દલપતરામનું વિરહકાવ્ય

દીપક મહેતા
14-02-2020

કાળચક્રની ફેરીએ

૧૮૬૫ના સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાના એક દિવસ વિષે કવીશ્વર દલપતરામ લખે છે : “એ પત્ર વાંચીને મારા મનમાં જેવી દીલગીરી ઉપજી, એવી દીલગીરી મારી ઉમરમાં કોઈ દિવસ કશા કારણથી થઇ નહોતી. હરેક તરેહની દીલગીરીને વખતે હું વિચાર કરીને ધીરજ રાખું છુ. અને બીજાને ધીરજ આપું છુ. પણ એ સમે હું ધીરજ રાખી શક્યો નહિ. અને કોઈ વિચાર સ્થિર ટકાવી શક્યો નહિ. કેમ કે મારે વિષે તે સાહેબના લાંબા વિચાર હતા, અને તેમને વિષે મારા લાંબા વિચાર હતા. તે બધાનો છેડો આવી રહ્યો.” (‘બુદ્ધિપ્રકાશ, નવેમ્બર ૧૮૬૬, પા. ૨૩૬) (અવતરણચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.)

અહીં જે પત્રનો ઉલ્લેખ છે તે પૂનાથી ‘કર્ટિસસાહેબે’ (ટી.બી. કર્ટિસ, ૧૮૫૩થી ૧૮૬૭ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી) એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસના અવસાનના સમાચાર જણાવવા દલપતરામને પહેલી સપ્ટેમ્બર પછી લગભગ તરત લખેલો પત્ર. ફાર્બસ અને દલપતરામ અમદાવાદમાં પહેલી વાર મળ્યા તે ૧૮૪૮ના નવેમ્બરની પહેલી તારીખે. અને ફાર્બસનું અવસાન થયું પૂનામાં ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે. એટલે લગભગ ૧૬ વર્ષનો સંબંધ. દલપતરામે શરૂઆત કરેલી ફાર્બસની અંગત નોકરીથી, પણ પછી બંને વચ્ચેનો સંબંધ દૃઢ અને ગાઢ થતો ગયો. છેવટે મૈત્રી કરતાં લગરિક ઓછો, કે લગરિક વધારે. ફાર્બસના અવસાનનો ઘા જીરવવાનું દલપતરામ માટે સહેલું નહોતું. કવિ નાનાલાલ લખે છે : “સોસાયટીની ઓફિસમાંથી ઘેર જઈને કવીશ્વરે પોતાના પરમ મિત્રનું, જેમ કોઈ સ્વગૌત્રી સગો ગુજરી જાય તેમ, સ્નાન કર્યું ને બાર માસ શોક પાળ્યો.” (કવીશ્વર દલપતરામ, ભાગ બીજો, ઉત્તરાર્ધ)

ફાર્બસ અને દલપતરામની જેમ જ ફાર્બસ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તથા તેના મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ વચ્ચે પણ ગાઢ સંબંધ હતો. એટલે એકાદ અંકમાં ફાર્બસને અંજલી આપવાને બદલે ૧૮૬૫ના ઓક્ટોબર અંકથી દલપતરામની લેખમાળા ‘આનરેબલ ફારબસસાહેબનું મરણ’ શરૂ થાય છે. ૧૮૬૬ના ડિસેમ્બર અંકમાં તેનો છેલ્લો હપતો છપાયો છે. ૧૫ મહિના સુધી ચાલેલી આ લેખમાળામાં ફાર્બસના જીવન અને કારકિર્દી અંગેની ઘણી ઉપયોગી માહિતી મળે છે. ફાર્બસ અને દલપતરામ વચ્ચેનો સંબંધ ધીમે ધીમે કઈ રીતે વિકસતો ગયો તેનો ખ્યાલ પણ એ લેખમાળા વાંચતાં આવે છે. પણ આજ સુધી બહુ ઓછા અભ્યાસીઓનું આ લેખમાળા તરફ ધ્યાન ગયું છે. અલગ પુસ્તક રૂપે આ લેખો પ્રગટ થયા હોવાનું જાણવા મળતું નથી. ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચમા ખંડમાં આખી લેખમાળા પ્રગટ કરી છે.

