસો થતા રહ્યા છે, પરંતુ પ્રજાના હિતમાં આવે તેવા ફળની હજુ રાહ જોવાઈ રહી છે.

ઉપર ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓનું અસરકારક નિવારણ હજુ સુધી કોઈને સાંપડ્યું નથી, તો હવે જેમણે એકાદ સદી પહેલાં એક માર્ગ ચીંધેલો તે જોઈએ. ગાંધીજી ઔદ્યોગીકરણને પગલે રચાયેલ સુધારા વાળી સંસ્કૃતિ આખર માનવ જાતનું કલ્યાણ નહીં કરી શકે તેવી દ્રઢ માન્યતા ધરાવતા હતા અને તેથી જ તો ‘હિન્દ સ્વરાજ’માં તેની વૈકલ્પિક એવી સંસ્કૃતિનો નિર્દેશ કરેલો. એ વિકલ્પના પરસ્પર આધારિત પાંચ આયામો હતા; રાજકીય, સામાજિક, આર્થિક, યાંત્રિક અને સાંસ્કૃતિક. આજે આપણે આ પાંચેય દિશાએથી વિકાસની આડ પેદાશ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એમ ધારેલું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના આગમન સાથે ન્યાય મેળવવો સુલભ થશે, સહુ માટે સ્વતંત્રતાના રસ્તા ખુલશે, દરેકના સ્વમાનની જાળવણી થશે એટલું જ નહીં, એક એવો ટકાઉ વિકાસ સાધી શકાશે જે પર્યાવરણને પણ હાનિકર્તા નહીં હોય. જુઓ, શું થયું આપણા સમાજનું, પર્યાવરણનું અને સંસ્કૃતિનું? જે સુધારાઓ બેકારી, ગરીબી અને અછતને દૂર કરવા લાવેલા તેનાથી એ જ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી. કેમ ભલા?

આધુનિક રાજ્ય તંત્ર અને અર્થ વ્યવસ્થા થકી પેદા થયેલ સ્થિતિ મહત્તમ પ્રજાનું કલ્યાણ કરનારી નથી તે હવે સાબિત થઇ ચૂક્યું છે, તો શું ગાંધી વિચાર અને આચાર સંહિતા ભારતના આંતરિક પ્રશ્નો ઉકેલવામાં રાહ બતાવી શકે? વૈશ્ચિક સમસ્યાઓને ગાંધી વિચારને અનુસરીને ઉકેલી શકાય? એ વિચારોને સમજનારા મુઠ્ઠીભર લોકોને તો એ વિષે જરા પણ સંશય નથી, પરંતુ સવાલ છે નવી પેઢીને એ વિચારો પ્રસ્તુત છે એવી પ્રતીતિ કેમ કરાવવી અને તેનો અમલ કરવા શી રીતે સજ્જ કરવા. આ ચારે ય સમસ્યાઓને ગાંધી ચિંધ્યા માર્ગે કેમ ઉકેલી શકાય તે જોઈએ.

વિભિન્ન ધર્મી પ્રજાઓ વચ્ચે વધતું વૈમનસ્ય અને તેના ફળસ્વરૂપ વધતી જતી હિંસા:

Ebrahamic Faiths તરીકે ઓળખાતા ધાર્મિક સમૂહો - જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામ વચ્ચે તેમની માન્યતાઓ અને અધિપત્યના સવાલને લઈને પરાપૂર્વથી પરસ્પર હિંસા પ્રવર્તતી રહી છે. હિન્દુ - મુસ્લિમ વચ્ચેના નકારાત્મક અભિગમનાં મૂળ મુસ્લિમ રાજાઓના આક્રમણ અને ખાસ કરીને બ્રિટિશ સામ્રાજ્યની ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિમાં પડેલાં છે. કારણ ગમે તે હો, પરિણામ આવ્યાં છે ‘ઈસ્લામોફોબિયા’માં, શિયા-સુન્ની વચ્ચે ખેલાતા સંહારમાં, જુઇશ અને મુસ્લિમ પ્રજા પોતપોતાના દેશની સીમાઓનો ઐતિહાસિક માન્યતાઓને આધારે હક-દાવો માંડે અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સતત લડાઈઓ થતી રહે તેમાં અને ભારતના કેટલાક હિન્દુ લોકો દ્વારા પોતાના જ દેશના નાગરિકો તરફ તેમના અલગ ધર્મ હોવાને નાતે ફેલાવાતી નફરતમાં. 

