જરૂર કુલડી ભાંગવાની છે

પ્રવીણ પંડ્યા
19-07-2013

(સંદર્ભ - કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને સાહિત્યની સમસ્યાઓ)

થોડી સાહિત્યિક સમજ, થોડી પ્રતિષ્ઠા, થોડું ધૈર્ય, કરોડરજ્જુમાં રાજકીય પક્ષનું બળ, સરકારી કે ગેર સરકારી પદ, લિટરરી વેલ્ફેર જેવો રૂપાળો અંચળો - શું સાહિત્યના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવાની આ બધી ગુરુચાવીઓ છે? શું રાજકીય વિચારધારા, યુનિવર્સિટી અને સાહિત્યિક સંસ્થાઓમાં પગદંડો જમાવીને બેઠેલા પ્રતિષ્ઠિત સાહિત્યકારો, સરકારમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને બેઠેલા કેટલાક અફસરશાહ લેખકો અને પ્રકાશકો આ બધાનાં સંયોજનથી રચાતી સંગઠિત શક્તિ 'લિટરરી માફિયા'ની જેમ કામ કરી રહી છે? શું સાહિત્યના ક્ષેત્રમાં જે નવી પેઢી આવી રહી છે તે આ બધું સમજી શકે એટલી પુખ્ત અને  આ ચક્રવ્યૂહને ભેદી શકે એટલી સમર્થ છે? હકીકતમાં વિશાળ સમુદ્ર જેવી આ સંરચનામાં કેટલાક લોકોએ કુલડીમાં ગોળ ભાંગવાની વ્યવસ્થા ઊભી કરી છે અને આ કુલડી જાણે સમુદ્રને ગળી રહી છે. આ લેખનો હેતુ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કાર્યકલાપ અંગે જાણકારી આપવાનો તથા સાહિત્યની મૂળભૂત સમસ્યાઓ અંગે વિમર્શ રચવાનો છે. એક અપેક્ષા એવી પણ છે કે સાહિત્યિક સમાજ નિર્ભિકતાથી જવાબદારીપૂર્વક વ્યાપક વિમર્શમાં ઊતરે તો કમસેકમ કુલડીમાં ગોળ ભાંગવાની પ્રવૃતિ પર અંકુશ લગાવી શકાય. વાતને આગળ વધારતા પહેલા  પાણી કેટલાં ઊંડાં છે એની જાણકારી સારું અમીત પ્રકાશ અને વાય. પી. રાજેશ દ્વારા લિખિત ૧ નવેમ્બર,૧૯૯૫ “આઉટલુક”ના 'લિટરરી માફિયા' નામના લેખમાંથી આ અવતરણો નોંધું છું. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://www.outlookindia.com/article.aspx?200102 ) 

(૧) એમાં કોઈ સંદેહ નથી કે સાહિત્યિક માફિયા કાર્યરત છે ... કોઈ એકને અથવા બીજાને પ્રમોટ કરવા માટે ત્યાં હંમેશાં મૂક નિર્ણય લઈ લેવામાં આવે છે. આ એક 'સર્કિટ ગેમ' છે જે બહારના લોકો માટે નિષિદ્ધ છે. ઈંડિયા ઈન્ટરનેશનલ સેન્ટર બારમાં બહુ જ થોડા લોકોનો પ્રવેશ હોય છે જ્યાં મોટા ભાગની બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. - કૃષ્ણા સોબતી (હિંદીના પ્રસિદ્ધ લેખિકા)

(૨) ભારતના દરેક ભાગમાં એક એવી અસ્વસ્થ રાજનીતિ જોવા મળે છે જેના દ્વારા એક સબળ રચનાકારને આસાનીથી પૃષ્ઠભૂમિમાં ધકેલી દેવાય છે અને કેટલાક અયોગ્યને આગળ કરી દેવામાં આવે છે.  - ગુન્ટુર સેશેન્દ્ર શર્મા (સુખ્યાત તેલુગુ યુગકવિ)

(૩) લિટરરી માફિયા જેવું કાંઈ છે જ નહીં. મને પુરસ્કારો મળવા અંગે જે ટીકાઓ થાય છે તે કેવળ વ્યક્તિગત છે અને એનો કોઈ વિવેચનાત્મક આધાર નથી. - અશોક વાજપેયી (હિંદી કવિ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સચિવ પદ પર રહી ચૂકેલા આઈ.એ.એસ. અધિકારી)

