શોષણ સામેના પ્રતિકારથી પહાડવાસી પ્રજામાં નવચેતના પ્રગટાવતી નવલકથા - ‘ધરાથી ગગન સુધી’

અરવિંદ વાઘેલા
12-02-2020

સર્જક પોતાના જમાનાનું સંતાન હોય છે. સર્જક વ્યક્તિત્વના ઘડતરમાં સમાજનો ફાળો નોંધપાત્ર હોય છે. ‘સાહિત્યકારનો ધોરીમાર્ગ પણ લોકારણ્યોમાંથી પસાર થતો હોવો ઘટે.’ (૧) સર્જક સાહિત્યના સર્જન માટે સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં જીવન તરફનું તેનું દાયિત્વ તે ક્યારે ય ચૂકતો નથી. જોસેફ મેકવાન કહે છે તેમ ‘મેં કળા પ્રમાણી છે, પણ જીવતરને દગો કર્યો નથી.’

તમિલ ભાષાના આવા જ કર્મઠ નવલકથાકાર કે. ચિન્ન્પ ભારતી સામાજિક નિસ્બત ધરાવતા સર્જક છે. સમાજ, સાહિત્ય અને રાજકારણ સાથે સક્રિય રીતે સંકળાયેલા ચિન્ન્પ ભારતીનું મુખ્ય પ્રદાન નવલકથા ક્ષેત્રે છે. તેમણે ‘સંગમ’ (ધરાથી ગગન સુધી), ’શર્કરા’, ’પ્રેમળ જ્યોત’ ‘પવલઈ’ જેવી સામાજિક વાસ્તવની નવલકથાઓ આપી છે. ‘સંગમ’ મૂળ તમિલમાં લખાયેલી આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ‘ધરાથી ગગન સુધી’ એ નામે નવનીત મદ્રાસીએ કર્યો છે.

નવલકથાકાર કે. ચિન્ન્પ ભારતીનો જન્મ તમિલનાડુના સેલમ જિલ્લામાં આવેલા પોન્નેરીપટ્ટી – નામક્કલ નામના નાના ગામમાં થયો. માર્કસવાદી વિચારધારા ધરાવતા લેખક પોતાના વતનના પ્રદેશમાં આવેલા Mountain of death (૨)ના નામે ઓળખાતા કોલ્લી મલૈ નામના પહાડી પ્રદેશમાં વસતા ગિરિજનોના જીવનની વાસ્તવિક વ્યથાકથાને આ નવલકથામાં આલેખે છે.

વિશ્વના બધા જ મોટા ધર્મો ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક ધર્મનું સામાન્ય લક્ષણ રહ્યું છે માનવતા. માનવધર્મને સૌથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યો છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસ પણ - 'न मानुषात श्रेष्ठतर हि किञ्चित् '(3) કહી માનવધર્મની શ્રેષ્ઠતાનો મહિમા કરે છે. તેમ છતાં પ્રાચીન કાળ  લઈને આજ સુધી માણસ શોષણનો ભોગ બનતો રહ્યો છે.

ભારતીય કથા સાહિત્યમાં દરેક સર્જકે કોઈ વર્ગ, સમાજ કે વ્યક્તિના શોષણને વાસ્તવિક દ્રષ્ટિકોણ સાથે ઉજાગર કર્યું છે. સદીઓથી મજબૂર અને લાચાર સમાજ મૂંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરતો રહ્યો છે. શોષિતો અને વંચિતો સદીઓથી એનો ભોગ બનતા રહ્યા છે.  આ મજબૂર લોકો અન્યાય સામે અવાજ ઉઠાવવા સક્ષમ હોતા નથી, ક્યારેક કોઇ અવાજ ઊઠે તો જુલ્મ અને અત્યાચાર દ્વારા એને દબાવી દેવામાં આવે છે.