એ લેખમાળા પૂરી થયા પછી જાન્યુઆરી ૧૮૬૭ના અંકથી ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામ ‘કવિતા વિલાસ’ નામની લાંબી ગદ્ય-પદ્યાત્મક કૃતિ પ્રગટ કરવાનું શરૂ કરે છે. જે સપ્ટેમ્બર ૧૮૬૭ના અંકમાં પૂરી થાય છે. આ ‘કવિતા વિલાસ’ તે પછીથી ‘ફાર્બસ વિલાસ’ને નામે જાણીતી થયેલી કૃતિ. અલબત્ત, આ કૃતિની બાબતમાં હપતાવાર પ્રગટ થયેલ પાઠ અને સ્વતંત્ર કૃતિ તરીકે પ્રગટ થયેલ પાઠ વચ્ચે ઘણા સુધારા, વધારા, ઘટાડા જોવા મળે છે. હપ્તાવાર પ્રગટ થયેલી કૃતિમાં કુલ ૯ અંક જ છે. તે પછીના જે અંકો ‘ફાર્બસ વિલાસ’માં જોવા મળે છે તે હપ્તાવાર પ્રકાશનમાં જોવા મળતા નથી. ૧૮૭૦માં પ્રગટ થયેલ ફાર્બસ વિલાસ’ની પ્રસ્તાવનામાંથી આ અંગેનો ખુલાસો મળે છે: “ગુ.વ. સોસાઈટીના સેક્રેટરી મહેરબાન એમ.એચ. સ્કોટ સાહેબના હુકમથી તેમાં વધારો તથા સુધારો કરીને આ પુસ્તક સોસાઈટી તરફથી છપાવી પ્રગટ કર્યું છે.” (એમ.એચ. સ્કોટ કર્ટિસ પછી સોસાયટીના સેક્રેટરી થયા હતા.) ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૬૭ના ઓક્ટોબર અંકની અનુક્રમણિકામાં ‘ફાર્બસવિરહ’ નામ જોવા મળે છે. પણ તે આખી કાવ્યકૃતિ નહિ, પણ માત્ર “વાલાં તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે’થી શરૂ થતા સોરઠા જ આ નામે પ્રગટ થયા છે. આખું ‘ફાર્બસ વિરહ’ કાવ્ય બુદ્ધિપ્રકાશમાં અલગ કાવ્ય કૃતિ તરીકે પ્રગટ થયેલું જોવા મળતું નાથી. એ અલગ પુસ્તક રૂપે પ્રગટ થાય છે તે પણ છેક ૧૮૯૨માં. દલપતરામનાં લગભગ બધાં પુસ્તકો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છાપતી હતી, પણ તેણે ‘ફાર્બસ વિરહ’ અલગ પુસ્તક રૂપે આટલું મોડું કેમ છાપ્યું હશે તે સમજાતું નથી. આ ઉપરાંત ‘દલપત કાવ્ય’ના બીજા ભાગમાં પણ ફાર્બસ વિરહનો સમાવેશ થયો છે. જો કે ૧૮૯૨ના પુસ્તકમાં દલપતરામે જે ટૂંકી પ્રસ્તાવના લખી છે તે ‘દલપત કાવ્ય’ ભાગ ૨માં જોવા મળતી નથી. આ ઉપરાંત બંનેમાં ઘણા પાઠભેદ અને સુધારા, વધારા, ઘટાડા પણ જોવા મળે છે. ‘ફાર્બસ વિરહ’ની કેટલીક પંક્તિઓ ‘ફાર્બસ વિલાસ’માં ખસેડાઈ છે. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખેલું ‘ફાર્બસ જીવન ચરિત્ર’ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ ૧૮૬૯માં પ્રગટ કર્યું હતું. તેની શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ ૧૮૯૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રગટ થઈ ત્યારે તેમાં સાથોસાથ દલપતરામનું ‘ફાર્બસ વિરહ’ કાવ્ય પણ છાપ્યું છે. કૃતિ પહેલાં તેનું અલગ ટાઈટલ પેજ છાપ્યું છે તેના પરથી જણાય છે કે તે ૧૮૯૮માં પ્રગટ થયેલી છઠ્ઠી આવૃત્તિ છે. તેમાં દલપતરામની પ્રસ્તાવના પણ છાપી છે જે ૧૮૯૨ની આવૃત્તિ પ્રમાણે જ છે. એનો અર્થ એ થયો કે ૧૮૯૨થી ૧૮૯૮ સુધીમાં ફાર્બસ વિરહની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી.  