ધર્મમાં રાજકારણ આવી ગયું તેનું આ પરિણામ છે. હવે ગાંધીજીએ કહેલું તેમ રાજકારણમાં ધર્મ - એટલે કે નીતિમય ફરજ લાવવાથી જ આ ઝેર દૂર થશે. તેમણે કહેલું કે આજના યુગમાં દરેક ધર્મનો ‘મિત્રવત’ (અહીં નોંધ લેવી રહે, શબ્દ  છે ‘મિત્રવત’ નહીં કે ‘ટીકાત્મક’) અભ્યાસ કરવાથી જ લોકો વચ્ચે કરુણા અને સહિષ્ણુતા જન્મશે.  

વીસમી સદીની શરૂઆતમાં વિદેશી શાસનની નાગચૂડમાંથી મુક્ત થવું અને કોમી એખલાસ સાધવો એમ એકી સાથે બે પડકારો ભારતની પ્રજા સામે આવી પડેલા, તે સમયે ગાંધીજી બરાબર સમજી ગયેલા કે વિદેશી શાસનમાંથી મુક્તિ જરૂર મળી શકે, પણ કોમી સંવાદિતા તો ત્યાર બાદ પણ કોઈ પણ રાષ્ટ્રના અસ્તિત્વના નિભાવ માટે એક અનિવાર્ય શરત બની રહે છે અને એથી જ તો તેમણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે મન મેળ રહે તે માટે આમરણાંત પ્રયાસો કર્યા. 

આજે સ્વતંત્ર ભારતનો આયનો ઠેકઠેકાણે તૂટેલો નજરે પડે છે. ગમે તેટલો કહેવાતો આર્થિક ‘વિકાસ’ થશે, પણ એક દેશ તરીકેની અસ્મિતા જાળવવી હશે તો ભારત ભૂમિ પર વસતી તમામ કોમ વચ્ચે સંવાદિતા સાધવી અને જાળવવી અત્યંત જરૂરી બની રહેશે. મુઠ્ઠીભર વ્યક્તિઓ અને સંગઠનો ભારતની તમામ કોમ વચ્ચેની ભાવનાત્મક એકતા ટકાવવા ભરપૂર પ્રયત્નો કરે છે, કેમ કે તેમના દિલમાં ગાંધીના વિચારો ઊંડા ઉતર્યા છે. પરંતુ સરકાર કે કેટલાક આત્યંતિક વિચારસરણી ધરાવનાર સંગઠનો ભારતને હિન્દુ કોમનું અલગ રાષ્ટ્ર બનાવવા અવિચારી પગલાંઓ ભરી રહ્યાં છે એ આપણા દેશ માટે એક આત્મઘાતી પગલું સાબિત થશે. જો ભારતને દુનિયાના નકશા પર ટકવું હશે તો વીસમી સદીમાં લેવાયેલ કોમી એખલાસ માટેનાં પગલાં લીધા સિવાય કોઈ ચારો નથી.

જ્ઞાતિ અને જાતિ આધારિત વધતો ભેદભાવ:

