??!!

હિમાંશી શેલત
14-02-2020

તિર્યકી

જાણતલ જીવો અને પ્રખર ચર્ચકોની એક સભાનો અહેવાલ, જે ગોપનીય રાખવાની હાકેમોની સૂચના હોવા છતાં, આ નાચીજને હાથે પ્રગટ થઈ રહ્યો છે અને એમાં આ સાહસિક વિચારપત્રનો સાથ મળ્યો છે. તેની સાનંદ નોંધ લઈ, આ અહેવાલ પ્રસ્તુત છે વિગતો નક્કર અને સભામાં થયેલા વિચારવિમર્શની ફલશ્રુતિ છે, એ આપના ધ્યાન પર લાવું છું :

એજન્ડા : કેટલાંક અગત્યનાં અને સમૂહમાધ્યમોમાં સતત વપરાતા શબ્દોના અર્થો ધડમૂળથી બદલવાના પ્રસ્તાવ પર ચર્ચા તથા તજ્જન્ય સાંસ્કૃતિક કટોકટીનું વિશ્લેષણ.

મૂળ જે શબ્દને કારણે કટોકટી તથા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એ શબ્દ ‘અહિંસા’ છે. તાજેતરમાં રાષ્ટ્રના સર્વ મહાનુભાવોએ આ શબ્દ વારંવાર પ્રયોજ્યો છે, અને ‘અહિંસા’ (બાપુપ્રેરિત) શ્રેયસ્કર, અપનાવવા યોગ્ય પંથ છે, એમ ઘોષિત કર્યું છે. (હૃદય કી બાત, દિમાગ કી બાત, મન કી બાત વગેરેમાં.)

અહિંસાનો એક અર્થ હિંસાની ગેરહાજરી એવો થાય છે. આ મુદ્દે સભામાં જેટલા હતા તે એકમત નહોતા. કેટલાકને મતે અહિંસા એ તત્ત્વતઃ હિંસા જ છે એમ જણાવાયું. ‘અ’ એ કેવળ કંઠમાંથી નીકળતો અવાજ છે અને શાસ્ત્રીય સંગીત એનું સરસ ઉદાહરણ છે, એવી દલીલ પેશ થઈ. નવા-સવા ભાષણકર્તાઓ પણ ખચકાતાં અને ભયત્રસ્ત અવસ્થામાં બોલે, ત્યારે શબ્દોચ્ચારણ પહેલાં ‘અ-અ’ એવો અવાજ સાંભળવા મળે છે.

આ દલીલ સામે પ્રખર વિદ્વાન અને બાપુના ભક્ત (ગાંધીબાપુના) પુણ્યપ્રકોપથી વિચલિત થઈ ગયા હતા. અહિંસા એટલે હિંસકવૃત્તિનો અભાવ એમ જ રાષ્ટ્રપિતાને અભિપ્રેત હતું એમ જાહેર કરતાં એમનો કંઠ ગદ્‌ગદ્‌ થઈ ગયો હતો. અત્યારે જે ચાલી રહ્યું છે તે હિંસક ગણાય કે અહિંસક એ અંગે વિશ્લેષણ થયું ત્યારે કેટલાકને મતે હિંસાને જ અહિંસા ગણી લેવી ઉચિત છે, એવો મુદ્દો પ્રભાવક ઢબે રજૂ થયો હતો. જેમ માનસિક સંકુચિતતાને મનોવિકાસ લેખવામાં આવે છે, અને ચમચાગીરીને રાષ્ટ્રભક્તિ, તે રીતે હિંસા, અહિંસા કેમ ન ગણાય ? પરિવર્તન અને નવીન અર્થઘટન એ જ જીવન.

કોઈ એક ચૂંટણીસભામાં એક રાષ્ટ્રભક્ત નેતાએ ભજનની જેમ જ ફલાણાને ગોલી મારો અને ઢીંકણાને ગોલી મારો, એમ સમસ્ત જનસમુદાય પાસે ગવડાવ્યું હતું ત્યારે એનો વિરોધ નહોતો થયો તથા તેમને તત્ક્ષણ રોકવા-ટોકવાની કશી કાર્યવાહી જાણમાં નથી આવી તો ‘ગોલી મારો’ હિંસક અભિવ્યક્તિ લેખાય કે નહીં, તેની વિશદ ચર્ચા ચાલી હતી.

એક રસિક વિદ્વાને ‘અખિંયોં સે ગોલી મારે’ એ સુખ્યાત ગીતપંક્તિનો ઉલ્લેખ કરીને ગોલી મારવાનો અર્થ કાયમ હિંસા નથી થતો એમ, સાબિત કરવાનો પ્રયાસો કર્યો હતો. અન્ય એક ચર્ચકે ‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ’, એવા અન્ય ગીતને યાદ કરી સમર્થન કર્યું હતું કે જ્યારે શોર, અર્થાત્ ‌વિરોધ થાય, ત્યારે ગોલી મારવાની પરંપરા પ્રાચીન છે, પ્રાચીન તેથી સ્વીકાર્ય.

પ્રલંબ ચર્ચાને અંતે ‘હિંસા’ એ જ ‘અહિંસા’ એવો અર્થ શબ્દકોશમાં દાખલ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. એવી સંભાવના છે કે એક વિરાટ સંમેલન યોજી, જનમત એકત્ર કરી, નવા શબ્દકોશનું કામ તજ્‌જ્ઞોને સોંપાય. આપમાંથી કોઈને પણ આ કાર્ય માટે નિમંત્રણ મળી શકે. આ સંમેલન બાદ જે થશે તે, ત્યાં લગી વાણીથી પણ જે શ્રેષ્ઠ ગણાય, તે મૌન ધારણ કરીએ?

સખ્ય, મણિબાગ, અબરામા, વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2020; પૃ. 16

Category :- Opinion / Opinion