(૪) સાંઠગાંઠ જેવું કાંઈ છે જ નહીં. અકાદમીની પેનલ પર વીસ યોગ્ય અને મહત્ત્વપૂર્ણ સાહિત્યકારો હોય છે. પુરસ્કાર અંગેનો અંતિમ નિર્ણય ત્રણ સ્વતંત્ર સભ્યોની બનેલી સમિતિનો હોય છે. -  યુ. આર. અનંતમૂર્તિ (ખ્યાતનામ સાહિત્યકાર તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ)

(૫) સાહિત્ય અકાદમીની પુરસ્કાર સમિતિમાંથી રાજીનામું આપ્યાની વાત યાદ કરતા ખુશવંત સિંઘ કહે છે : 'એક લેખક જે પોતાના પુસ્તક વિશે લોબિંગ કરતા હતા. એમને પુરસ્કાર મળ્યો એટલું જ નહીં પણ એમણે એવી ઘોષણા પણ કરી કે આવતા વરસે આ પુરસ્કાર એમનાં પતિને મળશે. આ પ્રકારનું લોબિંગ બહુ આઘાતજનક છે.' - ખુશવંત સિંઘ

(૬) ભાષાની સમિતિઓની પુસ્તક પસંદગી પર વ્યક્તિગત બાબતોનો જબરો પ્રભાવ હોય છે. કોઈ એક જૂરી મેમ્બર એ વાતનું શ્રેય લે છે કે એમણે કેવી રીતે કોઈ વિશેષ લેખકને પુરસ્કાર અપાવ્યો. - શીલભદ્ર (અસામિયા વાર્તાકાર)

બે વર્ષ પહેલાં “નિરીક્ષક”માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને એના ગુજરાતી ભાષાના એકમની કાર્ય પદ્ધતિ વિશે ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. ત્યારે એ બાબત ધ્યાનમાં આવી હતી કે અકાદમીના બંધારણથી લઈને સંરચના અને એના વિવિધ કાર્યકલાપો વિશેની માહિતીના અભાવનો એક અપારદર્શક પડદો જ બધી ભાંજઘડની જડ છે. એ અપારદર્શક પડદાને કારણે જ  સાહિત્ય અકાદમી અને વ્યાપક લેખક સમાજ વચ્ચે સેતુ નથી સધાતો. અકાદમીના પુરસ્કારોથી લઈને બીજા અલગ અલગ લાભો વ્યાપક લેખક સમાજ સુધી નથી પહોંચતા અને કુલડીમાં ગોળ ભંગાય છે. એટલે અકાદમી વિશે જેટલી માહિતી હું મેળવી શક્યો છું તે વાચકોની સામે મૂકી રહ્યો છું અને સાથોસાથ એમાં જ્યાં જ્યાં કુલડીમાં ગોળ ભાંગવા જેવાં છિંડાં દેખાયાં છે તેની પણ ચર્ચામાં પણ જવાનું પસંદ કર્યું છે.