ભારતે એક તરફ લોકશાહી મૂલ્યો અને મૂડીવાદને અપનાવ્યા, જેને કારણે જ્ઞાતિના બંધનો ઢીલાં પડવાં લાગ્યાં તો બીજી બાજુ રાજકીય અને આર્થિક લાભો મેળવવા જ્ઞાતિપ્રથા અઢારમી કે ઓગણીસમી સદીમાં હતી તેવી ચુસ્ત બનતી જાય છે. શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે આ પ્રકારનાં કૂપમંડૂક વલણો વિદાય લેશે એ આશા ઠગારી નીવડી, તેનું કારણ આપણી શિક્ષણ પદ્ધતિ અને સામાજિક માન્યતાઓ વચ્ચેના અનુબંધના અભાવનું છે. ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સમાંતર જ રચનાત્મક કાર્યક્રમોનો દેશવ્યાપી અમલ કર્યો, કેમ કે તેઓ જાણતા હતા કે સામાજિક અન્યાયમાં ખરડાયેલા સમાજમાં લોકશાહી તો શું, નાગરિકોની સલામતી પણ ન ટકી શકે. રાજકીય નેતાઓ સ્વ હિતને ખાતર જ્ઞાતિ ભેદના અગ્નિને હવા નાખતા રહ્યા અને પ્રજાને તેના પર પોતાનો રોટલો શેકવામાં જ ફાયદો જણાયો. 

અનામતનો મુદ્દો હોય કે અનુસૂચિત જાતિઓ પ્રત્યે આચરાતા અન્યાયોની વાત હોય, મૂળ વાત છે શ્રમનું મૂલ્ય વધારવાની અને માનવ અધિકારનું રક્ષણ કરવાની. ગાંધીજીએ 18 રચનાત્મક કાર્યોની સૂચિ સ્વાતંત્ર્ય સેનાનીઓને ધરેલી ત્યારે ઘણા લોકોને સવાલ થયેલો, અસ્પૃશ્યતા નિવારણ અને આઝાદીને શું સગાઇ? આજે જુઓ, લોકશાહી ભયમાં છે એમ કહેનારા જાણે છે કે ધર્મ, પંથ, જ્ઞાતિ અને જાતિ આધારિત તમામ પ્રકારની લઘુમતી કોમ પ્રત્યેના ભેદભાવ ભર્યાં વલણને પરિણામે સમાજ છિન્નભિન્ન થતો જાય છે અને દેશ રમખાણો અને હિંસાની જ્વાળામાં સળગવા માંડ્યો છે. ચાહે ભારતનો અનામતનો કે મુસ્લિમ વિરોધી વલણનો પ્રશ્ન હો કે ચાહે વિદેશોમાં શિયા-સુન્ની કે મુસ્લિમ-ક્રિશ્ચિયનો વચ્ચેના વેર-ઝેરનો સવાલ હોય. ઉપાય માત્ર એક છે. માનવતાવાદી માનવોનું ઘડતર શરૂ કરવાનું. સાપના મોઢામાંથી ઝેરની દાબડી કાઢી લો, સાપ અને માણસ બંને સલામત. એવી જ રીતે બાળક માત્રના દિલો દિમાગમાંથી પરાયાપણાંની અને ભેદભાવની દાબડી કાઢી લો, દુનિયા આખી સલામત. ગાંધીજીએ પોતાના લોકોની ત્રિજ્યા એટલી મોટી કરી નાખેલી કે તેમાં સર્વ ધર્મ, પંથ, જાતિ, રંગના તમામ લોકોનો સમાવેશ થઇ ગયેલો, અરે, જેને પોતાના વિરોધી અથવા કહોને કે ‘દુશમન’ માનવા જોઈએ તેવા વિદેશી શાસકોનો પણ ‘પોતાના મિત્ર પરિવાર’માં સમાવેશ થઇ ગયેલો. પરિણામ શું આવ્યું? ગાંધીજીએ કહેલું તેમ તેઓએ જીસસના એક આદેશનું પાલન ન કર્યું : ‘તમારા દુશમનને પ્રેમ કરો’ કેમ કે તેમને કોઈ દુશમન હતા જ નહીં. જેને ‘પોતાના’ ગણીએ તેમને તો પ્રેમ અને આદરથી જ સન્માનીએ ને? એક એક પરિવાર જો આવા નિર્દંશ નાગરિકો સમાજને ભેટ ધરશે તો દેશ આખો એકસૂત્રે બંધાઈ પ્રગતિ કરશે, જેનો માર્ગ આપણને ગાંધીજીએ બતાવેલો, સવાલ માત્ર તેના પર ચાલવાનો છે.