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી લેખમાળા ફાર્બસ અને દલપતરામ વચ્ચેના સંબંધને સમજવામાં ઉપયોગી થાય તેમ છે, તો બીજી બાજુ દલપતરામની એક બહુ જાણીતી કાવ્યકૃતિ ‘ફાર્બસ વિરહ’ને જાણવામાં અને નાણવામાં પણ ખૂબ ઉપયોગી થાય તેમ છે. કારણ, પછીથી જે ‘ફાર્બસ વિરહ’ તરીકે જાણીતી બની તે કૃતિનો ઘણો મોટો ભાગ આ લેખમાળાના ભાગ રૂપે પ્રગટ થયો છે. મુખ્ય લખાણ ગદ્યમાં છે, પણ તેમાં વચ્ચે વચ્ચે ‘ફાર્બસ વિરહ’માંના શ્લોકો જોવા મળે છે. એટલે કે, ફાર્બસના અવસાન પછી લગભગ તરત ‘ફાર્બસ વિરહ’ લખવાની શરૂઆત દલપતરામે કરી હતી અને ૧૮૬૬ના અંત સુધી તેનું લેખન ચાલુ રહ્યું હતું. આ લેખમાળા કકડે કકડે લખાઈ હતી, કે લખાઈ એક સાથે, પણ પ્રગટ હપ્તાવાર થઈ, તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પણ એટલું તો ચોક્કસ કે તે લખવાની શરૂઆત દલપતરામે સપ્ટેમ્બર ૧૮૬૫માં કરી હતી. અલબત્ત, લેખમાળાના ભાગ રૂપે પ્રગટ થયેલા પાઠ અને પછીથી સ્વતંત્ર કાવ્યકૃતિ રૂપે પ્રગટ થયેલા પાઠ ઘણી જગ્યાએ જૂદા પડે છે. લેખમાં પ્રગટ થયેલા કેટલાક શ્લોકો પછીની સ્વતંત્ર કૃતિમાં જોવા મળતા નથી, તો ઘણા શ્લોકો નવા પણ ઉમેરાયા છે. લેખમાળાના ભાગ રૂપે પ્રગટ થયેલ પાઠમાં આ પંક્તિઓ જોવા મળે છે :

દાખે દલપતરામ, આ કવિતા કેરું નામ,
ઠરાવ્યું છે ‘ફારબસ વિરહ અઠાવની’.

એટલે કે આ કૃતિનું મૂળ નામ ‘ફારબસ વિરહ અઠાવની’ હતું. પછી સ્વતંત્ર કાવ્ય કૃતિ તરીકે પ્રગટ થયેલ રચનામાં આ પાઠ ફેરવ્યો છે:

રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ,
બાંધી બુક ફારબસ વિરહ બનાવની.