આગળ વધતા પૂર્વે ઓડિયા ભાષામાં ૨૦૧૧ના સાહિત્ય અકાદમી પુરસ્કાર અંગે થયેલી ઉદાહરણરૂપ પબ્લિક લિટિગેશનનો કિસ્સો ‘A Happening Should Not Have Happend’ જોઈ લઈએ. ૨૦૧૨માં કલ્પનાકુમારી દેવીની 'અચિહના બસાભૂમિ' (ગુજરાતી : અજનબી ઉતારો) નામની નવલકથાને અકાદમી પુરસ્કાર જાહેર કરાયો. આ નવલકથામાં આદિવાસી, મુસ્લિમ તથા સ્ત્રીઓ વિશે આપત્તિજનક વર્ણન હોવાનું જણાવી પિટિશનરે બંધારણીય અધિકારની રૂએ હાઈકોર્ટમાં પી.આઈ.એલ. (Orissa High Court, PIL case No. W.P.(C) 1871/2012) દાખલ કરી. વળી, આ પુરસ્કાર માટેની ગ્રાઉન્ડ લિસ્ટ તૈયાર કરવાની પેનલ ઓડિયા ભાષાની સલાહકાર સમિતિએ સૂચવી ન હતી પણ અકાદમીએ પોતે જ તૈયાર કરી હોવાનું જણાયું હતું. આટલું ઓછું હોય તેમ પુરસ્કારની ત્રણ વિદ્વાનોની જૂરી ‘Incompetent’પુરવાર થઈ હતી કેમ કે એમાં એક પણ વિદ્વાન નવલકથાના ક્ષેત્રનો નહોતો, આ ઉપરાંત આ પુરસ્કારની ત્રણ વિદ્વાનોની જૂરીને અકાદમીના પ્રાદેશિક સચિવ રામકુમાર મુખોપાધ્યાયે તથા કન્વિનર વિભૂતિ પટનાયકે પ્રભાવિત કર્યાનું પણ પ્રમાણિત થયું હતું. ૨૦૧૧ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે મૂકાનાર પુસ્તક ૨૦૦૭ થી ૨૦૦૯ સુધીના ત્રણ વર્ષના ગાળામાં પ્રકાશિત થયું હોવું જોઈએ ઓડિયા ભાષાનું એ પુસ્તક ટાઈમ ફ્રેમની શરત પૂર્ણ નહોતું કરતું. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://orissamatters.com/tag/sahitya-akademi-award) વધુમાં, મુક્ત સાહિત્ય મંચે (ઓરિસ્સાના લેખકોનું મંડળ) પણ આ પુસ્તકનો પુરસ્કાર રદ્દ કરવા તેમ જ ઓરિસ્સા એડવાઇઝરી બોર્ડના કન્વિનર વિભૂતિ પટનાયકને પદ પરથી હટાવવાની માંગ કરી છે. પસંદગી કરાયેલ ૧૪ પુસ્તકોમાંથી ૧૧ પુસ્તકો તો એક જ પ્રકાશકના હતા. વળી, આ પુસ્તક ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું, નહીં કે ૨૦૦૯માં. આમ, પસંદગી તદ્દન ગેરકાયદેસર હતી. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://orissamatters.files.wordpress.com/2012/01/msm-meeting) આ કિસ્સો એટલા માટે નોંધ્યો છે જેથી વાચકને એ ખ્યાલ આવે કે અકાદમીની કામગીરી એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે જેને નિયમ અને નિષ્ઠાથી નિભાવવી જરૂરી છે. વળી એ પણ હકીકત છે કે અકાદમીને તથા એના સત્તામંડળને અદાલતમાં પડકારી શકાય છે. ઓડિયા ભાષાના સાહિત્યકારોએ પોતાનાં ભાષા-સાહિત્ય પ્રત્યે દાખવેલી વ્યાપક-નિર્ભિક નિષ્ઠા મને પ્રશંસાજનક લાગી છે. હવે આપણે અકાદમીની સંરચના અને એના કાર્યક્ષેત્રની વાતમાં આગળ વધીએ.

કેન્દ્રીય સાહિત્ય અકાદમી એક સ્વાયત્ત અને પ્રજાકીય સંસ્થા છે એવું બંધારણ સૂચવે છે. એની સ્થાપના ૧૨ માર્ચ, ૧૯૫૪ના રોજ થઈ છે. ૭ જાન્યુઆરી, ૧૯૫૬ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦ હેઠળ એની નોંધણી થઈ છે. એટલે કે અત્યારે એ છપ્પન-સત્તાવનની પાકટ વયે પહોંચી છે. આ સ્વાયત સંસ્થાની સર્વોચ્ચ સત્તા એની જનરલ કાઉન્સિલ પાસે છે. આ જનરલ કાઉન્સિલની રચનામાં દેશભરની અનેક સાહિત્યિક સંસ્થાઓ, રાજ્યની અકાદમીઓ, કેન્દ્ર સરકારના વિભાગો, દેશભરની યુનિવર્સિટીઓ આદિ મળીને કરે છે. આ જનરલ કાઉન્સિલમાં ૯૯ સભ્યો હોય છે. અહીં દરેક ભાષામાંથી રાજ્ય સરકારની અકાદમી, યુનિવર્સિટી અને સાહિત્યિક સંસ્થા એવી ત્રણ કેટેગરીમાંથી નામો મોકલાય છે. દરેક ભાષામાંથી ત્રણ વ્યક્તિઓ જનરલ કાઉન્સિલમાં પસંદ થાય છે. સામાન્ય રીતે જે જનરલ કાઉન્સિલનો કાર્યકાળ પૂરો થાય છે તે પોતાના સ્થાને આવેલા નામોમાંથી નવી જનરલ કાઉન્સિલ માટે પસંદગી કરે છે. આ નવી જનરલ કાઉન્સિલ ભાષાવાર કન્વિનર ચૂંટે છે, આ ભાષાવાર કન્વિનર્સ પ્રેસિડન્ટ ચૂંટે છે. દરેક ભાષાના કન્વિનર પોતાની સલાહકાર સમિતિ રચે છે. ત્રણ જી.સી. મેમ્બર સહિત આ સલાહકાર સમિતિ કુલ દસ સભ્યોની હોય છે.