ગરીબ-તવંગર વચ્ચે વધતી જતી ખાઈ અને તેના ફળસ્વરૂપ વધતી ગુનાખોરી :

ઔદ્યોગિક ક્રાંતિના પગરણ થતાંની સાથે મૂડીવાદી અર્થવ્યવસ્થાએ જગતના મોટા ભાગના દેશો પર આધિપત્ય જમાવ્યું. શરૂ શરૂમાં મશીનોથી તથા mass production - જથ્થાબંધ માલ ઉત્પાદનને કારણે ઘણા લોકોને રોજી મળી તેનો રાજીપો હતો. વર્ષો જતાં જેમની આજીવિકાનાં સાધનો એ યંત્રીકરણે છીનવી લીધાં તેમને પ્રતીત થયું કે જથ્થાબંધ માલ પેદા કરવાને સ્થાને production by masses - મોટી સંખ્યાના માનવ સમુદાય દ્વારા માલનું ઉત્પાદન કરવું એ સાચો માનવ વિકાસ હોઈ શકે. ચંદ ઉદ્યોગપતિઓ અને વેપારીઓના હાથમાં ઉત્પાદન અને વ્યાપારની ચાવી પહોંચી ગઈ અને ભારતની મોટા ભાગની પ્રજા તેમના ગણોતિયા કે મજૂરો તરીકે લઘુતમ કે તેથી થોડી વધુ આવક પર નિભાવ કરવા મજબૂર બન્યા. જે લોકો જમીનના કે વસ્તુઓના ઉત્પાદનના માલિક હતા તેઓ કોઈ કંપનીના પગારદાર બન્યા જેની અસર તેમનાં સ્વમાન, પ્રામાણિકતા અને માનસિક સ્વાસ્થ્ય પર પડવા લાગી. દુનિયાના બીજા દેશોને પણ હવે સાંપ્રત અર્થકારણના અનર્થની અનુભૂતિ થવા લાગી છે. ‘હિન્દ સ્વરાજ’માં ભારતની જ માત્ર નહીં, સારાયે વિશ્વની પરિસ્થિતિને મધ્ય નજરમાં રાખીને જે વાત કરવામાં આવી હતી, તેના વિષે ઊંડું ચિંતન કરીને આજના યુગના સંદર્ભમાં તેનો કઈ રીતે અમલ કરી શકાય તે વિચારવા આંતરરાષ્ટ્રીય સમિતિ રચાય તે જરૂરી બનતું જાય છે કેમ કે હવે વધુને વધુ દેશો પરસ્પરાવલંબી બનતા ગયા અને લાભની જેમ હાનિના પણ ભાગીદાર થતા ગયા. 

આજે હવે સહુને પ્રતીત થાય છે કે માત્ર ભૌતિક સુખ-સગવડના સાધનોથી વિકાસ નથી સાધી શકાતો, તેનાથી તો માત્ર વર્ગ સંઘર્ષ વધે છે. મૂડીવાદ એટલો મારકણો બન્યો છે કે હરીફાઈ આધારિત બજાર પર આપણું અર્થતંત્ર નભે છે. ખરેખર તો તમામ માનવોની મૂળભૂત જરૂરિયાતોને સંતોષે તેવા વ્યવસાયો અને વ્યાપાર સહકારી ધોરણે ચાલવા જોઈતા હતા. આ જ ગાંધી ચીંધ્યો માર્ગ હતો, તેના પર ચાલ્યા હોત તો બેકાબૂ બનેલ બેકારી, માનવીનું સ્વમાન ઝુંટવી લેતી ગરીબાઈ અને કુદરતી સ્રોતોની અછતનો ભોગ ન બનવું પડ્યું હોત.