આ રીતે નામ બદલવા પાછળ શું કારણ હશે એ કેવળ અનુમાનનો વિષય છે. પણ નામફેર કૈંક ઉતાવળે થયો હશે એમ લાગે, કારણ બદલેલા પાઠમાં અંગ્રેજી ‘બુક’ શબ્દ મૂકી દીધો છે જે કૃતિનો કોઈ સવિશેષ પરિચય આપતો નથી. લેખમાળામાં છપાયેલ શ્લોકોની સંખ્યા ૫૯ની છે અને છેવટે પરજિયા રાગમાં ગાવાની ૨૪ કડી છે. સ્વતંત્ર પુસ્તિકા(૧૮૯૨)માં કડી કે શ્લોકની સંખ્યા ૫૮થી વધીને ૯૪એ પહોંચી છે. તે પછી રાગ પરજિયામાં લખાયેલી ૨૪ કડી છે, જેને ૧-૨૪નો અલગ ક્રમ આપ્યો છે. એટલે કુલ સંખ્યા ૧૧૮ કડી થાય છે. એટલે કે લેખમાળામાં પ્રગટ થયેલ શ્લોક કે કડીની સંખ્યા લગભગ બેવડાઈ છે. આખી કૃતિનું રૂપ સંમિશ્ર પ્રકારનું બન્યું છે. તેમાં અક્ષરમેળ અને માત્રામેળ છંદો તથા રાગ-રચનાનું મિશ્રણ જોવા મળે છે. આ કૃતિમાં ફાર્બસ માટેના દલપતરામના સાચા હૃદયના ઉદ્ગારો ઘણી વાર વેધક રૂપે પ્રગટ થયા છે, તો ઘણી વાર કવીશ્વર ઝડઝમકમાં કે શબ્દચાતુરીમાં સરી પડ્યા છે. વાતને અતિશયોક્તિ દ્વારા પ્રગટ કરવાની તેમની ટેવ અહીં પણ જતી નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેને નિમ્ન કોટિનું કાવ્ય માને છે તે ચિત્રકાવ્યનો મોહ પણ દલપતરામ જતો કરી શક્યા નથી. કશા પ્રયોજન વિના નાગપાશપ્રબંધનો તેમણે અહીં ઉપયોગ કર્યો છે. (‘બુદ્ધિપ્રકાશ’ની લેખમાળામાં પણ તે છે.)

દલપતરામ અને ‘ફાર્બસ વિરહ’ વિષે આજ સુધીમાં જેમણે જેમણે લખ્યું છે તેમણે આ કૃતિને આપણી ભાષાની પહેલી કરુણપ્રશસ્તિ (એલેજી) તરીકે બિરદાવી છે. પણ આમ કરવું ખરેખર ઉચિત છે ખરું? પહેલી વાત એ કે ફાર્બસના સહવાસને કારણે દલપતરામ ઇન્ગલંડનાં ઘણાં નવાં વિચારો, પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, વગેરેના પરિચયમાં આવ્યા હતા, પણ ફાર્બસના અવસાન સુધી (અને તે પછી પણ) દલપતરામ અંગ્રેજી ભાષા મુદ્દલ જાણતા નહોતા. ફાર્બસના અવસાન પછી તેમનાં પત્ની માર્ગારેટ(જે એ વખતે થાણામાં હતાં)ને દલપતરામે ખરખરાનો પત્ર લખ્યો હતો. (ફાર્બસ અને તેમના કુટુંબ સાથેનો દલપતરામનો નિકટનો સંબંધ જોતાં ખરખરો કરવા જાતે કેમ નહિ ગયા હોય એવો સવાલ થાય) તેમણે એ પત્ર ગુજરાતીમાં લખી મહીપતરામ રૂપરામ પાસે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરાવીને મોકલ્યો હતો. માર્ગારેટે તેનો અંગ્રેજીમાં જે જવાબ આપ્યો તેનો પણ મહીપતરામે ગુજરાતીમાં અનુવાદ કરીને દલપતરામને સંભળાવ્યો હતો. (જુઓ, ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી લેખમાળા) એટલે કે દલપતરામ અંગ્રેજી લખી-વાંચી શકતા નહોતા. એટલે, એલેજીના પ્રકારની અંગ્રેજીની કે બીજી કોઈ ભાષાની કોઈ કૃતિનો તેમને પરિચય હોવાનું શક્ય જ નથી. અને જેનો પરિચય પણ ન હોય એવા કાવ્યપ્રકારમાં તેઓ સર્જન કઈ રીતે કરી શકે? પણ પછી એક જમાનામાં આપણી ભાષામાં કરુણપ્રશસ્તિ(એલેજી)નો પ્રકાર સારો એવો ખેડાયો એટલે દલપતરામના આ વિરહ કાવ્યને પણ કરુણપ્રશસ્તિનું લેબલ લાગી ગયું.