અહીં મારે જે ટિપ્પણી કરવાની છે તે એ કે જતી જી.સી. આવતી જી.સી.પસંદ કરે છે. આ પસંદગી એક એવી 'કુલડી'છે જેમાં 'પાવરબ્રોકર' પોતાની મરજી પ્રમાણેના લોકોને જી.સી.થી લઈને સલાહકાર સમિતિ સુધી ગોઠવી શકે છે અને પોતાના હિતની સુરક્ષા કરી શકે છે. આ સામાન્ય સભા ચૂંટાયેલી નહીં પણ વરાયેલી હોય છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષ માટે ગુજરાતી ભાષાના કન્વિનર તરીકે જનરલ કાઉન્સિલે કવિ સિતાંશુ યશ્ચંદ્રને નિર્વિરોધ ચૂંટ્યા છે. પણ સિતાંશુ ગુજરાતની અકાદમી, સાહિત્યિક સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જનરલ કાઉન્સિલમાં નથી પહોંચ્યા, પણ દેશભરમાંથી નીમાતા આઠ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની કેટેગરીમાંથી અકાદમી અધ્યક્ષ સ્વ.સુનીલ ગંગોપાધ્યાય દ્વારા પસંદ થઈને જનરલ કાઉન્સિલ સુધી પહોંચ્યા છે. જેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો એવા જનરલ કાઉન્સિલના કન્વિનર વિનોદ જોશી અને બે સભ્યો વર્ષા અડાલજા તથા રમણ સોનીએ નવી જનરલ કાઉન્સિલમાં પ્રબોધ જોશી, મનસુખ સલ્લા અને બળવંત જાનીની પસંદગી કરી છે. અત્યારે હિંદી કવિ વિશ્વનાથ પ્રસાદ તિવારી એના અધ્યક્ષ છે તો કન્નડ કવિ-નાટકકાર ચંદ્રશેખર કંબાર એના ઉપાધ્યક્ષ છે અને કે. શ્રીનિવાસરાવ એના સચિવ છે. અકાદમીના કાર્ય અને અધિકાર આ પ્રમાણે છે.

1.    ભારતીય ભાષાઓમાં સાહિત્યિક વિકાસ માટે વિદ્વાનો વચ્ચે સહયોગ રચવાની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું.

2.    એક ભારતીય ભાષામાંથી અન્ય ભારતીય ભાષાઓમાં, ભારતીય ભાષાઓમાંથી ભારતીયતેર ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું તથા એ અંગેની વ્યવસ્થા કરવી.

3.    જુદી જુદી ભારતીય ભાષાઓમાં સાહિત્યિક ગ્રંથ-સૂચિઓ, શબ્દકોષો, જ્ઞાનકોષો, આધારભૂત શબ્દાવલિઓ આદિનું પ્રકાશન કરવું તથા એના પ્રકાશન માટે અન્ય સંસ્થાઓ તથા વ્યક્તિઓને સહાયતા આપવી.

4.    અખિલ ભારતીય સ્તરે કે પ્રાદેશિક સ્તરે સાહિત્યિક સંમેલન, પરિસંવાદ અને પ્રદર્શનો કરવા કે કરાવવા.

5.    ઉત્કૃષ્ટ કૃતિઓ માટે લેખકોને પુરસ્કાર, સમ્માન અને માન્યતા આપવી.

