દિલ્હીઃ ‘તહજીબ’ જીતી ગઈ, ‘નફરત’ હારી

કેયૂર કોટક
14-02-2020

બાપુ સાચું કહેતા હતા કે, हर एक अपने को देखे. બાપુએ આ વિધાન ૧૯૪૭માં હિંદુસ્તાનના વિભાજન સમયે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલાં કોમી તોફાનો વચ્ચે કર્યું હતું. તેમણે કોમી તોફાનને ઠારવા દરેકને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. એ સમયે બાપુની અપીલ દિલ્હીમાં કેટલા લોકોને સ્પર્શી હતી એ તો ખબર નથી, પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણેઅજાણે આશરે ૫૪ ટકા દિલ્હીવાસીઓએ બાપુનો આ મંત્ર અપનાવી લીધો હોય એવું લાગે છે. કદાચ દિલ્હીનાં દર ૧૦૦ મતદાતાઓમાંથી લગભગ ૫૪ મતદાતાઓએ મતદાનને દિવસે પોતાના અંતરાત્માને પૂછ્યું હશે કે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં મને કેજરીવાલનું શાસન કેવું લાગ્યું?’ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને અપેક્ષા મુજબ દિલ્હીવાસીઓએ ‘એક બાર ફિર કેજરીવાલ’નો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ભા.જ.પ.નો વોટશેર જેટલો વધ્યો લગભગ એટલી જ બેઠકો વધી છે અને કૉંગ્રેસે દિલ્હીમાં વધુને વધુ શરમજનક પરાજયની પરંપરા જાળવી રાખી છે.

દિલ્હીવાસીઓએ ‘તહજીબ’ જાળવી રાખી

‘તહજીબ’ એટલે સભ્યતા, શિષ્ટતા. દિલ્હીવાસીઓ માટે કહેવાય છે કે, એની આગવી ‘તહજીબ’ છે. પણ ભા.જ.પ.ના નેતાઓએ આ ચૂંટણીમાં શરમજનક પરાજય ટાળવા માટે દિલ્હીની હવાને ‘બદલી’ નાંખી કહીએ તો ચાલે. પાનના ગલ્લે બે મવાલીઓ સામેસામે આવી જાય અને જે ભાષાઓ વાપરે એવી ભાષાનો ઉપયોગ ભા.જ.પ.નાં નેતાઓએ કર્યો. દિલ્હીનાં હિંદુઓમાં કાલ્પનિક ભય ઊભો કરવા કહ્યું કે, ‘શાહીનબાગ કે લોગ ઘર મેં ઘુસ કર બલાત્કાર કરેંગે.’  હિંદુઓનાં મનમાં નફરતનો જ્વાળામુખી પ્રકટાવવા અપીલ કરી કે, ‘ગોલી મારો ઇન .....’ પણ દિલ્હીવાસીઓ ભા.જ.પ.નાં ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’ના ચક્રવ્યૂહમાં ફસાયા નહીં. ઊલટાનું સમજુ નાગરિકોમાં એની અવળી અસર થઈ.

કેજરીવાલનાં વિજયની ફોર્મ્યુલા = સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસા

મોદી સ્ટાઇલ એટલે રાષ્ટ્રવાદ + વિકાસ + હિંદુત્વ. કેજરીવાલે પણ આ જ સ્ટાઇલ અપનાવી પણ ફોર્મ્યુલા બદલી નાંખી. એમણે સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસાની ફોર્મ્યુલા અપનાવી. કેજરીવાલે દિલ્હીવાસીઓને પાણી અને વીજળી મફત આપી. સરકારી શાળાઓની ગુણવત્તા ખાનગી શાળાઓની ગુણવત્તાથી પણ વધારી દીધી. મહોલ્લા ક્લિનિક શરૂ કરીને લોકોનાં ઘરઆંગણા સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી. એક સામાન્ય નાગરિકને બીજું શું જોઈએ! પણ કેજરીવાલે એમની ફોર્મ્યુલામાં સુશાસનની સાથે સાથે રાષ્ટ્રવાદ અને સંયમી હિંદુત્વને જોડી દીધુંને ભા.જ.પ.ને મોદીસ્ટાઇલમાં જ પરાજયનો સ્વાદ ચખાડ્યો.

યાદ હશે કે, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બેઠકો પર આપ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. એ અગાઉ વર્ષ ૨૦૧૭માં એમ.સી.ડી.ની ચૂંટણીમાં પણ આપનો પરાજય થયો હતો. એ પછી અરવિંદ કેજરીવાલ સચેત થઈ ગયા હતા. તેમણે નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનું છોડી દીધું, કલમ ૩૭૦ની નાબૂદીને સમર્થન આપ્યું હતું, સી.એ.એ. મુદ્દે પ્રતિક્રિયા આપી, પણ ભારતીય બંધારણ સર્વોપરી છે એવું કહીને હિંદુ અને મુસ્લિમ - એક પણ સમુદાયને નારાજ ન કર્યો. આ રીતે કેજરીવાલે પોતે નરેન્દ્ર મોદી જેટલા જ રાષ્ટ્રવાદી છે એવું સાબિત કરી દીધું હતું.