'ધરાથી ગગન સુધી' કે. ચિન્ન્પ ભારતીની તમિલ નવલકથા, કોલ્લી મલૈ તમિલનાડુના પૂર્વીય ઘાટની પર્વતમાળામાં વસતા વનવાસીઓના જનજીવન ને આલેખતી નવલકથા છે. અને  દુર્ગમ પહાડી પ્રદેશમાં વસતા વનવાસી ખેડૂતોનાં જીવનનું યથાર્થ દર્શન કરાવે છે. પહાડી વિસ્તારની હાડ ગાળી નાંખતી ઠંડીમાં કાદવ - કીચ્ચડમાં ઊતરીને તનતોડ મહેનત કરતા આ આદિવાસી ખેડૂતોનાં જીવન અને સમાજનું વાસ્તવ દર્શન કરાવતા ભારતી આ વનબંધુઓના વિવિધ પ્રકારે થતાં શોષણ અને દમન તથા અત્યાચારને દર્શાવી એના પ્રતિરોધ રૂપે પ્રગટતા આક્રોશ અને વિદ્રોહ સાથે નવજાગૃતિનું આલેખન કરે છે.

'ધરાથી ગગન સુધી’ નવલકથામાં લેખક  કે. ચિન્ન્પ ભારતી વનવાસીઓના ચાર સ્તરે થતા શોષણનું વાસ્તવિક ચિત્ર આલેખે છે. (૧) આર્થિક શોષણ (૨) સ્ત્રીઓનું શોષણ (૩) (૪) ધાર્મિક અંધશ્રદ્ધા આધારિત શોષણ. ૪.

આર્થિક શોષણ -

ભારતના ગ્રામીણ અને આદિવાસી સમૂહો માટે હાટ બજાર ખરીદ વેચાણ માટે એક મહત્ત્વનું સ્થળ છે. અઠવાડિયાના એક ચોક્ક્સ દિવસે મહત્ત્વના કેન્દ્ર સ્થળે બજાર ભરાય છે. જ્યાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે આવે છે. અહીં વનવાસી ખેડૂતોનું  હાટ બજારમાં આર્થિક શોષણ થાય છે. કોલ્લી મલૈના દુર્ગમ પહાડોમાં વસતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતર કે બાગમાં ઉત્પન્ન કરે તે અને જંગલ પેદાશોનો માલ નીચે તળેટીના બજારમાં વેચવા લાવે છે. અહીં 'સરકારે જે કર નક્કી કર્યો છે, તેના કરતાં વધુ બમણો કર અહીંના સ્થાનિક માથાભારે તત્ત્વો ઉઘરાવે છે. માત્ર વેચવા આવનાર પાસેથી નહિ પણ ખરીદી માટે આવનાર પાસેથી પણ આ દલાલો કર ઉઘરાવે છે. અને જો કોઈ કર આપવાની ના પાડે તો તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે. તેને ચોર ઠેરવી માર મારવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અન્યાયી પ્રથા સામે વિરોધ કરવાની કોઈની હિંમત નથી. જો કોઈ વિરોધ કરે તો તેની હત્યા કરી નાખવામાં આવતી.

હાટમાં પોતાનો માલ વેચવા આવતા વનવાસી ખેડૂતોનું મોટા વેપારીઓ દ્વારા શોષણ થતું. આદિવાસી ખેડૂતને છેતરવાની એક 'મોડસ ઓપરેન્ડી' બધા વેપારીઓ મીલીભગતથી અપનાવતા. બજારની શરૂઆતમાં માલની વધુ કિંમત આંકી વેપારીને વધુ કિંમતની લાલચ આપતા … પરંતુ પછી ખરીદતા નહિ, આખો દિવસ બેસી ને કંટાળેલા ખેડૂત પાસે સાંજના સમયે તદ્દન પડતી કિંમતે માલ ખરીદી લેવાની યુક્તિ બધા સાથે મળીને અજમાવતા. મજબૂર ખેડૂતને માલ વેચી જરૂરી ચીજ વસ્તુ અને સીધુ - પાણી ખરીદવાનું હોવાથી લાચારીમાં માલ વેચવો પડતો …. ઊંચકીને પાછો પર્વત પર તો લઇ જવાય નહિ. મોટા વેપારીઓના આવા ષડયંત્રોને કારણે વનવાસી ખેડૂત દેવાદાર બની વ્યાજના વિષચક્રમાં ફસાતો જાય છે.