6.    ભારતીય ભાષાઓ તથા એના સંશોધન કાર્ય માટે પ્રોત્સાહન આપવું.

7.    પ્રાદેશિક ભાષાઓ અને એના સાહિત્યના અધ્યયન-અધ્યાપનને બીજા પ્રદેશોમાં પ્રોત્સાહન આપવું.

8.    જનતામાં સાહિત્યના અધ્યયન અને પ્રચાર-પ્રસાર માટે પ્રોત્સાહન આપવું.

9.    દેશની જે ભાષાઓમાં લેખન થાય છે એની લિપિના સુધાર અને વિકાસ માટે કામ કરવું.

10.  દેવનાગરી લિપિના વ્યવહારને પ્રોત્સાહન આપવું તથા દેવનાગરીમાં જુદી જુદી ભારતીય ભાષાઓનાં પસંદગીના પુસ્તકોના પ્રકાશનને પ્રોત્સાહન આપવું.

11.  જરૂર પડે ત્યારે કોઈ પણ ભાષાના પ્રશિષ્ટ પુસ્તકોનું બીજી ભાષાની લિપિઓમાં પ્રકાશન કરવું.

અકાદમી દરેક ભાષાઅને સાહિત્યના વિકાસ માટે કાર્યરત છે. ભારતભરની ભાષાઓ અકાદમીના મંચ પર એક સાથે આવે છે એટલે એમની વચ્ચે પણ એક સંવાદ સૂત્રતા સધાય છે. અકાદમીની બે ફેલોશિપ છે. ફેલોશિપ મોટા ગજાના વિદ્વાનો માટેનું સન્માન છે. આપણે ત્યાં રાજેન્દ્ર શાહ અને ભોળાભાઈપટેલ આ સમ્માન પામી ચૂક્યા છે. દરેક ભાષામાં 'મીટ ધ ઓથર' જેવા કાર્યક્રમો પણ છે, આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠિત સાહિત્યકારનો ભાવકોને સાક્ષાત્કાર થાય છે. દર વર્ષે નિશ્ચિત સંખ્યામાં પરિસંવાદ કે શિબિરની યોજનાઓ પણ છે. આ પરિસંવાદ અને શિબિરની યોજના દરેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થા માટે છે, એ માટે સંસ્થાએ અકાદમીને પ્રપોઝલ મોકલવાની હોય છે. એ પ્રપોઝલ કન્વિનર જે તેભાષાની એડવાઇઝરી સામે ચર્ચા માટે મૂકે છે અને નિર્ણય લેવાય છે. જો કે આ નિર્ણયોની સાર્થકતા જે તે ભાષાના કન્વિનર અને એડવાઇઝરી બોર્ડની ગુણવત્તા તથા એમની વચ્ચેના તાલમેલ પર નિર્ભર કરે છે. અકાદમીના પાંચ પુરસ્કાર છે. (૧) સાહિત્ય અકાદમી એવોર્ડ (૨)  અનુવાદ પુરસ્કાર (૩) બાલ સાહિત્યપુરસ્કાર (૪) યુવા પુરસ્કાર અને (૫) ભાષા સમ્માન.

છેલ્લાં બે વર્ષથી શરૂ થયેલા યુવા પુરસ્કાર સિવાયના પુરસ્કારો માટે આરંભિક ધોરણે એડવાઇઝરીએ સૂચવેલા અનેક નામોમાંથી અકાદમી ગ્રાઉન્ડ લિસ્ટ માટે પેનલ બનાવે છે, પછી આ ગ્રાઉન્ડ લિસ્ટ સલાહકાર સમિતિ પાસે જાય છે. સલાહકાર સમિતિ ગ્રાઉન્ડ લિસ્ટમાંથી અથવા પોતાના તરફથી બે પુસ્તકના નામ સૂચવે છે. આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈને પાંચ પુસ્તકો ત્રણ વિદ્વાનોની જૂરી પાસે જાય છે અને જૂરી એમાંથી એક પુસ્તકને પુરસ્કાર માટે પસંદ કરે છે. દેખીતી રીતે આ પ્રક્રિયા અનંતમૂર્તિ જણાવે છે એ પ્રમાણે ખાસ્સી એવી ફુલપ્રૂફ છે, પણ આપણી સામે ઓડિયાના અકાદમી પુરસ્કારની પી.આઈ.એલ. પણ છે અને 'મારા જીવતે જીવ ફલાણાને તો અકાદમી પુરસ્કાર નહીં જ મળવા દઉં' જેવો હુંકાર ભરનાર સાહિત્યકાર પણ આપણે  જોયા છે તો 'ફલાણાભાઈને અકાદમી પુરસ્કાર મળ્યાનું શ્રેય ઢીંકણાભાઈને જાય છે' એવા વ્યક્તિપૂજક ઉદ્દગારોના પણ આપણે સાક્ષી છીએ એટલે જૂરીથી લઈને આખી પ્રક્રિયાની સાર્થકતાનો આધાર અંતે જૂરી અને કન્વિનરની વિવેકબુદ્ધિ પર જ છે.