જે.સી. કુમારપ્પાજીએ ગાંધીજીના વિચારોને ખૂબ પચાવેલા. તેમના મતે વિકાસ અને સંસ્કૃતિના કેન્દ્રસ્થાને અહિંસક સમાજ રચના કરવાની ધારણા હોવી જોઈએ. તે માટે જરૂરી આર્થિક વ્યવસ્થાના નૈતિક પાંચ તબક્કા તેમણે સૂચવેલા : પહેલો, તે પરોપજીવી તબક્કો, જેમાં બીજાના ભોગે એકનો વિકાસ થાય જેના સાધનો હિંસા અને નિર્દય શોષણ રહેવાના. બીજો તબક્કો, શિકારી કે લૂંટારા વૃત્તિનો, જેમાં છેતરપિંડી અને ચોરી શામેલ હોય કે જેનાથી એક સમૂહ કે વર્ગ પાસેથી છીનવેલી મિલકતથી બીજો વર્ગ સમૃદ્ધ બને. ત્રીજો તબક્કો છે ઉદ્યોગ અને સાહસનો, જે આધુનિક યુગનો અને કઇંક અંશે થોડો વધુ માનવીય માર્ગ છે જેમાં બીજા વર્ગને નિર્ધન કરવા મજબૂર નથી કરવામાં આવતો. ચોથો તબક્કો, સામૂહિક સંપદાનો છે જેમાં દરેક વ્યક્તિ મધમાખીની માફક સમૂહના હિત માટે કામ કરે છે (સામ્યવાદ કે ઇઝરાયેલના કિબુત્ઝ પાછળ આ વિચાર રહેલો) અને પાંચમો તબક્કો સેવા આધારિત અર્થતંત્ર. આજે ભારત સહિત દુનિયા આખીના દેશો પ્રથમ ત્રણ તબક્કાઓમાં જ રાચે છે અને તેથી જ તો અન્યાય અને ગરીબી પોતાનો ભરડો નથી છોડતી. 

સમાજમાં વધતી ગુનાખોરીને અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા સાથે ઘણો ગાઢો સંબંધ છે. જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનાં મૂળમાં જઈને તેના ઉકેલ શોધવામાં નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને લાંચ-રુશ્વતથી માંડીને સરકારી પગલાંઓ સામે હિંસક હુમલાઓ અને વ્યક્તિગત તથા સામૂહિક હિંસાના બનાવો વધતા રહેવાની સંભાવના રહેવાની. સમય આવી ગયો છે કે હવે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાને અપનાવીને ‘સર્વોદય’ મૂલક માનવ વિકાસ તરફ કૂચ કરીએ.

વધુ પડતા યંત્રીકરણ અને ઉપભોકતાવાદને પરિણામે પર્યાવરણ પર ઊભું થતું સંકટ :

એકવીસમી સદીમાં આર્થિક અસમાનતામાં થતો વધારો, પર્યાવરણમાં પ્રદૂષણ અને કુદરતી સ્રોતના ઘટાડાનું વધતું જોખમ અને સામાન્ય જનતાનાં વ્યક્તિ સ્વાતંત્ર્યની થતી હાનિ એ સમસ્યાઓ માત્ર ભારત જ નહીં, મોટા ભાગના દેશોને સતાવે છે અને એ તમામ સમસ્યાઓના મૂળ બેકાબૂ બનેલ યંત્રીકરણ અને ઉપભોકતાવાદ છે. ગાંધીજી અને તેમના સામાજિક-આર્થિક સિદ્ધાંતોને અનુસરનારા જે.સી. કુમારપ્પાજીએ વિકાસને માત્ર ટેક્નોલોજીમાં પ્રગતિ કે સગવડતાઓની ઉપલબ્ધિમાં જ નહોતો જોયો. તેની જોડાજોડ સમાજનું નૈતિક ઘડતર પણ થવું જોઈતું હતું, જે આપણે તદ્દન ચૂકી ગયા. વિનોબાજીએ કહેલું તેમ વિજ્ઞાન પેટ્રોલ છે, તો અધ્યાત્મ સ્ટિયરિંગ વ્હીલ છે. આપણે પણ પશ્ચિમના દેશોની માફક સાધન-સગવડો ઊભા કરીને વિકાસનો ઢોલ પીટ્યો, પણ દિશાભાન ગુમાવ્યું અને સાધન શુદ્ધિને છેક વિસારે પાડી.  