સ્ત્રી શોષણ -

શાહુકારો અને અધિકારીઓ દ્વારા થતું સ્ત્રીઓનું શોષણ - ભારતીય સમાજમાં શાહુકાર દ્વારા થતું શોષણ અને તેના દુષ્પરિણામ ગ્રામજીવનની ભારતીય નવલકથાઓ અને ફિલ્મોનો પસંદીદા વિષય રહ્યો છે. શોષણ આપણા સમાજનું દુર્લક્ષણ રહ્યું છે. - 'વ્યાજે નાણાં  ધીરવાંને ગરીબનું શોષણ કરવું એ ગ્રામવ્યવસ્થામાં વ્યાપક વસ્તુ છે.’ (૫) લેખક આ નવલકથામાં વિવિધ પાત્રો અને પ્રસંગો દ્વારા શાહુકાર અને તેના મળતિયાઓ દ્વારા કરાતા શોષણનો યથાર્થ ચિતાર આપે છે. નવલકથામાં શાહુકાર અજીસ સાયબુ અને તેનો લાઠીધારી સુક્રન પલ્લન શોષણ અને દમનના પ્રતીક બની ને ઉપસે છે. પહાડવાસીઓને તેઓ ઊંચા વ્યાજે પૈસા ધીરે છે. અને ઉઘરાણી માટે માથાભારે અસામાજિક તત્ત્વોને રોકે છે. જો સમયસર પૈસાની ચુકવણી ના થાય તો શાહુકારના માણસો પૈસાને બદલે તેની યુવાન પત્ની, પુત્રી કે બહેનને ઉપાડી જતા, અને પૈસા ન ચુકવે ત્યાં સુધી તેને શાહુકારને ત્યાં ગુલામ બનીને રહેવું પડતું. તેમ જ શાહુકારના જાતીયશોષણને પણ વેઠવું પડતું. કેટલીક સ્ત્રીઓ તો બાળક લઈને પરત ફરતી.

નવલકથામાં વેલ્લ્યન વ્યાજના નાણાની વ્યવસ્થા ન કરી શકતાં શુક્રન તેનો બદઈરાદો જાહેર કરે છે. 'તારી ઘરવાળી કુરુમાઈને મારી સાથે મોકલી દે'. (૬) ઘાતકી સુક્રન વેલ્લયનના કાલાવાલા છતાં તેને લાત મારી તાજી સુવાવડી કુરુમાઈને વાળ પકડી ખેંચી જાય છે. પહાડવાસી સ્ત્રીઓ પર થતા અત્યાચાર સંદર્ભે લેખક નોંધે છે કે - "શાહુકારના લાઠીધારીની ઈચ્છા જાણીને કેટલી ય છોકરીઓ એ ફાંસો ખાઈને જીવ આપ્યો હતો. કેટલા ય નિષ્ક્રિય પાલકોએ હામી ભરી છોકરીઓ મોકલવા તૈયાર થયા. તે લાઠીધારી પર ચાકુથી વાર કરીને છોકરીઓ એ બદલો લીધો હતો. તેના પરિવાર જ નહિ, સગાસંબંધીઓ પર કાળો કેર વરસાવવામાં આવ્યો …. કેટલીય સ્ત્રીઓ ગુપ્તરોગથી પીડાઈને વાઘના મારથી ઘાયલ ઘેટાની જેમ નત મસ્તક  વાસનાનો શિકાર થઈને, નશામાં તેના પર કરવામાં આવેલા વારથી ઘાયલ થઈને … નિર્જીવ જેવી થઈને ધીરે ધીરે મરી ગઈ.” (૭)

જંગલખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા થતું શોષણ -

વનસંરક્ષણ માટેના અધિકારીઓ કે પોલીસતંત્રના માણસો દ્વારા પણ વનવાસી સ્ત્રીઓનું જાતીયશોષણ કરવામાં આવે છે. નવલકથાના પ્રારંભે જ તીરુમનના કાલ્પનિક ભયમાં એનો સંદર્ભ મળે છે. ઘરે આવેલા વન અધિકારીઓ વિશે એ વિચારે છે. “... કદાચ પૈસા માંગે કે જવાન, સુંદર, સ્વસ્થ અને અલ્લડ છોકરી હોય તો તેની માંગણી કરી શકે” (૮) પોલીસનો આતંક પણ ભોળા પહાડી લોકોને ડરાવે છે. - 'પહાડી લોકોની વચમાં સરકારની લાઠી, હાથકડી અને બંદૂકના કુંદાનો આસુરી આતંક હતો'. (૯) આ ભયને કારણે પહાડવાસીઓ હાલતા ચાલતા  શબ જેવાં બની ગયા છે. વન ખાતાના અધિકારીઓ મફતમાં સારામાં સારા અન્નાનાસ, ફણસ અને કેળાં જેવાં ફળો તીરુમન પાસેથી પડાવી જાય છે. જો વિરોધ કરે તો ખોટા કેસમાં ફસાવી દે. દુષ્કાળના સમયે જંગલમાં ઢોર ચરાવતા વનવાસીઓ ને અધિકારીઓ દંડની સજા કરે છે. સડૈયન અને સીરંગનના વિરોધ દર્શાવવા બદલ ખોટા કેસ હેઠળ બંને ને જેલની સજા કરાવે છે. 