આ ઉપરાંત નવોદિત લેખકો બીજી ભાષાના સાહિત્ય અને સાહિત્યકારોના સંપર્કમાં આવીને પરસ્પર આદાન પ્રદાન કરી શકે એ માટે ટ્રાવેલ ગ્રાંટ આપવામાં આવે છે. દર વર્ષે પાંચથી છ યુવા સાહિત્યકારો આ યોજનાનો લાભ લેતા હોય છે. આ તો આપણી ભાષાના કાર્યક્રમો અને યોજનાઓ અંગે વાત થઈ. દર વર્ષે સાહિત્ય અકાદમીના મંચ પર દરેક ભાષાના સાહિત્યકારો માટે રાષ્ટ્રીય કાર્યક્રમો પણ યોજાતા હોય છે. એમાં બહુભાષી કવિસંમેલનો, સાહિત્ય સંમેલનો, પરિસંવાદો, કેફિયતોના કાર્યક્રમો હોય છે. આવા કાર્યક્રમોમાં યુવા પ્રતિભાઓથી લઈને પ્રતિષ્ઠિત સાહિત્યકારો રાષ્ટ્રીય મંચ પર પોતપોતાના સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. દેશભરના સાહિત્યકારોમાંથી દર વર્ષે કેટલાક સાહિત્યકારોને સાહિત્યિક આદાનપ્રદાન માટે વિદેશ યાત્રાએ પણ મોકલવામાં આવે છે.

આમ કેન્દ્રીય સાહિત્ય અકાદમી સાહિત્યના પ્રસાર-પ્રચાર અને વિકાસ માટે અનેક સ્તરે કામ કરે છે. સ્વાભાવિક રીતે આ બધા આયોજનો પાછળ અપાર ધન ખર્ચ કરવામાં આવે છે, અને એ જરૂરી પણ છે જ. કોઈ પણ ભાષાના સામાન્ય લેખકની એવી ભાવના ચોક્કસ હોય કે આ બધું વ્યાપક સાહિત્ય માટે અને વ્યાપક સાહિત્યિક સમાજના હિત માટે થાય. પણ આમ ન થાય ત્યારે આઘાતજનક સ્થિતિ પેદા થાય છે. આ પુરસ્કારો માટે, ફેલોશિપ્સ માટે, વિદેશ પ્રવાસો માટે, પરિસંવાદો માટે, જ્યારે કતારો ઊભી કરવામાં આવે ત્યારે સાહિત્ય અને કલાનાં મૂલ્યોનો ઉપહાસ થાય છે. એ માટે જ્યારે વિચારધારા આધારીત, જૂથ આધારીત, જ્ઞાતિ આધારીત, વ્યક્તિગત સબંધ અને સગપણ આધારીત પંગતો પાડવામાં આવે છે ત્યારે અઢળક ધન અને અમૂલ્ય માનવશ્રમ-બુદ્ધિના ભોગે ચાલતી પ્રવૃત્તિ એકદમ વ્યર્થ બની જાય છે, પણ આપણે સમજતા નથી. કથા-કવિતા, નાટક-નિબંધ, સંશોધન-વિવેચન કરનારા સાહિત્યકારો, સમજતા નથી. આપણે ત્યાં આજે પણ એવા લોકો હયાત છે જે કોઈ પણ નવો પુરસ્કાર શરૂ થાય એટલે પહેલા પોતે મેળવી લેવા માટે કટિબદ્ધ હોય છે અને પછી એ પુરસ્કારની સમિતિમાં પોતાનું કાયમી આસન જમાવી એ પુરસ્કારનો દુરુપયોગ શરૂ કરે છે. આજે પણ આપણી વચ્ચે એવા મહાન સાહિત્યકારો વિદ્યમાન છે જેમના માટે સાહિત્ય કરતાં સાહિત્યેત્તર બાબતો જ મહત્ત્વની છે. આજે પણ આપણી વચ્ચે એવા મોટા સાહિત્યકારો છે જે યુવાપેઢીના સમવયસ્ક સાહિત્યકારોમાં ગુણવત્તા આધારીત તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જવાને બદલે વૈમનસ્ય સભર સ્પર્ધાભાવ ઊભો કરી એમને અંદરોઅંદર લડાવે છે. એટલે જ તો તેલુગુના યુગકવિ ગુન્ટુર સેશેન્દ્ર શર્માનું આ વિધાન સચોટ લાગે છે : 'ભારતના દરેક ભાગમાં એક એવી અસ્વસ્થ રાજનીતિ જોવા મળે છે જેના દ્વારા એક સબળ રચનાકારને આસાનીથી પૃષ્ઠભૂમિમાં ધકેલી દેવાય છે અને કેટલાક અયોગ્યને આગળ કરી દેવામાં આવે છે.'