વિકાસની કૂચમાં આપણે એટલા આગળ નીકળી ચુક્યા છીએ કે હવે પાછા ફરાય તેમ નથી. યંત્રો અને ઉર્જાશક્તિ ઉપર આધારિત ન રહેવું પોસાય તેમ નથી, તો હવે જીવન પદ્ધતિ બદલીને પોતાની લોભવૃત્તિ પર લગામ મુકવી રહી. જરૂરિયાતો અને લોભ વચ્ચેની ભેદરેખા સમજવાનો સમય પાકી ગયો છે. માત્ર ચલણી નાણાંના નફાને અને વ્યક્તિગત ધનરાશિ વધારવાની મહત્ત્વાકાંક્ષાને કેન્દ્રમાં રાખીને ઊભી કરાયેલ અર્થ વ્યવસ્થા અને તેને પોષતી તેના જેવી જ સત્તા કેન્દ્રી રાજ્ય વ્યવસ્થાએ ઠેર ઠેર હિંસા પ્રજ્વાળી છે. આને શી રીતે સુધારો કે સંસ્કૃતિ કહી શકાય? પશ્ચિમના દેશોની પ્રગતિ સાથે હોડમાં ઊતરવા ભારતે પણ એ જ આર્થિક-રાજકીય માળખું પસંદ કર્યું. જોવાનું એ છે કે ‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલ ઉકેલો માત્ર ભારત નહીં, બીજા દેશો માટે પણ એટલા જ ઉપયુક્ત સાબિત થઇ શકે તેમ છે. ભારત એ બાબતમાં પહેલ કરી શક્યું હોત, તેને બદલે પશ્ચિમનું આંધળું અનુકરણ કરી હંસની ચાલે ચાલવા જતા કાગડાની જેમ મોતને ભેટી રહ્યું છે. 

એક એવી ભ્રમિત માન્યતા છે કે ગાંધીજી અને તેમના સાથીદારો યંત્રો અને વિકાસની વિરુદ્ધમાં હતા. તેમણે તો ઊલટાનું કરોડો લોકોને નરક જેવી ગરીબીમાંથી ઊગારવા મજબૂત એવી વિકાસ યોજનાની વાત કરેલી કે જે સહુને ઊંચા લાવે અને કાયમ ટકી રહે તેવું અર્થ તંત્ર ઊભું કરે જેમાં વસ્તુઓ ટકી રહે તેવી બને, નહીં કે એક વખત વાપરીને ફેંકી દેવાની હોય. આવા અર્થતંત્રમાં માનવ કે કુદરત સામે હિંસા આચરવાની સંભાવના નથી હોતી. એ તો તો જ શક્ય બને જો મૂડી અને ઉર્જાકેન્દ્રી ઉત્પાદનને સ્થાને શ્રમકેન્દ્રી ઉદ્યોગો વિકસે.

કેટલાક લોકો ગાંધીજીના વિચારો અને આચારોને કાળબાહ્ય ગણે છે. માની લઈએ કે વીસમી સદીના એ કર્મવીરની વાતો આજે સુસંગત નથી. તો આજની ભારતની અને ખરું જોતાં સારાય વિશ્વની સમસ્યાઓનો હલ શોધવાનો પડકાર ઝીલી લેવો રહ્યો કે જેમાં તમામ માનવોનું હિત સધાય. જો એ ઉપાય હાથ ન જડે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા જેટલી નમ્રતા અને સમજણ દાખવવી જોઈશે. આજે હવે એક નવા ધર્મ - ‘પર્યાવરણ ધર્મ’ની ઉદ્દઘોષણા કરવાની જરૂર ઊભી થઇ છે, જેમાં પૃથ્વી અને કુદરતી સ્રોતો પ્રત્યે પવિત્રતાની ભાવના હોય. માનવી અને પ્રાકૃતિક સંસાધનો પ્રત્યે હિંસા અને અસમાનતા દૂર કરવા ફરી ગાંધી ચિંધ્યા રચનાત્મક કાર્યો કરવા તરફ કૂચ આદરવી પડશે, તેવું પ્રતીત થાય છે. 

ગાંધી શાશ્વત વિચારોના આચરનારા હતા, તેથી જ તો તેઓ હંમેશ પ્રસ્તુત રહેશે એવી શ્રદ્ધા છે.   

e.mail : [email protected]

Category :- Gandhiana