સરકારી અધિકારીઓના અત્યાચાર અને શોષણનો બીજો એક પ્રસંગ નવલકથાના અંત ભાગમાં જોવા મળે છે. સરકારી જમીનને નામે જંગલખાતાના અધિકારીઓ વનવાસીઓના ખેતરો પડાવી લેવાનો કારસો રચે છે. તેમનાં વૃક્ષો અને બાગનો નાશ કરે છે. તીરુમનને આ અધિકારીઓ કહે છે.- 'તું જે જમીન પર ખેતી કરી રહ્યો છે તે સરકારની છે ….. તે સંપત્તિ તેની નથી સરકારની છે.’ (૧૦) સરકારી હુકમને નામે ભોળી પ્રજા પાસેથી પૈસા પડાવે છે. સરકારી હદ નક્કી કરવા વાવટા રોપે છે. વર્ષોની મહેનતથી ખેડૂતે ઉછેરેલાં વૃક્ષો કાપી, કમિશન લઇ કાગળ મિલને વેચે છે. જંગલના રક્ષકો જ ભક્ષક બને છે. પશુ ધિરાણની યોજનામાં પણ લોનના રૂપિયા લાંચ રૂપે અધિકારીઓ ખાઈ જાય છે.

ધાર્મિક અંધશ્રદ્ધા આધારિત શોષણ.

કોલ્લી મલૈના પહાડીઓ નિરક્ષરતા અને ધર્મ પ્રત્યેની આસ્થાને કારણે સદીઓથી શોષણનો ભોગ બનતા રહ્યા છે. ધર્મકર્તા આદિવાસી સમૂહનો ધર્મગુરુ છે. તેનું વચન ઈશ્વરનું વચન ગણાય છે. જાતીય અનૈતિકતાના ગુનામાં તે ગુનેગારને સજા કરે તેમાં પણ શોષણ દેખાય છે. 'મુત્તેરબંધ'ના રિવાજનું ભૂલથી ઉલ્લંઘન કરનાર તિરુમનને પણ દંડ કરે છે. તો કોઈ સ્ત્રી માસિકના દિવસનો ભંગ કરે તો પણ સજા કરવામાં આવે છે. ઘણી વાર ધર્મકર્તા શોષણની કક્ષાની સજા કરે છે. છતાં કોઈ તેમનો વિરોધ કરી શકતું નથી. કારણ તેઓ ધર્મગુરુને ઈશ્વરના પ્રતિનિધિ માને છે. પરંતુ અસલમાં તેઓ વ્યાજે ધીરધારનો ધંધો કરે છે. ઈશ્વરના દૂત હોવાનો ઢોંગ કરી ભોળી અને અબુધ પ્રજાને લૂટે છે, શોષણ કરે છે. અભણ ગિરિજનોની અંધશ્રદ્ધા અને ધાર્મિક આસ્થાનો ગેર ફાયદો ઉઠાવી કોડંગી નામનો ઢોંગી જ્યોતિષ પણ ગ્રહ નડતરના નામે  શોષણ કરે છે .આમ લેખકે દુર્ગમ પહાડોમાં વસતા વનવાસી ખેડૂતો, આદિવાસી લોકોના સમાજ જીવનમાં વ્યાપ્ત દુરિતનું યથાર્થ ચિત્ર આપણી સમક્ષ રજૂ કરી, તેના પરિણામ સ્વરૂપે પ્રગટતો આક્રોશ પણ લેખક દર્શાવે છે.