હકીકતમાં ‘ફાર્બસ વિરહ’નો બાંધો અને તેનું કાઠું એલેજીનાં નથી. ‘બુદ્ધિપ્રકાશ’ની લેખમાળામાં કટકે કટકે ‘ફાર્બસ વિરહ’ પ્રગટ થયું ત્યારે તેમાં આ રચનાને ‘ફારબસ વિરહ અઠાવની’ નામ આપ્યું હતું તે સૂચક છે. ‘ચોવીસી’, ‘બત્રીસી’ ‘બાવની’ જેવાં દેશી પરંપરાનાં કાવ્યો સાથે આ કૃતિને સંબંધ છે. બીજું, આપણી પરંપરામાં જે ‘વિરહ કાવ્યો’ કે ‘વિલાપ કાવ્યો’ લખાતાં હતાં તેની સાથે આ કૃતિને સીધો અને દેખીતો સંબંધ છે. એ પ્રકારની રચનાઓ માત્ર સંસ્કૃત-પ્રાકૃતમાં જ જોવા મળે છે એવું નથી. આપણી ભાટ-ચારણ પરંપરામાં પણ રાજા કે રાજવી કુટુંબના કોઈ સભ્યના અવસાન પછી લખાતાં આવાં વિરહ કે વિલાપ કાવ્યો જોવા મળે છે. મૂળ તો આવાં વિલાપ કે વિરહ કાવ્યો મહાકાવ્ય અંતર્ગત આવતા ખંડો હતા. પછી એ પ્રકારની સ્વતંત્ર રચનાઓ થવા લાગી. સંસ્કૃતના પ્રભાવ નીચે દેશની બીજી કેટલીક ભાષાઓમાં પણ વિલાપ કે વિરહ કાવ્યો લખાયાં. હિન્દીમાં ‘દશરથ વિલાપ’થી માંડીને ‘બકરી વિલાપ’ સુધીની રચનાઓ જોવા મળે છે. હિન્દીના રીતિકાળમાં આવી પુષ્કળ રચનાઓ થઈ. દલપતરામની કવિતાના ઘડતરમાં વ્રજ-હિન્દી ભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો હોવાનું તો લગભગ સર્વસ્વીકૃત છે. ‘અર્વાચીન કવિતા’માં સુન્દરમ્ યોગ્ય રીતે જ કહે છે : “દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજ ભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલબ્ધ હતું. એટલું જ નહિ, પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી … દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજ ભાષાના પિંગળ, અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી વધુ દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા.” પ્રગાઢ શોકના પ્રસંગે દલપતરામ પશ્ચિમનો અજાણ્યો કાવ્ય પ્રકાર અજમાવવાને બદલે પોતાના મૂળ તરફ જઈને વિલાપ-વિરહ પ્રકારની રચના કરે તો તે સમજી શકાય. ભારોભાર અતિશયોક્તિ એ આવી રચનાઓની એક લાક્ષણિકતા હતી. સમુદ્ર, મેઘરાજા, સાભ્રમતિ, દુઃખ, કૂકડા, કમળ વગેરે પ્રતિની જે ઉક્તિઓ આ કાવ્યમાં આવે છે તે પણ વિરહ-વિલાપ કાવ્યોની પરંપરાની છે. અને ભાટ-ચારણો પોતાની ટેવ પ્રમાણે ઝડ-ઝમક, શબ્દ ચાતુરી વગેરેથી આવી શોકાત્મક રચનાઓમાં પણ દૂર રહી શકતા નહિ. દલપતરામ પણ અહીં રહી શક્યા નથી. પરજિયો રાગ એ આપણી પરંપરામાં મરશિયાનો રાગ છે. અને વિરહ કે વિલાપ કાવ્યો અને મરશિયાના ઘણા અંશો ‘ફાર્બસ વિરહ’માં જોવા મળે જ છે. એટલે આ કૃતિ પશ્ચિમના એલેજી પ્રકારની નહિ, પણ આપણી પરંપરાનાં વિરહ કાવ્યો કે વિલાપ કાવ્યોના પ્રકારની છે. અલબત્ત, આમ કહેવાથી ‘ફાર્બસ વિરહ’ છે તેના કરતાં નથી વધુ ચડિયાતું કાવ્ય બની જતું કે ન તો વધુ ઉતરતું બની જતું. આગળ પડતા વિચારો ધરાવતા એક અંગ્રેજ અમલદાર અને રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછરેલા એક ગુજરાતી કવિ વચ્ચેના વિલક્ષણ સંબંધને ઉજાગર કરતી કૃતિ તો એ છે જ.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: [email protected]

પ્રગટ : “શબ્દસૃષ્ટિ” ફેબ્રુઆરી 2020  

Category :- Opinion / Literature