આપણી ગુજરાતી ભાષાની હાલની સલાહકાર સમિતિની યાદી આ પ્રમાણે છે. (૧) સિતાંશુ યશશ્ચંદ્ર, કન્વિનર (૨) બળવંત જાની, જનરલ કાઉન્સિલના સભ્ય (૩) મનસુખ સલ્લા, જનરલ કાઉન્સિલના સભ્ય (૪) હિમાંશી શેલત (૫) રમણીક સોમેશ્વર (૬) કમલ વોરા (૭) મણિભાઈ પ્રજાપતિ (૮) અંબાદાન રોહડિયા (૯) અશોક ચાવડા (૧૦) પ્રવીણ પંડ્યા

આજે ગુજરાતી ભાષામાં અનેક પુરસ્કારો છે, પણ સાહિત્ય અને સાહિત્યકારોની ગરિમા જળવાતી હોય એવું છેલ્લા ઘણા સમયથી નથી દેખાતું. કૃષ્ણા સોબતીના આ વિધાન જેવી સ્થિતિ છે : 'એમાં કોઈ સંદેહ નથી કે સાહિત્યિક માફિયા કાર્યરત છે ... કોઈ એકને અથવા બીજાને પ્રમોટ કરવા માટે ત્યાં હંમેશાં મૂક નિર્ણય લઈ લેવામાં આવે છે. આ એક સર્કિટ ગેમ છે જે બહારના લોકો માટે નિષિદ્ધ છે.' આપણે આશા રાખીએ કે સાહિત્યમાં ગુણવત્તાની પંગત પડે, એમ થશે તો બાકીની પંગતોના પાટલા આપોઆપ ઉપડી જશે. એક વખત સહજ વાતચીત  દરમ્યાન સિતાંશુભાઈએ કહેલું :  'સાહિત્યમાં સાહિત્યની સંસ્કૃિત સ્થપાય એ જરૂરી છે.' આ આશાવાદ જરૂર છે, પણ આસપાસનું પરિદૃશ્ય કાંઈક આવું છે :

     એક મોટો મોભી
     પોતાની દસે આંગળીએ
     માણસો ટીંગાડીને સભાખંડમાં પ્રવેશે છે,
     એની આંગળીએથી ઉતરેલા માણસો
     ખુરશીઓમાં ગોઠવાય છે
     અને પછી
     શરૂ થાય છે મારા દેશનું લોકતંત્ર.

તારીખ : ૭-૭-૨૦૧૩

(“નિરીક્ષક”, 16 જુલાઈ 2013માંથી સાભાર)

સૌજન્ય : https://www.facebook.com/notes/ashok-chavda-bedil/જરૂર-કુલડી-ભાંગવાની-છે-પ્રવીણ-પંડ્યા-સંદર્ભ-કેન્દ્રીય-સાહિત્ય-અકાદમી-અને-સાહિત્ય/620841407940021

Category :- Opinion Online / Literature