આક્રોશ અને નવચેતના

તમિલ નવલકથાકાર કે.ચિન્ન્પ ભરતીની આ નવલકથા 'ધરાથી ગગન સુધી' કોલ્લી-મલૈના  ગિરિજનોના સમાજ, સમસ્યા અને સંવેદનાને આલેખે છે. આમ છતાં લેખકનો આ એક  માત્ર હેતુ નથી તેઓ 'કોલ્લી-મલૈના આ સમાજમાં આવતાં આંતર-બાહ્ય પરિવર્તનનો અણસાર પણ આપે છે. સદીઓથી શોષણ અને અત્યાચાર વેઠતી આવેલી આ પ્રજા, અન્યાય સહન કરતી, છેતરાતી આ વનવાસી પ્રજા ધીમે ધીમે જાગવા માંડે છે. પોતાને થતા અન્યાય અને અત્યાચાર સામે પ્રતિકાર માટે તૈયાર થાય છે. પહાડી લોકોને જાગૃત કરવામાં સિલોન સીરંગનનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. કામદાર સંઘ સાથે સંકળાયેલ સીરંગન વનવાસી સમાજના યુવાનોને અન્યાય અને અત્યાચાર સામેના યુદ્ધ માટે તૈયાર કરે છે. તિરુમનના પુત્ર સાવી સડૈયન એનો સાથીદાર બને છે. પેરિયાસમી, વેલ્લ્યન અને આંડી જેવા યુવાનો પણ તેની સાથે આ યુદ્ધમાં જોડાય છે. કુમાર અને વેલુસામી જેવા સંઘના નેતાઓનું પીઠબળ મળતાં તેમનામાં આત્મવિશ્વાસ જાગે છે.

'મુત્તેર બંધ' નિમિત્તે સડૈયનના પિતા ભૂલથી નિયમનું ઉલ્લંઘન કરી બેસે છે. પરિણામ સ્વરૂપે દંડનાત્મક શિક્ષા થાય છે. અહીં ધર્મકર્તા સામે સડૈયનના મનમાં આક્રોશની આગ ભડકે છે, પણ મન મારીને બેસી રહે છે, શાહુકારની ઉઘરાણી વખતે પોતાની બહેન પિડારી પર નજર બગડતા સુક્રન જેવા લાઠીધારી સામે એ પ્રતિકાર કરે છે. એનો આક્રોશ આ રીતે પ્રગટે છે. જુઓ   - 'જો ઉપર લેણાના પૈસા લેવા આવે અને ખાલી બકવાટ કરે તો તેને મારીને કોઈ પર્વતની ખીણમાં ફેંકી દેવો જોઈએ. ત્યારે જ તેઓ થોડા ડરતા રહેશેને' (૧૧) સીરંગન પણ પહાડી લોકોને પાનો ચઢાવતાં કહે છે. - 'રોજ રોજ મરવા - જીવવા કરતાં તો એક જ દિવસમાં મરી જવું બહેતર છે.'(૧૨)

વિદ્રોહનો પ્રારંભ

સીરંગનની સલાહ અને મદદથી વેલ્લયન શાહુકાર અજીસ સાહબુ વિરુદ્ધ ફરિયાદ કરે છે. પોલીસ ચોકીના ઇતિહાસમાં આ એક અપૂર્વ ઘટના હતી. પરંતુ શાહુકારના ચમચા જેવું પોલીસતંત્ર સીરંગનને ઢોર માર મારે છે. આ અન્યાયનો બદલો લેવા સીરંગન કામદાર સંઘની મદદ લે છે. સંઘના નેતા વેલુસામી દરમિયાનગીરીથી વેલ્લયનની પત્નીને શાહુકારની ચુંગાલમાંથી છોડાવે છે. દુષ્કાળના સમયે જંગલમાં ઢોર ચરાવતા વનવાસીઓને અધિકારીઓ દંડની સજા કરે છે. સડૈયન અને સીરંગનના વિરોધ દર્શાવવા બદલ ખોટા કેસ હેઠળ બંનેને જેલની સજા કરાવે છે. જેલમાં સંઘના નેતા કુમાર તેમનું ઘડતર કરે છે. અને એ કારણે જ જેલમાંથી છૂટ્યા પછી નીચે ભરાતું બજાર ઉપર લાવવામાં સડૈયન અને સાથીઓ સફળ થાય છે. બેંક ધિરાણ આપતા અધિકારીની પોલ પણ તેઓ ખોલે છે.