જ્યારે ચૂંટણી નજીક આવી, ત્યારે ભા.જ.પ.ને વિજયની આશા તો નહોતી જ. પણ અમિત શાહ આણી મંડળી શરમજનક પરાજયમાંથી બચવા ઇચ્છતી હતી. એટલે એમણે જોરશોરથી અરવિંદ કેજરીવાલને શાહીન બાગ મુદ્દે ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ કેજરીવાલ રાજકારણનો કક્કો-બારાખડી અરુણ જેટલી જેવા ભા.જ.પ.નાં નેતાઓ પાસેથી જ શીખ્યાં છે. એટલે તેઓ ભા.જ.પ.ને એના હાથે જ કાન કેવી રીતે પકડાવવા એ સારી રીતે જાણે છે. તેમણે શાહીન બાગ મુદ્દે ચૂપકીદી સાધી લીધી. વળી જે રીતે ગુજરાતમાં મોદીએ પ્રજા પર સારી પકડ ધરાવતા સાધુસંતોની સભામાં જઈને એમનાં ચરણોમાં પડીને આશીર્વાદ મેળવીને પોતાની હિંદુવાદી નેતાની છબી મજબૂત કરી હતી, એ જ રીતે કેજરીવાલે ચૂંટણી અગાઉ હનુમાનજી મહારાજનાં દર્શન કર્યા અને હનુમાન ચાલીસાનાં પાઠ કર્યા અને મોદીની સોશિયલ મીડિયા ટીમ મોદીનાં વીડિયો અને સંવાદો વાયરલ કરે છે, તેમ કેજરીવાલનો હનુમાન ચાલીસાનો પાઠ કરતો વીડિયો પણ ‘પવનવેગે’ વાયરલ થઈ ગયો. આ રીતે કેજરીવાલે દિલ્હીવાસીઓને સંકેત આપ્યો હતો કે, તેઓ હિંદુ છે, પણ ભા.જ.પ.ની જેમ ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’નાં રાજકારણમાં માનતા નથી.

ટીના ફૅક્ટર

જે રીતે વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને TINA (There Is No Alternative) ફૅક્ટર ફળ્યું હતું, એ જ રીતે આ પરિબળે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને વિજય અપાવ્યો છે. જ્યારે ચૂંટણીનાં પ્રચાર દરમિયાન અમિત શાહ અને ભા.જ.પ.નાં ૨૫૦થી વધારે સાંસદો શાહીન બાગ, બંધારણમાંથી ૩૭૦મી કલમની નાબૂદી, નાગરિકતા સંશોધન ધારો (સી.એ.એ.) જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને સભાઓ ગજવતા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓને પૂછતાં હતાં કે, ભા.જ.પ. પાસે મારો વિકલ્પ છે? એટલું જ નહીં, જેમ કાઁગ્રેસે નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૦૨થી સતત નિશાન બનાવીને વર્ષ ૨૦૧૪ સુધી રાષ્ટ્રીય સ્તરનાં નેતા બનાવી દીધા, એ જ રીતે ભા.જ.પ.નાં અમિત શાહ સહિત તમામ નેતાઓએ કેજરીવાલને નિશાન બનાવીને એમને ‘દિલ્હીના શહેનશાહ’ બનાવી દીધા.

ભાજપ માટે બોધપાઠ

જેમ એક સમયે કૉંગ્રેસ ‘ઇન્દિરામય’ બની ગઈ હતી, તેમ અત્યારે ભા.જ.પ.નાં સંપૂર્ણ રાજકારણનું કેન્દ્ર મોદી-શાહ છે. મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં છે અથવા તેઓ પોતે નિષ્ક્રિય થઈ ગયા છે. કાઁગ્રેસે પ્રાદેશિક નેતૃત્વને વિકસવાની તક ન આપીને જે પરિણામો ભોગવ્યાં એવા જ પરિણામો ભા.જ.પ.ને ભોગવવા પડશે. મોદી-શાહીની જોડીએ એ સમજવું પડશે કે, રાષ્ટ્રીય સ્તરે હજુ પણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને એમને પડકાર ફેંકી શકે એવો કોઈ નેતા આસપાસ પણ નથી. પરંતુ પ્રાદેશિક સ્તરે સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતૃત્વ મહત્ત્વપૂર્ણ બની જાય છે. વાજપેયી-અડવાણીની જોડીએ પ્રાદેશિક સ્તરે શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, સુશીલકુમાર મોદી, મદનલાલ ખુરાના, કલ્યાણ સિંહ જેવાં મજબૂત નેતાઓને વિકસાવવાની તક આપી હતી. હવે બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભા.જ.પે. વિજય મેળવવો હોય કે મજબૂત વિપક્ષ તરીકે સ્થાન મેળવવું હોય, તો પ્રાદેશિક નેતૃત્વ અતિ મહત્ત્વપૂર્ણ બની જશે. બિહારમાં સુશીલકુમાર મોદી છે, પણ તેમની મર્યાદા એ છે કે તેઓ ‘નરેન્દ્ર મોદી’ નથી. બંગાળમાં બાબુલ સુપ્રિયો, દિલ્હીમાં મનોજ તિવારી જેવા છે. મનોજ તિવારીએ જેમ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ૪૮ બેઠકો મળશે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો, તેમ બાબુલ સુપ્રિયો પણ પશ્ચિમ બંગાળમાં છાશવારે બંગાળમાં ભા.જ.પ.ની સરકાર બનવાના પોકળ દાવા કર્યા કરે છે. દરમિયાન એક્ઝિટ પોલ મામલે ચરણચંપુ ચેનલોની પોલ પણ ખુલ્લી પડી ગઈ. આશા કે હવેની બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં સમૂહ માધ્યમો પોતાની ભૂમિકા તટસ્થતાથી નિભાવે.                          

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07 તેમ જ 14

Category :- Opinion / Opinion