અને સૌથી મોટો વિદ્રોહ સરકારી અધિકારીઓ અન્યાયી રીતે જંગલવાસીઓની જમીન પડાવી લેવા તરકટ રચે છે તેની સામે છે. અધિકારીઓ અન્યાયી રીતે જમીનમાં વાવટા રોપી જમીન ખાલસા કરી લેતા, જ્યારે જે લાંચ આપે તેની - જમીનમાંથી વાવટા કાઢી નાખી ભ્રષ્ટાચાર આચરતા. આ અન્યાય સામે સડૈયન અને સાથીઓ અહિંસક રીતે પ્રતિકાર કરે છે. વીરતા અને મર્દાનગીથી સીરંગન અધિકારીઓને ચેતવણી આપે છે. - 'આ જમીન પર જ નહિ, પૂરા પહાડ પર કબજો કરવાની આપની યોજના અમે જીવતા હોઈશું ત્યાં સુધી સફળ થવા દઈશું નહિ …. અહીંથી કોઈ એક તણખલું પણ હટાવી નહિ શકે.’ (૧૩) અધિકારીની ધમકીની હવે આ લોકો પર કોઈ અસર થતી નથી. પોલીસના નામ માત્રથી ડરતા પહાડી લોકોની એકતા અને જાગૃતિ પોલીસ પર ભારે પાડી રહી હતી. પહાડી પ્રજાનો ગુસ્સો જોઈ પોલીસે પીછેહઠ કરાવી પડી. બંદૂકની શક્તિ સામે, એકતાની શક્તિનો વિજય થયો. પોલીસે ભાગવું પડ્યું. સડૈયને સાથીઓને વિજયી આદેશ આપ્યો … 'જે વાવટા દાટ્યા છે તે ઉખાડી ઉખાડીને હદની રેખાઓ મિટાવી દો.' (૧૪)

સીરંગન, કુમાર, વેલુસામી અને સંઘના પ્રયત્નોથી પોલીસના નામ માત્રથી ફફડતો અબુધ સડૈયન માટીમાંથી મર્દ બને છે. અને ભોળા વનવાસીઓનો નેતા બની નવચેતના પ્રગટાવે છે. કોલ્લી મલૈના પહાડ પર પહેલી વાર સત્ય અને અધિકારનો જય નાદ સંભળાય છે.

સંદર્ભ :

૧.સાહિત્યનો સમાજ લોક . મણિલાલ પટેલ

૨. www.kolli Hills .com

૩. ભારતીય સાહિત્યની વિભાવના પૃ.૧૪૫ -

૪. ભારતીય નવલકથા -પૃ. ૧૧૮ બિપીન આશર

૫. જ્ઞાનપીઠ વિજેતા નવલકથા પૃ.૧૦૯ ભરત મહેતા

૬. 'ધરાથી ગગન સુધી' પૃ.૧૦૭       કે.ચિન્ન્પ ભારતી 

૭. 'ધરાથી ગગન સુધી' પૃ.૯૯  કે.ચિન્ન્પ ભારતી

૮.  'ધરાથી ગગન સુધી' પૃ.૧૮       કે.ચિન્ન્પ ભારતી

૯.  'ધરાથી ગગન સુધી' પૃ.૧૯        કે.ચિન્ન્પ ભારતી

૧૦.  ધરાથી ગગન સુધી' પૃ.૨૬૧     કે.ચિન્ન્પ ભારતી

૧૧.  ધરાથી ગગન સુધી' પૃ.૧૦૫     કે.ચિન્ન્પ ભારતી

૧૨   'ધરાથી ગગન સુધી' પૃ.૧૨૪    કે.ચિન્ન્પ ભારતી

૧૩.  'ધરાથી ગગન સુધી' પૃ.૨૬૪    કે.ચિન્ન્પ ભારતી

૧૪.  'ધરાથી ગગન સુધી' પૃ.૨૬૫     કે.ચિન્ન્પ ભારતી

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ 380 001 

Category :- Opinion / Literature